લાગણીઓ પણ ક્રિયા અને પ્રતિક્રિયાને અનુસરતી હોય છે

15 February, 2021 10:54 AM IST  |  Mumbai | Falguni Jadia Bhatt

લાગણીઓ પણ ક્રિયા અને પ્રતિક્રિયાને અનુસરતી હોય છે

પ્રતીકાત્મક તસવીર

આપણા બધાનો અનુભવ છે કે ઍક્શન્સ ફૉલોઝ ઇમોશન્સ. જે દિવસે મૂડ સારો ન હોય એ દિવસે આપોઆપ અવાજમાં હતાશા અને ચાલમાં નિરુત્સાહ આવી જતાં હોય છે, પરંતુ શું તમને ખબર છે કે ઇમોશન્સ ઑલ્સો ફૉલોઝ ઍક્શન્સ? અર્થાત્ મનમાં વિષાદ હોય એમ છતાં જો સારાં કપડાં પહેરી, સરસ મજાના તૈયાર થઈને બહાર નીકળીએ તો મૂડ આપોઆપ બદલાઈ જતો હોય છે. એવું તો કેવી રીતે બને? ચાલો જરા સમજી લઈએ

બાળપણમાં મારા પિતા અમને ભાઈ-બહેનોને એક વાર્તા કહેતા હતા જે આજ સુધી યાદ છે. એક વૃદ્ધ હતો. મૃત્યુ પહેલાં તેણે પોતાની મિલકત પોતાના બે દીકરાઓમાં સરખે ભાગે વહેંચી દીધી. બન્ને દીકરાઓએ એ નાણાંમાંથી પોતાનો વેપાર શરૂ કર્યો અને બન્ને એમાં નિષ્ફળ ગયા. બન્નેની બધી મૂડી ખલાસ થઈ ગઈ એટલું જ નહીં, માથે દેવું પણ થઈ ગયું. ઘરની નબળી આર્થિક પરિસ્થિતિ સ્વાભાવિક રીતે મોટા ભાઈની પત્નીના શરીર પર પણ દેખાવા લાગી. દેહ પર દાગીનાનું નામોનિશાન ન રહ્યું. કપડાં પણ સાવ લઘરવઘર થઈ ગયાં. જોકે નાના ભાઈએ નબળી આર્થિક પરિસ્થિતિ છતાં પત્નીના હાથની સોનાની ચાર બંગડીઓ, ગળાનું મંગળસૂત્ર તથા નાકની નથને હાથ લગાડ્યો નહીં. બલ્કે ક્યાંકથી થોડા રૂપિયાની વ્યવસ્થા કરી પત્નીને ચાર સારી સાડી લઈ આવવા કહ્યું અને હવે પછી ક્યાંય પણ જાય તો એ નવી સાડીઓ પહેરીને જ જવાની ચોખ્ખી સૂચના આપી. આનું પરિણામ એ આવ્યું કે મોટા ભાઈની પત્નીનો પહેરવેશ તેની ગરીબીની ચાડી ખાતો, જ્યારે નાના ભાઈની પત્નીનો પહેરવેશ તે કોઈ સારા ઘરની સ્ત્રી હોવાની સાક્ષી પૂરતો. તેથી લોકોમાં એક સામાન્ય છાપ એવી ઊભી થઈ કે મોટા ભાઈએ દેવું ફૂંક્યું છે, જ્યારે નાના ભાઈએ ધંધામાં નફો કર્યો છે. પરિણામે મોટા ભાઈને જોતાં જ ક્યાંક તે પૈસા ન માગે એમ વિચારીને ઓળખીતા-પાળખીતા દૂર ભાગી જતા. ત્યાં જ નાના ભાઈને લોકોએ સામેથી પૈસા વ્યાજે આપ્યા. આ વ્યાજના પૈસાથી નાના ભાઈએ પોતાનો ડૂબતો ધંધો બચાવી લીધો. તેણે બધાનું કરજ તો ઉતાર્યું જ, સાથે પહેલી વારના અનુભવ બાદ આ વખતે પોતાનો વેપાર સારી રીતે ચલાવી મબલક કમાણી પણ કરી.

કહેવાનું તાત્પર્ય એ છે કે ભલે આપણને વિજ્ઞાનમાં કપડાં એ શરીર ઢાંકવાનું સાધન માત્ર છે એવું શીખવવામાં આવ્યું હોય; પરંતુ હકીકતમાં આપણાં કપડાં પરથી લોકો આપણી સામાજિક, કૌટુંબિક તથા આર્થિક સ્થિતિનો તાગ મેળવી લેતા હોય છે. આપણા પહેરવેશ પરથી આપણે કેવી વ્યક્તિ છીએ, આપણા ગમા-અણગમા, આપણી પસંદ-નાપસંદ વગેરે જેવું ઘણું પરખાઈ જતું હોય છે. એટલું જ નહીં, આપણા ગેટ-અપ પરથી આજે આપણો મિજાજ કેવો છે એ પણ ઊડીને આંખે વળગતું હોય છે. આમ આપણાં કપડાં અને બાહ્ય દેખાવ સાથે આપણી આન, આપણી શાન, આપણી ઓળખાણ, આપણું અભિમાન બધું જ જોડાયેલું છે. ખુદ મિસ વર્લ્ડ ઐશ્વર્યા રાય ફાટેલાં, ચીંથરાં મારેલાં, મેલાંઘેલાં કપડાં પહેરીને આવી જાય તો તેના તરફ કોઈનું ધ્યાન જશે નહીં; પરંતુ કોઈ સાવ સરેરાશ દેખાતી યુવતી પણ સુંદર કપડાં પહેરીને સરસ મજાની તૈયાર થઈને પાર્ટીમાં આવશે તો લોકોની નજર તેના પર પડ્યા વિના રહેશે નહીં.

અલબત્ત, આ તો બીજા બધાની વાત થઈ. આપણી પોતાની વાત કરીએ તો આપણા બધાનો જ અનુભવ છે કે સારાં કપડાં મૂડ સુધારવાનું અને ખરાબ કપડાં મૂડ બગાડવાનું કામ કરે છે. ગમતા રંગોનાં પ્રૉપર ફિટિંગવાળાં કપડાં પહેરીને નીકળો એટલે આત્મવિશ્વાસ આપોઆપ સાતમા આસમાને પહોંચી જાય; જ્યારે ફસકાઈ ગયેલાં, ઘસાઈ ગયેલાં, ઝાંખાં પડી ગયેલાં કે પછી મેલાંઘેલાં અને ઢીલાં પડી ગયેલાં કપડાં પહેરો એટલે ઑટોમૅટિકલી જ આપણો સેલ્ફ-કૉન્ફિડન્સ કકડભૂસ થઈને પડી જાય. આ મનુષ્યનો સહજ સ્વભાવ છે. સ્વચ્છતા, સુંદરતા અને સુઘડતા સૌ કોઈને ગમે છે, સૌ કોઈને આકર્ષે છે.

એમ છતાં મન ઉદાસ હોય, દિલ ભાંગી ગયું હોય, લાગણીઓનું કે બૅન્કનું બૅલૅન્સ તળિયે આવી ગયું હોય ત્યારે આ સીધુંસાદું મનોવિજ્ઞાન આપણે સાવ જ ભૂલી જઈએ છીએ. આપણે આપણા વિષાદસાગરમાં એવા ડૂબી જઈએ છીએ કે પ્રાકૃતિક સુંદરતાથી લઈને ખુદ આપણી પોતાની સુંદરતા સુધી કશું જ આપણને ગમતું કે સ્પર્શતું નથી. આ પણ એટલું જ મનુષ્યસહજ અને કુદરતી છે.

જોકે હકીકત તો એ પણ છે કે જીવનના આ જ દિવસો એવા હોય છે જ્યારે આપણે આપણાં સૌથી સારાં કપડાં પહેરીને સૌથી સારા તૈયાર થવાની જરૂર હોય છે. અંગ્રેજીમાં જેને ‘ગેટ-અપ, ડ્રેસ-અપ ઍન્ડ શો-અપ’ થવાનું કહે છે એ કરવાનું હોય છે.

આવું કેમ? તો એની પાછળનું લૉજિક સાવ સરળ છે. બધા જાણે છે કે ઍક્શન્સ ફૉલોઝ ઇમોશન્સ. એટલે ક્રિયા અને પ્રતિક્રિયા લાગણીઓને અનુસરવાનું કામ કરતી હોય છે. જેવો મૂડ હોય એવી રીતે વર્તવાનું મન થાય. મૂડ સારો હોય એ દિવસે જાતે જ ચાલમાં ઉત્સાહ અને વાતોમાં હળવાશ આવી જાય છે અને મૂડ ખરાબ હોય એ દિવસે જાતે જ ચાલમાં નિરુત્સાહ અને વાતોમાં વિષાદ આવી જાય છે. જોકે આપણે એ નથી જાણતા કે ઇમોશન્સ ઑલ્સો ફૉલોઝ ઍક્શન્સ. એટલે કે લાગણીઓ પણ ક્રિયા અને પ્રતિક્રિયાને અનુસરવાનું કામ કરતી હોય છે.

એ એવી રીતે કે મન ઉદાસ હોય ત્યારે પણ તમે સારાં કપડાં પહેરી, સારા તૈયાર થઈને બહાર નીકળો છો ત્યારે તમને એક પ્રકારનો સધિયારો રહે છે કે બીજું બધું નહીં તો કંઈ નહીં, ઍટ લીસ્ટ જીવનની આ એક બાબત તો એવી છે જ્યાં હજી પણ મારો કન્ટ્રોલ છે. આ આશ્વાસન તમારો આત્મવિશ્વાસ વધારવાનું કામ કરે છે તો સાથે તમારી એ સમયની પીડા પરથી તમારું ધ્યાન હટાવવામાં નિમિત્ત પણ બને છે. ઉપરાંત આ બાહ્ય પરિવેશ દુનિયાથી તમારી પીડાને છુપાવવામાં માસ્કનું કામ પણ કરે છે, જેને પગલે તમે તમારી તકલીફ વિશે ફરી-ફરી વાતો કરવાની વેદનામાંથી બચી જાઓ છો. આ બધાનો સરવાળો તમને નકારાત્મક વિચારોની હારમાળાથી બહાર કાઢી હકારાત્મકતા તરફ લઈ જાય છે અને બધા જ જાણે છે કે મુશ્કેલ સમયમાં વ્યક્તિને જેની સૌથી વધારે જરૂર હોય છે એ આ હકારાત્મક અભિગમ જ હોય છે.

તેથી હવે પછી જ્યારે મન ઉદાસ હોય કે દિલ દુભાયેલું હોય ત્યારે પહેલું કામ તમારું કબાટ ખોલવાનું કરજો. એમાંથી તમારો સૌથી ફેવરિટ ડ્રેસ અને ફેવરિટ ઍક્સેસરી કાઢીને પહેરજો, તમારું સૌથી બેસ્ટ પરફ્યુમ લગાડજો અને એ બધા સાથે ચહેરા પર તમારી કિલિંગ સ્માઇલ લગાડવાનું ભૂલશો નહીં. બની શકે કે રસ્તાઓ શોધવાનો આ પણ એક રસ્તો બની જાય.

 (આ લેખમાં રજૂ થયેલા મંતવ્યો લેખકના અંગત છે, ન્યુઝપેપરના નહીં.)

falguni jadia bhatt columnists