ઍબ્સ્ટ્રૅક્ટ પેઇન્ટિંગ જોઈને શું તમને આવા સવાલો થાય છે?

25 February, 2021 02:13 PM IST  |  Mumbai | Jigisha Jai

ઍબ્સ્ટ્રૅક્ટ પેઇન્ટિંગ જોઈને શું તમને આવા સવાલો થાય છે?

ઍબ્સ્ટ્રૅક્ટ પેઇન્ટિંગ જોઈને શું તમને આવા સવાલો થાય છે?

ઍબ્સ્ટ્રૅક્ટ પેઇન્ટિંગનાં એકલવ્ય આર્ટિસ્ટ જયશ્રી સવાણીને પણ શરૂઆતમાં તેમનાં સાસુ આવા સવાલો પૂછતાં. જોકે કોઈ ગુરુ વિના ફક્ત મનના અવાજને અનુસરી જાતે જ પેઇન્ટિંગ શીખેલાં આ ગુજરાતી કલાકારની કૃતિઓનો હાલમાં જહાંગીર આર્ટ ગૅલેરીમાં સોલો શો ચાલી રહ્યો છે 

કોઈ પણ આર્ટ ફૉર્મ શીખવા માટે ટ્રેઇનિંગની ખૂબ જરૂર પડે છે. એક એવા ગુરુ જે તમને એ કલાની સમજણ આપે અને એ કલાને આત્મસાત કરવામાં તમારી મદદ કરે. પરંતુ એમાંથી પણ ઘણા કલાવીરો એવા છે જે ફક્ત પોતાની ટૅલન્ટના દમ પર, વગર કોઈ ટ્રેઇનિંગે કલા જગતમાં પોતાનું કાઠું કાઢતા હોય છે. આવાં જ એક પેઇન્ટર છે મુંબઈનાં ૪૮ વર્ષનાં જયશ્રી સવાણી. હાલમાં તેમની કૃતિઓનું કાલા ઘોડા પાસેની જહાંગીર આર્ટ ગૅલેરીમાં ‘સોલફુલ સિમ્ફની’ નામે સોલો એક્ઝિબિશન યોજાયું છે. જો પેઇન્ટિંગ અને આર્ટના રસિયા હો તો પહેલી માર્ચ સુધી ચાલનારા આ એક્ઝિબિશનમાં જરૂર એક આંટો મારી આવવા જેવો છે.
ઍબ્સ્ટ્રૅક્ટ આર્ટની શરૂઆત કઈ રીતે થઈ એ વિશે વાત કરતાં જયશ્રી કહે છે, ‘આમ તો હું ડાન્સ, ડ્રામા અને પેઇન્ટિંગ દરેક પ્રકારના આર્ટ ફૉર્મમાં રસ ધરાવતી અને ભાગ પણ લેતી; પરંતુ એ સમય જ એવો હતો કે મારે મારા મનના અવાજને અનુસરવાનો હતો. ૨૦૦૫-૨૦૦૬ આસપાસ મને ઍબ્સ્ટ્રૅક્ટ માટે અંદરથી જ એક ભાવ આવ્યો હતો કે મારે આ જ કરવું છે. મારી અંદર ઘણુંબધું હતું જેને મારે બહાર કાઢવું હતું. ગુરુ વગર કંઈ પણ કરવું અઘરું છે એ વાત સાચી, પરંતુ મને એવું લાગે છે કે જે વસ્તુ પૂર્વનિર્ધારિત હોય છે એ થઈને જ રહે છે. મા સરસ્વતીની ઇચ્છા હતી કે વગર શીખ્યે પણ હું મારી જાતને ઍબ્સ્ટ્રૅક્ટના માધ્યમથી એક્સપ્રેસ કરી શકું અને એટલે જ આજે છેલ્લાં ૧૬ વર્ષથી ઍબ્સ્ટ્રૅક્ટ પેઇન્ટિંગ જે અકથિત છે એ કરું છું.’
નિયમો વિના જ કલા પાંગરી
ઘાટકોપરમાં ઊછરેલાં જયશ્રીબહેન સ્કૂલમાં હતાં ત્યારે બધાં બાળકોની જેમ સ્કૂલમાં જ થોડુંઘણું પેઇન્ટિંગ શીખ્યાં હતાં. પછી મનમાં આવે ત્યારે કૅન્વસ લઈને બેસી જતાં. પણ ફૉર્મલ ટ્રેઇનિંગ લીધી નહોતી. ઊલટું કૉલેજમાં તો તેમનું પેઇન્ટિંગ છૂટી જ ગયું હતું. ભણવામાં પણ તે હોશિયાર હતાં અને કૉમર્સમાં ગ્રૅજ્યુએશન કર્યા પછી ફૅશન-ડિઝાઇનિંગમાં ડિપ્લોમા પણ તેમણે કર્યું, પરંતુ ૨૦૦૫ આસપાસ તેમના મનની વાતને અનુસરીને તેમણે ફરીથી પેઇન્ટિંગ કરવાનું શરૂ કર્યું. એ સમય વિશે વાત કરતાં જયશ્રી કહે છે, ‘જેમ તમે રસોઈ બનાવો પછી એ કેવી બની છે એ જાણવા તમે કોઈને ચખાડો એ જ રીતે હું પેઇન્ટિંગ્સ તો બનાવતી જ હતી પરંતુ એ કેવાં છે એનો પ્રતિભાવ જાણવા માટે હું જે. જે. સ્કૂલ ઑફ આર્ટ્સના ટીચર રમેશ કાંબલી પાસે જતી. તેમને મારું કામ બતાવતી ત્યારે તે હંમેશાં એક જ વાત કરતા કે જયશ્રી, તારું કામ એટલું સરસ છે કે તું આ કલા કોઈ પાસે વિધિવત શીખી નથી એ ખબર જ નથી પડતી. નિયમોથી બાધ્ય નથી તારી કલા, કારણ કે તને નિયમ જ ખબર નથી એટલે એ તારા મનનો પૂરો નિચોડ એમાં તું ઠાલવી શકે છે. એ જ તારી કલાને શ્રેષ્ઠ બનાવે છે. તેઓ મને નિયમો શીખવાની ના પાડતા અને કહેતા કે તું તારા મનને ફૉલો કર એ જ બરાબર છે. તેમને કારણે મને એ આત્મવિશ્વાસ જાગ્યો કે હું સાચા રસ્તા પર છું.’
બ્રહ્માંડનો સાક્ષાત્કાર
ઍબ્સ્ટ્રૅક્ટ પેઇન્ટિંગે જયશ્રીને એક સારા આર્ટિસ્ટ તરીકેની ઓળખ અને નામ તો આપ્યાં, પરંતુ એની સાથે-સાથે સારું કામ કરવાનો ખૂબ સંતોષ પણ આપ્યો. પોતાના કામને કારણે પોતે જગતમાં ઘણા ચમત્કાર સાક્ષાત જોયાની વાત કરતાં જયશ્રી સવાણી કહે છે, ‘૨૦૧૫માં નેહરુ સેન્ટરની આર્ટ ગૅલેરીમાં મારું કામ પ્રદર્શિત થયું હતું. એમાં ૮૦૦ કલાકારોની કળાનું પ્રદર્શન કરવામાં આવ્યું હતું જેમાંની એક હું હતી. ત્યાં જર્મન કૉન્સ્યુલેટ જનરલ આવેલા તેમના પરિવાર સાથે. એ લોકો ખાસ મહેમાન હતા. તેમની એક દીકરી ૧૦ વર્ષની હતી જે મારા એક ઍબ્સ્ટ્રૅક્ટ પેઇન્ટિંગને છેલ્લા અડધા કલાકથી જોયે જ રાખતી હતી. એ છોકરીને ડાઉન્સ સિન્ડ્રૉમ હતો. તેણે તેના પિતા સામે જીદ કરી કે મારે આ પેઇન્ટિંગ જોઈએ છે. પહેલાં તેના પિતાએ કહ્યું કે આપણે ઘણાં પેઇન્ટિંગ્સ લીધાં છે, હવે કેટલાં લઈશું? તેમણે તેને એ પણ કહ્યું કે તારા માટે આપણે વૉકર લેવાનું છે. ત્યારે તેણે કહ્યું કે મને વૉકર નથી લેવું, તમે મને આ લઈ આપો. તેની જીદ સામે તેના પિતાએ ત્યારે ને ત્યારે એટીએમ જઈને પૈસા કાઢીને તેને આ પેઇન્ટિંગ લઈ આપ્યું. પેક કર્યા વગર, ખીલ્લી અને દોરી સાથે જ એ છોકરીએ એ પેઇન્ટિંગ ઊંચકી લીધું અને એને ખોળામાં રાખીને તે લઈ ગઈ. એ પહેલાં તે મને ભેટી હતી અને તે મને તેના ઘરે આવવાનું આમંત્રણ આપીને ગઈ, પરંતુ હું ગઈ નહીં. વાત ત્યાં પૂરી થતી નથી. ગયા મહિને જ હજી મને તેની મમ્મીની મેઇલ મળી કે જયશ્રી, તારું પેઇન્ટિંગ ઍલેકઝાન્ડ્રિયાના બેડ પાસે હજી પણ છે અને તે તારાથી એટલી પ્રભાવિત થઈ છે કે આજે તે ખુદ ઍબ્સ્ટ્રૅક્ટ આર્ટિસ્ટ છે. તેનો હાલમાં એક શો પણ યોજાયો. તે મારા કરતાં પણ ખૂબ વધારે સારું કામ અત્યારે કરી રહી છે. તેણે ૨૫ પેઇન્ટિંગ્સ બનાવ્યાં છે. એ શોના બધા પૈસા તે ડાઉન્સ સિન્ડ્રૉમ બાળકો માટે દાનમાં દેવાની છે. આ એક પ્રકારનું મૅજિક જ છે. બ્રહ્માંડ ઇચ્છતું હતું કે એ છોકરી મારા થકી આ રસ્તે ચાલે અને એટલે જ આવું થયું. આ પ્રકારના બનાવો તમને વધુ ભરોસો દેવડાવે છે કે તમે જે કરી રહ્યા છો એ જ સાચું છે અને તમારો જન્મ એ માટે જ થયો છે.
ખુદને વધુ સમજવાનો પ્રયાસ
પોતાના કામ પ્રત્યે સમર્પિત જયશ્રી કહે છે, ‘ઍબ્સ્ટ્રૅક્ટમાં મને એટલે રસ પડ્યો કે મને માળખામાં રસ નહોતો. માળખાથી પરે જઈને કંઈ વિચારવું હતું. જે ફૉર્મ વગરનું છે એમાં મને રસ પડ્યો હતો. મારા માટે આ પેઇન્ટિંગ કરવું એ મેડિટેશન જેવું છે. હું ૭-૮ કલાક સતત આ જ કામમાં ધ્યાનમગ્ન હોઉં છું. એક વખત તો વધુ કલાકો પેઇન્ટિંગ કરવા બેઠા રહેવાને લીધે મને સ્પૉન્ડિલાઇટિસનો દુખાવો પણ શરૂ થઈ ગયેલો. પરંતુ એમાં રત રહેવાની એક જુદી મજા છે. હજી આજે પણ એવું થાય છે કે હું આખું પેઇન્ટિંગ પૂરું કરું અને પછી મને જ અચરજ થાય કે મારી અંદરથી એવું શું આજે બહાર આવ્યું કે આ વસ્તુ બની છે. મને દરરોજ એમાં કંઈ નવું જ દેખાતું હોય છે. જાણે હું ખુદને જ વધુ સમજવાનો કે ઈશ્વરથી થોડા નજીક પહોંચવાનો પ્રયત્ન આ માધ્યમથી કરું છું એવું મને લાગે છે.’

ઍબ્સ્ટ્રેક્ટ આર્ટ અને આમ આદમી

સામાન્ય લોકોને ઍબ્સ્ટ્રૅક્ટ પેઇન્ટિંગમાં સમજ પડતી નથી તો તેમના સુધી આ આર્ટ કઈ રીતે પહોંચશે એ વાત પર પોતાનો અનુભવ જણાવતાં જયશ્રી કહે છે, ‘હું પાર્લામાં સંયુક્ત પરિવારમાં રહું છું. જ્યારે પહેલી વાર આ પ્રકારનાં પેઇન્ટિંગ બનાવવાનું શરૂ કર્યું ત્યારે મારાં સાસુ મને રેગ્યુલર પૂછતાં કે આ પતી ગયું કે આમાં હજી કંઈ બાકી છે? હું કહેતી ના, પતી ગયું. તે કોઈ વાર પૂછતાં કે આ પેઇન્ટિંગ સીધું છે કે ઊંધું? અને તેમનો સૌથી મોટો સવાલ એ હતો કે આવું કોઈ ખરીદે ખરા? હું હસીને જવાબ આપતી કે હા, લોકો લે છે આવું. આટલાં વર્ષોથી જોતાં-જોતાં હવે તેમને મારાં પેઇન્ટિંગ્સ ગમવા લાગ્યાં છે. હાલમાં જ તેમણે મને કહ્યું હતું કે જયશ્રી, મારી રૂમ માટે પણ એક સરસ ઍબ્સ્ટ્રૅક્ટ પેઇન્ટિંગ બનાવી આપને. અને મેં થોડા સમય પહેલાં જ એ બનાવ્યું. કોઈ પણ વ્યક્તિએ પેઇન્ટિંગ્સને સમજવા કરતાં એને અનુભવવાં જોઈએ, કારણ કે અંતે એ એક કલા છે જેને જાણીએ નહીં તો કંઈ નહીં, પરંતુ માણી તો જ શકાય જો એને અનુભવીએ.’

Jigisha Jain columnists