અડવું નથી, નડવું નથી

20 November, 2020 03:05 PM IST  |  Mumbai | Rashmin Shah

અડવું નથી, નડવું નથી

અડશો નહીં તો શારીરિક વ્યાધિમાંથી બચેલા રહેશો એ નક્કી તો નડશો નહીં તો માનસિક વ્યાધિ તમને સ્પર્શ નહીં કરે એનો પણ વિશ્વાસ રાખજો

વિક્રમ સંવતના વીતેલા વર્ષે શીખવ્યું કે કોરોનાથી બચવું હોય તો ક્યાંય અડવાનું નથી. જો અડશો નહીં તો બચેલા રહેશો. આ જ વાતમાં ઉમેરો કરીને શરૂ થયેલા આ નવા વિક્રમ સંવતમાં સિદ્ધાંત બનાવવાનો છે, કોઈને નડવું નથી. અડશો નહીં તો શારીરિક વ્યાધિમાંથી બચેલા રહેશો એ નક્કી તો નડશો નહીં તો માનસિક વ્યાધિ તમને સ્પર્શ નહીં કરે એનો પણ વિશ્વાસ રાખજો..

હા, અડવું નથી અને નડવું નથી.
આ એક જ નિયમ વિક્રમ સંવતના શરૂ થયેલા આ નવા હિન્દુ પારંપરિક વર્ષે યાદ રાખવાનો છે. જો કોરોનાથી બચવું હોય તો અડવાનું ટળવાનું છે અને જો સંબંધોમાં કોરોના પ્રસરે નહીં એની દરકાર હોય તો કોઈને નડવાનું નથી, કોઈને કનડવાના નથી. સીધી વાત, સીધો હિસાબ અને જ્યારે જીવનમાં સીધી વાત સાથે સીધો હિસાબ શરૂ થાય ત્યારે વ્યાધિઓથી પણ છુટકારો થતો હોય છે. કોરોનાએ સમજાવ્યું અડવાનું નહીં, અજાણી જગ્યાએ તો શું; જાણીતી જગ્યાનો સ્પર્શ પણ ટાળવાનું. નીતિશાસ્ત્ર પણ એ જ કહે છે. નડવાનું નહીં. અજાણી જગ્યાએ નડવાનું જોખમ લેવામાં ન આવે એને ડહાપણ કહેવાય પણ જાણીતી જગ્યાએ પણ જો નડતર બનવાનું દુઃસાહસ કરવામાં ન આવે તો એને સમજણ કહેવાય અને આ વખતે એ જ કરવાનું છે. તબીબી શાસ્ત્રનું પાલન કરવાની સાથોસાથ નીતિશાસ્ત્રનો પણ બુદ્ધિપૂર્વકનો ઉપયોગ કરવાનો છે. અડવાનું નથી,
નડવાનું નથી.
અડવું નહીં. વ્યક્તિ હોય કે પછી કોઈ જગ્યા હોય. સીડીની પડાળી હોય કે પછી લિફ્ટનું બટન હોય. અડવું નથી. સીધા સંપર્કમાં આવવું નથી, સ્પર્શ કોઈ જાતનો કરવાનો નથી. જો અજાણતાં પણ સ્પર્શ થઈ જાય તો આભડછેટનો તિલાંજલિ આપી દીધેલો નિયમ અહીં અમલમાં મૂકી દેવાનો છે. મૂકી દેવાનો છે અને શરીરને તરત જ સ્વચ્છતાના શણગારથી સજી લેવાનું છે. સ્પર્શ જોઈએ નહીં. જાણીતાનો પણ નહીં અને અજાણ્યાનો તો બિલકુલ નહીં. આ આખી વાતની પ્રૅક્ટિસ લાંબા સમયથી થતી આવી છે અને એ પ્રૅક્ટિસે જ હવે તમને પર્ફેક્ટ બનાવી દીધા છે પણ એ પર્ફેકશનને હવે માત્ર સ્પર્શ સુધી સીમિત નથી રાખવાનું. આ પર્ફેક્શન હવે તમારે નીતિશાસ્ત્રના સિદ્ધાંતમાં પણ અમલી બનાવવાનું છે અને નડવાનું પણ બંધ કરવાનું છે. અડશો નહીં તો શારીરિક વ્યાધિથી બચેલા રહેશો એ જેટલું નક્કી છે એટલું જ સનાતન સત્ય એ છે કે નડશો નહીં તો માનસિક વ્યાધિ તમને સ્પર્શ નહીં કરે. ખાતરી રાખજો, વિશ્વાસ રાખજો. નડશો નહીં તો કોઈ નડવા આવશે નહીં. કનેડશો નહીં તો કોઈ કનડગત તમારું ઍડ્રેસ પૂછતી ઘર સુધી નહીં પહોંચે.
અડવું નથી, નડવું નથી.
નડતરની મોટામાં મોટી સમસ્યા એટલી જ છે કે એનો જન્મ ઈર્ષ્યામાંથી થાય છે. ઈર્ષ્યાએ ક્યારેય કોઈને શાંતિ લેવા નથી દીધી. ઈર્ષ્યાની આડશમાં જન્મેલી અશાંતિ જ નડતરના વિચારને સપાટી પર લાવવાનું કામ કરે છે. નડવાની પ્રક્રિયા જ્યારે-જ્યારે અને જ્યાં-જ્યાં થઈ છે ત્યાં સંબંધોમાં સુનામીથી માંડીને ધરતીકંપ સુધ્ધાં આવ્યા છે અને આવેલી એ હોનારતમાં અનેક સંબંધો ધ્વંસ થયા છે. નડવું નથી. નડવાનું મન થાય એવો ભાવ પણ મનમાં લાવવો નથી. ભૂલથી પણ નડી જવાની માનસિકતા જન્મે તો તરત મન સ્વચ્છ કરવું છે, પણ સંબંધોનું ક્વૉરન્ટીન જોવું પડે એવી અવસ્થામાં મુકાવું નથી.
કોરોનાના ભયે જે વાત સમજાવી છે અને જે વાતને ગંભીરતાથી સમજવામાં આવી છે એટલી જ ગંભીરતાથી આ વાતને સમજવાની છે. નડતર કોઈના માટે બનવાનું નથી. ન ગમતી વ્યક્તિઓના જીવનમાં પણ નડતરને મોકલવું નથી અને ગમતી વ્યક્તિઓની આંખો ખોલવાના હેતુથી પણ નડવાનું નથી. નડવાથી તમને કશું મળવાનું પણ નથી. ઘડીભરની ખુશી, જે હકીકતમાં વિકૃત આનંદથી વિશેષ કશું નથી. આ વિકૃત આનંદ તેને જ ખુશી આપવાનું કામ કરી શકે જેની અંદર વિકારભાવ પ્રબળ છે. જો એવું હોય, વિકારભાવ મજબૂતીથી ઠાંસોઠાસ ભર્યો હોય તો પહેલું કામ જાતને ક્વૉરન્ટીન કરો. શરીરમાં કોરોના અકબંધ હશે તો જીવનું જોખમ છે એવું જ આ વિકારનું છે. મનમાં વિકાર અકબંધ હશે તો સંબંધોનું સ્વાસ્થ્ય જોખમમાં મુકાશે. એક વાત યાદ રાખજો, સંબંધોનું કાચ જેવું છે. કાચ તૂટવાનો અવાજ હોય છે પણ સંબંધો તૂટે ત્યારે એનો અવાજ સંભળાતો નથી અને એની કરચ લાગ્યા વિના રહેતી નથી. નડવું ક્યારેય વાજબી હોઈ ન શકે અને એ નડતરને વાજબી ઠેરવવાની કોશિશ કરનારાઓથી મોટું મૂર્ખ પણ સંબંધશાસ્ત્રમાં કોઈ હોતું નથી. નડીને સંબંધોને ઑક્સિજન પર મૂકવા કરતાં તો બહેતર છે કે નડવાનું ટાળો અને આ વર્ષે નિયમ બનાવો. અડવું નથી, નડવું નથી.
કોરોના જોઈતો નથી અને સંબંધોમાં પણ કોરોનાનું વાવેતર કરવું નથી. હિત તમારું જ જળવાયેલું રહેશે એ ચોક્કસ છે. નક્કી તમારે કરવાનું છે. સભાનતા સાથે હિતનું પાલન કરવું છે કે પછી અભાન અવસ્થામાં જાતને નુકસાન પહોંચાડવાનું દુષ્કૃત્ય કરીને દુખી થવું છે? સિમ્પલ છે, જો જાતને નુકસાન પહોંચાડવાનું મન થતું હોય તો પહેલાં અડવાનું શરૂ કરો અને એ પછી નડવાનું. કારણ કે તબીબી શાસ્ત્ર કરતાં પણ નીતિશાસ્ત્રનું મહત્ત્વ અદકેરું છે.
નડતરની મોટામાં મોટી સમસ્યા એટલી જ છે કે એનો જન્મ ઈર્ષ્યામાંથી થાય છે. ઈર્ષ્યાએ ક્યારેય કોઈને શાંતિ લેવા નથી દીધી. ઈર્ષ્યાની આડશમાં જન્મેલી અશાંતિ જ નડતરના વિચારને સપાટી પર લાવવાનું કામ કરે છે. નડવાની પ્રક્રિયા જ્યારે-જ્યારે અને જ્યાં-જ્યાં થઈ છે ત્યાં સંબંધોમાં સુનામીથી માંડીને ધરતીકંપ સુધ્ધાં આવ્યા છે અને આવેલી એ હોનારતમાં અનેક સંબંધો ધ્વંસ થયા છે.

(caketalk@gmail.com) (આ લેખમાં રજૂ થયેલા મંતવ્યો લેખકના અંગત છે, ન્યુઝપેપરના નહીં.)

Rashmin Shah columnists