જજમેન્ટ સાચી રીતે કરે તેને સાચું જજમેન્ટ મળે

07 March, 2019 12:17 PM IST  |  | અપરા મહેતા

જજમેન્ટ સાચી રીતે કરે તેને સાચું જજમેન્ટ મળે

પ્રતીકાત્મક તસવીર

ઇમોશન્સનું ઇકૉનૉમિક્સ

જ્યારે હું નાની હતી ત્યારે અવૉર્ડ ફંક્શન જોતી તો મને સતત એવો વિચાર આવ્યા કરતો કે આ બધું નક્કી કોણ કરતું હશે? એ સમયે તો ઉંમર નાની હતી એટલે બહુ ખબર નહોતી પડતી અને ઍક્ટિંગ ફીલ્ડમાં હું જઈશ એવું વિચાર્યું પણ નહોતું. અમુક અવૉર્ડ ફંક્શનમાં જ્યુરી મેમ્બર્સનાં નામ પણ ઑફિશ્યલી અનાઉન્સ કરવામાં આવતાં હોય છે. એ નામો પણ એ સમયે મને ખબર પડતી તો હું બહુ પ્રભાવિત થતી. મને થતું કે આ ઍક્ટરોને પસંદ કરતી જ્યુરી તો કેટલી મોટી હોતી હશે, તેમનામાં કેટલી ટૅલન્ટ હોતી હશે અને એ ખોટું પણ નથી. આપણે ત્યાં હવે કોઈને જજ કરવાનું કામ સરળ કરી નાખવામાં આવ્યું છે. સોસાયટી આ કામ કર્યા જ કરે છે, પણ જ્યારે એ વાત ટૅલન્ટના સ્તર પર હોય ત્યારે એનું મૂલ્ય બદલાઈ જતું હોય છે. નાના હોય એ સમયની ફીલિંગ્સ સાવ જુદી હોય, એ સમયનાં ડ્રીમ પણ જુદાં હોય અને એ સમયનાં મૂલ્યો પણ અલગ હોય; પણ મોટાં થતાં પરિસ્થિતિ બદલાઈ જાય એવું બનતું હોય છે.

નાની હતી ત્યારે મને ખબર નહોતી કે એક દિવસ એવો આવશે કે મારા જ પ્રોફેશનમાં મને પણ આ જ સિનિયોરિટી આપવામાં આવશે અને મારા કામને સ્વીકારીને મને પણ કોઈને જજ કરવા માટે જ્યુરીમાં સ્થાન આપવામાં આવશે. હા, સાચું છે કે હું જ્યુરીમાં સિલેક્ટ થઈ છું, પણ એ અવૉર્ડ કયા છે અને શેની માટેના છે એની ચર્ચા આપણે આચારસંહિતાના ભાગરૂપે અત્યારે નહીં કરીએ. એ પણ એટલું જ સાચું છે કે હું પહેલી વાર જ્યુરીમાં સામેલ નથી થઈ, અગાઉ અનેક અવોર્ડ્સમાં જ્યુરી બનીને મેં સિલેક્શન કર્યું છે અને ગુજરાતી ફિલ્મો માટેની જ્યુરીમાં પણ જજની પોઝિશન પર અત્યારે પણ છું. પણ નૅશનલ અવોર્ડ્સ અને એ પણ એવા અવોર્ડ્સ જેના નામમાત્રથી આપણને સુખદ અચરજ થાય એવા અવોર્ડ્સની જ્યુરીમાં સામેલ થવાની ખુશી ખરેખર સાવ જુદી જ હોય છે.

જ્યુરી માટે જ્યારે મને ઇન્વાઇટ કરવામાં આવી અને અમારી મીટિંગ શરૂ થઈ ત્યારે પહેલાં તો તેમણે જ વાતો કરવાનું ચાલુ રાખ્યું હતું, પણ પછી મારો વારો આવ્યો ત્યારે મેં એક જ સવાલ પૂછ્યો કે તમે મારું નામ કેવી રીતે નક્કી કર્યું?

‘તમે માત્ર કામ નથી કર્યું, પણ લાંબો સમય કામ કર્યું અને લાંબા સમયના આ કામ પછી પણ તમે તમારો પ્રભાવ અકબંધ રાખ્યો છે. ઍક્ટર્સ પછી એ જુનિયર હોય કે સિનિયર, તે તમને રિસ્પેક્ટ કરે છે જે જ્યુરી માટે ખૂબ જરૂરી હોય છે અને ઍક્ટર્સ તમારા ઓપિનિયનને પણ રિસ્પેક્ટ કરે છે એ પણ જરૂરી છે.’

આપણી વાતની શરૂઆત અહીંથી થાય છે. આપણને માન મળે એ અત્યંત આવશ્યક છે અને એ પણ એટલું જ જરૂરી છે કે એ માન વચ્ચે તમે જે કોઈ નિર્ણય લો એને પ્રેમપૂર્વક અને આદર સાથે સ્વીકારવામાં આવતો હોય. જો તમારા નિર્ણયને સ્વીકારવા કોઈ રાજી ન હોય તો એ વિવાદનું ઘર બની જાય. ઘર હોય કે ઑફિસ, પર્સનલ સંબંધો હોય કે પછી પ્રોફેશનલ સંબંધોની વાત હોય; તમારા માટે માન હશે, તમારા પર વિશ્વાસ હશે તો અને તો જ તમારા નિર્ણયને સ્વીકારવાની દૃઢતા આવશે. આજે મોટા ભાગના કેસમાં એવું બને છે કે આપણે નિર્ણયોને સ્વીકારવા માટે સીધી મજબૂરીઓ ઊભી કરી દઈએ છીએ. સીધો આદેશ આવી જાય અને પછી પરિસ્થિતિ એવી આવે કે એ નિર્ણય નાછૂટકે સ્વીકારવો પડે. સ્વીકારવામાં આવેલો આ નિર્ણય અપનાવવામાં નથી આવ્યો હોતો અને એને લીધે બને છે એવું કે મજબૂરી હોય તો જ એ નિર્ણયને આધીન રહેવામાં આવે છે, પણ જેવી મજબૂરી નીકળી જાય છે કે તરત જ વિરોધનો સૂર તમને સંભળાવવા માંડે છે.

મારી વાત યાદ રાખજો. તમે કોઈને ન ગમો એ ચાલી શકે, પણ કોઈ તમને માન ન આપે એ ક્યારેય નહીં ચલાવતા. જે સમયે તમે એવી અવસ્થા સ્વીકારી લીધી એ સમયે તમે જાતે જ તમારું મૂલ્ય ઘટાડી દીધું. ટીવી ઇન્ડસ્ટ્રીમાં મેં પુષ્કળ કામ કર્યું છે. મને જોઈતા હોય એવા પેમેન્ટ સાથે કામ કર્યું છે અને એવું પણ બન્યું છે કે સાવ મામૂલી પેમેન્ટ સાથે પણ કામ કર્યું છે. કામ કર્યું છે, કામમાં આર્થિક નુકસાની વેઠી છે; પણ ક્યારેય કોઈ જગ્યાએ સ્વમાન ગુમાવવાની અવસ્થા નથી આવવા દીધી. એવા મોટા-મોટા ઍક્ટરો સાથે કામ કર્યું છે જેની સાથે કામ કરવું એ સપના સમાન હોય, પણ એ બધા વચ્ચે પણ માનની પરિભાષા અકબંધ રાખી છે.

જે સમયે તમે માન ગુમાવી દો છો એ સમયે તમારી અવસ્થા સદૈહ સ્વર્ગીય જેવી થઈ જાય છે. આજે એવી અવસ્થા સાથે અનેક વડીલો ઘરમાં અને અનેક ઑફિસરો ઑફિસમાં ઉપલબ્ધ છે. માન ક્યારેય નહીં ચૂકતા, સ્વમાન ક્યારેય નહીં ગુમાવતા. સ્વાભિમાનનો ભોગ ક્યારેય નહીં આપતા. મારે બીજી પણ એક વાત કહેવી છે. વાતને સાચી ઠરાવવા માટે જો તમારે દલીલ કરવી પડે તો તમારે એક વખત જાતને પૂછી લેવું કે તમે દલીલ કરો છો, તર્ક લડાવો છો એ કેટલો વાજબી છે; કારણ કે એક સીધો નિયમ છે. સાચી વાત પહેલી નજરે જ ગળે ઊતરી જતી હોય છે. જો તમે સાચી વાત સાથે જોડાયેલા નથી તો તમારે એને આડીઅવળી કે ઊભી-ત્રાંસી રીતે સમજાવવાનો પ્રયાસ કરવો પડશે અને એ પ્રયાસ કરવો એ અહિત કરનારી વાત છે.

માન જાળવવું હોય તો સમજાવવાનો પ્રયાસ પણ ન થવો જોઈએ. એવી પરિસ્થિતિ આવે ત્યારે સૌથી પહેલાં તમારે જ તમારી જાતને એક વખત ઢંઢોળવી જોઈએ કે તમે કંઈક એવું કરી રહ્યા છો જેની સાથે તમારી પોતાની વ્યક્તિ કે ટીમ સહમત નથી અને જ્યાં સહમતી ન હોય ત્યાં હકારાત્મકતા નથી હોતી.

જો તમારે જ્યુરી બનવાનું આવે તો તમારે આ વાત યાદ રાખવાની છે અને સાથોસાથ એ પણ યાદ રાખવાનું છે કે તમે કોઈને મોટા કરવા માટે બેસી રહ્યા છો, કોઈને નાના કરવા માટે નહીં. અવૉર્ડની જ્યુરીની જ વાત નથી, દુનિયામાં દરેક તબક્કે આવતી જ્યુરીને પણ આ જ વાત લાગુ પડે છે. જો તમે કોઈને મોટા ન કરી શકો તો તમને કોઈ મોટા કરવાની પરિસ્થિતિ સ્વીકારે જ નહીં. જો તમે કોઈને ઇનામ-અકરામ ન આપી શકો તો તમારી સાથે એવું બને એવું પણ કોઈ ન કરી શકે. આપણે પહેલું કામ એ જ કરવાનું છે કે બીજાઓને મોટા કરવાના છે.

જ્યુરીનું આ જ કામ છે. ઘરમાં રહેલી જ્યુરીએ પણ આ જ કરવાનું છે, બીજાને મોટા કરવાના છે. અને બહારની જ્યુરીમાં ગોઠવાયેલી વ્યક્તિએ પણ આ જ કરવાનું છે, બીજાને મોટા કરવાના છે. મોટા કરતી વખતે વહાલાદવલાની કોઈ માનસિકતા પણ રાખવાની નથી. જે સારું છે, જે મહેનતુ છે, જે ખંતથી કામ કરે છે તેને મોટા કરવાના છે. જ્યુરીની પોઝિશન બહુ કઠિન છે. એ સમયે તમારી આંખ સામે ઘણુંબધું આવી જતું હોય છે. કોઈએ કરેલું ખરાબ વર્તન પણ તમને યાદ આવી જાય એવું બની શકે અને કોઈએ તમને કામ માટે હેરાન કર્યા હોય એ પણ યાદ આવી જાય, પણ એ બધું પાર્ટ ઑફ લાઇફ ગણીને ભૂલીને નિષ્પક્ષ જજ બનીને કામ કરી લેવાનું.

આ પણ વાંચો : મેરા ભારત મહાન

ક્યારેય ભૂલવું નહીં કે જે જજમેન્ટ સાચી રીતે આપે છે તે પોતાના માટેનું સાચું જજમેન્ટ બીજાને બાંધતા કરે છે. કોઈ પણ પ્રક્રિયા ક્યારેય એમ જ નથી હોતી. દરેક પ્રક્રિયાના ગર્ભમાં ભવિષ્ય હોય છે.

Apara Mehta columnists