લૉકડાઉને રંગભૂમિની અભિનેત્રીઓને અપાવ્યો રોલ, ઍક્ટ્રેસ બની અન્નપૂર્ણા

09 August, 2020 03:02 PM IST  |  Mumbai Desk | Rashmin Shah

લૉકડાઉને રંગભૂમિની અભિનેત્રીઓને અપાવ્યો રોલ, ઍક્ટ્રેસ બની અન્નપૂર્ણા

લૉકડાઉને અનેક લોકો માટે નવી દિશા ખોલવાનું કામ કર્યું છે, તો અનેકની દિશા બદલી નાખવાનું કામ પણ કર્યું છે. કેટલાકને આ વાત અભિશાપ લાગી છે, તો કેટલાક એવા પણ છે કે જેમણે આ પૉઇન્ટને આશીર્વાદ તરીકે પણ લીધો છે. ગુજરાતી રંગભૂમિની બે ઍક્ટ્રેસ માટે આ લૉકડાઉન આશીર્વાદ સમાન બન્યું છે. લાઇટ્સ અને સ્ટેજની દુનિયા અત્યારે જ્યારે બંધ છે ત્યારે આ બન્ને ઍક્ટ્રેસે કિચન તરફ સ્ટેપ આગળ વધારીને મુંબઈને સ્વાદની નવી દુનિયા દેખાડી અને સાથોસાથ પોતાની લાઇફનો નવો રોલ પણ શરૂ કરી દીધો

ઘરમાં ફૂડ-પાર્સલ આવી ગયું છે. પાર્સલમાં આવેલી ટ્રેડિશનલ અને કાઠિયાવાડી વરાઇટી જોઈને પેટમાં દોડી રહેલા ઉંદરડાએ ડાયનાસૉરનું રૂપ ધારણ કરી લીધું છે, પણ એ ડાયનાસૉર ત્યારે શાંત થઈ જાય છે જ્યારે ખબર પડે છે કે ડાઇનિંગ ટેબલ પર સજાવેલું આ ફૂડ કોઈ શેફે નહીં, ‘મારી વાઇફ મૅરીકૉમ’ જેવા સુપરહિટ નાટકમાં સંજય ગોરડિયા સાથે લીડ રોલ કરનારી ઍક્ટ્રેસ કિંજલ સરવૈયાએ બનાવ્યું છે. આજ સુધી જેની ઍક્ટિંગની તારીફ કરતાં જીભ થાકતી નહોતી એ જ કિંજલની આંગળીઓનો જાદુ અત્યારે મુંબઈના ગુજરાતીઓના જીભના ટેરવે ગોઠવાઈ ગયો છે. કિંજલ કહે છે, ‘મને મારી કેટલીક ફ્રેન્ડ્સ તો કહે છે કે તને ઘણીબધી મમ્મીઓ દુઆ દેશે કે તેં અમારા છોકરાઓને આપણી ટ્રેડિશનલ વરાઇટી ખાતા કરી દીધા.’
લૉકડાઉન પહેલાં કિંજલને પોતાના નાટકમાં કાસ્ટ કરવા માટે હોડ લાગતી હતી, પણ લૉકડાઉનથી વાત બદલાઈ ગઈ છે. હવે કિંજલના હાથે બનેલી કાઠિયાવાડી વરાઇટી ઑર્ડર કરવામાં હોડ લાગે છે. રખેને, કિંજલ ઑર્ડર લેવાનું બંધ કરી દે અને ભરેલો રોટલો-દહીંવાળો ઓળો ખાવાનો મનસૂબો પૂરો ન થાય.
કિસ્સો બીજો :
લૉકડાઉન ચરમસીમાએ છે અને દીકરીનો બર્થ-ડે લૉકડાઉન વચ્ચે જ આવ્યો છે. ૬ વર્ષની દીકરી માટે બર્થ-ડે એટલે કેક, આ એક જ વાત છે અને આ વર્ષે તેના બર્થ-ડેની કેક મળવાની શક્યતા નહોતી, પણ કેક આવી ગઈ છે. સરપ્રાઇઝ કેક. કેકમાં બનાવવામાં આવેલી બાર્બી ડૉલ જોઈને દીકરીની આંખોમાં ખુશી પથરાઈ જાય છે. આ ખુશી ઘરમાં રહેલી ફૅમિલીની આંખોમાં સુખદ આશ્ચર્ય ત્યારે બને છે જ્યારે તેમને ખબર પડે છે કેક સિદ્ધહસ્ત પુરવાર થઈ ચૂકેલી અને ‘મોતીચૂર ચકનાચૂર’માં નવાઝુદ્દની સિદ્દીકીને પણ ઝાંખો પાડી દે એવી ઍક્ટિંગ કરનાર ગુજરાતી ઍક્ટ્રેસ રચના પકાઈએ બનાવી છે. રચના પકાઈના હાથની કેક ગુજરાતી કલાકારોમાં પૉપ્યુલર હતી, પણ લૉકડાઉને રચનાને મીરા રોડથી મલાડ સુધીના એરિયામાં રહેતા લગભગ દરેક દસમા ગુજરાતીઓમાં પૉપ્યુલર કરી દીધી. રચના કહે છે, ‘લૉકડાઉનમાં દરરોજ બે કેકની સરેરાશથી કેક બનાવી છે. એવું બને કે જમવાનો ટાઇમ પણ ન મળે અને આખો દિવસ કેક તૈયાર કરવામાં જ પસાર થયો હોય.’
કેક જ નહીં, રચનાના હાથની બીજી બેક્ડ ડિશ, ચૉકલેટ અને સ્વીટ્સે રીતસર ધૂમ મચાવી છે. જ્યાં હોમ ડિલિવરી નથી થતી એ એરિયામાંથી લોકો ખાસ ટાઇમ કાઢીને છેક રચનાના ઘરે આવે છે અને ફૂડની રાહ જોતાં કલાક ઊભા રહે છે.
***
જેમ લૉકડાઉને જગતઆખાનો સિનારિયો બદલી નાખ્યો છે એવી જ રીતે ગુજરાતી રંગભૂમિની આ બન્ને ઍક્ટ્રેસની પણ જિંદગીમાં ધાર્યો ન હોય એવો વળાંક આવ્યો છે અને આ વળાંક તેમણે પોતે, સ્વૈચ્છિક રીતે પસંદ કર્યો છે. પોતાની કાઠિયાવાડી આઇટમ અને ભુલાતી જતી વરાઇટીઓને કારણે ઍક્ટિંગ વિના લાઇમલાઇટમાં આવી ગયેલી કિંજલ સરવૈયા કહે છે, ‘મને મન હતું કે કંઈક મારે કરવું અને એ પણ ફૂડલાઇનમાં જ કરવું, પણ ટાઇમ નહોતો મળતો. એકધારા શોઝ અને ટ્રાવેલિંગને કારણે માત્ર પોતાને માટે બનાવવાની વાત આવતી, પણ લૉકડાઉનમાં અનાયાસ જ આ લાઇન ખૂલી ગઈ. આજે એવી સિચુએશન છે કે અમે વીકના ત્રણ જ દિવસ, શુક્રથી રવિ જ ફૂડના ઑર્ડર લઈએ છીએ પણ લોકોનું પ્રેસર છે કે સાતેય દિવસ અમે આ ચાલુ કરી દઈએ. મે બી, આગળ જતાં કરું પણ ખરી.’
એક સમય હતો કે કિંજલને ફૂડની વાત નીકળે અને કંટાળો આવવા માંડતો. ખાવામાં પણ બહુ ચુઝી અને બનાવવાની તો વાત જ નહીં કરવાની, પણ મૅરેજ પછી કિંજલના સ્વભાવમાં ચેન્જ આવ્યો અને લૉકડાઉને તો સાવ નવા જ ઍવન્યુ તેને ખોલી આપ્યા અને એ પણ અણધારી રીતે. લૉકડાઉનમાં આખો દિવસ ઘરમાં બેસીને કંટાળેલી કિંજલ જાતજાતની વરાઇટીઓના અખતરા કરતી, પણ તેને બિઝનેસ કે પ્રોફેશનલ રૂપ આપવાનું તેણે વિચાર્યું નહોતું. જૂન મહિનાની વાત છે. કિંજલ કહે છે, ‘મેં ભરેલો રોટલો બનાવ્યો. મારા હસબન્ડ વિનોદે કહ્યું કે ચાલો આપણે આ આઇટમ પ્રોડ્યુસર કૌસ્તુભ ત્રિવેદીની ઘરે પહોંચાડીએ. અમારી વચ્ચે એવો વ્યવહાર ખરો. ભરેલો રોટલો કૌસ્તુભભાઈના ઘરે પહોંચ્યો અને થોડી જ વારમાં તેમનાં વાઇફ પ્રફુલા ત્રિવેદીનો ફોન આવ્યો. એકદમ અભિભૂત થઈ ગયાં હતાં તેઓ, કહે કે તેં આ બનાવ્યો કઈ રીતે. ખૂબ વખાણ કર્યાં અને એ પહેલી વાર બોલ્યાં કે કિંજલ યુ શૂડ સ્ટાર્ટ હોમ કિચન. આવી વરાઇટી ક્યાંય જોવા કે ચાખવા નથી મળતી ને મુંબઈમાં તો લોકોએ કલ્પના પણ નહીં કરી હોય કે ઘેરબેઠાં તેમને આવું ટ્રેડિશનલ ફૂડ ટેસ્ટ કરવા મળે. તેમના આ શબ્દોને મેં ગંભીરતાથી લીધા અને શરૂ થઈ મારી શેફ બનવાની જર્ની.’
કહ્યું એમ, કિંજલ અત્યારે શુક્ર-શનિ અને રવિવારે જ ઑર્ડર લે છે. તેની વરાઇટીની કેટલીક ખાસિયત છે, જેમાંથી સૌથી પહેલી અને મોટી ખાસિયત એવું જ મેન્યૂ તૈયાર કરવું જે કાઠિયાવાડી, ટ્રેડિશનલ અને હેલ્ધી હોય; ભરેલો રોટલો, દહીંવાળો ઓળો, કાચો ઓળો, ગાંઠિયા ભરેલા કારેલાનું શાક, સરગવાની સિંગની ખીચડી, સાધુ રોટલી, ફરસાણિયા ભાત, લાહોરી દાલ માસ જેવી અનેક વરાઇટી કિંજલના મેન્યૂમાં છે જેનું ક્યારેય તમે નામ પણ ન સાંભળ્યું હોય. લુપ્ત થતી જતી આ વરાઇટી કિંજલ પોતે જ બનાવે છે. કિંજલ કહે છે, ‘બહારથી લાવવાની જવાબદારી વિનોદની અને કિચનની રિસ્પૉન્સિબિલિટી મારી. કોવિડને કારણે અત્યારે અમે કોઈ હેલ્પર યુઝ નથી કરતા એટલે ઑર્ડર એટલો જ લેવાનો જે બનાવવામાં હું પહોંચી વળું. બીજી એક વાત કહું, ૧૨ વાગ્યે ડિલિવરીનો ટાઇમ હોય તો એ રસોઈ બનાવવાની શરૂઆત ૧૦ વાગ્યે જ કરવાની. આયુર્વેદ કહે છે કે રસોઈ ત્રણ કલાકમાં ખાવી જોઈએ. આ વાતને અમે ફૉલો કરીએ તો સાથોસાથ હેલ્ધીનેસને પણ ધ્યાનમાં રાખવાની. ઓછામાં ઓછું તેલ વાપરવાનું, તીખાશ પણ પ્રમાણસર અને એમાં પણ લાલ મરચું ઓછું વાપરવાનું. આદું અને લીલાં મરચાંની હેલ્ધી તીખાશ અમારા ફૂડમાં હોય છે.’
કિંજલ ૨૦૦૪થી રંગભૂમિ પર છે. તેણે ૪૦થી વધુ નાટકો કર્યાં છે. લૉકડાઉન પહેલાં જ તેણે નવું નાટક સાઇન કર્યું, જે એપ્રિલમાં ઓપન થવાનું હતું, પણ લૉકડાઉનને કારણે નાટક અટકી ગયું. કિંજલ કહે છે, ‘કમિટમેન્ટમાં હું માનું છું એટલે એ નાટક તો હું કરીશ, પણ એ પછી બને કે હું મારા આ ફૂડ-વેન્ચર પર ધ્યાન આપું. બને કે અત્યારે હું શ્યૉર નથી, પણ હા, એટલું પાક્કું કે મને મજા બહુ આવે છે. જૂની વરાઇટીને નવેસરથી બનાવવાની જે આ રીત છે એમાં લોકો પૂછે પણ ખરા કે પહેલાં શું કામ કાચો ઓળો ખાતા હતા, તો એની વાત પણ તમને ખબર હોય તો ખાવાની મજા આખી ચેન્જ થઈ જાય.’
જો લૉકડાઉન ન આવ્યું હોત તો આ રીતે ફૂડ-ફીલ્ડમાં કશું કરવાનું સૂઝ્‍યું હોત ખરું?
હા, નાઇન્ટીનાઇન પર્સન્ટ સુઝ્‍યું હોત, કિંજલ સમજાવે છે, ‘મને જમાડવાનો શોખ છે. અમારી નાટકની ટ્રિપ જાય ત્યારે પણ મારી સાથે મારો ઇન્ડક્શન સ્ટવ હોય. ટૂર દરમ્યાન જેને મન થાય એ મારા હાથનું જમી શકે. આ સીધો નિયમ અને અમારા મોટા ભાગના ઍક્ટરોને પણ ખબર કે કિંજલ ફૂડ સરસ બનાવશે એટલે ટૂર નીકળે એ પહેલાં જ બધા સામેથી કહી દે કે હું તારી સાથે જમીશ. લૉકડાઉન વખતે પણ મને કંટાળો બહુ આવતો અને હું આ બધી વરાઇટી અમારે માટે બનાવતી, પણ એને પ્રોફેશનલ ટચ આપવાનું નહોતું સૂઝ્‍યું, પણ આગળ જતાં મનમાં આવું આવ્યું હોત ખરું.’
રચના પકાઈ માટે આ વાત આ જ સ્વરૂપમાં લાગુ પડે છે. રચના કહે છે, ‘નાટક મારો શોખ હતો એના કરતાં એ મારાં મમ્મી કીર્તિ પકાઈનો શોખ હતો. મારા શોખમાં પહેલા નંબરે કુકિંગ આવે. હું ટાઇમપાસમાં ચૉકલેટ્સ બનાવતી, પણ એને પ્રોફેશન તરીકે લેવાનો વિચાર મને ઍક્ટર સંજય ગોરડિયાને લીધે આવ્યો. પાંચેક વર્ષ પહેલાં દિવાળીમાં સંજયભાઈએ મને સવા લાખથી વધારે રકમનો ચૉકલેટ બનાવવાનો ઑર્ડર આપ્યો અને એ પછી મારી ફૂડ-ઇન્ડસ્ટ્રી માટે સિરિયસનેસ આવી.’
રચનાએ ઍક્ટિંગ કરીઅરની શરૂઆત ‘સરસ્વતીચંદ્ર’ નાટકથી ૨૦૦પમાં કરી. લૉકડાઉન આવ્યું એ સમયે રચનાનું નાટક ‘બાકી બધું ફર્સ્ટક્લાસ છે’ ચાલતું હતું. વચ્ચેના આ સમયગાળામાં રચનાએ ૩૦થી પણ વધુ નાટકો કર્યાં તો ‘બકુલા બુઆ કા ભૂત’ સહિત ૬ સિરિયલો કરી તો મલ્લિકા શેરાવત સાથે ‘ધી હિસ્સસ’ અને નવાઝુદ્દીન સિદ્દીકી સાથે પાંચ મહિના પહેલાં રિલીઝ થયેલી ‘મોતીચૂર ચકનાચૂર’ જેવી અનેક ફિલ્મો પણ કરી. રચના ચૉકલેટ અને કેક બનાવતી અને એના ઑર્ડર પણ લેતી. ગુજરાતી રંગભૂમિના ઑલમોસ્ટ બધા રચનાને જ કેક કે ચૉકલેટનો ઑર્ડર આપે, પણ લૉકડાઉને રચનાનું ફોકસ બદલી નાખ્યું. રચના કહે છે, ‘લૉકડાઉનના શરૂઆતના દિવસોમાં તો બધું નૉર્મલ ચાલ્યું. કેકના ઑર્ડર પણ આવે, પરંતુ એ સોસાયટીના જ હોય એટલે લૉકડાઉન તૂટે એવી વાત નહોતી. હું બનાવી આપું, પણ ધીમે-ધીમે એ ઑર્ડર વધવાના શરૂ થયા. અજાણ્યા લોકોના પણ ફોન આવે એટલે લોકો ફોન પર પહેલાં એવું પૂછે કે પેલા ઍક્ટ્રેસ છે એ રચના પકાઈ તમે જ. તેમને પૂછવામાં સંકોચ થાય, ડર લાગે કે ક્યાંક વાત ખોટી હશે તો, પણ પછી હું જ એનો ખચકાટ કાઢી નાખું. કેક પછી લોકો સામેથી પૂછતા થયા કે બીજું કંઈ બનાવો છો? આ પૃચ્છાને લીધે જ મને બીજું કંઈક કરવાનું મન થયું અને મેં એની શરૂઆત કરી.’
રચનાએ પહેલાં તો બેકિંગ આઇટમથી જ શરૂઆત કરી. પીત્ઝા અને ગાર્લિક બ્રેડ શરૂ થયા અને એ પછી ધીમે-ધીમે તેણે વરાઇટી ઉમેરવાની શરૂઆત કરી. આજે રચનાના મેન્યૂમાં ચૉકલેટ્સ અને બેકિંગ આઇટમ સિવાય ભાતભાતના કુકીઝ અને ઇન્ડિયન સ્વીટ્સ ઉમેરાઈ ગયાં છે. રચના કહે છે, ‘લોકોને બહારનું ખાવું હતું, પણ એવું બહારનું ખાવું હતું જે ઘરનું હોય. અત્યારે પણ મોટા ભાગના ઑર્ડર એવી જ રીતે આવે કે તમે ઘરે બનાવો છો એટલે અમને એ ફૂડ ટેસ્ટ કરવું છે. રિપીટ ઑર્ડર જે પ્રકારે આવે છે એ જોતાં મને નથી લાગતું કે હવે હું ઍક્ટિંગમાં બહુ રસ લઉં. કહ્યું એમ, ઍક્ટિંગ એ મારા કરતાં મારી મમ્મીનો શોખ વધારે હતો અને કુકિંગ મારી હૉબી હતી, પણ ક્યારેય એ દિશામાં મેં વધારે વિચાર્યું નહીં. લૉકડાઉનને કારણે એ ચાન્સ મળ્યો અને એ સાઇડને મેં સ્ટ્રૉન્ગ બનાવી.’
ક્યાંય એવું ખરું કે લૉકડાઉન વચ્ચે થિયેટર-ઇન્ડસ્ટ્રી શરૂ નહીં થાય એટલે ઇકૉનૉમિકલ સપોર્ટ...
‘પૈસાની જરૂર તો અંબાણીને પણ છે, આપણે જોઈએ જ છીએ.’ રચના અધવચ્ચે જ જવાબ આપે છે અને સાથોસાથ કહે છે, ‘હું કમાઉં તો જ મારું ઘર ચાલે એવું બિલકુલ નથી, પણ હા, પૈસા મોટિવેશનલ રોલ ચોક્કસ કરે. તમારી વાહવાહી થાય એ પણ તમને ગમે. ફૂડ-ઇન્ડસ્ટ્રીમાં આ બન્ને મને મળે છે એટલે નૅચરલી મને ગમે પણ છે, અને મને એ ફીલ્ડને હવે ડેવલપ કરવાનું મન પણ છે. એવું પણ બને છે કે જે પ્રોડ્યુસર-ડિરેક્ટર રોલની ઑફર માટે ફોન કરતા તેમના જ ફોન અત્યારે ફૂડના ઑર્ડર માટે આવે છે તો નીલેશ જોષી જેવા ઍક્ટર-ફ્રેન્ડનો એવો તો સ્ટ્રૉન્ગ સપોર્ટ મળી ગયો છે જેઓ પોતાના ઘરેથી છેક મારે ત્યાં આવીને માત્ર ફ્રેન્ડશિપમાં ડિલિવરીનું કામ પણ કરી આપે છે. કહેવાનો ભાવાર્થ એ કે મને ડેસ્ટિનીએ આ લાઇન દેખાડી છે તો તેણે જ કંઈક નક્કી કર્યું હશે, જોઈએ, શું થાય છે આગળ.’

lockdown weekend guide columnists