જબ અંધેરા હોતા હૈ...

22 August, 2019 03:52 PM IST  |  મુંબઈ | ઇમોશન્સનું ઇકૉનૉમિક્સ - અપરા મહેતા

જબ અંધેરા હોતા હૈ...

જબ અંધેરા હોતા હૈ

થોડા સમય પહેલાં મેં ફિયર અને ફોબિયા વિશે લખ્યું હતું. એ વાંચ્યા પછી ઘણા લોકોના ફોન અને મેસેજ આવ્યા કે આ પ્રકારના ટૉપિક પર લખતાં રહો. એ મેસેજમાંથી જ એક મેસેજમાં એક સજેશન પણ મળ્યું કે તમે સ્લીપ ડેપ્રિવેશન વિશે લખો. આમ તો આ કૉલમમાં હું મારા પોતાના અનુભવો વિશે પણ લખતી હોઉં છું, પરંતુ માત્ર એ લખવાને બદલે અનુભવો બીજા લોકોને થતા હોય એના વિશે પણ લખું છું. આવું કરવાનું કારણ પણ છે. ઘણી વાર આપણને પોતાને શું થઈ રહ્યું છે એનો ખ્યાલ બીજાના આવા કિસ્સા પરથી આવતો હોય છે. ઘણી બાબતો આપણે મગજના કોઈક ઊંડાણમાં ધરબી દેતા હોઈએ છીએ. એ વિચારો એકાએક કોઈકની વાતો સાંભળીને બહાર આવતા હોય છે અને આપણે પોતાની જાત વિશે ખ્યાલ આવે કે અરે, આવું તો મને પણ થયું હતું. આ જ વિષય પર લખવાના એક નહીં, અનેક કારણ છે, પણ સૌથી પહેલું કારણ જો કોઈ હોય તો એ કે આપણે મુંબઈની ધમાલથી ભરેલી જિંદગી જીવીએ છીએ, જે બીજાં શહેરો કરતાં થોડી વધારે ડિફિકલ્ટ છે અને આ શહેરમાં રહેતી દરેક ત્રીજી કે ચોથી વ્યક્તિ અનિદ્રાથી પીડાય છે. સામાન્ય રીતે તો એવું બનવું જોઈએ કે શારીરિક શ્રમ પછી ઊંઘ ખૂબ આવવી જોઈએ, સારી આવવી જોઈએ, પણ એવું નથી થતું.

સાયન્સ કહે છે કે રોજની ૭થી ૮ કલાકની ઊંઘ શરીરને મેળવી જોઈએ, પણ નૉર્મલી આપણે એટલી ઊંઘ લેતા નથી. સામાન્ય ગૃહિણીની વાત કરું તો નૉર્મલી સવારે જાગીને તેણે બાળકોને તૈયાર કરવાનાં, પછી તેમને માટે સ્કૂલના લંચ-બૉક્સનો નાસ્તો બનાવવાનો, હસબન્ડ અને ઘરના અન્ય મેમ્બરો માટે નાસ્તો બનાવવાનો, એ પછી છોકરાઓને સ્કૂલ મોકલી તરત જ હસબન્ડનો ડબ્બો બનાવવામાં લાગી જવાનું. એ કામ પૂરું થાય ત્યાં બાળકો સ્કૂલથી પાછાં આવે એટલે ફરી પાછું તેમનું કામ, ઘરનું કામ, ફરીથી નાસ્તો અને એ પછી રાતનું ડિનર અને એ બધું આખો દિવસ ચાલ્યા જ કરે. અધૂરામાં પૂરું, હસબન્ડ રાતે મોડો ઘરે આવે એટલે સૂવાનું મોડું થાય અને સવાર તો રાબેતા મુજબ જ વહેલી પડી જાય. આ ગૃહિણીની વાત થઈ. હવે વાત કરીએ પ્રોફેશનલ્સની. ડ્રાઇવર, મીડિયા-હાઉસ સાથે સંકળાયેલા, પોલીસ અને એવા લોકો જે નાઇટ શિફ્ટમાં કામ કરે છે તેમને નૉર્મલ ટાઇમટેબલ સાથે કાંઈ લેવાદેવા નથી.

આજના સમયની હકીકત ખૂબ જુદી છે. કામના કલાકો અને એની સાથે ઑફિસે કે વર્કપ્લેસ પર જવા-આવવાના કલાકો આ બધું કાઉન્ટ કરવું પડે. મુંબઈની વાત કરું તો આપણી સિટીમાં રોજના બેથી ત્રણ કલાક તો આવવા-જવામાં જ થાય છે. આ ઉપરાંત ટીવી, મોબાઇલ, ઇન્ટનેટ, ગેમ્સ અને સોશ્યલ મીડિયાનું ઍડિક્શન અને એની પાછળ ખર્ચાતો સમય. આ બધાનો હિસાબ કરો તો તમને પણ સમજાશે કે સરેરાશ દરેક મુંબઈકર ૭-૮ કલાકની ઊંઘ લેતો નહીં હોય. લોકો સૂતા નથી એનો મોટો પુરાવો એ પણ છે કે પહેલાં રાતે ૯ પછીના ફિલ્મના શો નહોતા અને હવે, હવે ફિલ્મનો લાસ્ટ શો પણ રાતે ૧૧ વાગ્યા પછીનો હોય છે અને એ પણ હાઉસફુલ હોય છે. દિવસનો શો ખાલી રહે એવું બને પણ રાતનો શો તો પૅક જ હોય.

હમણાં મેં એક સ્ટડી વાંચ્યો. આપણે ઊંઘતા હોઈએ ત્યારે આપણું બૉડી કેવું કામ કરતું હોય, કેવી રીતે રિપેરિંગ કરે અને શું કામ ઊંઘ શરીર માટે જરૂરી છે એ બધી વાતો એ સ્ટડીમાં હતી. આ જ આર્ટિકલમાં એ વાત પણ હતી કે તમે જાગતા હો ત્યારે અને તમે સૂતા હો ત્યારે મગજ કઈ રીતે કામ કરતું હોય છે. આર્ટિકલ સાયન્ટિફિક હતો. અડધોઅડધ વાત તમને બરાબર સમજાય પણ નહીં અને એ પછી પણ એ વાંચ્યા પછી હું પોતે ખૂબ ગભરાઈ ગઈ હતી. મારી જ વાત કરું તો છેલ્લાં ૨૦ વર્ષથી હું ૪ કલાકથી વધારે સૂતી નથી. મહિનામાં એવા પાંચ દિવસ તો હોય જ હોય કે જ્યારે મને માત્ર બે કલાક ઊંઘ મળી હોય. ટીવી, નાટકો, ફંક્શન અને ટ્રાવેલિંગ ચાલુ જ હોય અને એ પણ બધું એકસાથે. કામ મને ખૂબ પ્રિય છે, પણ આ કામને કારણે મેં મારી બૉડીને કેટલો ત્રાસ આપ્યો છે કે કેટલું હેરાન કર્યું છે એનો મને એ આર્ટિકલ વાંચતાં પહેલાં ખ્યાલ જ નહોતો. કામ સતત ચાલતું જ હોય એટલે એ બાબતનો ક્યારેય વિચાર જ આવ્યો નહીં.

‘ક્યોંકિ... સાસ ભી કભી બહૂ થી’ની વાત કરું તો એ સમયે મેં અને સ્મૃતિ ઈરાનીએ સળંગ ૫૦થી ૬૦ કલાક એકધારું કામ કર્યું હશે. ચાલુ કામે ચાર-છ કલાક પછી અમે બન્ને ૧૫-૨૦ મિનિટની વામકુક્ષિ લઈ લેતાં અને પછી ફરીથી કામે લાગી જઈએ. જોકે એ વખતની વાત જુદી હતી. એ વખતે તો ઉંમર પણ નાની એટલે વાત અને પ્રશ્ન બન્ને બદલાઈ જાય. હું તો ટીવી-સિરિયલની સાથોસાથ નાટકો પણ કરું છું એટલે ગુજરાતમાં જ્યારે નાટકના શો હોય ત્યારે વહેલી સવારે ફ્લાઇટ પકડીને મુંબઈ આવું, ઍરપોર્ટથી સીધી સેટ પર જવાનું, આખો દિવસ કામ કરવાનું અને પછી સાંજે ૬-૭ વાગ્યાની ફ્લાઇટ પકડીને ગુજરાતમાં જ્યાં શો હોય ત્યાં પહોંચવાનું. બીજા દિવસે ફરી આ જ રૂટીન. રાતના શો કરીને હોટેલ પર જઈ મેકઅપ ઉતારી કલાકેક સૂવાનું અને પછી ફરીથી હોટેલથી ભાગીને ઍરપોર્ટ આવીને ફ્લાઇટ પકડી મુંબઈ, શૂટ, સાંજે ફરીથી ગુજરાત. જો સુરતમાં શો હોય તો સવારે ૭ વાગ્યે સિરિયલનું શૂટ કરું અને પછી બપોરે ત્રણ વાગ્યે સુરત જવા નીકળું. ત્યાં જઈને શો કરું અને પછી રાતે ત્યાંથી ૧ વાગ્યે ગાડીમાં નીકળીને મુંબઈ આવીને શૂટ પર પહોંચી જાઉં. એવા સમયે ગાડીમાં ઊંઘ કરી લેવાની. કન્ડ‌િશન અપ્લાય, જો ઊંઘ આવે તો અને સાચું કહું તો આવે જ નહીં એમ ઊંઘ. ડ્રાઇવર ગાડી ચલાવતો હોય એટલે તેના પર ધ્યાન રાખવું જ પડે. નહીં તો ઓવર-કૉન્ફિડન્સમાં આવીને તે ક્યારેક આફત નોતરી બેસે. જોકે ભગવાનની દયાથી એવું ક્યારેય બન્યું નથી, પણ ડર મનમાં અકબંધ રહે એ તો હકીકત છે.

છેલ્લાં ૨૦ વર્ષથી સતત આ જ રીતે ચાલતું રહે છે. જો ગણતરી કરું તો ખ્યાલ આવે કે મેં ૨૪ કલાકમાંથી માત્ર ૩ કલાક જ ઊંઘ કરી છે. આ જ કારણે છેલ્લાં થોડાં વર્ષોથી મને ઇન્સોમેનિયાની અસર થઈ ગઈ છે. ચાર-પાંચ દિવસ ઓછ‌ી ઊંઘ કરી હોય એ પછી એક દિવસ અચાનક મારી બૉડી ક્રૅશ થઈ જાય અને એ દિવસે હું કલાકોના કલાક સૂતી રહું. નૉર્મલી હું સવારે સાડાછ વાગ્યે ઘરેથી નીકળું અને રાતે સાડાઅગિયારે પાછી આવું. ઑલમોસ્ટ ૧૨ કલાકનું શૂટ હોય, ત્રણ કલાક નાટકના શોના અને બાકીનો સમય રસ્તા પર, આઇ મીન ગાડીમાં.

અનિદ્રાનો સ્ટડી વાંચ્યા પછી મને ખ્યાલ આવ્યો કે આટલા ઉજાગરા પછી તમારી બૉડી અને બ્રેઇન ૧૦૦ ટકા પ્રોડક્ટિવ નથી રહેતાં. મને પોતાને ખ્યાલ છે કે કેટલી વાર હું સેટ પર બેઠાં-બેઠાં સૂઈ ગઈ હોઉં. શૉટ રેડી થાય એટલે મને જગાડે અને હું ફરીથી કામે લાગી જાઉં. કદાચ મને મારું કામ ગમે છે એટલે આવું હશે, પણ એ સાચું અને સારું તો નથી જ નથી.

પોલીસ-ફોર્સ, મેડિકલ ફીલ્ડ અને એવા ફીલ્ડના લોકોનું વિચારો જે નાઇટ શિફ્ટ કરતા હોય છે. ઓવર-વર્ક્ડ ડૉક્ટરે સાવ ઓછી ઊંઘ સાથે કોઈ પેશન્ટની તબિયતનું ડિસિઝન લેવાનું હોય તો કેવી હાલત થાય. માન્યું કે એ લોકો પાસે બીજો કોઈ છૂટકો પણ નથી, પણ વગર કારણે થતા ઉજાગરાનું શું? આજે બાળકો અને ટીનેજર ખૂબ ઉજાગરા કરવા માંડ્યાં છે. એ લોકો બહુ ખોટી અને ફાલતુ રીતે પોતાના ફોનમાં અને સોશ્યલ મીડિયા પર બિઝી હોય છે. મારે એક વાત કહેવી છે કે આ પ્રકારના ઉજાગરા એક પ્રકારની બીમારી છે અને જો એ બીમારી ન ગણતા હો તો એ એક પ્રકારની લત તો છે જ.

જો લાગતું હોય કે આ આદત તમને કનડે છે તો એને માટે મેડિકલ ઍડ્વાઇઝ લેવાનું કામ તાત્કાલિક કરવું જોઈએ જેથી સ્લીપ પૅટર્ન બદલે અને બૉડી તથા બ્રેઇનને પૂરતો આરામ મળે અને એ પોતાની ૧૦૦ ટકા ક્ષમતા દર્શાવે.

Apara Mehta columnists