તમને યાદ છે છેલ્લે તમે ક્યારે ખડખડાટ હસ્યા હતા?

08 January, 2021 01:51 PM IST  |  Mumbai | Bhakti D. Desai

તમને યાદ છે છેલ્લે તમે ક્યારે ખડખડાટ હસ્યા હતા?

તમને યાદ છે છેલ્લે તમે ક્યારે ખડખડાટ હસ્યા હતા?

આ પ્રશ્ન દરેકને વિચારતા કરી દે એવો છે, પણ હાલમાં ચાલી રહેલા કટોકટીના કાળમાં આ બાબતે સાચે જ સભાનતા કેળવવી બહુ જરૂરી છે. કહે છે કે હસે તેનું ઘર વસે. ચોતરફથી અનેક પડકારોનો સામનો કરવાનો છે એવી સ્થિતિમાં હાસ્યરસનો ઉમેરો જીવનમાં અચૂક કરવાની સભાનતા અનેક માનસિક સમસ્યાઓને છેટે રાખશે એની ગૅરન્ટી છે

અભ્યાસ કહે છે કે આપણે જેટલી વાર પણ ખડખડાટ હસીએ છીએ એમાંનો ૯૭ ટકા સમય આપણે લોકો સાથે ભેગા બેઠા હોઈએ ત્યારે જ હસીએ છીએ. કોરોનાને કારણે થેયલા લૉકડાઉનની પહેલાંની વાત કરીએ તો જિંદગીમાં આપણે વારંવાર મિત્રોને મળતા હતા, સમાજમાં નાના-મોટા પ્રસંગો, ગેટ-ટુગેધરમાં લોકોનું સાથે મળવાનું પ્રમાણ વધારે હતું. પણ આવા મેળાવડા હવે ઓછા થાય છે. બદલાયેલી પરિસ્થિતિમાં સ્ટ્રેસ, ઉચાટ, ટેન્શન, ભવિષ્યની અસલામતી, એકલતા તેમ જ સામાજિક હૂંફના અભાવને પગલે લોકોના ચહેરા પરનું સ્મિત ઊડી ગયું છે. હવે જ ખરો સમય છે કે જેમાં હળવાશની પળોનું જીવનમાં કેટલું મહત્ત્વ છે એ સમજી લેવું બહુ જરૂરી છે. લોકો પોતાના દૈનિક જીવનમાં હસવા બાબતે કેટલા સભાન છે એ આજે જાણીએ...

હસવાની કોઈ તક હું ગુમાવતો નથી : દિલીપ પાટડિયા
સૉફ્ટવેર કંપનીમાં કામ કરનાર જોગેશ્વરીમાં રહેતા દિલીપ પાટડિયા વ્યાવસાયિક જીવનનો તનાવ અને વ્યક્તિગત જીવનની રમૂજ વચ્ચે બખૂબી સંતુલન બનાવી રાખે છે. તેઓ આ વિશે મત આપતાં કહે છે, ‘જેને જીવનમાં હસવા માટે કારણો શોધવાં પડે તેનાથી દુ:ખી આ દુનિયામાં કોઈ હોઈ ન શકે એવું હું માનું છું. નાની-નાની વસ્તુમાંથી હું ખુશી લઈ શકું છું. મેં વર્ષો પહેલાં ક્યાંક એવું વાંચ્યું છે કે કેટલી પણ ઉંમર થાય તોય વ્યક્તિએ પોતાના મનમાં રહેલા બાળકને જીવંત રાખવું જોઈએ. જો ભોળપણ હોય તો જ હસી શકાય તેથી હું હસવા માટે બાળકને નજર સમક્ષ રાખું અને જોઈ લઉં. બાળકના બોલવાથી, તેની અમુક નાદાન હરકતોથી અને હસવાથી ગમે તેવી ગંભીર સ્થિતિમાં પણ મને હસવું આવે છે. આ સિવાય હું મારા સ્કૂલના મિત્રોને અઠવાડિયામાં બે-ત્રણ વાર મળી લઉં છું અને તેમની સાથે હસવાની મજા જ ઓર છે. મારા વ્યાવસાયિક જીવનમાં ખૂબ તનાવ છે તેથી મારા જીવનમાં હસવાની કોઈ તક હું ગુમાવતો નથી. આના જેવું બીજું કોઈ સ્ટ્રેસ-બસ્ટર મારે માટે નથી અને એનાથી જ હું વ્યક્તિગત જીવનમાં તનાવમુક્ત રહેતો હોઉં છું.’

પરિવાર સાથે સાથે કૉમેડી શો જોવાથી રિલૅક્સ થઈ જવાય છે : જિજ્ઞેશ પારેખ
જોગેશ્વરીમાં રહેતા બૅન્કર જિજ્ઞેશ પારેખ દૈનિક જીવનમાં હસવાનું મહત્ત્વ જાણે છે. તેઓ કહે છે, ‘મને જ્યારે પરિવાર સાથે બેસવાની ફુરસદ મળે ત્યારે હું કૉમેડી શો જોવાનો આગ્રહ રાખું છું. કોરોનાના સમયમાં પણ જ્યારે વિશ્વમાં તનાવનો માહોલ હતો ત્યારે મારા પરિવાર સાથે હું ઘરમાં ટીવી પર એવા શો જોતો હતો જેનાથી ઘરનો માહોલ ગંભીર ન રહે. બાળકો ઘરેથી ઑનલાઇન ભણે, મને પણ બૅન્કમાં કોરોનાની વાતો અને કિસ્સાઓ સંભળાતા હોય એવામાં જીવનમાં રમૂજભર્યા કિસ્સાઓ અને લોકો સાથે હળવામળવાની કમી જણાઈ રહી હતી. એક વાત સાચી છે કે જેટલું એક વ્યક્તિ ગ્રુપમાં હસી શકે એટલું એકલા બેસીને ન હસી શકાય. હું એપ્રિલ મહિના પછી બૅન્કમાં દિવાળીમાં જ્યારે બધા મિત્રો સાથે મળ્યા ત્યારે ખડખડાટ હસ્યો છું. મને હવે એવું લાગે છે કે બહારના તનાવની અસર અમારા જીવનમાં એટલી બધી નથી થઈ અને એનું શ્રેય જાય છે એ અમારા હસતા રહેવાના પ્રયત્નોને.’

ખડખડાટ હસવું એ મારા માટે ટૉનિક જેવું કામ કરે છે: જિજ્ઞાસા ભાટિયા
મલાડમાં રહેતાં ગૃહિણી ‌જિજ્ઞાસા ભાટિયા લૉકડાઉન દરમ્યાન મજાક-મશ્કરીથી વંચિત નહોતાં. તેમણે પોતાના જીવનમાં ઘણી સમસ્યાઓનો સામનો કર્યો હોવા છતાં વ્યક્તિત્વ અને જીવનને જીવંત રાખ્યું છે. તેઓ આ વિશે કહે છે, ‘મારાં મમ્મીનું ઘર મારા ઘરથી ખૂબ નજીક છે. મને બે દીકરા છે અને એક દીકરો ખૂબ મસ્તીખોર સ્વભાવ ધરાવે છે છતાં મારા ઘરમાં હસવાના પ્રસંગો ઓછા બને. ઘરના કામમાં આ બધું યાદ ન આવે પણ મારાં ભાઈઓ, ભાભીઓ અને હું બધાં કામ પતાવીને અઠવાડિયામાં અમુક વાર રાત્રે મળીએ અને ત્યારે અમને એટલી મજા આવે કે જાણે મારી દુનિયા જ બદલાઈ જાય! મેં જોયું છે કે જ્યારે આપણે દિલ ખોલીને હસીએ છીએ ત્યારે મગજમાં કોઈ ચિંતાઓ જ નથી હોતી. મહિનામાં એક વાર હું મારી સ્કૂલની બહેનપણીઓને પણ મળું છું જે કોરોનાના સમયમાં શક્ય નહોતું. હવે મળી શકાય છે અને ત્યાં પણ અમારે ગ્રુપમાં મશ્કરી, મજાક, રમૂજ થતી રહે છે. હસવા પછી મન ખૂબ પ્રફુલ્લિત રહે છે. મારે માટે તો આ એક ટૉનિક જેવું કામ કરે છે.’

હું તો બૅન્કની લાઇનમાં ઊભાં-ઊભાં લોકોએ કરેલા ઝઘડા પર પણ હસી લઉં : નીરવ શાહ
મુલુંડમાં રહેતા વેપારી નીરવ શાહ નાની-નાની વાતમાં રમૂજ શોધે છે અને આ વિશે તેઓ કહે છે, ‘મારા જીવનમાં રમૂજ અને હસવાની ઘટનાઓ એક સ્ટ્રેસબસ્ટર તરીકે કામ કરે છે. મને તો કોરોનાના સમયમાં બૅન્કની લાઇનમાં ઊભાં-ઊભાં લોકોએ કરેલા ઝઘડા પર પણ હસવું આવ્યું છે. મને હસવા માટે કોઈ મોટાં કારણોની જરૂર નથી પડતી. હું જ્યારે દરેક સ્ટ્રેસને ભૂલી જવા ઇચ્છતો હોઉં ત્યારે કોઈ એવી વાત યાદ કરું કે જેનાથી મને ખડખડાટ હસવું આવ્યું હોય. આને માટે મારે ફક્ત મારા સાઢુભાઈને મળવાની જરૂર હોય છે. અમે બે વિશ્વના કોઈ પણ ખૂણામાં મળીએ ત્યારે નજીવી બાબત પણ અમને ખડખડાટ હસાવી શકે છે. હું ૧૦૦ ટકા હસવાની શક્તિ અને એની અસર વિશે સજાગ છું.’

સંયુક્ત પરિવારમાં મજાક-મસ્તીની ઘણી પળો મળી જાય છે: ધારિણી મગિયા
બોરીવલીમાં રહેતાં ગૃહિણી ધારિણી મગિયા હસવાને તો જીવનમાં સ્થાન આપે છે, પણ સાથે જ તેઓ હસવાની આફ્ટર ઇફેક્ટ્સ પ્રત્યે પણ જાગૃત છે. તેઓ કહે છે, ‘આખી દુનિયા ખૂબ તનાવથી ગુજરી રહી હતી છતાં સંયુક્ત પરિવારમાં રહેવાને કારણે અમને દરેક સભ્યને સાથે રહેવાનો અને મજાક, મશ્કરી કરવાનો, રમતો રમવાનો એટલો સમય મળી ગયો કે અમને ખૂબ મજા આવી. મેં આ દરમ્યાન એક વાત અનુભવી કે આ મસ્તી-મજાકમાં સમય વિતાવ્યા પછી મને કેટલુંયે કામ હોય તોય હું એક હળવાશ અનુભવતી અને કામ પણ ઝડપથી કરી શકતી. આનાથી વિરુદ્ધ પહેલાં ક્યારેક એવો સમય પણ હતો કે એક જ રૂટીન ચાલતું રહે અને બહુ સમય સુધી કોઈને મળાય નહીં, પરિવાર સાથે બેસવાનો સમય ન મળે તો હસવાનો મોકો પણ ન મળે અને આને કારણે જીવનમાં શુષ્કતા આવી જતી. આ બન્ને અનુભવો પરથી જ મને સમજાયું કે હસવાનું મહત્ત્વ શું હોય અને એ કેટલું જરૂરી છે. આનાથી આપણે આપણું અંદરનું વ્યક્તિત્વ અને બહારનું વિશ્વ સકારાત્મક રીતે બદલી શકીએ છીએ.’

રોજબરોજમાં બહુ પ્રસંગો ઓછા બને છે જ્યાં હસવાનો મોકો મળતો હોય : કૌશિક ગાલા
અંધેરીમાં રહેતા કૌશિક ગાલા એક વેપારી છે. ઑફિસમાં તેઓને હાસ્ય-વિનોદનો મોકો ન મળે પણ તેઓ યાદ કરીને જવાબ આપતાં કહે છે, ‘આશરે એકાદ વર્ષ પહેલાં અમારો આખો પરિવાર એક લગ્નમાં જ્યારે મળ્યો હતો ત્યારે મને દિલ ખોલીને ખડખડાટ હસવાનો મોકો મળ્યો હતો. આ સિવાય ગયા ફેબ્રુઆરીમાં મારા સાઢુ અને અન્ય સભ્યો સાથે હું બહારગામ ફરવા ગયો હતો ત્યારે અમે ખૂબ મજાક-મશ્કરી કરી હતી અને લૉકડાઉન પછી ગયા મહિને અમે બહાર ગયા હતા ત્યારે હું હસ્યો હતો. બાકી વચલા લૉકડાઉનના મહિનાઓમાં પરિવાર સાથે સમય મળ્યો, મજા આવી, પણ ખડખડાટ હસવાની ઘટના નહીંવત બની. મારા દૈનિક જીવનમાં એવા કોઈ પ્રસંગો ઓછા બને છે જ્યારે મને હસવાનો મોકો મળતો હોય. કામને કારણે આવી નવરાશ પણ ન મળે. પરિવારના સભ્યો સાથે બેસવા મળે અને તેથી જ કદાચ હાસ્ય-વિનોદ અને મજાક-મશ્કરીનું પ્રમાણ મારા જીવનમાં ઓછું છે. ઑફિસમાં કોઈક વાર માહોલને હળવો કરવા હું સ્ટાફ સાથે રમૂજ કરી લઉં, પણ ત્યાં પણ આ બધું ખૂબ સીમિત રૂપમાં ચાલતું હોય છે.’

bhakti desai columnists health tips