આવજો - ૨૦૮૦ અને આવો આવો – ૨૦૮૧

27 October, 2024 12:44 PM IST  |  Mumbai | Dr. Dinkar Joshi

પૃથ્વી ગોળ-ગોળ ફરે છે. ફરવાનું ક્યાંથી શરૂ કરીને ક્યાં પૂરું કરે છે એનો કોઈ હિસાબકિતાબ એણે આજ સુધી કોઈને આપ્યો નથી, પણ આ કહેવાતા અંતિમ દિવસ એટલે કે દિવાળીએ આપણે જૂના વર્ષને આવજો કહેવાનું છે

પ્રતીકાત્મક તસવીર

લો, વધુ એક વાર સમયનો એક નાનકડો ટુકડો આપણા હાથમાંથી સરકી ગયો. આપણે જે સમયના ટુકડાને સાંપ્રત કહીને જીવતા હતા, સમયનો એ જ ટુકડો હવે ટૂંક સમયમાં અતીત બની જશે. નવો ટુકડો આવતા શનિવારથી આવશે જેને આપણે બેસતું વરસ કહીને આવકારીશું. સમય માત્ર અગાધ જ નથી, ઉદાર પણ છે. જતી વેળાએ તમને પૂરતો સમય આપી જાય છે.

આ સમય કોનો છે અને ક્યાંથી આવે છે એ આપણે કોઈ જાણતા નથી. સમય આવે છે એ ગમે છે અને જાય એ પણ ગમે છે. આપણા સમયની આવ-જા આપણી સામે જ થાય છે તો બીજા એવા કેટલાય ખંડો છે કે જેનો સમય આપણી જાણ વિના જ આવે છે અને જાય છે, આપણને ખબર સુધ્ધાં પડતી નથી.

દિવાળીના દિવસોને આપણે વિદાયનું ઘોષણાપત્ર કહી શકીએ અને એ જ રીતે બેસતા વરસની સવારને આપણે આગમનનો આવકાર આપી શકીએ. ઘડીક થોભીને સંભારી લઈએ કે આ વીતેલા વરસના પહેલા દિવસે જે કંઈ કરવાનું નિશ્ચિત કર્યું હતું એનાથી શું કર્યું? અને કેટલું કર્યું? ફરી એક વાર નવું વરસ આવીને ઊભું રહ્યું છે ત્યારે એની સામે શરમિંદા થવું છે કે છાતી ટટ્ટાર કરીને કહેવું છે, ‘જે ગયા વર્ષે પૂરું નથી થઈ શક્યું એ કદાચ આ વરસે થાય. તું મને સાથ આપજે. તું મારી સાથે રહેજે.’

દિવાળીના આ દિવસો 

આસો વદ બારસને વાઘબારસ તરીકે ઓળખીને આપણે ઉત્સવનો આરંભ કરીએ છીએ. કેટલાક ગ્રંથો એવું કહે છે કે આ વાઘબારસ નથી, પણ વાક્ બારસ છે. વાક્ એટલે વાણી, વાચા. વાણી ઉપર સરસ્વતીનો અધિકાર છે. વાણી એટલે સરસ્વતી. વીતેલા વરસમાં વાણીને જે વચન આપ્યાં હતાં એ આપણે પૂરાં નથી કરી શક્યા તો પછી આ વાક્ને આજે માથું નમાવીને નમી લઈએ, એનું પૂજન કરી લઈએ. એમને કહીએ કે હે મા સરસ્વતી, માત્ર ઉત્સવનો જ નહીં, સમયના આ નવાનક્કોર ખંડનો અમે સદુપયોગ જ કરતા રહીએ એવા આશીર્વાદ આપો.

તેરસનો દિવસ એને આપણે ધનતેરસ કહીએ છીએ. માત્ર સરસ્વતીથી જીવન સમૃદ્ધ નથી બનતું. સરસ્વતીને સમર્થ અને સુદૃઢ બનવા માટે ધન પણ જોઈએ. આ ધનનું પૂજન એટલે એનું સ્વાગત. અહીં ધન શબ્દ વપરાયો છે, લક્ષ્મી નહીં. એ કદાચ એવું સૂચન કરે છે કે ધન એ વ્યવહારિક ઉપયોગિતા છે. એને માટે લક્ષ્મી શબ્દ પાછળથી વપરાયો છે. દિવાળીના દિવસને આપણે લક્ષ્મીપૂજન (એ માત્ર લક્ષ્મીપૂજન નથી, ચોપડાપૂજન પણ છે) કહીએ છીએ.

માતા સરસ્વતી અને ધન આ બન્ને એકત્રિત થયા પછી જો એનું રક્ષણ ન કરી શકાય તો એ એકતા સચવાતી નથી. એના માટે શક્તિ જોઈએ છે અને આ શક્તિ એટલે ધનતેરસ પછીનો વળતો દિવસ કાળીચૌદશ. એ કાળી માતાનું સ્વરૂપ છે અને આ સ્વરૂપ શક્તિના પર્યાય તરીકે પ્રયોજાયું છે. ગમે એટલી શાસ્ત્રોક્ત વાતો કરીએ પણ જો બાવડાંમાં બળ ન હોય તો જે કંઈ કરવું છે એ નર્યો કલ્પના-વૈભવ રહી જાય છે. ઘણુંખરું લગભગ બધા જ પરિવારો ઘરમાંથી કકળાટ કાઢે. પ્રત્યેક વર્ષ આ કકળાટ કાઢવાની વિધિ કર્યા પછી પણ કકળાટ ગયો હોય એવું બન્યું છે ખરું? કકળાટ બહારની કોઈ ઘટનામાં નથી. એ અંતરની કોઈક ઊંડી-ઊંડી ગુફામાં કદાચ કાયમ માટે ઘર કરીને બેઠો છે. ક્યાંક કશુંક બને છે અને ગુફામાં સૂતેલો કકળાટ હું હુંકાર સ્વરે સપાટી ઉપર આવી જાય છે. પ્રતિ વર્ષ એને પ્રાર્થના તો કરીએ, પણ પ્રાર્થના એ માત્ર શબ્દો નથી. પ્રાર્થનામાં કશું માગવાનું ન હોય, કશું આપવાનું ન હોય. પ્રાર્થના એટલે એક એવું નિર્વાણબિંદુ કે જ્યાં ફક્ત હોવાનું જ રહી જાય છે. આ બિંદુએ પહોંચીને જો પેલા કકળાટને લપડાક લગાવીએ તો બીજે વર્ષે કદાચ એ આપણી સામે ઊભા રહેવાનું નામ ન લે.

દિવાળીનો દિવસ એટલે આસો વદ અમાસ. એને આપણે વરસનો છેલ્લો દિવસ ગણીએ છીએ. એને છેલ્લો દિવસ શી રીતે ગણાય એનું ગણિત શાસ્ત્રજ્ઞોએ જુદી-જુદી રીતે આંકડા મૂકીને કર્યું છે. પૃથ્વી ગોળ-ગોળ ફરે છે. ફરવાનું ક્યાંથી શરૂ કરીને ક્યાં પૂરું કરે છે એનો કોઈ હિસાબકિતાબ એણે આજ સુધી કોઈને આપ્યો નથી, પણ આ કહેવાતા અંતિમ દિવસે આપણે એને આવજો કહેવાનું છે. અતિથિ બે દિવસ રહે કે ચાર દિવસ તેને આવજો તો કહેવું જ પડે. આ આવજોને આપણે ચોપડાપૂજન તરીકે પણ ઓળખાવ્યું છે. ચોપડા એટલે હિસાબકિતાબ. આગળ વધતાં પહેલાં પાછું વાળીને જોઈ લેવું જોઈએ કે કંઈ આગળ વધાયું છે કે હતા ત્યાંના ત્યાં જ છીએ? આ ચોપડાપૂજનમાં રોજમેળ હોય કે ખાતાવહી, વહેલી સવારે આપણે એમાં આંકડો માંડીએ છીએ શ્રી ૧।) આ સવા એટલે આજની ડિજિટલ ભાષામાં ૧.૨૫. પ્રત્યેક વ્યવહારિક માણસને આ આંકડો આદેશ આપે છે. વ્યવહારમાં કમાણી કરવી, કશુંક મેળવવું પણ ખરું, પણ આ નફો .૨૫ એટલે કે સવાથી વધારે હોવો જોઈએ નહીં. કરોડો અને અબજો ક્યાંય એક જગ્યાએ એકત્રિત થઈ જવા જોઈએ નહીં. લક્ષ્મીજીનું પૂજન એટલે સવા.

આવકાર અને આવજો 

બસ, જે જવાનું હતું એ જતું રહ્યું છે એને પાછું નહીં બોલાવી શકાય અને જે આવવાનું છે એણે દરવાજે ટકોરા મારીને ડોકું અંદર નાખ્યું છે, ‘આવું કે?’ એને હા કહો કે ના, તમારે એને આવકારવાનું જ છે અને આ આવકાર અણગમતા મહેમાનને અપાતો વ્યાવહારિક આવકાર ન બની રહે તો આ ૨૦૮૦ અને ૨૦૮૧ બન્ને આપણાં જ છે અને આપણાં જ રહેશે.

columnists dinkar joshi diwali festivals