વેડિંગ-ઇન્શ્યૉરન્સ વિશે તમે જાણો છો?

29 February, 2020 04:08 PM IST  |  Mumbai | Arpana Shirish

વેડિંગ-ઇન્શ્યૉરન્સ વિશે તમે જાણો છો?

પ્રતીકાત્મક તસવીર

એક કપલ માટે લગ્ન એટલે લાઇફની સૌથી મહત્ત્વની ક્ષણ જેને યાદગાર બનાવવા માટે આપણે ત્યાં પૈસા ખર્ચ કરવામાં કોઈ કસર બાકી નથી રાખવામાં આવતી. પછી ભલે એના માટે લોન કેમ ન લેવી પડે. પણ આજના સમયમાં અને એ પણ મુંબઈ જેવા શહેરમાં આવતી ઘડીએ શું થશે એની ખાતરી નથી હોતી ત્યારે વગર કોઈ રિસ્ક-કવર આટલોબધો ખર્ચ કરવો શું યોગ્ય છે? અને જો યોગ્ય હોય તોય બદનસીબે જો કોઈ અણબનાવ બને તો લગ્નની તૈયારી પાછળ ખર્ચ કરેલા લાખો રૂપિયાનું શું? આ બધા પ્રશ્નનો જવાબ છે વેડિંગ-ઇન્શ્યૉરન્સ. લગ્ન થવાનાં હોય ત્યારે બધા જ જ્યારે એ પ્રસંગ સુખરૂપ કઈ રીતે પાર પડે એની ચિંતામાં હોય છે ત્યારે ચાલો જાણીએ એક્સપર્ટ પાસેથી કે શું કામ આપણા દેશમાં લગ્નનો વીમો કરાવવો મસ્ટ છે અને કઈ રીતે એ કરી શકાય.

શા માટે કરાવવો જોઈએ વેડિંગ-ઇન્શ્યૉરન્સ?

એક જાણીતી વીમા કંપની સાથે સંકળાયેલા ઇન્શ્યૉરન્સ એક્સપર્ટ દીપક ભાનુશાલી કહે છે, ‘આપણા દેશમાં લગ્નનો વીમો ઉતરાવવો ખાસ જરૂરી છે, કારણ કે આપણે ત્યાં લગ્નમાં ખૂબ મોટી રકમ, દાગીના, ડિઝાઇનર કપડાં અને એવી અનેક ચીજોનો સમાવેશ થાય છે જેને જો નુકસાન પહોંચે તો ફાઇનૅન્શિયલી ખૂબ મોટું ગાબડું પડી શકે. અને એટલે જ જો ઇન્શ્યૉરન્સ હોય તો આ પ્રકારનું રિસ્ક કવર થઈ જાય.’

લગ્નની તૈયારીઓ દરમિયાન ઘણી જગ્યાઓએ મોટી રકમ ડિપોઝિટ તરીકે ભરવી પડતી હોય છે. આ પૉલિસીઓ તમારા આ જ પૈસાની અને ઍસેટ્સની કોઈ સંકટ આવે તો રક્ષા કરે છે અને બદલામાં તમે ચિંતા કર્યા વિના લગ્ન માણવા પર ફોકસ કરી શકો છો.

શું કવર થાય?

દરેક લગ્નની જેમ દરેક લગ્ન માટેની પૉલિસી પણ કસ્ટમાઇઝ્ડ હોય છે. પૉલિસી લેતા સમયે એમાં કેવા-કેવા પ્રકારનાં રિસ્ક કવર થશે એ પહેલેથી જ જાણી લેવું જોઈએ. આ વિશે જણાવતાં દીપક ભાનુશાલી કહે છે, ‘લગ્નનો હૉલ, કુક, કેટરિંગ, પુરોહિત, પંડિત, બ્યુટિશ્યન, ડેકોરેટર, વર અને વધૂનાં રહેઠાણ માટે પસંદ કરવામાં આવેલી જગ્યા, જેણે પૉલિસી કરાવી હોય તેના પરિવાર, ઘર અને ઘરમાં જો ચોરી થાય તો એ. આ બધાનું રિસ્ક-કવર વેડિંગ પૉલિસીમાં થઈ જાય છે. આજે મોટા ભાગના હૉલ, બૅન્ક્વેટ્સ, કેટરર, ડિઝાઇનર્સ ઍડ્વાન્સ વિના બુક નથી કરી શકાતા. અને જો લગ્ન કૅન્સલ કરાવવાં પડે તો આ ડિપોઝિટ કે ઍડ્વાન્સ રકમ પાછી પણ નથી મળતી. અહીં પૉલિસી હોય તો આ રિસ્ક કવર થઈ જાય છે. આ સિવાય વર અને વધૂને ઍક્સિડન્ટના લીધે થનારા ડેથ, ટેમ્પરરી કે પર્મનન્ટ ડિસેબિલિટી માટે પણ કવર મળે છે.’

આ બધામાં પ્રૉપર્ટી, જ્વેલરી, ઘરના લૉકરમાં રહેલી કૅશ વગેરેની ચોરી થાય તો એનો ક્લેમ મેળવવા માટે જે-તે ઍસેટના ઓરિજિનલ બિલ્સ અને બૅન્ક ડીટેલ્સ હોવી જરૂરી છે.

શું કવર નહીં થાય?

લગ્નની પૉલિસી કરાવવી એનો અર્થ એ નથી કે પોતાની જાતે કરેલી કોઈ ભૂલ કે એક્સપેક્ટેડ હાલતમાં થયેલું નુકસાન પણ એમાં કવર થઈ જશે. વેડિંગ-પૉલિસીમાં કઈ બાબતો કવર નથી થતી એ વિશે દીપકભાઈ કહે છે, ‘જો ચોમાસામાં જ લગ્ન રાખ્યાં હોય અને વધુ વરસાદને લીધે લગ્ન કૅન્સલ કરવાં પડે તો એનો ક્લેમ નથી મળતો. એ સિવાય વર અને વધૂના પરિવારો કે મિત્રો વચ્ચે કોઈ મતભેદ કે ઝઘડાને કારણે લગ્ન મોકૂફ રાખવાં પડે તો એના લીધે થયેલા નુકસાનનું રિસ્ક-કવર પણ ઇન્શ્યૉરન્સ કંપની નહીં આપે. નધણિયાતી જગ્યા અને વાહન પણ વેડિંગ-ઇન્શ્યૉરન્સમાં કવર નથી થતાં. આ સિવાય વર, વધૂ કે પરિવારના સભ્યો જો સેલ્ફ-ઇન્જરી કે સુસાઇડ કરવાની કોશિશ કરે તો એ કવર નહીં થાય. લગ્નસ્થળ ઇન્શ્યૉર્ડ હોય તો એ સ્થળે જો પૈસા સેફમાં રાખવાને બદલે બહાર પડ્યા હોય અને એ ચોરાઈ જાય તો એનો ક્લેમ પણ નથી મળતો.’

ક્યારે અને કેટલી રકમની પૉલિસી લેવી?

વેડિંગ-પૉલિસી લગ્નના ૧૦થી ૧૫ દિવસ પહેલાં કરાવી લેવી જોઈએ અને સમ ઇન્શ્યૉર્ડ હોય એ રકમનું એકથી દોઢ ટકા રકમનું પ્રીમિયમ પૉલિસી લેતા સમયે જ ભરવાનું હોય છે. જો ૫૦ લાખની પૉલિસી હોય તો એનું પ્રીમિયમ ૫૦૦૦ જેટલું હોય છે જે લોકો હસતાં-હસતાં ભરે પણ છે, કારણ કે એના બદલામાં તેઓ ખૂબ મોટું રિસ્ક-કવર મેળવી રહ્યા છે. રેકૉર્ડ્સ માનીએ તો ગયા વર્ષમાં ભારતમાં લગ્નનો વીમો કરાવનારાઓની સંખ્યામાં ૨૫થી ૩૦ ટકા લોકોનો વધારો થયો હતો.

વેડિંગનાં ખર્ચના કેટલા ટકા ભાગનો વીમો કઢાવવો જોઈએ અને એના પર કેટલું પ્રીમિયમ ભરવાનું રહેશે એ પૂરી રીતે લગ્નમાં કેટલો ખર્ચ થવાનો છે એના પર આધાર રાખે છે. એ સિવાય વેડિંગ-પૉલિસીનું પ્રીમિયમ પણ એક જ વારમાં સિંગલ પેમેન્ટમાં કરવાનું હોય છે અને પૉલિસી લેવા માટે લગ્નમાં જ્યાં પણ જે પણ સર્વિસ માટે પૈસા આપવામાં આવ્યા હોય એનાં બિલ્સ સબમિટ કરવાં પડે છે.

ક્યારે મળે ક્લેમ?

ક્લેમ કઈ રીતે અને કેટલો મળશે એ પૉલિસી લેતા સમયે નક્કી કરેલાં પરિબળો પર આધાર રાખે છે. અહીં એ ધ્યાનમાં રાખવું જરૂરી છે કે પૉલિસીમાં કપલ, તેમની ફૅમિલી અમે લગ્નના વિવિધ પ્રસંગોને થનારું નુકસાન કવર હોય છે. જો વર ને વધૂ પોતાની રીતે લગ્ન તોડી નાખે અથવા પીછેહઠ કરે તો કોઈ વળતર નથી મળતું. જો કોઈ કારણસર લગ્ન કૅન્સલ થાય કે કોઈ ન બનવાનો બનાવ બને તો વીમાની રકમ ક્લેમ કરવા માટે ૩૦ દિવસની અંદર વીમા કંપનીને જણાવવાનું હોય છે.

ડેસ્ટિનેશન-વેડિંગ

ડેસ્ટિનેશન-વેડિંગ હોય તો ટ્રાવેલ પણ ઇન્શ્યૉર્ડ થઈ જાય છે. જોકે મોટા ભાગની કંપનીઓ ભારતની સીમારેખાની અંદરના પ્રદેશોને જ પૉલિસીમાં કવર કરે છે. પૉલિસીમાં સમાવેશ કરવામાં આવેલાં કોઈ પણ કારણોસર જો લગ્ન કૅન્સલ થાય તો ટ્રાવેલિંગના પૈસા પાછા મેળવી શકાય છે. આ સિવાય ડેસ્ટિનેશન-વેડિંગમાં લોકો પોતાના માનીતા સ્ટાઇલિસ્ટ, ફોટો અને વિડિયોગ્રાફર, બ્યુટિશ્યન અને કેટલીક વાર તો કેટરરને પણ સાથે લઈ જવાનું પસંદ કરતા હોય છે. આ બધાને આપણી જવાબદારી પર સાચવવા કેટલીક વાર મુશ્કેલ પણ બને છે અને એટલે જ હવે તો વેડિંગ-પ્લાનરો પણ પોતાના પૅકેજમાં જ વેડિંગ-ઇન્શ્યૉરન્સનો સમાવેશ કરતા થઈ ગયા છે.

આજે જ્યારે લગ્નમાં લોકો મોટામાં મોટી રકમ વાપરવામાં પાછળ વળીને નથી જોતા એવામાં જેટલી મોટી રકમનું રિસ્ક હોય એ પ્રમાણેનો ઇન્શ્યૉરન્સ કઢાવી લેવામાં શાણપણ છે જેથી કોઈ પણ હોનારતને લીધે પ્રસંગમાં કોઈ બાધા આવે તો નુકસાનનું પ્રમાણબને એટલું ઘટાડી શકાય

- દીપક ભાનુશાલી, ઇન્શ્યૉરન્સ એક્સપર્ટ

arpana shirish weekend guide columnists