21 October, 2025 04:44 PM IST | Mumbai | Darshini Vashi
પ્રતીકાત્મક તસવીર
એક તરફ જ્યાં રેડીમેડ રસોઈથી લઈને રેડીમેડ નાસ્તાને પ્રાધાન્ય આપતો વર્ગ મોટો થઈ રહ્યો છે ત્યાં એવી પણ મહિલાઓ છે જેમનામાં કુકિંગનો કીડો જગાડવામાં સોશ્યલ મીડિયા કામ કરી ગયું. વર્ષોથી દિવાળીમાં તૈયાર નાસ્તો લાવનારી મહિલાઓ સોશ્યલ મીડિયા પ્લૅટફૉર્મ પર જોઈ-જોઈને હવે જાતે જ નાસ્તા બનાવતી થઈ ગઈ
જેમ દિવાળી ફટાકડા અને મીઠાઈ વગર અધૂરી લાગે છે એમ દિવાળી એના નાસ્તા વગર પણ સૂની લાગે છે. પણ નાસ્તા બનાવવા પણ એક ટાસ્ક હોય છે. ખાસ કરીને ઘૂઘરા, નાનખટાઈ, મોહનથાળ જેવી વસ્તુઓ બનાવવી ટાઇમ કન્ઝ્યુમિંગ તો હોય છે સાથે જો એને બનાવવાની પ્રૉપર જાણકારી ન હોય તો વસ્તુ બગડી જાય છે. એટલે આજકાલ ઘણી ગૃહિણીઓ ઘરે નાસ્તા બનાવવાનું ટાળતી હોય છે. પણ થૅન્ક્સ ટુ ઑનલાઇન વિડિયો અને રીલ્સ જેને જોઈને હવે ઘણી મહિલાઓ દિવાળીના નાસ્તા અને મીઠાઈ બનાવવાનું શીખી ગઈ છે અને બહારથી નાસ્તા લાવવાનું પણ બંધ કરી દીધું છે.
કોઈ નાસ્તા બનાવવાનું બાકી રાખ્યું નથી : રશ્મિ શાહ
દિવાળીમાં નાસ્તા બનાવવા એક ટાસ્ક જેવું લાગે. બહુ મહેનત માગી લે એટલે અમે પહેલાં બહારથી જ નાસ્તા અને મીઠાઈ લઈ આવતાં હતાં પરંતુ હવે હું જ બનાવું છું એમ જણાવતાં ગોરેગામમાં રહેતાં રશ્મિ શાહ આગળ કહે છે, ‘ઇન્સ્ટા અને યુટ્યુબ પર આવતી રેસિપીના વિડિયો જોઈને મને થયું કે આ તો બહુ ઈઝી છે અને એમાં આપણી ક્રીએટિવિટી પણ ઉમેરી શકીશું. ત્યાર બાદ મેં નક્કી કર્યું કે થોડા, પણ દિવાળીમાં નાસ્તા ઘરે જ બનાવવા છે. પછી હું દિવાળીમાં ઑનલાઇન રેસિપીના વિડિયો જોઈને નાસ્તા બનાવવા લાગી. જોકે એ એટલા સરસ બનતા થયા કે મેં પછી બધું નવું-નવું બનાવવા માંડ્યું. નાસ્તા જ નહીં, મીઠાઈ પણ બનાવવા લાગી. ઘરમાં અવન, ઍરફ્રાયર બધું વસાવ્યું. હવે ભાગ્યે જ દિવાળીની કોઈ એવી ફૂડ-આઇટમ બચી હશે જે હવે હું નહીં બનાવતી હોઉં. ઘરે બનાવેલા નાસ્તા કૉસ્ટ-ફ્રેન્ડ્લી તો હોય જ છે સાથે હેલ્થની દૃષ્ટિએ પણ બેસ્ટ રહે છે. એટલે હવે મને બહાર ગમે તેવા સારા નાસ્તા પણ દેખાઈ જાય તો પણ હું એ લાવતી નથી. હવે બધું ઘરે જ બનાવું છું. બીજું કે હવે દિવાળીમાં ફૅમિલીના સભ્યોને પોતાના હાથેથી બનેલી મીઠાઈ ખવડાવવાની મજા પણ આવે છે. આ વખતે મેં નાનખટાઈ, ચકરી, શક્કરપારા, પૂરી, ઘૂઘરા બનાવ્યાં છે.’
આૅનલાઇન જોઈ-જોઈને હવે બધું શીખી ગઈ : સેજલ શાહ
ગોરેગામમાં રહેતાં સેજલ શાહ કહે છે, ‘હું ટીચર છું અને અરિહંત ઍકૅડેમીમાં ભણાવું છું. દર વર્ષે દિવાળી આવે એટલે મારી મમ્મી નાસ્તા બનાવે જે હું નાનપણથી જોતી આવી છું એટલે એનું નૉલેજ તો મને હતું પરંતુ મોટી થઈ, નોકરી પર લાગી એટલે નાસ્તા બનાવવાનો સમય નીકળતો જ નહોતો. પરંતુ યુટ્યુબ અને ઇન્સ્ટા જેવી ઍપ પર હું અવારનવાર રેસિપીના વિડિયો જોતી. એ જોઈને મને પણ દિવાળીમાં આવી રેસિપી ટ્રાય કરવાનું મન થયું. શરૂઆતમાં એક-બે ડિશ બનાવી, જે ઘરના સભ્યોને બહુ ભાવી અને મારામાં પણ કૉન્ફિડન્સ વધ્યો એટલે મેં વધુ આવી ડિશ બનાવવી. એમ કરતાં હું હવે ઑનલાઇન જોઈ-જોઈને કાજુકતરી, બુંદીના લાડુ, ચકરી, શક્કરપારા, રબડી વગેરે બનાવતી થઈ ગઈ છું અને મારામાં કૉન્ફિડન્સ પણ વધી ગયો છે. હવે આટલીબધી રેસિપી જોઈને શીખી ગઈ છું કે કોઈ મહેમાન આવવાનું હોય તો એમ થાય કે ચાલ, આજે આ નવી વાનગી બનાવું કે પછી કોઈ મીઠાઈ બનાવી દઉં.’
આૅફિસ વર્કમાંથી ફ્રી થાઉં કે તરત વિડિયો ચાલુ કરીને નવી રેસિપી શીખી લઉં : રૂપલ ધ્રુવ
બિઝી શેડ્યુલ હોય અને ઘરમાં નોકરો હોય ત્યારે મહિલાઓને કિચનમાં જવાનું ઓછું થતું હોય છે. એટલે તહેવારો દરમિયાન પણ નાસ્તા અને મીઠાઈ કાં તો મહારાજ બનાવતા હોય અથવા તો બહારથી આવતા હોય, પરંતુ થૅન્ક્સ ટુ રેસિપી’સ વિડિયો અને રીલ્સ, જેને જોઈને મહિલાઓ પોતાના બિઝી શેડ્યુલમાંથી પણ સમય કાઢીને નવી-નવી રેસિપી ટ્રાય કરવા લાગી છે. કાંદિવલીમાં રહેતાં રૂપલ ધ્રુવ પણ આવી જ રીતે નાસ્તા અને મીઠાઈ બનાવતાં શીખ્યાં. આ વિશે તેઓ કહે છે, ‘મારા ઘરે વર્ષોથી કુક છે અને હું મારા બિઝનેસના ભાગરૂપે આખો દિવસ બિઝી રહું છું. એટલે દિવાળી સહિત દરેક તહેવારમાં અમારા ઘરે બહારથી જ નાસ્તા આવે. પછી મને થયું કે ઇન્સ્ટા પર આટલાબધા ફૂડના વિડિયો અને રીલ આવે છે તો ચાલોને હું પણ એકાદ ટ્રાય કરી જોઉં. અને ખરેખર મારી એ ટ્રાય સક્સેસફુલ રહી. પછી તો મને વધુ પ્રોત્સાહન મળ્યું અને થોડા-થોડા દિવસે કંઈક ને કંઈક બનાવતી ગઈ. મને સામાન્ય રીતે વધુ સમય મળતો નથી પરંતુ જ્યારે પણ હું થોડી પણ ફ્રી થાઉં કે તરત કંઈક બનાવવા બેસી જાઉં. આ વખતે પણ હું દિવાળી શરૂ થવાના આગલા દિવસે જ આવી અને આવીને નાસ્તા બનાવવા બેસી ગઈ છું.’