હર ઇમોજી કુછ કહેતા હૈ

11 September, 2020 02:32 PM IST  |  Mumbai | Bhakti Desai

હર ઇમોજી કુછ કહેતા હૈ

ચૅટિંગનું ચલણ વધ્યું છે ત્યારથી શબ્દોનો ઓછામાં ઓછો પ્રયોગ કરનાર આજની યુવા પેઢી પોતાની ભાવનાઓને ઇમોજી, સ્ટિકર્સ અને શૉર્ટફૉર્મ્સ થકી વ્યક્ત કરે છે

ચૅટિંગનું ચલણ વધ્યું છે ત્યારથી શબ્દોનો ઓછામાં ઓછો પ્રયોગ કરનાર આજની યુવા પેઢી પોતાની ભાવનાઓને ઇમોજી, સ્ટિકર્સ અને શૉર્ટફૉર્મ્સ થકી વ્યક્ત કરે છે. તેમની સાથે વાત કરીને જાણીએ તેમની આધુનિક લિપિ અને ભાવનાઓની અભિવ્યક્તિ વિશે તેઓ શું ફીલ કરે છે.

ઇમોટિકૉન્સની રચના જપાનના એક આર્ટિસ્ટે કરી અને જોતજોતામાં આ ઇમોજીએ દુનિયાભરના લોકોના મોબાઇલમાં અને ચૅટિંગમાં સ્થાન લઈ લીધું. અંદાજે ૩૩૦૦થી પણ વધારે ઇમોટિકૉન્સ હમણાં સુધીમાં અસ્તિત્વમાં છે, આમાં ઇમોજીના અમુક પર્યાયો જેમ કે સ્ત્રી-પુરુષ, પીળા, ગોરા, સાવળા, કાળા રંગના ઇમોજીનો પણ સમાવેશ થાય છે. આના પછી હવે જે ટ્રેન્ડ ચાલી રહ્યો છે એ છે સ્ટિકર્સનો. થૅન્ક યુ, વેલકમ, સૉરી, કૉન્ગ્રેચ્યુલેશન્સ, નમસ્તે જેવા અનેક શબ્દો લખાઈને નહીં પણ હવે ભાવનાના રૂપમાં જીફ્સના અને સ્ટિકર્સના માધ્યમથી વ્યક્ત થાય છે. અહીં એક પ્રશ્ન એ પણ છે કે શું આ ચિત્રોથી કરેલા વાર્તાલાપમાં કહેનાર અને વાંચનાર વચ્ચે અર્થઘટનને લઈને કોઈ ગેરસમજને અવકાશ તો નથી હોતોને? કમ્યુનિકેશનનો અભિન્ન હિસ્સો બની ગયેલા ઇમોજીસ વિશે યંગસ્ટર્સ પાસેથી જ જાણીએ કે આ સાંકેતિક ભાષા તેમના માટે શું મહત્ત્વ ધરાવે છે.

અમારા મિત્રો હવે શબ્દો કરતાં વધારે ઇમોજીની ભાષા સમજે છે ઃ ધ્રુવી તન્ના
ઓછા શબ્દો અને વધુ ઇમોજીસ વાપરતી શંકરબારી લેનમાં રહેતી ૧૬ વર્ષની ધ્રુવી તન્ના કહે છે, ‘મારા મિત્રો સાથે ચૅટિંગ કરતી વખતે હું વિવિધ ઇમોજીઝનો ઉપયોગ કરું છું. સામાન્ય રીતે વપરાતાં ઇમોજીઝમાં કોઈની વાત મને યોગ્ય લાગે તો અંગૂઠો બતાવતું ઇમોજી, આભાર માનવા બે હાથ જોડીને નમસ્તે અને એક સ્માઇલી જેવાં ઇમોજી વાપરું છું. હું કોઈને ડાન્સ વિશે પૂછવા માગું છું તો ડાન્સનું ઇમોજી નાખું છું. ક્યારેક જો મને એમ થાય કે સામેવાળાની વાત ૧૦૦ ટકા સાચી છે તો ફક્ત ૧૦૦ લખીને મોકલું છું કારણ કે હવે ટકા થવા પરસેન્ટનાં ચિહ્‍નની પણ જરૂર રહી નથી. ૧૦૦ ઇમોજીનો બીજો ગોળ સેટિંગ પણ છે. આ બધું રોજિંદા જીવનમાં અમે વાપરીએ છીએ. હું જ્યારે હાઇક મેસેન્જર અને સ્નૅપ-ચૅટમાં મારી પ્રોફાઇલ બનાવું છું ત્યારે મારો ફોટો ન નાખતાં મારી જે સ્ટાઇલ છે એ દર્શાવતું બીટમોજી મૂકી દઉં છું. આ આખો સંવાદ ખૂબ રમૂજી હોય છે અને મજા આવે છે. હવે અમારી ઉંમરના મિત્રો શબ્દો ઓછા અને ઇમોજીને વધારે સમજે છે.’

સ્ટેટસ કે સ્ટોરીમાં શબ્દો હોવા છતાં ઇમોટિકૉન્સ વાપરવાં જરૂરી છે ઃ જશ પાંધી
બોરીવલીમાં રહેતા એન્જિનિયરિંગના ત્રીજા વર્ષમાં ભણતો જશ પાંધી કહે છે, ‘ઇમોજીઝથી આપણી ભાવનાઓ સારી રીતે વ્યક્ત કરી શકાય છે એટલે જ આજકાલ સ્ટેટસ અને સ્ટોરીમાં શબ્દો હોવા છતાં ઇમોટિકૉન્સ વાપરવાં જરૂરી છે. આના વગર શબ્દો અધૂરા છે. આપણે ઘણી વાર વેબ-સિરીઝમાં, ટીવી-સિરિયલ્સમાં કે પછી અમુક શોમાં જોઈએ છીએ કે કોઈ એકાદ ન બોલવાનો શબ્દ બોલે તો એક બીપ વગાડીને એને મ્યુટ કરી દેવાય છે. લખાણમાં પણ અમે લોકો જ્યારે એકબીજા સાથે વાત કરીએ ત્યારે કોઈને જો એકાદ અપશબ્દ કહેવાનું મન થાય તો ચૅટિંગ પર તેને બીપ કરવા એ શબ્દની જગ્યાએ હૅશટૅગ અથવા એટ ધ રેટનું ચિહ્‍ન મોકલી તેને જણાવી દઈએ છીએ કે તેને મારા તરફથી કોઈ અપશબ્દ મોકલ્યો છે. હવે સ્ટિકર્સમાં તો ફિલ્મી ડાયલૉગ્સનાં મીમ્સ બની ગયાં છે. જેમ કે કોઈ મિત્ર પોતાની જ વાતો કરતો હોય તો તેને ‘તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા’ના બાપુજીનું ‘એ હોશિયારી’ લખેલું સ્ટિકર અને કોઈની વાત સાથે સહમત ન થવું હોય તો જેઠાલાલનું ‘ચલ ચલ હવે’વાળું સ્ટિકર મોકલી દઉં છું. આમ ગ્રુપમાં બધા હસી પડે છે અને સંવાદ અર્થસભર બને છે.

ઇમોજી, જીફ્સ અને સ્ટિકર્સ વિનાનું કમ્યુનિકેશન ચીઝ વગરના પીત્ઝા જેવો છે : અર્જુન કુંડલિયા
બોરીવલીમાં રહેતા જયહિન્દ કૉલેજમાં ભણતા અર્જુન કુંડલિયા અહીં કહે છે, ‘અમારી પેઢી માટે ઇમોજી, સ્ટિકર્સ, જીફ્સ વગરનો સંવાદ ચીઝ વગરના પીત્ઝા જેવો છે. હવે આજકાલ તો સ્ટિકર્સનો જમાનો છે અને એ વાપરવાની અમને મજા પણ ખૂબ આવે છે. દિવાળીમાં જેમ દીવા પ્રગટાવીએ અને પ્રકાશમય માહોલ બને એમ જ આખા સંવાદમાં જો પ્રકાશ ફેલાવવો હોય અને પ્રાણ પૂરવા હોય તો ઇમોજીઝ, સ્ટિકર્સ, જીફ્સ, પિકચરના ડાયલૉગવાળા મીમ્સનો ઉપયોગ અમે કરીએ છીએ. સામેવાળી વ્યક્તિ આનાથી વાત કરવા પ્રેરાય છે. મને ક્યારેય એવું નથી લાગ્યું કે મારા કોઈ પણ સ્માઇલી કે ઇમોજીથી કોઈ ગેરસમજણ ઊભી થઈ હોય. આમ તો વધારે કરીને હું લાફ્ટરવાળું ઇમોજી અને શૉર્ટફૉર્મ્સ વાપરું છું; જેમ કે આઇ ડોન્ટ નો માટે idk, ટૉક ટુ યુ લેટર માટે ttyl, વૉટ આર યુ ડૂઇંગ માટે wrud. આની ખૂબ મોટી યાદી છે, જે અમે વાપરતા હોઈએ છીએ. જીફ્સમાંથી અમુક પરિસ્થિતિને અનુકૂળ ફિલ્મના ડાયલૉગનો ઉપયોગ કરું છું; જેમ કે કોઈ મિત્ર મુશ્કેલીમાં હોય તો ‘અભી હમ ઝિંદા હૈ’, જ્યારે મિત્રો સાથે મળીને બહાર જવાની યોજના બને ત્યારે જૉની લીવરના પિક્ચરાઇઝેશન સાથે ‘અભી મઝા આયેગા ના ભીડુ’, ઓછા સમયમાં ભણવાનું ખૂબ વધી જાય ત્યારે અક્ષયકુમાર અને નાના પાટેકર વાત કરતા હોય એવું ‘સહ લેંગે થોડા સા’. આ બધાથી મને એવું લાગે છે કે ગંભીર પરિસ્થિતિમાં પણ માહોલ મસ્તીભર્યો બની જાય છે.’

મિત્રોના જન્મદિવસ મનાવવા માટે ઇમોજીસ વાપરવાની મજા જ કંઈ ઑર છે ઃ જાહ્‍નવી રાયચંદા
ચર્ની રોડમાં રહેતી અને હાલમાં જ બીકૉમ થયેલી જાહ્‍નવી રાયચંદા કહે છે, ‘હું પહેલાં શબ્દો વધારે વાપરતી હતી, પણ હવે બદલાતા જમાના સાથે ઇમોજીઝના ઉપયોગથી સમય બચાવું છું અને મારા આખા સંવાદને વધારે રંગીન બનાવું છું. જેમ કે મારે કોઈની વાત સામે આતુરતા બતાવવી હોય જેને અંગ્રેજીમાં ‘લુકિંગ ફૉર્વર્ડ’ કહે છે એને માટે હું આંખમાં બે દિલવાળું સ્માઇલી વાપરું છું. કોઈ પણ હસવાની પરિસ્થિતિ હોય તો લાફ્ટરવાળું ઇમોજી વાપરું છું. થૅન્ક યુ અને વેલકમ માટે જીફ્સનો ઉપયોગ કરું છું. ગુસ્સા માટે ‘લાલ ચહેરો’ દર્શાવું છે. આની સાથે સ્વિમિંગ, સાઇક્લિંગ, યોગ, જિમ્નૅસ્ટિક્સ આ ઇમોજીઝ જ્યારે જે પ્રવૃત્તિઓ કરવી હોય એને શબ્દો અને સમયની બચત કરી તરત જ મોકલી શકાય છે. સૌથી વધારે ઇમોજીઝ મિત્રોના જન્મદિવસ ઑનલાઇન મનાવવા માટે વાપરવાની મજા આવે છે. ફુગ્ગા, કેક, પેસ્ટ્રી, પીપૂડી વગાડતું ઇમોજી આ બધાથી અમે પાર્ટી માગવા અને લેવાનો સંદેશ આપીએ છીએ.’

નાઇજિરિયન ઍક્ટરનાં સ્ટિકર્સ અને મીમ્સ પણ અમારી પેઢીમાં ખૂબ પ્રચલિત છે ઃ દીવ ઠકરાર
મીઠીબાઈ કૉલેજમાં સેકન્ડ યર બીકૉમમાં ભણતો દીવ ઠકરાર કહે છે, ‘હું એવું માનું છું કે ખૂબ જ ગંભીર પરિસ્થિતિ કે સંવાદ ચાલી રહ્યો હોય ત્યારે સ્ટિકર્સ કે ઇમોજીઝનો ઉપયોગ બહુ નથી કરી શકાતો અને ગુસ્સામાં હોય ત્યારે પણ નહીં. આ જે આખી સંવાદની રીત છે એ મિત્રો સાથે, હમઉમ્ર સાથે મજાકના મૂડમાં હોઈએ ત્યારે વાપરી શકાય છે. મને સ્ટિકર્સનો ઉપયોગ બહુ ગમે છે. હવે તો પોતાના ચહેરાને લઈને આપણને જોઈતા ડાયલૉગ્સ કે લાઇન લખીને વ્યક્તિગત સ્ટિકર્સ બનાવી શકાય એવી ઍપ્સ પણ ઉપલબ્ધ છે. નાઇજિરિયન ઍક્ટર, ઓસિતા હિમેનાં સ્ટિકર્સ અને મીમ્સ પણ અમારી પેઢીમાં ખૂબ પ્રચલિત છે અને વપરાય છે.’

ઇમોજીઝ ઘણાં છે, પણ એની કોઈ ચોક્કસ વૈશ્વિક પરિભાષા નથીઃ સુષમા બોઢા
કાંદિવલીમાં રહેતાં સાઇકોલૉજિસ્ટ સુષમા બોઢાને બાળકો અને યુવાઓસા થે કામ કરવાનો વ્યાપક અનુભવ છે અને તેમના સંવાદની રીત પર તેમનું વિશેષ અવલોકન રહ્યું છે. તેઓ આ વિષય પર પોતાનો અભિપ્રાય આપતાં કહે છે, ‘જેમ રૂબરૂમાં વાતચીત કરતી વખતે શબ્દોથી વધારે વાત આપણી બૉડી-લૅન્ગ્વેજથી થતી હોય છે એવી જ રીતે ચૅટિંગમાં શબ્દોથી વધારે ભાવનાઓ અને બૉડી-લૅન્ગ્વેજનું કામ ઇમોજીઝ, સ્ટિકર્સ, મીમ્સ, જીફ્સ દ્વારા થાય છે. આધુનિક જમાના પ્રમાણે આજનાં બાળકો અને યુવાઓ ખૂબ મોટા પ્રમાણમાં શબ્દરહિત એક લિપિ વાપરી રહ્યા છે, જે તેમની ભાવનાઓને વ્યક્ત કરવાનું એક માધ્યમ છે. આ ઇમોજીઝની શરૂઆત થઈ જપાનમાં અને ત્યાંની પરંપરામાં ઇમોજીઝનું મહત્ત્વ અને તેમના અર્થ અલગ છે, જેનો વૈશ્વિક કોઈ એક અર્થ નથી. સ્ટિકર્સમાં મેં જોયું છે કે મારે જે કહેવું હોય એને અનુરૂપ સ્ટિકર ન હોય અથવા મારે કોઈ નવું ડાઉનલોડ કરવાનો સમય ન હોય તો એની નજીકના અર્થવાળું સ્ટિકર મોકલવા હું મજબૂર થઈ જાઉ છું અને મને જે વ્યક્ત કરવું છે એ સ્ટિકર તો મળતું જ નથી.’
તેઓ ટેક્નૉલૉજીની વાત કરતાં કહે છે, ‘આમાં એક સમસ્યા એ પણ છે કે ફોનની બ્રૅન્ડ અને પ્લૅટફૉર્મ પ્રમાણે ઇમોજીઝમાં થોડો ફરક હોય છે. ઉદાહરણ તરીકે આઇફોન વાપરનાર એક વ્યક્તિ અન્ય કંપનીનો ઍન્ડ્રૉઇડ ફોન વાપરનારને જે સ્માઇલી અથવા ઇમોજી મોકલે છે એ ત્યાં જુદી જ દેખાય છે એથી કોઈ વાર આવી ટેક્નૉલૉજિકલ સમસ્યા સંબંધોમાં ગેરસમજ ઊભી કરી શકે છે. આમાં દરેક સ્માઇલીના વિવિધ અર્થ છે અને એ અર્થ બધાને ખબર નથી હોતા એનાથી પણ મુશ્કેલી ઊભી થાય છે. આટલાં બધાં ઇમોજીઝ છે, પણ એના અર્થ કોઈને ખબર નથી કે એની કોઈ ચોક્કસ વૈશ્વિક પરિભાષા નથી, કારણ ઇમોજીઝ બનાવનારા ટેક્નૉલૉજીમાં માહિર છે, પણ તેઓ ઇમોશનલ એક્સપર્ટ્સ નથી. આનાથી ઘણી વાર આવા ચિત્રો દ્વારા ભાવનાઓ વ્યક્ત કરનાર એક વ્યક્તિ કોઈ એક ભાવ પ્રગટ કરે છે અને એ વાંચનાર એનું અર્થઘટન તેમની સમજણશક્તિ અથવા મૂડ પ્રમાણે બીજી જ રીતે કરે છે ત્યારે ગેરસમજણને અવકાશ મળી જાય છે. છેલ્લે એક સચ્ચાઈ એ જ છે કે આજની યુવા પેઢીની સંવાદની આ જ રીત છે અને એનો સ્વીકાર કરવો એ સમયની માગ છે.’

bhakti desai columnists