ફિલ્મોનું ગ્રામર અને બદલાતા ગ્રામરની ફિલ્મો

14 March, 2019 10:14 AM IST  |  | અપરા મહેતા

ફિલ્મોનું ગ્રામર અને બદલાતા ગ્રામરની ફિલ્મો

પ્રતીકાત્મક તસવીર

ઇમોશન્સનું ઇકૉનૉમિક્સ

સાચું કહું તો, હું એન્ટરટેઇનમેન્ટ ઇન્ડસ્ટ્રીમાં ભલે રહી, પણ મને ફિલ્મો જોવાનો ચાન્સ બહુ ઓછો મળે છે. ફિલ્મ પણ ભાગ્યે જ જોવા મળે અને ટીવી તો રૅર જોવાનો ચાન્સ મળે, પણ એવું બને ત્યારે હું ચલાવી નથી લેતી. ટાઇમ કાઢીને જેનાં વખાણ થયાં હોય કે પછી જે મોસ્ટ-અવૅઇટેડ ફિલ્મ હોય એ જોઈ જ આવું. ફિલ્મો જોવી એ મારા જેવા કળાકારોનો ખોરાક કહેવાય, આ ખોરાક ન લઈએ તો પછી કેવી રીતે જાતની જીવતી રાખી શકાય. હમણાં એક એવી જ ફિલ્મ આવી છે, જેના માટે મને કહેવામાં આવ્યું કે મારે એ જોઈ લેવી જોઈએ. બે જ દિવસમાં બહુ બધા લોકોએ કહ્યું તો એના પછી તરત જ એ ફિલ્મની વાત મારી દીકરી ખુશાલીએ પણ કરી. આ ફિલ્મ એટલે ‘ગલી બૉય’. ખુશાલી તેની ફ્રેન્ડસ સાથે ફિલ્મ જોઈ આવી અને એ પછી એના એટલાં વખાણ કરતી હતી કે હવે મારે એક દિવસ પણ રાહ જોવી ન જોઈએ, ફિલ્મ જોવા જવું જ જોઈએ. તમે માનશો નહીં, રાતનું શૂટ હતું એટલે બપોરે બાર વાગ્યાના શોમાં ફિલ્મ જોવા પહોંચી ગઈ. સાચે જ અદ્ભુત ફિલ્મ બનાવી છે. ફિલ્મ પૂરી થયા પછી એનો હૅન્ગઓવર એટલો હતો કે થયું કે આ ફિલ્મ વિશે તો લખવું જ જોઈએ, સાથોસાથ એ પણ થયું કે ફિલ્મ-ઇન્ડસ્ટ્રીના બદલાયેલા ગ્રામર વિશે પણ લખવું જોઈએ.

પહેલાં આપણે વાત કરીએ ‘ગલી બૉય’ની. આ ફિલ્મ રિયલ સ્ટોરી પર આધારિત છે. મુંબઈની ચૉલ અને ઝૂંપડપટ્ટીમાં રહેતા બે છોકરાઓ મુંબઈની ગરીબી, ભૂખમરો, રાજકારણ અને એવી સાંપ્રત સમસ્યા પર રૅપ સૉન્ગ્સ લખતા અને તેમને જ્યાં પણ એ રજૂ કરવા મળે ત્યાં એ પોતાની આ કળા દ્વારા પોતાના મનની વાત રજૂ કરતા. આ બન્ને છોકરાઓએ એક વખત ફૉરેનથી આવેલા ડેલિગેશન સામે પોતાનું રૅપ સૉન્ગ રજૂ કર્યું. બધાને એમ કે પેલા લોકોને સમજાશે નહીં અને બન્યું પણ એવું જ કે તેમને સમજાયું નહીં, પણ એ ડેલિગેશન સાથે રહેલા તેમના દુભાષિયાઓએ તેમને આ સૉન્ગનું સાચું ભાષાંતર કરી આપ્યું એટલે પેલા લોકોને વાત સમજાઈ. ડેલિગેશન ખૂબ ખુશ થયું અને તેમણે આ બન્ને યંગસ્ટર્સને તો પ્રાઇઝ આપ્યું જ, પણ સાથોસાથ ઝૂંપડપટ્ટીમાં રહેતાં બીજાં બાળકોને તેમણે એજ્યુકેશન માટે ખૂબ બધું ડોનેશન આપ્યું. આ વાત કોઈ મીડિયા હાઉસને ખબર પડી અને એણે આ બન્ને છોકરાઓ પર ડૉક્યુમેન્ટરી બનાવી, જે સૌથી પહેલાં ફિલ્મની રાઇટર રીમા કાગતીના હાથમાં આવી. રીમાએ એ ડૉક્યુમેન્ટરી ઝોયા અખ્તરને દેખાડી અને એ પછી બન્ને આ વિષય પર ફિલ્મ બનાવવા માટે મહેનત કરવા માંડ્યાં અને એ પછી તૈયાર થઈ એ આ ફિલ્મ ‘ગલી બૉય’.

ઝોયા અખ્તરે આ ફિલ્મ ધારાવીમાં સેટ કરી છે. ધારાવી આજની તારીખે એશિયાનું સૌથી મોટું સ્લમ છે. આપણે મુંબઈગરા છીએ, પણ એ પછી પણ આપણને ધારાવીની લાઇફ વિશે વધારે ખબર નથી. ઝોયાએ રિયલ લોકેશન પર આ ફિલ્મ શૂટ કરી છે. ફિલ્મમાં એક સીન છે જેમાં હીરો મુરાદ પોતાની ગર્લફ્રેન્ડની ઘરે જાય છે અને તેનું બાથરૂમ યુઝ કરે છે. મુરાદની ગર્લફ્રેન્ડ ખૂબ પૈસાદાર છે. મુરાદ બાથરૂમમાં ગયા પછી એ બાથરૂમની સાઇઝ પોતાનાં પગલાં વડે માપે છે, એ માપ્યા પછી તેને ખ્યાલ આવે છે કે તેનું ઘર કેટલું નાનું છે, જેમાં છ જણનો પરિવાર રહે છે. ફિલ્મમાં ગજબનાક સૉફ્ટનેસ જાળવી રાખી છે. મુરાદ અને સાફિનાને જે પ્રેમ કરતાં દેખાડ્યાં છે એ જોઈને થાય કે ધારાવીની ગંદકીમાં આટલો અદ્ભુત પ્રેમ કેવી રીતે પાંગરી શકે? ફિલ્મનાં લીડ કૅરેક્ટર સિવાયનાં બધાં કૅરેક્ટરનું કાસ્ટિંગ પણ એકદમ પરફેક્ટ રીતે થયું છે. આજ સુધી ધારાવીની કોઈ ફિલ્મમાં મારામારી ન થઈ હોય એવું મેં નોટિસ નથી કર્યું, પણ અહીંયાં તો છેલ્લે સુધી કોઈ જાતની મારામારી નથી. ફિલ્મમાં એક એવા યંગસ્ટરની વાત છે, જે પોતાની પરિસ્થિતિ પ્રમાણે પોતાનાં સપનાં જોવા નથી માગતો, પણ પોતાનાં સપનાંઓ મુજબ પરિસ્થિતિ બનાવવા માગે છે. વાત ખૂબ જ સરસ છે અને સમજવા જેવી છે. સપનાંઓ જોવા માટે નથી, એ પૂરાં કરવા માટે છે અને એના માટે તમારે એ મુજબની પરિસ્થિતિ ઘડવી પડે, પણ એવું થતું નથી. આપણે સપનાંઓ જોઈએ છીએ અને પછી પરિસ્થિતિને જોઈને આપણે એ મુજબ સપનાંને મોલ્ડ કરી દઈએ છીએ. અહીંયાં એવું નહીં કરવાનું સમજાવે છે અને એ પણ દેખાડે છે કે જો તમે મક્કમ હો તો તમારી પરિસ્થિતિએ પણ એ મુજબ બદલાવું પડે છે.

આઇ મસ્ટ સે કે આપણી ફિલ્મોનું ગ્રામર હવે બદલાઈ ગયું છે. કોઈ એકાદ-બે ફિલ્મ એવી આવી જાય અને આપણે ચેન્જ વાત કરીએ તો મૂર્ખ કહેવાઈએ, પણ અહીંયાં તો ફિલ્મોનું લાંબુંલચક લિસ્ટ છે, જે બદલાયેલા ગ્રામરની વાત કહે છે. ‘બધાઈ હો’, ‘અંધાધૂન’, ‘તુમ્હારી સુલુ, ‘રાઝી’. આ બધી ફિલ્મો જુઓ, એમાં રહેલી સિમ્પલીસિટી તમને સમજાવશે કે હવે કન્ટેન્ટ-ઓરિયેન્ટેડ ઇન્ડસ્ટ્રી બની ગઈ છે. ૧૯૭૦થી શરૂ થયેલા દોરમાં ઍક્શન ફિલ્મો ખૂબ આવી. ઍન્ગ્રી યંગમૅનની બોલબાલા રહી તો ૧૯૯૦ પછીનો સમયગાળો લવસ્ટોરીનો રહ્યો. લોકો પ્રેમમાં પડવા માટે જ ફિલ્મો જોતા અને પ્રેમમાં પડવાની કળા શીખતા. એ પછીનો તબક્કો આવ્યો એ આજનો. આજે સાદગી અને વાસ્તવિક કે પછી કૉમન મૅનની વાત કરવાનો તબક્કો આવ્યો છે. ફિલ્મ જોતાં જ તમને એવું લાગે કે આમાં ક્યાંય કોઈ સ્ટાર નથી, પણ રિયલ કૅરૅક્ટર પાસે જ આ ફિલ્મ કરાવવામાં આવી છે. આ બધા માટે હું ખરેખર ડિરેક્ટરને ધન્યવાદ આપીશ તો સાથોસાથ સ્ટાર્સને પણ ધન્યવાદ આપીશ કે એને લીધે આજે એવી સિચુએશન આવી છે કે સ્ટાર પણ કૉમન મૅન જેવા દેખાવાની કોશિશ કરવા માંડ્યા. જરા વિચાર કરો, પહેલાં એક સીન પણ સામાન્ય માણસ જેવો લાગતો તો સ્ટાર આખી સ્ક્રિપ્ટ રિજેક્ટ કરી નાખતા કે પછી રીરાઇટ કરાવતા, પણ હવે એવો ડર રહ્યો નથી.

નવું કરવું છે અને નવું કરવા માટે જો પછડાવું પડે તો એની તૈયારી પણ છે. આઇ મસ્ટ સે, નવી જનરેશનના સ્ટાર્સમાં આ હિંમત છે. રણવીર સિંહ, આલિયા ભટ્ટનું મારે ખાસ નામ લેવું છે. તેણે કોઈ સ્ટારડમ રાખ્યું જ નથી. એ ડિરેક્ટર ઇચ્છે એ કરે છે અને પોતાનું બધું એ રોલમાં ઢાળી દે છે. આ બન્ને એક્ટરો સિવાયના પણ ઍક્ટરો છે જે હિંમત કરવા માટે જ તૈયાર થયા હોય એવું લાગે. રાજકુમાર રાવ, આયુષ્માન ખુરાના અને એવા બીજા અનેક ઍક્ટર છે. સ્વરા ભાસ્કર ધારે તો પોતાની સ્ટાર વૅલ્યુ દેખાડી જ શકે છે, પણ એવું એ ક્યાંય નથી કરતી. પહેલાંની જેમ હવે કોઈને ઢીંગલી બનીને રહેવું નથી. બધાને મહેનત કરવી છે અને પોતાની મહેનત મુજબનું નામ કમાવું છે. સાચે જ આજની ઇન્ડસ્ટ્રી સાવ બદલાઈ ગઈ છે.

આ પણ વાંચો : જજમેન્ટ સાચી રીતે કરે તેને સાચું જજમેન્ટ મળે

બદલાયેલી આ ઇન્ડસ્ટ્રી માટે હું માત્ર સ્ટારને જ જશ આપવાને બદલે પ્રોડ્યુસર અને ડિરેક્ટરને પણ જશ આપીશ. આ પ્રકારના સબ્જેક્ટ પર કામ કરવા માટે તમારામાં હિંમત પણ જોઈએ. જો તમને એવું લાગતું હોય કે તમારું ઇન્વેસ્ટેમન્ટ ફસાઈ જશે તો તમે પાંચસો રૂપિયા પણ ક્યાંય ઇન્વેસ્ટ કરવા રાજી ન થાવ, પણ જો એ રિસ્ક લેવાની તમારી તૈયારી હોય, જો એ રિટર્ન નહીં મળે તો નવેસરથી શરૂઆત કરીશું એવું ધારીને આગળ વધવાની તમારી ગણતરી હોય તો અને તો જ તમે આ પ્રકારનાં રિસ્ક લો. હવે ઇન્ડસ્ટ્રી પાસે એ પ્રકારના પ્રોડ્યુસર-ડિરેક્ટર છે જે સાહસ કરવા માટે હિંમત દેખાડે છે. બૉલીવુડ હવે સાચાં અર્થમાં ઇન્ડસ્ટ્રી બનીને સિનેમા પ્રોડ્યુસ કરે છે. બૉલીવુડનો જે એક તબક્કો હતો, જેમાં સૌથી વાહિયાત ફિલ્મો આવતી એ હવે પૂરો થઈ ગયો છે. હમણાં મેં ‘મિડ-ડે’માં જ વાંચ્યું હતું કે આપણે ત્યાં હવે મસાલા ફિલ્મો ઓછી બનવા માંડી છે અને સિનેમા કહેવાય એવી ફિલ્મો પુષ્કળ બનવા લાગી છે. વાત સાચી છે અને સારી છે. આખું વર્ષ મસાલા ખાવા ન ગમે એવું બની શકે એટલે એ ઓછી બને એમાં જ ઇન્ડસ્ટ્રીની ભલાઈ છે તો સામા પક્ષે આ પ્રકારની રિયલ ફિલ્મો આવતી રહે એ પણ ખૂબ જરૂરી છે. હું માનું છું કે આવી ફિલ્મો જ ઇન્સ્પિરેશનનું કારણ બની શકે છે.

Apara Mehta columnists