શું તમે બીજાના કાર્યની કદર કરી શકો છો?

24 June, 2020 05:17 PM IST  |  Mumbai | Sejal Ponda

શું તમે બીજાના કાર્યની કદર કરી શકો છો?

પ્રોત્સાહનના બે શબ્દો કહેવામાં આપણું કંઈ જ લૂંટાઈ નથી જવાનું

 જ્યારે હતાશ કરી નાખે, અપમાન કરી નાખે એ ક્ષણ બહુ જ પીડાદાયક હોય છે. ફરીથી હિંમત કેળવવી ખૂબ અઘરી હોય છે. આપણાથી થઈ શકતું હોય ત્યાં સુધી કોઈની કદર કરવામાં, તેને પ્રોત્સાહનના બે શબ્દો કહેવામાં આપણું કંઈ જ લૂંટાઈ નથી જવાનું

સ્કૂલમાં નોટબુકમાં સુંદર અક્ષરોથી લખાયું હોય તો ટીચર આખા ક્લાસની સામે એ બુક બતાવી વખાણ કરતા અને બીજા વિદ્યાર્થીઓને સુંદર અક્ષરોમાં લખવાની પ્રેરણા આપતા. સ્કૂલની કોઈ ઍક્ટિવિટીમાં સારી ગ્રેડ મળી હોય તો ટીચર ફરી બધાની સામે ઊભા કરી વખાણ કરતા. સારા માર્ક્સ આવ્યા હોય તો સ્કૂલની સાથે ઘરમાં પણ કદર થઈ જતી. પોતાનાં વખાણ સાંભળી એ સમયે ખુશીનો પાર ન રહેતો અને વધુ સારું પર્ફોર્મ કરવાનો ઉત્સાહ વધી જતો. બમણું જોશ આવી જતું.

આપણા કરેલા કોઈ પણ કામની કદર થાય, એનાં વખાણ થાય તો સારી ફીલિંગ્સ આવે એ સ્વાભાવિક છે. આમ કરવાથી સામેવાળી વ્યક્તિમાં એ કામ કરવાનું જોમ વધે છે. બાળક કોઈ કામનો પહેલો પ્રયાસ કરે ત્યારે તેને પ્રોત્સાહનની ખૂબ જરૂર પડે છે. એ પ્રયાસનું રિઝલ્ટ કંઈ પણ હોય પણ તેના એ પ્રયત્નની કદર થાય તો બાળકના આત્મવિશ્વાસમાં ધરખમ વધારો થાય છે. આ જ નિયમ મોટાઓને પણ લાગુ પડે છે.
સાવ નવીસવી પરણી આવેલી વહુએ પિયરમાં ક્યારેય પાણીનો ગ્લાસ પણ ન ઉપાડ્યો હોય અને સાસરે આવી દિલથી કોઈ વાનગી બનાવવાનો પ્રયાસ કરે ત્યારે તેના આ પ્રયાસની કદર થવી જોઈએ. સ્વાદ મહત્ત્વનો નથી, પ્રયાસ મહત્ત્વનો છે. પણ આવું તે કંઈ બનાવાય એમ કહી તેના દિલથી કરેલા પ્રયત્નને વખોડી નાખીએ તો એ વ્યક્તિના મનમાં એવું વસી જાય કે તે ક્યારેય કોઈ વાનગી બનાવી જ નહીં શકે.
આપણે કોઈ કંઈ જ શીખીને નથી આવતા. અહીં રહીને જ શીખીએ છીએ. શીખીએ છીએ એનો અર્થ એ છે કે શીખવાની આપણી ભાવના, ઇચ્છા બન્ને છે. કંઈક નવું કરતા હોઈએ ત્યારે શરૂઆતમાં એ બગડે એવું પણ બને. જોઈએ એવું પરિણામ ન મળે એ શક્ય છે, પણ એ કરતાં-કરતાં જ એમાં મહારત હાંસિલ થાય છે. પણ સારું પરિણામ મળે ત્યાં સુધીની જર્ની બહુ જ અઘરી અને કપરી હોય છે.
બાળક કોરી પાટી પર એકડો વારંવાર ઘૂંટે પછી જ તેને એકડાની સમજ આવે છે. જીવનમાં પણ આ જ નિયમ લાગુ પડે છે. જો બાળક એકડો ન ઘૂંટી શકતો હોય તો તેને ઉતારી ન પડાય કે હતાશ ન કરાય, ઊલટાનું તેને પ્રોત્સાહન અપાય કે તું વારંવાર કરીશ, મનથી કરીશ તો તને ચોક્કસ એકડો લખતાં આવડી જશે.
આપણે કોઈ ક્ષેત્રના મહારથી હોઈએ અથવા તો આપણે સામેવાળી વ્યક્તિ કરતાં વધુ જાણતા હોઈએ અને એવા સમયે કોઈ પોતાનું કામ આપણને બતાડે ત્યારે એ કામમાં કદાચ સો ટકા જેટલું પરિણામ ન હોય, પણ એના 50 કે 70 ટકા જેટલા પરિણામ અને સો ટકા જેટલા પ્રયત્ન માટે એ વ્યક્તિની કદર કરવી જ જોઈએ. આપણે કોઈની કદર કરવામાં બહુ પાછા પડીએ છીએ. કાર્ય વધુ સારી રીતે થઈ શક્યું હોત એ કહેવાની પણ એક રીત અને સભ્યતા હોય. તમે જો કોઈને એમ કહો કે સારું છે, પણ હજી અમુક તમુક પ્રમાણે થયું હોત તો વધું સારું બનત. પણ મને તારા કામમાં અમુક વસ્તુ બહુ જ ગમી. એમાં અમુક તમુક કચાશ હતી, પણ મને વિશ્વાસ છે કે તું એને સુધારી શકે છે. આવાં વાક્યો સામેવાળી વ્યક્તિના મનમાં વિશ્વાસ જગાડે છે કે યસ, હું પણ કંઈ કરી શકું છું. પણ જો તમે એમ કહી દો કે તારામાં આ કામ કરવાની ત્રેવડ જ નથી અને તું ક્યારેય આ કામ કરી જ નહીં શકે તો સામેવાળી વ્યક્તિનું મૉરલ તૂટી જશે. તે અપમાનિત મહેસૂસ કરશે. જાત પરનો વિશ્વાસ ગુમાવી દેશે.
બીજાને પછાડવામાં ઘણા માણસોને આનંદ આવતો હોય છે. આ આનંદને વિકૃત આનંદ કહેવાય. આપણું જ્ઞાન બીજાના જ્ઞાન કરતાં ચડિયાતું છે એ સાબિત કરીને આપણે પોતાનો દબદબો બનાવવા માગીએ છીએ અને સામેવાળી વ્યક્તિ અજ્ઞાની છે એવું ઠસાવવા માગીએ છીએ.
કોઈ જ્યારે હતાશ કરી નાખે, અપમાન કરી નાખે એ ક્ષણ બહુ જ પીડાદાયક હોય છે. ફરીથી હિંમત કેળવવી ખૂબ અઘરી હોય છે. ઘણી વાર તો વ્યક્તિ પોતે ફેલ્યર છે એમ માનતી થઈ જાય છે જે આગળ જતાં તેના જીવન માટે ઘાતકી બની શકે છે.
ભલેને કોઈ વ્યક્તિએ એક નાની કવિતા લખી હોય કે પાંચ મિનિટની શૉર્ટ ફિલ્મ બનાવી હોય કે પછી વાંકીચૂકી રોટલી બનાવવાનો પ્રયાસ કર્યો હોય, જો તેને અપ્રિશિયેશન મળે તો તે બમણા જોશથી કામ કરશે એ વાત ચોક્કસ છે.
આપણે એક અવસ્થાએ પહોંચ્યા પછી બીજાની કદર કરતા નથી. જ્ઞાન તો આપવાથી વધે છે. કોઈ આપણાથી વધુ શીખી જશે એવી સંકુચિત માનસિકતા આપણને જ્ઞાનનાં વધુ પગથિયાં ચડવા નથી દેતી.
કોઈને માનસિક રીતે નબળા પાડવા એ પણ એક અપરાધ છે. દરેક વ્યક્તિ પાસે પોતાની ટૅલન્ટ હોય જ છે. જો આપણે એ ટૅલન્ટને આગળ વધવા માટે મદદ ન કરી શકતા હોઈએ તો કંઈ નહીં પણ આપણા ઉદ્ધતાઈભર્યા શબ્દોથી એ વ્યક્તિને હતાશ તો ન કરીએ.
આપણાથી થઈ શકતું હોય ત્યાં સુધી કોઈની કદર કરવામાં, તેને પ્રોત્સાહનના બે શબ્દો કહેવામાં આપણું કંઈ જ લૂંટાઈ નથી જવાનું. ચાપલૂસી નથી કરવાની કે ખોટાં વખાણ નથી કરવાનાં, પણ પ્રયાસને બિરદાવવાનો છે. તમે કોઈના પ્રયાસને બિરદાવી શકો છો કે નહીં એ ચોક્કસ ચેક કરજો. જો ન કરી શકતા હો તો અંદર રહેલી આ ખામીને સુધારવાની જરૂર છે, કારણ કે શબ્દો ઘા આપી શકે છે તો શબ્દો કોઈની જિંદગી લાજવાબ પણ બનાવી શકે છે.

Sejal Ponda columnists