વિરોધ શેનો અને કેમ કરો છો એ ખબર હોય છે ખરી?

20 January, 2020 04:03 PM IST  |  Mumbai Desk | falguni jadiya bhatt

વિરોધ શેનો અને કેમ કરો છો એ ખબર હોય છે ખરી?

આજકાલ દેશભરનાં વિવિધ રાજ્યોમાં જે હદે વિરોધ-પ્રદર્શનો થઈ રહ્યાં છે એ જોતાં તો એવું લાગે કે જાણે ભારતમાં અરાજકતા અને કટોકટીનો સમય ચાલી રહ્યો છે. જવાહરલાલ નેહરુ યુનિવર્સિટી (જેએનયુ)થી લઈને દેશભરની કૉલેજોમાં કોઈ ને કોઈ બાબતનો વિરોધ ચાલુ જ છે. આટલું ઓછું હોય એમ અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટીમાં તો અમેરિકાએ ઈરાનના લશ્કરી કમાન્ડર સુલેમાનીનો વધ કર્યો એનો પણ વિરોધ થતો જોવા મળ્યો. એક તરફ વિચારીને સારું પણ લાગે કે દેશના યુવાનો પોતાની રંગીન દુનિયાથી ઉપર ઊઠી દેશ અને દુનિયા માટે કશુંક કરવાનું ફક્ત વિચારી જ નથી રહ્યા, એ માટે કમર પણ કસી રહ્યા છે તો બીજી બાજુ ચિંતા પણ થાય કે પોતાના ભવિષ્ય અને કારકિર્દી પર ધ્યાન આપવાના સ્થાને આ યુવાનો સિટિઝન અમેન્ડમેન્ટ ઍક્ટ (સીએએ) સામે ઝંડો લઈને નીકળી તો પડ્યા છે, પરંતુ તેમનું માર્ગદર્શન કરનારા નેતાઓ તથા સેલિબ્રિટીઝ માટે આ ખરા અર્થમાં વિરોધ-પ્રદર્શન છે કે માત્ર પબ્લિસિટી સ્ટન્ટ?

આપણે ગમેતેટલી ચિંતા કરીએ, પણ હકીકત તો એ છે કે ભારતમાં સ્થિતિ વર્તાય છે એટલી ચિંતાજનક નથી. આપણા પાડોશી દેશ ચીનમાં મુસ્લિમ બહુમતી પ્રાંતમાં ચીનની સરકાર જબરદસ્તી અન્ય પ્રાંતના લોકોને વસાવી રહી છે. રશિયામાં આ રીતે શાસનનો વિરોધ કરતા યુનિયન લીડર્સ તથા સ્ટુડન્ટ્સ રાતોરાત ગાયબ થઈ જતા હોય છે. એની સામે આપણા દેશમાં જે રીતે રોજેરોજ જેએનયુ કે અન્ય સંસ્થાઓમાં વિદ્યાર્થીઓ પોતાનો વિરોધ પ્રગટ કરી શકે છે એ જ દર્શાવે છે કે આપણે ત્યાં હજી પણ લોકશાહીની પરંપરા સાબૂત છે. જો ખરેખર આપણે ત્યાં એટલી જ તાનાશાહી હોત તો શું આ યુવાનિયાઓ આટલા મહિનાઓ સુધી આટલો વિરોધ કરી શક્યા હોત?
પરંતુ આવા પ્રશ્નો ઉઠાવવાવાળાઓના અવાજ નબળા છે અને દેશ સાવ પાટા પરથી ઊતરી ગયો છે એવું કહેવાવાળાઓના અવાજ તીવ્ર બની ગયા છે. આવામાં દેશના યુવાનોના આદર્શ બનવાની ખેવના ધરાવનારા નેતાઓ તથા સેલિબ્રિટીઝની એ જવાબદારી બની જાય છે કે તેઓ પોતાનું ધ્યાન ફક્ત સોશ્યલ મીડિયા પર પોતાનું ફૉલોઇંગ વધારવા પર ન આપે, પરંતુ આ યુવાનોનું યોગ્ય માર્ગદર્શન પણ કરે.

તાજેતરમાં અભિનેત્રી દીપિકા પાદુકોણ જેએનયુમાં વિરોધ કરતા યુવાનોનું મનોબળ વધારવા પહોંચી તો ગઈ હતી, પણ પછી તેની પીઆર કંપની સમાચાર સંસ્થાઓને તેના ફોટો વહેંચવા માંડી હતી. આવું કરવા કરતાં દીપિકા સકારાત્મક રસ્તો પણ અપનાવી શકી હોત. વાસ્તવમાં દીપિકા જેએનયુ કોના સમર્થન તથા કોના વિરોધમાં ગઈ હતી એ જ સમજવું મુશ્કેલ હતું, કારણ કે જે લોકો સાથે તે ત્યાં ઊભી હતી તેમાંના ઘણા યુવાનેતાઓ કાશ્મીરની આઝાદીથી લઈને ભારતના ટુકડા કરાવવા સુધીની અનેક ચળવળો ચલાવી ચૂક્યા છે. આજદિન સુધી દીપિકા એ ચોખવટ કરી શકી નથી કે વાસ્તવમાં તે શેના સમર્થનમાં ત્યાં ગઈ હતી. એના સ્થાને એ દિવસે ત્યાં જઈને દીપિકાએ જેએનયુના વિદ્યાર્થીઓને સંબોધન કરી એવી શિખામણ આપી હોત કે તેઓ વિરોધની સાથે પોતાના અભ્યાસ અને ભવિષ્ય પર પણ ધ્યાન આપે તથા જે વિદ્યાર્થીઓ પરીક્ષા આપવા માગે છે તેમને પરીક્ષા આપવા દે તો તેનો ત્યાં સુધી લાંબા થવા પાછળનો કોઈ અર્થ પણ સરત. સાથે જ તેણે પોતાની પ્રતિભાનો યોગ્ય ઉપયોગ કર્યો પણ ગણાત.

આવા જ એક અન્ય ફિલ્મસ્ટાર આઝાદ મેદાનમાં સીએએના વિરોધ-પ્રદર્શનમાં પહોંચી ગયા હતા. જ્યારે ટીવીના પત્રકારોએ તેમને પૂછ્યું કે તેમને સીએએમાં શું વાંધો દેખાઈ રહ્યા છે તો તેઓ ફક્ત એટલું જ કહી શક્યા કે આટલા બધા લોકો અહીં વિરોધ પ્રગટ કરવા ભેગા થયા છે તો સીએએમાં એવું કંઈક તો છે જે લોકોને ગમી રહ્યું નથી. પરંતુ ખુદ પોતે ત્યાં શા માટે આવ્યા છે અને ખુદ તેમને પોતાને સીએએ સામે શું વાંધો છે એનો સ્પષ્ટ જવાબ આપી શક્યા નહોતા.

આજથી થોડાં વર્ષો અગાઉ જ્યારે અણ્ણા હજારે અને અરવિંદ કેજરીવાલ દિલ્હીના રામલીલા મેદાનમાં લોકપાલ તથા ભ્રષ્ટાચારના વિરોધમાં બેઠા હતા ત્યારે ઘણા બૉલીવુડ સ્ટાર્સ પણ ત્યાં પહોંચી ગયા હતા. હજારોની જનમેદની સામે ભ્રષ્ટાચાર વિરોધી અવાજો ઉઠાવી તેમની લોકપ્રિયતાનો ઇન્ડેક્સ રાતોરાત ઉપર પણ જતો રહ્યો હતો, પણ આજે તેમાંના કેટલા સ્ટાર્સ અણ્ણા હજારે તથા તેમના આંદોલનની શું સ્થિતિ છે એ જાણે છે તથા તેમાંના કેટલા અણ્ણા હજારેની ખબર પૂછવા કે તેમને મળવા ગયા છે એ પ્રશ્ન કોઈએ તેમને જઈને પૂછવો જોઈએ.

વિશાળ જનસંખ્યા ધરાવતા ભારત જેવા દેશમાં યુવાનો તથા અન્ય પેઢી વચ્ચે મતભેદ તથા મનભેદ થવો સ્વાભાવિક છે. આવામાં આ યુવાનોના આદર્શ બનવા નીકળી પડેલા લોકોની એ જવાબદારી બને છે કે તેઓ તેમનાં વિરોધ-પ્રદર્શનોનો ઉપયોગ માત્ર પોતાની લોકપ્રિયતા વધારવા માટે ન કરે, પરંતુ ખરા અર્થમાં તેમનું માર્ગદર્શન પણ કરે. જરૂરી નથી કે સરકાર કરે એ બધું સારું જ હોય, પરંતુ પોતાના વિરોધ માટે થઈ મહિનાઓ સુધી શૈક્ષણિક સંસ્થાઓને બંધ રાખવી અને આ બધી બબાલથી દૂર રહી માત્ર પરીક્ષા આપી આગળ વધવા માગતા વિદ્યાર્થીઓનું નુકસાન કરવું યોગ્ય નથી એવી સાચી સમજ પણ તેમને આપે.

લોકશાહીમાં દરેકને પોતાનો વિરોધ પ્રગટ કરવાની છૂટ છે, પરંતુ એ વિરોધ યોગ્ય દિશાનો તથા પદ્ધતિસરનો હોવો પણ એટલું જ આવશ્યક છે. યુવાનોના ગરમ ખૂનને આવી યોગ્ય દિશા દાખવવાનું કામ તેમના આદર્શ બનવા માગતા નેતાઓ તથા સેલિબ્રિટીઝનું છે. આ પહેલાં પણ ભારતમાં ભગત સિંહ કે રાજગુરુ જેવા યુવાનો હતા, પરંતુ તેમનું એકમાત્ર ધ્યેય ભારતની આઝાદી હતું. આજે કોઈ યુવા નેતા કાશ્મીરને આઝાદ કરવાની લડત (આઝાદ, પણ કોનાથી? એ પણ એક મોટો પ્રશ્ન છે. જે કાશ્મીર હાલ પાકિસ્તાનના તાબામાં છે એની પરિસ્થિતિ જુઓ તો ખબર પડે) ચલાવી રહ્યો છે તો કોઈ ભારતના ટુકડા કરવાની. જે હસ્તીઓ ક્યારેક સરદાર સરોવરની ઊંચાઈ કેટલી હોવી જોઈએ એના વિરોધમાં બેસી જતી હતી તેઓ આજે જઈને જુએ તો ખ્યાલ આવે કે એક સરદાર સરોવરથી ગુજરાત, રાજસ્થાન તથા મધ્ય પ્રદેશમાં કેટલાં ખેતરો લીલાંછમ બન્યાં છે. આવાં જ વિરોધ-પ્રદર્શનો બાંદરા-વરલી સી-લિન્ક બનવા અગાઉ પણ થતાં હતાં. એ દિવસોમાં વક્તવ્યો આપનારી કેટલીય સેલિબ્રિટીઝ આજે રોજિંદા ધોરણે કદાચ એ જ સી-લિન્કનો ઉપયોગ કરતી હશે એ વિચારી જુઓ. ટૂંકમાં આ કહેવાતા રોલ મૉડલ્સની મૌકે પે ચૌકા મારવાની વૃત્તિ જોતાં બીજું કંઈ સમજાય કે ન સમજાય એટલું ચોક્કસ સમજાય છે કે આજે દેશને જેટલી જરૂર સારા નેતાઓની છે કદાચ એટલી જ કે એનાથી પણ વધારે જરૂર જવાબદાર આદર્શોની છે.

falguni jadia bhatt columnists