19 October, 2025 03:20 PM IST | Mumbai | Hiten Anandpara
પ્રતિકાત્મક ફાઇલ તસવીર
‘મિડ-ડે’ના માતબર વાચકોને દિવાળીના પર્વ નિમિત્તે સાકર વગરની મીઠાઈથી ભરચક બૉક્સ ભરેલી સ્વાસ્થ્યવર્ધક શુભેચ્છાઓ. દિવાળીનું પર્વ આપણા માટે ગર્વનો વિષય પણ છે અને ગૌરવનો વિષય પણ છે. અમેરિકામાં પેન્સિલ્વેનિયા અને કનેક્ટિકટ પછી તાજેતરમાં કૅલિફૉર્નિયા ત્રીજું રાજ્ય બન્યું છે જેમાં દિવાળીની જાહેર રજા માન્ય થઈ છે. આ ઉપરાંત નેપાલ, શ્રીલંકા, મલેશિયા, સિંગાપોર, ફિજી, મૉરિશ્યસ, ગુયાના, ટ્રિનિડૅડ ઍન્ડ ટબૅગો દેશોમાં દિવાળીને રાજકીય માન્યતા પ્રાપ્ત થઈ છે. તનુ પટેલ આપણી પરંપરાને પોંખે છે...
આપણું આગવું પર્વ દીપાવીએ
કોડિયાંના ઉજાસે તમસ ટાળીએ
છે પ્રણાલી જૂની તોય છે ભવ્યતમ
નવ્ય પેઢી સુધી વારસો વાળીએ
દરેક પેઢીની જવાબદારી વારસાનું જતન અને સંવર્ધન કરવાની છે. મૂળથી કપાઈએ પછી ધરતી સાથેની માયા ઓછી થતી જાય. માટીની મમત માતૃત્વથી ઓછી નથી. છેલ્લાં ચાલીસ-પચાસ વર્ષથી વિદેશમાં સ્થાયી થયેલી પેઢીનાં સંતાનો ત્યાં જ જન્મ્યાં છે એટલે તેમને ભારત સાથે એટલો લગાવ નથી હોતો જેટલો તેમના વડીલોનો હોય છે. વતનમાં ઊછરીને જે વિદેશ ગયા છે તેમને હિતેન્દ્ર પુરોહિતની પંક્તિઓ વધારે સમજાશે...
પૂછે કોઈ જ્યારે ક્યાં મામા રહે છે?
કહે ભાણિયાઓ જ્યાં દીવો બળે છે
નવા દિન, નવી રાત, વર્ષો નવાં પણ
હજી મનમાં સંભારણાં એ રમે છે
સ્મરણો એક એવી મૂડી છે જે કારોબારના નફામાં નથી મળતી કે નોકરીના પગારમાં નથી મળતી. સમય આ મૂડી સંચિત કરે છે. આંખો ભીની કરે એવાં સ્મરણોનું સર્જન સંબંધ પર નિર્ભર હોય છે. સ્મરણોના ATMમાંથી કડકડતી નોટ બહાર નથી પડતી, પણ હૈયાને ટાઢક આપે એવી હૂંફ બહાર સરતી હોય છે. ડૉ. ધીરજ એસ. બલદાણિયા ‘નિઃસ્વાર્થ’ અતીતની કુંજગલીમાં લટાર મારે છે...
પાંચ પૈસામાં દિવાળી થઈ જતી’તી
આબરૂ અકબંધ સૌની રહી જતી’તી
મોળું મોં મોસાળમાં રહેતું જ નહોતું
મામીઓ મીઠાઈ થોડીક દઈ જતી’તી
મોસાળે રોકાવા જવાનું સામાન્ય ચલણ ગઈ સદીમાં હતું. ‘ગઈ સદી’ એવું બોલીએ છીએ, બાકી વાત તો માત્ર ત્રણેક દાયકા પહેલાંની જ છે. એક તરફ રૂપિયો નાનો થતો જાય છે, ઘર મોટાં થતાં જાય છે, સંપર્કો બહોળા થતા જાય છે; પણ સંબંધો ટૂંકા પડતા જાય છે. હૉસ્પિટલમાં ઍડ્મિટ થવાનું આવે ત્યારે રાતે કોણ રોકાશે એ પ્રશ્નનો જવાબ શોધતાં જો એકાદ કલાક થાય તો સમજવું કે આ સમસ્યા હવે એકાદ પેઢીની નથી રહી. નીરજા પારેખ ચિંતન કરવાનું કહે છે...
છો નવાં કપડાંઓ પહેરો, ઘર સજાવોને જરા
પહેરશો નૂતન વિચારો, તો દિવાળી લાગશે
માળિયે મૂકેલ સંસ્કારો ઉપરથી ધૂળને
ઝાટકી જીવનમાં ઉતારો, દિવાળી લાગશે
સંબંધોમાં વ્યાપકતા કરતાં ગહનતાનો મુદ્દો વધારે અગત્યનો બને છે. આપણે પાસબુકના આંકડાને કમાણી ગણીએ છીએ, પારસ્પરિક સંવેદનાને નહીં. દિવાળી જેવા પર્વનો હેતુ જ જોડવાનો છે. સાંસારિક અને આર્થિક જવાબદારીઓના બોજામાં અંતરને ઉન્નત કરતી સંભાવના આડે હાથે મુકાઈ જાય છે. સ્નેહમિલનમાં સ્નેહ બાકાત હોય અને ઇવેન્ટ જેવું લાગ્યા કરે. દેવેન્દ્ર રાવલ સોય ઝાટકીને વાત કરે છે...
ભલે પ્રગટાવો લાખો દીપ બહારે, વ્યર્થ છે સઘળું
જરા એક જ્યોત નાની હોંશની ભીતર જલાવીએ
જરૂરત ના છે છપ્પનભોગની ઈશ્વરને મંદિરમાં
બને તો જાત આખી એનાં ચરણોમાં ધરાવીએ
નવું વર્ષ આવી રહ્યું છે ત્યારે અધૂરા રહેલા સંકલ્પો હિસાબ માગશે, નવા સંકલ્પો આપણી સજ્જતાને ચકાસશે, આપણી નીયત ઢંઢોળશે અને એમાં જો ખામી દેખાશે તો ફિક્કું સાલ મુબારક ફેંકીને આગળ ચાલતી પકડશે. આવું કશું ન થાય એવી આશા સાથે ભારતી ગડાની પંક્તિઓ મુબારક...
નવા વિચાર સંગ બસ નવી સફર શરૂ કરું
વિકાસની નવી દિશા બતાવશે નવું વરસ
કઠિન પંથ છે અહીં, કદમ ઉઠાવજે જરા
તો શક્યતાનાં બારણાં ઉઘાડશે નવું વરસ
લાસ્ટ લાઇન
દીવડાથી રોશની પ્રસરાવજો શુભ પર્વ આવ્યું
આ તમસની રાતને અજવાળજો શુભ પર્વ આવ્યું
તેરસે ચાંદી ને સોનાથી કરાશે ‘મા’નું પૂજન
ઘરની લક્ષ્મી થોડી તો શણગારજો શુભ પર્વ આવ્યું
ચૌદશે બજરંગબલી ને કાળભૈરવ યાદ કરતા
દ્વેષના કકળાટને સૌ કાઢજો શુભ પર્વ આવ્યું
દીવડાના તેજથી ઝળહળ દિવાળી, શોભશે ઘર
ઝૂંપડી બસ એકની શોભાવજો શુભ પર્વ આવ્યું
લો નવા વર્ષે હવે, સંકલ્પ નૂતન, સૌ મળીને
કોઈની આંતરડી નક્કી ઠારજો શુભ પર્વ આવ્યું
ભાઈબીજે ભાઈઓ સંકલ્પ લેજો આપ સર્વે
હાથ ભ્રાતાનો ‘સ્વસા’ પર રાખજો શુભ પર્વ આવ્યું
- નિરાલી રશ્મિન શાહ ‘સ્વસા’