એકલા હાથે વૉર, એકલા હાથે જીત

31 May, 2023 05:15 PM IST  |  Mumbai | Rashmin Shah

દાઉદ અને રાજન પછી ઇન્ડિયા પર રાજ કરવાનું સપનું જોનારા અન્ડરવર્લ્ડ ડૉન રવિ પૂજારીને કેવી રીતે પકડવામાં આવ્યો એની વાત ‘અ ડૉન્સ નેમેસિસ’માં આખા ઑપરેશનના સર્વેસર્વા એવા આઇપીએસ ઑફિસર અમરકુમાર પાંડેએ કહી છે

`અ ડૉન્સ નેમેસિસ` અને અમરકુમાર પાંડે

દાઉદ અને રાજન પછી ઇન્ડિયા પર રાજ કરવાનું સપનું જોનારા અન્ડરવર્લ્ડ ડૉન રવિ પૂજારીને કેવી રીતે પકડવામાં આવ્યો એની વાત ‘અ ડૉન્સ નેમેસિસ’માં આખા ઑપરેશનના સર્વેસર્વા એવા આઇપીએસ ઑફિસર અમરકુમાર પાંડેએ કહી છે. એ વાંચ્યા પછી થયા વિના રહે નહીં કે પાંડેજીની આ બુક સિવિલ સર્વિસના સિલેબસમાં સામેલ કરવી જોઈએ

વાત આગળ વધારતાં પહેલાં જ કહેવાનું કે આ બધું વાંચ્યા પછી જો તમને મનમાં થાય કે કણાર્ટકના આઇપીએસ ઓફિસર ડૉક્ટર અમરકુમાર પાંડેએ લખેલી બુક ‘અ ડૉન્સ નેમેસિસ’ પરથી બહુ મસ્ત વેબસિરીઝ બની શકે એમ છે એટલે ચાલો એના રાઇટ્સ લઈ લઈએ તો સૉરી, આ કામ પહેલાં જ થઈ ગયું છે. ‘ઓહ માય ગૉડ’ અને ‘૧૦૨ નૉટ આઉટ’ જેવી અવ્વલ દરજ્જાની ફિલ્મો ડિરેક્ટ અને પ્રોડ્યુસ કરી ચૂકેલા ઉમેશ શુક્લએ આ બુકના રાઇટ્સ લઈ લીધા છે અને હવે તે એના પર કામ કરી રહ્યા છે.

‘અ ડૉન્સ નેમેસિસ’ છે જ એવી. એ વાંચતી વખતે જ તમારા શરીરમાં વહેતા લોહીની ગતિ ૨૪૦ની થઈ જાય અને તમારું બ્લડ-પ્રેશર ઊછળીને ૩૦૦ને ટચ કરી જાય. જે માણસને તમે જોયો નથી, જેનો એક ફોટોગ્રાફ કોઈ પાસે છે નહીં, છે તો માત્ર એક રફ સ્કેચ અને એ પણ દશકાઓ જૂનો, એ માણસને તમારે પકડવાનો છે. બીજી વાત, તમારી પાસે તેનું કોઈ ઍડ્રેસ નથી. અરે, ઍડ્રેસ તો છોડો સાહેબ, તમારી પાસે એ માહિતી પણ નથી કે તે આવડી મોટી દુનિયાના કયા દેશના કયા શહેરમાં પથારી પાથરીને બેઠો છે. નવ અબજની આ દુનિયામાંથી એક માણસને શોધવો અને તેને શોધીને તમારા દેશમાં પાછો લઈ આવવો. જો આવું કામ કોઈ સોંપે તો નૅચરલી મનમાં પહેલો વિચાર એ જ આવે કે ભાઈ, રિટાયરમેન્ટ લઈને ઘરે બેસીએ. પણ ના, અમરકુમાર પાંડેને આ વાત લાગુ નથી પડતી. અગેઇન્સ્ટ ઑલ ઑડ્સ, પાંડેજીએ તેમને મળેલી ચૅલેન્જ સ્વીકારી લીધી અને એ કામ કરી દેખાડ્યું જે ઇન્ડિયન પોલીસ ફોર્સ માટે બેમિસાલ બનીને રહી ગયું.

કોણ હતો રવિ પૂજારી? | રવિ પૂજારીના કાળાં કામોની શરૂઆત એંસીના દશકથી થઈ હતી. જોકે એ સમયે દાઉદ ઇબ્રાહિમ અને છોટા રાજનનું સ્તર રાજાની રાજકુમારીની જેમ દિન દોગુના, રાત ચૌગુના વધતું હોવાથી કોઈએ રવિ પર બહુ ધ્યાન નહોતું આપ્યું. જોકે ધ્યાન આપવાનું શરૂ ત્યારે થયું જ્યારે રવિ પૂજારીએ ઇન્ડિયાના પ્રસિદ્ધ ફિલ્મસ્ટાર અને બિઝનેસમેનને ધમકી આપવાનું શરૂ કર્યું. 

નેવુંના અંતિમ તબક્કામાં રવિ પૂજારીનો એવો દાવો હતો કે તે હિન્દુતરફી છે અને દેશમાં આતંક ફેલાવતાં મુસ્લિમ સંગઠનો અને જેહાદી મુસ્લિમોનો દુશ્મન છે. તેણે અમુક કામો એવાં કર્યાં પણ ખરાં જેને લીધે તેની આ ઇમેજ થોડા સમય માટે બિલ્ટ-અપ થઈ. જોકે એ પછી જ્યારે તેણે અક્ષયકુમાર, કરણ જોહર, ઋતિક રોશન જેવા ફિલ્મસ્ટાર્સને ધમકીઓ આપવાની ચાલુ કરી એટલે તેની એ બનાવેલી ઇમેજ તૂટવા માંડી. રવિ પૂજારીએ અમુક મિનિસ્ટરોને પણ ધમકી આપી હતી અને પ્રોટેક્શન મની ઉઘરાવ્યું હતું. એક તો રવિ પૂજારીનું લોકેશન ક્યાંયથી ટ્રેસ નહોતું થતું. તે ઑસ્ટ્રેલિયામાં છે ને વાત આવેને થોડા જ સમયમાં તે વેસ્ટ ઇન્ડીઝથી ધમકીઓ આપતો. અમરકુમાર પાંડે કહે છે, ‘રવિની ખાસિયત એ હતી કે તે એકધારો ધમકીઓ નહોતો આપતો. વર્ષમાં બે-ચાર એવા મોટા લોકોને ધમકી આપે જેને લીધે તે હેડલાઇન બને અને એ પછી તે સામાન્ય સ્તરના શ્રીમંતોને પકડીને તેની પાસેથી પૈસા કઢાવતો. તેણે મીડિયાનો ઉપયોગ પોતાની પબ્લિસિટી માટે બખૂબી કર્યો હતો.’

એક ઘટના, ચાર દાવેદાર |‘અ ડૉન્સ નેમેસિસ’ અમરકુમાર પાંડેએ પોતાના સ્વાનુભવો પર લખી અને તે જ આ કથા કહેવાના સાચા હકદાર હતા. જોકે તમને જાણીને નવાઈ લાગશે કે રવિ પૂજારીની અરેસ્ટ પર ઑલરેડી ત્રણ પત્રકારોએ જુદા-જુદા પબ્લિકેશન સાથે કૉન્ટ્રૅક્ટ કરીને બુક લખવાનું શરૂ પણ કરી દીધું હતું! બુક લખવાની એ ઘટના પાછળ મુખ્ય કારણ માત્ર એક હતું કે ઓટીટી પ્લૅટફૉર્મને વેબસિરીઝ માટે રાઇટ્સ વેચી શકાય. જોકે એ મેલી મુરાદ પૂરી ન થઈ અને એ માટે પણ રવિ પૂજારી જ જવાબદાર બન્યો.

એક વખત કોર્ટમાં હાજર કરતી વખતે રવિ પૂજારીને નૅશનલ ન્યુઝ-ચૅનલે પોતાની બાયોગ્રાફી વિશે સવાલ કર્યો ત્યારે રવિએ ઑન-કૅમેરા એવું સ્ટેટમેન્ટ કર્યું કે પાંડેજીની બુક આવશે એ વાંચ્યા પછી તે નક્કી કરશે કે તેણે બાયોગ્રાફી લખવી કે નહીં?

પબ્લિકેશન માર્કેટમાં સન્નાટો પ્રસરી ગયો અને જે લોકો આ ઘટનાને શબ્દસ્થઃ કરીને કમોસમી વરસાદ વચ્ચે ભજિયાં વેચી લેવાની માનસિકતા ધરાવતા બધા અટકી ગયા અને ઑથેન્ટિક કહેવાય એવા દેશના જાંબાઝ ઑફિસરની ફર્સ્ટ હૅન્ડ રિપોર્ટ જેવી ‘અ ડૉન્સ નેમેસિસ’ સૌની સામે આવી.

સ્ટોરી શૉર્ટકટ

‘અ ડૉન્સ નેમેસિસ’માં વાત છે એક એવા ડૉનને પકડવાની જેના વિશે પોલીસને કંઈ ખબર નથી. મહારાષ્ટ્રથી લઈને દિલ્હી, બિહાર, ગુજરાત સહિત દેશનાં ૧૭ રાજ્યોની પોલીસના રજિસ્ટરમાં વૉન્ટેડ એવા રવિ પૂજારીને પકડવાની જવાબદારી એક વ્યક્તિ પોતાની શિરે લે છે અને પછી કેવી રીતે તે આ આખા જંગમાંથી પાર પડે છે એ વાત ‘અ ડૉન્સ નેમેસિસ’માં કહેવામાં આવી છે. રવિ પૂજારીને ફૉરેનમાં પકડવાનો, પકડ્યા પછી તેને ઇન્ડિયા લાવવાનો અને એ માટે ઇન્ટરનૅશનલ લૉ સામે પણ લડવાનું. આ બધું કામ અમરકુમાર પાંડેએ કર્યું અને એ પણ એવા સમયે જ્યારે રવિ પૂજારી આફ્રિકાના એવા દેશમાં હતો જે દેશ સાથે ઇન્ડિયાની ટ્રીટી નહોતી. રવિ પૂજારીની અરેસ્ટ પછી કાયદાકીય લડત આપવાનું કામ પણ અમરકુમાર પાંડેએ કર્યું અને તેને હિન્દુસ્તાન લાવવામાં આવ્યો. રવિ પૂજારીનો કબજો ઇન્ડિયાને મળ્યો એ સમયે તેના પર હત્યા અને ધમકીના ૧૦૦થી વધારે કેસ રજિસ્ટર થયેલા હતા. ડિરેક્ટર ઉમેશ શુક્લ કહે છે, ‘મારે મન ‘અ રવિ પૂજા નેમેસિસ’ હિન્દુસ્તાની પોલીસ ફોર્સની એ સાઇડ છે જેને આપણો તિરંગો પણ સૅલ્યુટ કરે છે.’

colum ravi pujari Rashmin Shah dawood ibrahim