નાટક અમારો પહેલો પ્રેમ અને ઇશ્ક હોય તો રિસ્ક લેવાની તૈયારી પણ હોવી જોઈએ

02 February, 2021 03:11 PM IST  |  Mumbai | Sanjay radia

નાટક અમારો પહેલો પ્રેમ અને ઇશ્ક હોય તો રિસ્ક લેવાની તૈયારી પણ હોવી જોઈએ

મી ઍઝ બાપુજી : ‘બા રિટાયર થાય છે’ની સેકન્ડ સીઝનમાં રૂપા દિવેટિયા બા બન્યાં અને હું બાપુજી બન્યો.

‘દેરાણી જેઠાણી’ની અમેરિકા-ટૂર માટે વિષ્ણુકુમાર વ્યાસ કન્ટિન્યુ થયા તો તેમની સાથે કવિતા રાઠોડ, સોહિલ વીરાણી, અમર બાબરિયા ફાઇનલ કર્યા તો અમદાવાદથી દિશા વાકાણીને પહેલી વાર મુંબઈ લાવ્યા. દિશા માટે આ પહેલું જ મેઇનસ્ટ્રીમ નાટક હતું. દિશાએ એક મહિનાનાં રિહર્સલ્સ કર્યાં અને આમ અમારી ‘દેરાણી જેઠાણી’ની આખી ટીમ તૈયાર થઈ. અમેરિકા જવામાં મારી સાથે મિત્ર-કમ-પાર્ટનર કૌસ્તુભ ત્રિવેદી અને અમારા કાર્યકારી નિર્માતા બિપિન શાહ પણ ટૂરમાં સાથે જોડાયા.
આજે પણ અમેરિકાના વિઝા અઘરા છે, પણ મિત્રો, એ દિવસોમાં તો અમેરિકાના વિઝા અને ખાસ કરીને નાટક કે પછી એન્ટરટેઇનમેન્ટના લાઇવ શોના વિઝા તો આજ કરતાં પણ વધારે અઘરા હતા. અમેરિકા સેટલ થવા માટે એક પ્રકારનું કૌભાંડ ચાલતું, જેને આપણે ત્યાં કબૂતરબાજી તરીકે ઓળખવામાં આવતું, એને અટકાવવા માટે અમેરિકન એમ્બેસી ગજબના અને ક્યારેક હાસ્યાસ્પદ નુસખા અજમાવતી.
એ સમયે અમેરિકન કૉન્સ્યુલેટ બ્રીચ કૅન્ડીમાં હતી. તમે નાટક માટે વિઝા મૂકો એટલે ઇન્ટરવ્યુ દરમ્યાન કૉન્સ્યુલેટમાં બાકાયદા તમને સીન ભજવવાનું કહેવામાં આવતું, જે ઍક્ટરો માટે ખૂબ ક્ષોભજનક રહેતું. વિઝા માટે ઇન્ટરવ્યુ આપવા જેકોઈ લોકો આવ્યા હોય તેની સામે અમારે સીન કરવાનો અને એ સીન પછી ઑફિસરને અમારા પર્ફોર્મન્સથી વાત ગળે ઊતરે તો એ વિઝા આપે. અમારો પર્ફોર્મન્સ એ તેમને માટે ટેસ્ટિંગ હતું કે અમે સાચે જ નાટકના કલાકાર છીએ અને અમે કોઈ કબૂતરને અમારી સાથે લઈ નથી જતા.
કબૂતર અને કબૂતરબાજી શબ્દો પણ બરાબર સમજવા જેવા છે. બન્યું એમાં એવું હતું કે ઑર્કેસ્ટ્રા અને મ્યુઝિકના બીજા પ્રોગ્રામ કરનારાઓ કે પછી ઘણા નાટકના નિર્માતાઓ અને ખાસ તો અમેરિકાના પ્રમોટરો કલાના નામે પોતાના માણસોને એ ટૂરમાં ઘુસાડી દેતા. તેને આવડતું કંઈ ન હોય, પણ એ માત્ર અમેરિકા જવા માટે જ જોડાતો હોય. જેવા તે અમેરિકા પહોંચે કે તરત જ કબૂતરની જેમ ઊડી જાય. પછી તે ક્યાંય મળે નહીં અને ગેરકાયદે અમેરિકામાં જ રહી જાય. તમને જો યાદ હોય તો દલેર મહેંદીનું નામ પણ આ કબૂતરબાજી માટે એક વખત ઊડ્યું હતું અને તેમના પર પણ આક્ષેપ થયો હતો કે એ પોતાના ટ્રુપમાં પંજાબીઓને લઈ જાય છે અને અમેરિકા-કૅનેડામાં એ કબૂતરોને છોડી મૂકે છે. ૯૦ દસકામાં તો આવું ખોટું કામ પુષ્કળ થયું હતું, પણ અમારે તો કોઈ એવું ગેરકાયદે કામ કરવું નહોતું એટલે અમને એવી કોઈ મનમાં બીક નહોતી. અમને સીન પર્ફોર્મ કરવાનું કહેવામાં આવ્યું એટલે અમે પર્ફોર્મ કરીને દેખાડ્યું અને નસીબજોગ અમને બધાને વિઝા મળી ગયા.
‘દેરાણી જેઠાણી’ની સક્સેસ પછી અમારો આત્મવિશ્વાસ ખૂબ વધી ગયો હતો, એટલે સુધી કે અમે ખોટ ખમવાને પણ સક્ષમ થઈ ગયા હતા. નવું નાટક ‘શારદા’ની તૈયારીઓ ચાલુ કરતાં પહેલાં જ મેં કૌસ્તુભને કહ્યું કે હવે આપણે બાય-પૉલિસી નક્કી કરીએ કે આપણે બહારથી ફાઇનૅન્સ નહીં લઈએ, આપણા પોતાના જ પૈસા નાટકમાં લગાડીશું. નક્કી થયું એટલે અમે અમારા ફાઇનૅન્સર હરેશ મહેતા પાસે ગયા અને તેમને હાથ જોડીને માફી માગતાં કહ્યું કે અમે આવો નિર્ણય કર્યો છે. હરેશ મહેતાએ પણ ખેલદિલીપૂર્વક અમારી વાત સ્વીકારી અને અમને શુભેચ્છા આપી. મિત્રો, એ દિવસ અને આજનો દિવસ, અમે ક્યારેય ક્યાંયથી પણ ફાઇનૅન્સ લઈને નાટક કર્યું નથી. દરેકેદરેક નાટક અમારા જ ફન્ડમાંથી ઊભું કર્યું છે. કહે છે, ઇશ્ક હૈ તો રિસ્ક હૈ. નાટક અમારો પહેલો પ્રેમ છે તો અમારે આ જોખમ લેવું જ રહ્યું.
અમેરિકા જવા માટે નીકળતાં પહેલાં અમે પદ્‍મારાણીને ‘શારદા’ નાટકની સ્ક્રિપ્ટ સંભળાવી તેમની હામી લઈ લીધી હતી. નાટકમાં પદ્‍માબહેનના હસબન્ડના રોલ માટે અમે અરવિંદ રાઠોડને વાત કરી તો તેમણે પણ તરત જ હા પાડી. નક્કી કર્યું કે બાકીનું કાસ્ટિંગ પાછા આવીને નક્કી કરીશું અને એ પછી રિહર્સલ્સ શરૂ કરીશું અને અમે અમેરિકા જવા માટે રવાના થયા. લાઇફમાં પહેલી વાર મેં અમેરિકા જોયું. ‘દેરાણી જેઠાણી’ના ૧૮ શો થયા. નાટકનાં ખૂબ વખાણ થયાં એટલે અમને ફરવામાં પણ મજા આવી ગઈ. પહેલી વાર ડિઝનીલૅન્ડ, યુનિવર્સલ સ્ટુડિયો જોયાં. એની બધી રાઇડ માણી અને ખૂબ ફર્યા. અમેરિકાની એ મારી પહેલી ટૂર. તમને કહ્યું એમ, એ ટૂર પછી તો બીજી ૧૪ ટૂર મેં અમેરિકાની કરી અને અમેરિકા પાસેથી પુષ્કળ શીખ્યો, પુષ્કળ મિત્રો બનાવ્યા. જેની વાતો સમય આવ્યે તમને કહીશ, પણ અત્યારે અમેરિકાની ટૂર પરથી પાછા ફરીએ.
પાછા આવીને અમે ‘શારદા’ની તૈયારીમાં લાગી ગયા. નાટક તો તમને કહ્યું હતું એમ, વર્ષા અડાલજાએ લખ્યું હતું. નાટકના ડિરેક્ટર અમારે શોધવાના હતા. મેં કહ્યું કે આપણે ‘દેરાણી જેઠાણી’ પછી હરિન ઠાકરને જ રિપીટ કરીએ અને હરિનભાઈ દિગ્દર્શક તરીકે બોર્ડ પર આવ્યા. પદ્‍મારાણી અને અરવિંદ રાઠોડ નક્કી હતાં તો તેમના મોટા દીકરા તરીકે રાજીવ મહેતાને કાસ્ટ કર્યો. રાજીવને તમે ‘ખીચડી’ના પ્રફુલ તરીકે ઓળખો જ છો. રાજીવની વાઇફના રોલમાં અમે નવી છોકરી એવી દીપા પુંજાણીને કાસ્ટ કરી તો એક પારસી કપલના રોલમાં અમે પારસી થિયેટરના લેજન્ડ દાદી સરકારી સાથે સિલ્લુ મ્હાવાને કાસ્ટ કર્યાં અને રાજીવનો નાનો ભાઈ સૂરજ વ્યાસ બન્યો અને સાથે નોકરના રોલમાં ઘનશ્યામ નાયકને પણ લીધા. ઘનશ્યામભાઈને તમે ‘તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા’માં નટુકાકાનની ભ‌ૂમિકામાં ખૂબ પ્રેમ આપ્યો છે. નાટકના પ્રોડ્યુસરમાં હું અને કૌસ્તુભ ઉપરાંત જે. અબ્બાસ, અરવિંદ રાઠોડ અને પદ્‍મારાણી પણ અમારી સાથે જોડાયાં, આમ આખી અમારી ટીમ તૈયાર થઈ અને રિહર્સલ્સ શરૂ થયાં.
૧૯૯૭ની ૨૭ એપ્ર‌િલે નાટક ઓપન થયું.
‘શારદા’ નાટક બૉક્સ-ઑફિસ પર કેવું રહ્યું અને ‘શારદા’ પછી અમે કયા પ્રોજેક્ટ પર કામ શરૂ કર્યું એની વાતો કરીશું આપણે આવતા મંગળવારે.

ફૂડ ટિપ્સ : ચાલો, ખાઈએ, ચારભુજાનાં સમોસાં અને કચોરી

મિત્રો, આપણી સાઉથ મુંબઈની ફૂડ-ટિપને આગળ વધારીએ.
સૌથી પહેલાં હું ગયો ‘મોહનલાલ પૂડલાવાળા’ને ત્યાં. ત્યાંથી આપણે જઈને ખાધી ‘છપ્પન મસાલા’ની ભેળ અને એ પછી હવે આપણે આગળ જવાના છીએ ઠાકુરદ્વાર.
તમે ચીરાબજારથી ઠાકુરદ્વાર પર આવીને જરા જમણે વળો એટલે માંડ ૩૦૦ મીટરના અંતરે ‘ચારભુજા સમોસા સેન્ટર’ છે. નામમાં ભલે કચોરીનો ઉલ્લેખ ન હોય, પણ ત્યાં સમોસાં સાથે કચોરી પણ મળે છે અને એની આ બન્ને વરાઇટી બહુ ફેમસ છે. ખાવાવાળાઓની ગિરદી હોય જ હોય. સૌથી મોટી ખાસિયત એ કે તેમને ત્યાં કાયમ ગરમાગરમ સમોસાં અને કચોરી મળે અને વિશિષ્ટતા એ કે તમે સમોસાં કે કચોરી માગો એટલે એ તમને એ છૂંદો કરીને એના પર મીઠું દહીં, તીખી-મીઠી ચટણી અને સેવ નાખીને આપે. નૉર્થમાં આને સમોસા-ચાટ કે કચોરી-ચાટ કહેવામાં આવે, પણ એ લોકો બીજી વરાઇટી પણ નાખતા હોય છે, જેને લીધે સમોસાં કે કચોરીનો મૂળભૂત ટેસ્ટની ખબર નથી પડતી, પણ અહીં એવું નથી. કહ્યું એમ, દહીં, ચટણી અને સેવ. આમ ત્રણ જ વરાઇટી નાખીને આપે અને અદ્ભુત ટેસ્ટ આવે. તમને દહીંના ગળપણની પણ ખબર પડે અને તમને સમોસાંની પણ મજા આવે.
કિંમત માત્ર ૪૦ રૂપિયા અને ક્વૉન્ટિટીની વાત કરું તો તમારી હથેળીમાં સમાઈ જાઈ એવડું મોટું પંજાબી સમોસું અને એના પર આ દહીં અને ચટણીઓનો આસ્વાદ. જ્યારે પણ ઠાકુરદ્વાર જવાનું બને ત્યારે અચૂક, ભૂલ્યા વિના આ સમોસાંનો સ્વાદ માણજો.

Sanjay radia columnists