બેસ્ટ કરો, બેસ્ટ રીતે કરો

05 December, 2020 06:41 PM IST  |  Mumbai | Sanjay Raval

બેસ્ટ કરો, બેસ્ટ રીતે કરો

બેસ્ટ કરો, બેસ્ટ રીતે કરો

બધા એવું કહે છે કે પૃથ્વીથી માંડીને આપણે અને આ પ્રાણીઓ સુધ્ધાં ભગવાનનું સર્જન છે. આપણે જે ખાઈએ છીએ એ પણ ભગવાનની જ દેન છે અને આપણામાં જે કળા છે એ પણ ભગવાનની જ કૃપા છે. બધેબધી વાતમાં ભગવાન છે અને એ સાચું પણ હશે. એક વાત યાદ રાખવી કે જ્યારે તર્કનો અંત આવી જાય ત્યારે વાત સ્વીકારી લેવી. જ્યાં જિજ્ઞાસાને સ્પષ્ટતા ન મળતી હોય કે પછી જિજ્ઞાસાનું શમન ન થતું હોય એનો સ્વીકાર કરી લેવામાં આનંદ છે.
ફરી આપણે આપણી વાત પર અને આજના વિષય પર આવીએ.
બધી રચના ભગવાને જ કરી છે તો પછી કહો જોઈએ કે ભગવાને કરેલી આ તમામ રચનામાં શ્રેષ્ઠ રચના કઈ? આપણું તો સમજ્યા, પણ ક્યારેય વિચાર્યું છે કે ભગવાનને પોતાને તેની તમામ રચનામાં શ્રેષ્ઠ રચના કઈ લાગતી હશે? શું એને સિંહ, વાઘ અને દીપડો એનું બેસ્ટ સર્જન લાગતું હશે કે પછી એને કેરી અને જામફળમાં પોતાનું શ્રેષ્ઠ સર્જન દેખાતું હશે? નદી તેને ઉત્તમ લાગતી હશે કે પછી ભગવાનને દરિયામાં પોતાનું શ્રેષ્ઠ ક્રીએશન દેખાતું હશે?
વિચારો જરા શાંતિથી.
વિચારો અને જવાબ આપો.
જાતજાતની પ્રજાતિઓની રચના ભગવાને કરી અને એ બધામાંથી આપણે માંડ-માંડ એક કે બે ટકાને જાણતા હોઈશું. દૂર-દૂર સુધી ઊડી શકે એવાં પંખીઓ છે, જંગલમાં રહેતાં પશુઓ છે. જમીનના ઊંડા પેટાળમાં વસતા જીવજંતુઓ પણ છે અને દરિયામાં વસતાં જળચરો પણ છે. આ બધું ભગવાને જ બનાવ્યું છે અને યાદ રાખજો કે આ બધામાં આપણે તો માંડ એકથી બે ટકા જીવ સૃષ્ટિ જ જોઈ છે, બાકીનું બધું તો આપણે જોયું પણ નથી. ન તો ટીવીમાં કે ન તો ફોટોગ્રાફમાં. બધું ભગવાને બનાવ્યું, પણ બધામાં ભગવાનને પોતાને તેની કઈ રચના શ્રેષ્ઠ લાગતી હશે?
ઉતાવળ કોઈ નથી, ધ્યાનથી અને શાંતિથી વિચારજો. જે પ્રજાતિ નાશ પામી અને કાળક્રમે પૃથ્વી પરથી લુપ્ત થઈ એ ઈશ્વરની શ્રેષ્ઠ રચના કે ચાર્લ્સ ડાર્વિનના ઉત્ક્રાન્તિવાદ મુજબ આવનારા સમયમાં જે પ્રજાતિ પૃથ્વી પર રાજ કરશે એ પ્રજાતિ ઈશ્વરની શ્રેષ્ઠ રચના? કે પછી તમે જેને જોઈ નથી, જે કલ્પનાથી પણ જોજનો દૂર છે અને તમે એનું વર્ણન પણ કરી શકો એમ નથી એ રચનાને ઈશ્વરની શ્રેષ્ઠ રચના કહેવાય?
જવાબ બહુ સહેલો અને સરળ છે અને તમારી પાસે એનો જવાબ પણ છે જ પણ જો પહેલે ઝાટકે તમને જવાબ મળી જાત તો તમારા મહાન મગજનું અપમાન થયું ગણાય એટલે હવે જવાબ આપું કે ઈશ્વરે અત્યાર સુધીમાં અને હવેના આવનારા સમયમાં પણ કરોડો-અબજો રચના કરી અને કરતો રહેશે, પણ તેની આ રચનામાં શ્રેષ્ઠ રચના જો કોઈ હોય તો એ માણસ છે. હા, મનુષ્ય.
ભગવાને બધું આપ્યું માણસને. બોલવા માટે જીભ આપી, જીભને સ્વાદ આપ્યો તો એ સ્વાદને પોસવા માટે ભગવાને મોઢું પણ આપ્યું, જોવા માટે આંખો આપી, હાથ આપ્યા અને એક જગ્યાએથી બીજી જગ્યાએ જવા માટે પગ આપ્યા અને આ બધામાં સૌથી વધારે સારું જો કંઈ આપ્યું તો એ વિચાર કરતું મગજ આપ્યું. આ બધી શક્તિઓ આપી અને શક્તિઓ સાથે બંધન આપવાને બદલે તેણે આપણને પ્રેમથી છૂટા મૂકી દીધા. કોઈ જાતનું બંધન નહીં, કોઈ જાતની લાચારી નહીં, કોઈ જાતની શરત પણ નહીં. જુઓ તમે, જગતમાં એકમાત્ર માણસ જ એવો છે જેને કોઈ બંધન નથી. ગાય, ભેંસ કે કૂતરાને બંધન છે અને કીડી જેવી કીડીને પણ બંધન છે. શક્તિશાળી શાર્ક અને વ્હેલને પણ લિમિટેશન છે. શાર્ક પાણીની બહાર આવી નથી શકતી અને વનરાજ પણ મર્યાદા સાથે જીવે છે. શિકાર માટે એણે જંગલમાં જ રહેવું પડે છે અને આ મર્યાદાઓને તેમણે આધીન રહેવું પડે છે.
એક પણ પ્રકારનું બંધન, લિમિટેશન આપણને ભગવાને આપ્યાં નથી. આપણને જો કોઈ નડી શકે તો એ માત્ર ને માત્ર આપણે પોતે. પૂછો તમારી જાતને જ, તમને પોતાને લાગશે કે આ વાત સાવ સાચી છે, તમે જ આ જગતની ઉત્તમ પ્રજાતિ છો અને તમે જ તમને નડી પણ રહ્યા છો. એક નાનકડી વાર્તા સાંભળવા જેવી છે.
એક ગરીબ પોતાની પત્નીને બહુ પ્રેમ કરતો હતો. પત્નીને જીવલેણ બીમારી થઈ એટલે પોતાની શક્તિ પ્રમાણે તેણે પત્નીને સિવિલ હૉસ્પિટલમાં ઍડ્મિટ કરી, જ્યાં સારવાર ચાલુ થઈ. થોડા સમયની સારવાર પછી ડૉક્ટરોએ કહ્યું કે તમારી પત્નીનું લાસ્ટ સ્ટેજ છે, હવે તેને અહીંથી લઈ જાઓ અને થાય એટલી ઘરે સેવા કરો, અંતિમ સમયમાં તેને ખુશ રાખો. ભાઈને આગળ-પાછળ તો કોઈ હતું નહીં, જીવનમાં કોઈ હતું તો એ માત્ર તેની પત્ની. ભાઈએ લીધો ડિસ્ચાર્જ અને શહેરની શ્રેષ્ઠ અને મોંઘામાં મોંઘી કહેવાય એવી હૉસ્પિટલમાં તેને લઈ ગયો. પત્નીએ કહ્યું કે અહીં આપણને નહીં પોસાય એટલે હસબન્ડે કહ્યું કે ન પોસાય એવું આ જગતમાં કંઈ હોતું જ નથી, તું આરામ કર અને ચિંતા છોડીને મારી સેવાનો લાભ લે.
એ મોટી હૉસ્પિટલના ડૉક્ટરોએ પણ એ ભાઈને કહી દીધું કે આમને ઍડ્મિટ તો કરીએ છીએ, પણ કોઈ ગૅરન્ટી નહીં આપી શકીએ કે તે જીવશે. ભાઈએ વિનમ્રતા સાથે કહ્યું કે તમે તમારું કામ ચાલુ કરો, તમે તેને જીવાડો કે પછી તમારા હાથે તે મરે, હું તમને ખર્ચ આપી દઈશ. સારવાર શરૂ થઈ. ફાઇવસ્ટાર અને એકદમ અલ્ટ્રામૉડર્ન હૉસ્પિટલ. કલાકે જૂસ આવે, ડૉક્ટરની પરમિશન હતી એવું ખાવાનું આવે. ઉપમા, મગનું પાણી, વેજિટેબલ સૂપ, જૂસ ને એવુંબધું. ઍરકન્ડિશન રૂમમાં મસ્તમજાના પિલો અને ડનલોપના ગાદલા પર પત્ની પડી-પડી ટીવી જુએ અને બધા તેની સેવા કરે. આ ભાઈ તેને જોઈને મનમાં ને મનમાં ખૂબ જ ખુશ થાય.
એક વીક, બે વીક અને ત્રીજા વીકના અંતે વાઇફનો દેહાંત થયો. હૉસ્પિટલવાળાઓએ બિલ આપ્યું એટલે ભાઈએ પૈસા આપવાની ના પાડી દીધી. કહી દીધું ચોખ્ખું કે જે કરવું હોય એ કરી લો, પણ એકેય રૂપિયો આપવા હું બંધાયેલો નથી. હૉસ્પિટલે તો વકીલોનો કાફલો ખડકી દીધો અને કરી કોર્ટને રજૂઆત. સીસીટીવી કૅમેરાનાં ફુટેજ દેખાડ્યાં કે ભાઈ કૅમેરાની સાક્ષીએ પેમેન્ટ માટે કબૂલ થયા હતા અને હવે ના પાડે છે. પેલાએ કબૂલ્યું કે સાચી વાત કે હું બોલ્યો છું કે તમે મારી પત્નીને જિવાડો કે તેને મારો હું પૈસા આપવાનો છું. જજે કહ્યું કે તો પેમેન્ટ આપી દો. પેલા ભાઈ કહે કે પેમેન્ટ કરતાં પહેલાં મારે ડૉક્ટરને બે સવાલ પૂછવા છે. કોર્ટમાં ડૉક્ટર આવ્યા એટલે પેલા ભાઈએ પૂછ્યું કે સાહેબ તમે મારી પત્નીને જિવાડી?
ડૉક્ટર કહે ના.
ભાઈએ બીજો સવાલ પૂછ્યો કે સાહેબ તમે મારી પત્નીને મારી? ડૉક્ટરે એનો જવાબ પણ ના આપ્યો. પેલા ભાઈએ મૅજિસ્ટ્રેટ સામે જોયું અને કહ્યું કે જો તેણે મારી નથી, જો તેણે જિવાડી નથી તો પછી મારે પૈસા શાના આપવાના!
છે કોઈ જવાબ આ દલીલનો?
એ ભાઈએ છેલ્લા સમયમાં પોતાની પત્નીની બેસ્ટ કહેવાય એવી સેવા કરી અને પછી પણ મગજ હતું તો આ કર્યું. હવે કહો જોઈએ કે મનુષ્યને કોઈ પણ પહોંચી શકે ખરું. ભગવાનનું બેસ્ટ કહી શકાય એવું ક્રીએશન આપણે છીએ અને તેમ છતાં આપણે દુખી થઈને અને હતાશ થઈને કે પછી હારી જઈને ફર્યા કરીએ એ બિલકુલ ખોટું છે. હરિનું નામ લો અને મંડી પડો. દુનિયા જીતવાનું કામ રાતોરાત નહોતું થયું, પણ એને માટેનો વિચાર એકાદ સાંજે આવ્યો હોય એવું બને. તમે બાયોગ્રાફી વાંચો. ચાર્લી ચૅપ્લિનથી માંડીને ગાંધીજી, સ્ટીવ જૉબ્સ કે પછી કાર્લ માર્ક્‍સને વાંચો. બધા એક જ વાત કરે છે, જે કરો એ બેસ્ટ કરો અને બેસ્ટ કર્યા કરો. દોસ્તો, ભગવાનનું બેસ્ટ ક્રીએશન આપણે છીએ અને આપણાથી કોઈ આગળ છે નહીં એટલે બને એટલું વધારે સારું કરો, બેસ્ટ કરો અને હતાશા છોડીને હાશકારાનો રસ્તો પકડો.
ઍટ લીસ્ટ એ વાતનો હાશકારો તો અનુભવો જ કે હાશ, ભગવાને તમને માણસનો જન્મ આપીને જગતનું શ્રેષ્ઠ સર્જન કર્યું છે.

Sanjay Raval columnists weekend guide