અતશ્રી કોરોના-કથા: દિવાળી પૂરી, હવે હૈયાની હોળી કરવાનો સમય આવી ગયો છે

21 November, 2020 06:50 PM IST  |  Mumbai | Manoj Joshi

અતશ્રી કોરોના-કથા: દિવાળી પૂરી, હવે હૈયાની હોળી કરવાનો સમય આવી ગયો છે

પ્રતીકાત્મક તસવીર

અમદાવાદમાં ગઈ કાલે રાતથી કરફ્યુ લાગી ગયો, જે છેક સોમવારે સવાર સુધી અકબંધ રહેવાનો છે. જોકે મેડિકલ એક્સપર્ટ્સ માને છે કે ૬૦ કલાકના આ કરફ્યુથી કાંઈ વળવાનું નથી. કોવિડના કિસ્સામાં ૧૪થી ૨૧ દિવસનો કરફ્યુ કે લૉકડાઉન હોવો જોઈએ. આવી માન્યતા પાછળ કોઈ અંધશ્રદ્ધા કામ નથી કરતી. સામાન્ય સંજોગોમાં કોવિડનાં લક્ષણો જ ૭ દિવસ પછી દેખાતાં હોવાથી આવું માનવામાં આવે છે, એમાં ૬૦ કલાકથી કશું વળવાનું નથી. ૬૦ કલાક પછી બધા ફરીથી બહાર નીકળશે ત્યારે કોવિડ હજી સાચી રીતે દેખાયો પણ નહીં હોય. જોકે એ તો સમયે-સમયે પોતાની વાત કહેશે એટલે અત્યારે એના પર નુકતેચીની કરવાની જરૂર નથી.

તહેવારોની મજા. સાહેબ, આ અમદાવાદને દિવાળીની મજા નડી ગઈ. દિવાળી પૂરી થઈ અને હવે હૈયાની હોળી શરૂ થઈ. દિવાળીની રજામાં જે મોજમસ્તી કરવામાં આવી, વેકેશન માણવામાં આવ્યું અને શૉપિંગનો જે આનંદ લેવામાં આવ્યો એ બધો હવે સોંસરવો નીકળવો શરૂ થયો છે અને એનો અંત આટલો જલદી આવવાનો પણ નથી. અત્યારે ઑલમોસ્ટ બધી જગ્યાએ આ જ પરિસ્થિતિ છે. દિલ્હી સળગવા માંડ્યું છે. કોરોનાએ બરાબરના ભડકા દેખાડવાનું શરૂ કર્યું છે. મધ્ય પ્રદેશમાં પણ એ જ અવસ્થા છે અને ગુજરાતના અમદાવાદ સિવાયનાં શહેરોમાં પણ કોરોનાએ વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું છે. આ વખતે આ જે અવસ્થા ઊભી થઈ છે એ અવસ્થામાં ક્યાંય સરકાર જવાબદાર નથી. હા, નથી જવાબદાર. આજની આ જે અવસ્થા છે અને આવતા મયમાં અવસ્થા જે રીતે બગડે એવું દેખાઈ રહ્યું છે એ જોતાં કહેવું જ પડે કે એને માટે માત્ર ને માત્ર આપણે જવાબદાર છીએ.

ભારતમાં કોરોના કાબૂમાં હતો અને લૉકડાઉન વચ્ચે સૌકોઈએ સંયમ સાથે વર્તાવ કર્યો હતો એ જોઈને જ અનલૉકની સિરીઝ શરૂ થઈ. અનલૉકમાં ક્યાંય એવી વાત નહોતી કે હવે કોરોના નથી, પણ એને એ રીતે લેવામાં આવ્યું, એ જ રીતે સમજવામાં આવ્યું અને એવું જ વર્તન કરવામાં આવ્યું. પરિણામ એ આવ્યું જે અત્યારે આપણી આંખ સામે છે. કોરોનાએ ફરીથી સૌકોઈની સામે પોતાનું વિકરાળ રૂપ લઈ લીધું. આ વિકરાળ રૂપમાં આપણું પોતાનું કોઈ જોખમમાં મુકાશે એવી ગંભીરતા પણ આપણે દાખવી નથી શક્યા. આપણે એ પણ પુરવાર કરી ન શક્યા કે ગંભીરતા અમારી નસનસમાં છે. આપણે તો શૉપિંગ અને તહેવારોના મોહમાં રહ્યા અને આ જ મોહ હવે વિકૃતિ ધારણ કરવા માંડ્યો છે. હું કહીશ કે હજી પણ સમય છે, હજી પણ જાગવાનો મોકો છે. જાગીને જરા સમજો અને સમજણ સાથે આગળ વધો. મુંબઈકરને આ વાત ખાસ લાગુ પડે છે. બહેતર છે કે બહાર રખડવાનું, ભટકવાનું બંધ કરી દો. મોટા ભાગનાં કૉર્પોરેટ હાઉસે હજી ઑફિસ શરૂ નથી કરી. શું કારણસર, જરા વિચારો તો ખરા? તમે કોવિડનો ભોગ ન બનો એને માટે... અને એની સામે તમે શું કરો છો, ફરવા માટે બહાર નીકળો છો?

જે સમયે તમે બહાર નીકળો અને એ બહાર નીકળવાનો કોઈ ઉચિત હેતુ ન હોય ત્યારે ઍટ લીસ્ટ જાતને કોસવાનું કામ કરી લેજો. કહેવું યોગ્ય નથી લાગતું પણ ક્યાંક ને ક્યાંક તમે તમારા આ ઓવર-કૉન્ફિડન્સને કારણે તમારા જ પરિવારને જોખમમાં મૂકવા માગો છો.

coronavirus covid19 columnists manoj joshi