24 August, 2023 04:48 PM IST | Mumbai | JD Majethia
પ્રતીકાત્મક તસવીર
‘યદા યદા હી ધર્મસ્ય, ગ્લાનિર્ભવતી ભારત
અભ્યુત્થાનામ્ અધર્મસ્ય તદાત્માનં સૃજામ્યહમ્
પરિત્રાણાય સાધૂનાં વિનાશાય ચ દુષ્કૃતામ્
ધર્મ સંસ્થાપનાર્થાય સમ્ભવામિ યુગે યુગે...’
કૃષ્ણની તો વાત જ નિરાળી છે. તેમની ખાનદાની જુદા જ સ્તરની હતી. પોતાના પરિવારને તેઓ જીવથી વધારે પ્રેમ કરતા અને કૃષ્ણને તો પાંડવ પોતાના કરતાં પણ વધારે પ્રેમ કરતા એટલે જ તો જેમ-જેમ સારથિ તેમને દોરતા એમ એ દિશામાં તેઓ ચૂપચાપ, કોઈ જાતની દલીલ વિના, કોઈ જાતના તર્ક વિના કે શંકા કર્યા વિના એ બાજુએ દોરવાઈ જતા. આજે આવો સારથિ કોઈ છે ખરો? જરા જોજો તમારી આજુબાજુ. કોઈ એવો મિત્ર કે ભાઈબંધ પણ છે જેની સાથે લોહીના સંબંધ ન હોય એ પછી પણ તે જે કહે એ સાચું એવું માનીને, એવું ધારીને આગળ વધવાનું કામ કર્યું હોય? નસીબજોગ હું મિત્રોની બાબતમાં ખૂબ નસીબદાર છું એટલે આ બાબતમાં હું તો એવું કહી શકું ખરો કે મને સારથિઓ મળ્યા છે અને મેં તેમના પર એવી જ અને એટલી જ શ્રદ્ધા રાખી છે જેટલી પાંડવોએ કૃષ્ણ પર રાખી હતી. કૃષ્ણએ પોતાની સાથે રહેનારાઓને ન્યાય મળે એ માટે બધું જ કર્યું છે. મહાભારતનું યુદ્ધ થાય એવું તેઓ ક્યારેય નહોતા ઇચ્છતા અને એટલે તો તે પોતે, જાતે જઈને કૌરવને મળ્યા અને તેમને કહ્યું કે પાંડવોને પાંચ ગામ આપી દેવામાં આવશે તો એ લોકો એનાથી પણ રાજી છે. ઈશ્વરને યાચના હોય, ઈશ્વર ક્યારેય યાચના ન કરે, અહીં ઊલટું થાય છે. અહીં તો ભગવાન પ્રાર્થના કરે છે કે મહેરબાની કરીને પાંડવોની આ માગણી સ્વીકારી લો.
આપણો દેશ હીરોપ્રધાન છે, નાયકપ્રધાન છે. અહીં હજી પણ સ્ત્રીઓને સમાન હક આપવાની ઝુંબેશ ચાલે છે અને કદાચ વર્ષો સુધી ચાલતી રહેશે, પણ એમ છતાં મહાભારતમાં દ્રૌપદીને સમાન હકનો લાભ મળ્યો હતો અને આ લાભ આપ્યો હતો અર્જુને. મહાભારતના હીરો જો કોઈ હોય તો એ છે પાંડવો પૈકીનો આ ત્રીજો પુત્ર અને શ્રેષ્ઠ ધનુર્ધર અર્જુન. અર્જુનનું નામ લેતાં જ અમુક વાતો, અમુક ઘટનાઓ આંખ સામે આવી જાય. માછલીની આંખ વીંધવાની વાત સ્કૂલમાં શિક્ષકોથી માંડીને દરેક માબાપે પોતાનાં સંતાનોને કરી હશે અને ધીરજ તથા લક્ષ શું કહેવાય એનું ઉદાહરણ આપ્યું હશે.
દ્રૌપદીના સ્વયંવરમાં ઉપર રહેલી માછલીની આંખને પાણીમાં પડેલા પ્રતિબિંબથી વીંધી નાખવાની સિદ્ધિ હોય કે પછી કુરુક્ષેત્રના યુદ્ધ વખતે કૃષ્ણને પૂછેલા તેમના પ્રશ્નો હોય કે પછી વેશપલટા વખતે તેમણે ધરેલો અવતાર હોય. અર્જુનનું હીરોઇઝમ દેખાયા વિના રહેતું નથી. આ જગતે અર્જુનના આધારે રહેવું જોઈએ, કારણ કે તેના મનની આશંકાઓને લીધે જ એવી પરિસ્થિતિ નિર્માણ થઈ કે કુરુક્ષેત્રના મેદાનમાં અર્જુનને કૃષ્ણએ પોતાનું વિરાટ સ્વરૂપ દર્શાવ્યું અને આ જ મેદાનમાં શ્રીમદ ભગવદ્ગીતાનો જન્મ થયો. અહીં જ કૃષ્ણએ પેલા જગવિખ્યાત ‘યદા યદા હી ધર્મસ્ય...’નો શ્લોક આપ્યો અને અહીં જ કૃષ્ણએ જીવનદર્શન કરાવ્યું, કર્મનો સંદેશ આપ્યો. કર્મના આ સંદેશનો આજે પણ દરરોજ ઉપયોગ થાય છે અને શ્રીમદ ભગવદ્ગીતાને શીખવાની, સમજવાની આજે પણ સતત કોશિશ કરતા રહીએ છીએ. અર્જુનને કારણે જ આપણને જાણવા મળ્યું, શીખવા મળ્યું કે અધર્મથી ભરેલું, ખોટું અને ખરાબ નાબૂદ થવું જોઈએ. ભલે પછી ચાહે એ કૃત્ય કરનારી તમારી પોતાની વ્યક્તિ કેમ ન હોય. જો એ કરવામાં પાછા પગ કરીશું તો ધર્મ નહીં ટકે. ધર્મના અસ્તિત્વ માટે, સત્યના વિજય માટે જે વિનાશ જરૂરી હોય એ કરવો અને એ કરવામાં જ માનવધર્મ રહેલો છે.
કૃષ્ણએ શુભદ્રાનાં લગ્ન અર્જુન સાથે કરાવેલાં એ દેખાડે છે કે અર્જુન અને કૃષ્ણના સંબંધો કેવા ગાઢ હતા. આ સંબંધો ભાઈઓથી અને ભાઈબંધીથી પણ વિશેષ હતા. જેને ઇતિહાસમાં રસ હશે તેમને ખબર હશે કે કૃષ્ણ અને અર્જુનના સંબંધો અને તેમનો સંગાથ માત્ર આ જન્મનો જ નહોતો, એ સંગાથ તો છેક પૂર્વજન્મથી હતો.
આપણે અર્જુનની વાત પર પાછા ફરીએ.
તમે પરિણીત હો તો પણ અન્ય કોઈ સ્ત્રીના પ્રેમમાં પડી શકો, તેની સાથે લગ્ન કરી શકો અને એ લગ્ન થકી સંતાન પણ કરી શકો? તમે પરિણીત હો અને એ પછી રાજકુમારી તમારા પ્રેમમાં પડે અને તમે સાચેસાચું બધું કહી દો તો પણ તેને તમારી સાથે જ લગ્ન કરવાં હોય તો શું થાય? આજના સમયમાં આ શક્ય પણ છે, તમે આવી કલ્પના પણ કરી શકો કે તમારાં આ રીતે લગ્ન થઈ જાય અને એ પછી પણ તમને તમારી વાઇફ સ્વીકારી લે અને તમારી સાથે હસીખુશી તે ફરીથી રહેવા માંડે. ના, જરાય નહીં અને આવો વિચાર સુધ્ધાં નહીં કરતા તમે. તમે આવું કરશો તો પોલીસ પકડી જશે અને વાઇફ મારશે એ લટકામાં.
- પણ આવી બીક અર્જુનને નહોતી.
અર્જુન અને ઉલૂપીની વાર્તામાં આવું જ બને છે અને કોઈ એનો વિરોધ પણ નથી કરતા, ઊલટું ખુશી-ખુશી બધા હા પાડે છે. અરે, બીજા બધાની વાત જવા દો, શુભદ્રા એટલે કે કૃષ્ણની બહેન અને અર્જુનની ચોથી વાઇફ, તેને ભગાડી જવાનો આઇડિયા અર્જુનને બીજા કોઈએ નહીં, પણ ખુદ કૃષ્ણએ આપ્યો હતો અને અર્જુને એવું કર્યું પણ ખરું. તે શુભદ્રાને લઈને ભાગી ગયો અને તેની સાથે લગ્ન કરી લીધાં. તમને થશે કે આ બધી વાઇફ એકસાથે કેવી રીતે રહી શકતી હશે, પણ કહી દઉં કે બીજી બધી વાઇફ આ ચલાવી લેતી અને સાથે રહેતી, પણ દ્રૌપદીએ ચોખ્ખી ના પાડી દીધી હતી કે પોતે જે મહેલમાં રહે છે એ મહેલમાં તે પાંડવોની બીજી પત્નીઓને રહેવા નહીં દે. પાંડવોએ આ વાત સ્વીકારી હતી અને એટલે જ વાત જ્યારે શુભદ્રાની આવી ત્યારે કૃષ્ણએ દ્રૌપદીને સમજાવીને, કહી શકાય કે દ્રૌપદીને ફોસલાવીને આબાદ રીતે શુભદ્રા અર્જુન સાથે રહી શકે એવી પરિસ્થિતિનું નિર્માણ કર્યું હતું. આવું કોઈ સમીકરણ આજના સમયમાં શક્ય છે ખરું? જરા તો વિચારો કે આવું બન્યું હોય અને કોઈ ભાઈબંધ તમારી વાઇફને સમજાવવા ગયો હોય તો શું હાલત થાય અને કેવા સંજોગોનું નિર્માણ થાય. વાઇફ જેને દિયર જેવું માન આપતી હોય તે ભાઈબંધને ચંપલ કાઢીને મારશે. છૂટાછેડા માટે લૉયરની લાઇન લગાડી દે અને જે ઘરમાં શાંતિથી રહો છો એ ઘર છૂટાછેડાની એલિમની આપવામાં અડધું થઈ જાય.
મહાભારતનાં આ મહાન પાત્રો આપણને જીવનસૃષ્ટિની સમજણ, અટપટા સંબંધોની આંટીઘૂંટી અને પવિત્ર સંબંધોની લાગણી તથા એની માયાજાળ સમજાવતા ગયા છે અને સમજાવતા રહ્યા છે. એ સમજવાનો જેણે પણ પ્રયાસ કર્યો હતો અને જેણે પણ એ સમજવાની તસ્દી લીધી હતી તેને મહાભારતથી વાસ્તવમાં લાભ થયો જ છે. મહાભારત ઘરમાં ન રાખવી જોઈએ એવું આપણા વડીલો કહેતા રહ્યા છે અને આપણે તેમની વાત માની રહ્યા છીએ, પણ કમનસીબી એ છે કે આપણે એ પછી પણ મહાભારત કરવાનું કામ તો ચાલુ જ રાખ્યું છે. સંબંધોમાં જેકોઈ સકારાત્મકતા ઊર્જાની જરૂર છે એ જોવાને બદલે આપણે હંમેશાં નકારાત્મક ઊર્જાને આવકારતા રહીએ છીએ અને એટલે જ સંબંધોમાં મહાભારતનું નિર્માણ થતું રહે છે. મહાભારતથી હું જો કંઈ શીખ્યો હોઉં તો એ જ કે દરેક પાત્રની આવશ્યકતા છે અને દરેકેદરેક પાત્રને એક જવાબદારી આપવામાં આવી છે. તમે જોશો તો તમને પણ આ જ વાત સમજાશે. તમને સમજાશે કે મહાભારતમાંથી કોઈ એકની ગેરહાજરી થઈ જાય તો આખું મહાભારત પડી ભાંગે. એમાંથી તમે સહદેવ અને નકુલ જેવાં શાંત પાત્રો પણ નથી કાઢી શકતાં કે એમાંથી તમે સંજયની બાદબાકી પણ નથી કરી શકતા. તમે એમાંથી શકુનિને હટાવી દો તો આખું યુદ્ધ હટી જાય છે અને જો એમાં ગાંધારી ન રહે તો પણ આખું મહાભારત ઝીરો થઈ જાય.
(આ લેખોમાં રજૂ થયેલાં મંતવ્યો લેખકનાં અંગત છે, ન્યુઝપેપરનાં નહીં.)