કમાલના કમબૅક સાથે થીમ બન્યો ચૅમ્પિયન

15 September, 2020 12:41 PM IST  |  New York | IANS

કમાલના કમબૅક સાથે થીમ બન્યો ચૅમ્પિયન

આખરે જીતી લીધી ગ્રૅન્ડ સ્લૅમ ટ્રોફી

વર્લ્ડ નંબર ૩ ઑસ્ટ્રિયન ટેનિસ પ્લેયર ૨૭ વર્ષના ડોમિનિક થીમે પહેલી વાર યુએસ ઓપનનો ખિતાબ પોતાના નામે કરી લીધો છે. આ કમાલ કરનાર ત પહેલો ઑસ્ટ્રિયન પ્લેયર બન્યા છે. રવિવારે ખાલીખમ સ્ટેડિયમમાં રમાયેલા પાંચ સેટના રોમાંચક ફાઇનલ જંગમાં ચાર કલાક અને બે મિનિટના સંઘર્ષ બાદ તેણે જર્મનીના ઍલેક્ઝાન્ડર ઝ્‍વેરેવને ૨-૬, ૪-૬, ૬-૪, ૬-૩, ૭-૬થી હરાવ્યો હતો.
ચોથા પ્રયાસે બન્યો ચૅમ્પિયન
થીમ કરીઅરની ચોથી ગ્રૅન્ડ સ્લૅમ ફાઇનલ રમી રહ્યો હતો. આ પહેલાં આ વર્ષની શરૂઆતમાં રમાયેલી ઑસ્ટ્રેલિયન ઓપન અને એ પહેલાં ૨૦૧૮ અને ૨૦૧૯માં ફ્રેન્ચ ઓપનમાં ફાઇનલ સુધી તેણે મજલ મારી હતી, પણ રનર-અપથી જ તેણે સંતોષ માનવો પડ્યો હતો. આગલી ત્રણેય ફાઇનલના અનુભવને કામે લગાડતાં થિમે પ્રથમ બે સેટ હાર્યા છતાં હતાશ થયા વગર કમાલનું કમબૅક કરીને ત્રીજો અને ચોથો સેટ જીતીને બરોબરી કરી લીધી હતી. પાંચમા અને નિર્ણાયક સેટમાં થિમ એક સમયે ૩-૫થી પાછળ પડી ગયો હતો અને એ પછી તેણે જોર બતાવ્યું હતું અને આખરે વિજેતા નક્કી કરવા ટાઇબ્રેકરનો સહારો લેવો પડ્યા હતો. થીમ ટાઇબ્રેકરમાં જીત મેળવીને આખરે ચોથા પ્રયાસે ગ્રૅન્ડ-સ્લૅમ ટ્રોફી ઘરે લઈ જવામાં સફળ થયો હતો.
પહેલા બે સેટ હારી ગયા બાદ કમાલનું કમબૅક કરીને આ ટાઇટલ પોતાના નામે કરનારો ૭૧ વર્ષ બાદ તે પહેલો પ્લેયર બન્યો હતો. આ પહેલાં ૧૯૪૯માં પૅન્ચો ગૉન્ઝાલેજે આ પરાક્રમ કર્યું હતું.
પ્રથમ વાર ટાઇબ્રેકર ચૅમ્પિયન
પહેલી વાર યુએસ ઓપનમાં વિજેતાનો નિર્ણય ટાઇબ્રેકર દ્વારા થયો હતો. પાંચમા સેટમાં ૬-૬થી બરોબરી કર્યા બાદ ટાઇબ્રેકરમાં થીમ ૮-૬થી વિજેતા બનીને યુએસ ઓપનનો પ્રથમ ટાઇબ્રેકર ચૅમ્પિયન બન્યો હતો.
૬ વર્ષે મળ્યો નવો ગ્રૅન્ડ સ્લૅમ ચૅમ્પિયન
ઑસ્ટ્રિયન પ્લેયર ડોમિનિક થીમ છેલ્લાં ૬ વર્ષમાં ગ્રૅન્ડ સ્લૅમ ટુર્નામેન્ટ જીતનારો પહેલો નવો ખેલાડી બન્યો છે. આ પહેલાં ૨૦૧૪માં મારીન સિલિચ ગ્રૅન્ડ સ્લૅમ જીતનારો નવો પ્લેયર બન્યો હતો. છેલ્લા ઘણા સમયથી ટેનિસના બિગ-થ્રી રૉજર ફેડરર, રાફેલ નડાલ અને નોવાક જૉકોવિચમાંથી મોટા ભાગે ચૅમ્પિયન બનતા જોવા મળ્યા છે. જોકે આ વખતે આ બિગ-થ્રી ક્વૉર્ટર-ફાઇનલમાં પણ ન જોવા મળ્યા હોય એવું ૧૬ વર્ષ બાદ બન્યું છે.
૧૭ વર્ષમાં પાંચમો નવો ચૅમ્પિયન
યુએસ ઓપનને છેલ્લાં ૧૭ વર્ષમાં પાંચ નવા ચૅમ્પિયન પ્રાપ્ત થયા છે. ૨૦૦૯માં માર્ટિન ડેલ પોત્રો (૨૦૦૯), ઍન્ડી મરે (૨૦૧૨), મારીન સિલિચ (૨૦૧૪) અને સ્ટેન વાવરિન્કા (૨૦૧૬)ના રૂપમાં નવા ચૅમ્પિયન મળ્યા હતા. ૨૦૦૪થી ૨૦૧૯ દરમ્યાન સતત ૧૬ વર્ષ સુધી રાફેલ નડાલ (૨૦૧૦, ૨૦૧૩, ૨૦૧૭, ૨૦૧૯) નોવાક જોકોવિચ (૨૦૧૧, ૨૦૧૫, ૨૦૧૮) અને રૉજર ફેડરર (૨૦૦૪થી ૨૦૦૮) આ ટાઇટલ જીત્યા હતા. ત્રણ-ત્રણ ગ્રૅન્ડ સ્લૅમ ફાઇનલમાં હાર્યા બાદ ઑસ્ટ્રિયાનો ડોમિનિક થીમ રવિવારે યુએસ ઓપન ટ્રોફી જીતવામાં સફળ થયો હતો.

tennis news columnists us open