આખરે અમને સમજાયું કે સાચું ધન તો આરોગ્ય જ

10 November, 2023 02:26 PM IST  |  Mumbai | Darshini Vashi

સ્વાસ્થ્યના સ્વામી એવા ધન્વંતરિ દેવની યાદમાં ઊજવાતી ધનતેરસે મળીએ એવા લોકોને જેમણે એક વખત રૂપિયાની દોડમાં સ્વાસ્થ્યમાં પછડાટ ખાધી ખરી, પણ પછી જીવનને બહેતર બનાવવાની દિશામાં મચી પડ્યા.

આખરે અમને સમજાયું કે સાચું ધન તો આરોગ્ય જ

સ્વાસ્થ્યના સ્વામી એવા ધન્વંતરિ દેવની યાદમાં ઊજવાતી ધનતેરસે મળીએ એવા લોકોને જેમણે એક વખત રૂપિયાની દોડમાં સ્વાસ્થ્યમાં પછડાટ ખાધી ખરી, પણ પછી જીવનને બહેતર બનાવવાની દિશામાં મચી પડ્યા. હેલ્થને જ વેલ્થ બનાવીને અનેરું જીવન જીવવાનું શરૂ કરનારા સાચા ધનવીરો પાસેથી કંઈક શીખીએ

ધનતેરસના દિવસે આપણે ધનની પૂજા કરીએ છીએ પણ એ ધનને કમાવવા માટે આપણા શરીરના ધન ગણાતા એવા આરોગ્યની સંભાળ રાખવામાં ચૂક કરી દઈએ છીએ જેને લીધે ઘણી વખત પસ્તાવાનો વારો આવે છે. 

મોટા ભાગના લોકો આરોગ્યમાં પછડાટ ખાધા બાદ ફરી બેઠાં થઈને ધન કમાવવા માટે દોડાદોડી કરવાનું શરૂ કરી દેતા હોય છે, પણ દરેક વ્યક્તિ એકસમાન હોતી નથી. અમુક વ્યક્તિઓ એવી પણ છે જેમણે તંદુરસ્તીમાં એક વખત પછડાટ ખાધા બાદ પોતાનું જીવનધોરણ સાવ બદલી નાખ્યું છે એટલું જ નહીં, ધન કમાવવા માટેની ભાગાદોડી પણ સાવ નહીંવત્ કરીને પોતાની હેલ્થને જ સાચું ધન માનીને એના પર જ સંપૂર્ણપણે ધ્યાન આપી રહ્યા છે. આજે આપણે એવી વ્યક્તિઓની જ મુલાકાત લેવાના છીએ જેમણે પોતાની હેલ્થને પ્રાધાન્ય આપીને ધન કમાવવા પાછળ દોડવાનું બંધ કરી દીધું છે.

હેલ્થ મસ્ટ અને ફર્સ્ટ રાખવા કામ અડધાથી ઓછું કરી દીધું : કાજલ મેહરા
જો હેલ્થ સારી હશે તો બધું સારું રહેશે અને આ જ વિચારીને મેં મારું કામ ઘટાડી દીધું છે એમ જણાવતાં કાંદિવલીમાં રહેતાં કાજલ મેહરા આગળ કહે છે, ‘હું પહેલાંથી કામમાં એકદમ જ ઍક્ટિવ રહી છું. હું ઑફિસે નથી જતી પણ ટ્યુશન કરાવું છું. મારી પાસે ઘણાં ટ્યુશન હતાં. લગભગ ૩૦ જેટલાં બાળકોને હું ભણાવતી હતી. પણ એકાએક મને એક બીમારી થઈ ગઈ જેના લીધે શારીરિક અને માનસિક રીતે તો હું સાવ ધોવાઈ જ ગઈ પણ નાણાકીય રીતે પણ ખાલી જેવી થઈ ગઈ. પૈસા પાણીની જેમ વહેવા લાગ્યા. તેમ છતાં મારું આરોગ્ય સારું રહે એ માટે મેં ટ્યુશન ઓછાં કરી નાખ્યાં. ભલે મારે ટ્રીટમેન્ટ માટે પૈસાની જરૂર હતી તેમ છતાં હેલ્થ વધુ ખરાબ ન થાય અને સ્ટ્રેસ ન પહોંચે એટલે મેં ટ્યુશન એકદમ જ ઘટાડી દીધાં હતાં. ભગવાનની મહેરબાનીને લીધે આજે મને સારું છે છતાં હેલ્થને જ હું આજની તારીખમાં પણ ફર્સ્ટ પ્રેફરન્સ આપું છું. બધું કામ સાઇડ ઉપર મૂકીને પહેલાં હેલ્ધી ખાવાનું, કસરત વગેરે કરું છું પછી બીજાં કામ હાથમાં લઉં છું.’

જમા કરેલી રકમથી મેં ફિટનેસ સેન્ટર જૉઇન કરેલું : હિના શાહ
તમામ મહિલાઓ પોતાના પતિએ આપેલી અમુક રકમની બચત કરતી જ હોય છે જે તેઓ છુપાવીને રાખે છે અને પછી એનો પોતાની રીતે ઉપયોગ કરતી હોય છે. પણ ક્યારેય સાંભળ્યું છે કે તેઓ આ રકમનો ઉપયોગ ફિટનેસ માટે કરતી હોય? નહીંને! મુલુંડમાં રહેતાં અને છેલ્લાં ઘણાં વર્ષોથી ફિટનેસ સેન્ટરમાં જતાં હિના શાહ કહે છે, ‘સ્ત્રીઓ ચાલીસી વટાવી જાય પછી તેને કોઈ ને કોઈ હેલ્થ ઇશ્યુ આવે જ છે. મને પણ એવા જ પ્રૉબ્લેમ આવવા લાગ્યા. મેનોપૉઝ આવ્યો જેના લીધે થોડું ડિપ્રેશન, કૉલેસ્ટરોલ વગેરે આવ્યું એટલે મેં નજીકમાં આવેલા ફિટનેસ સ્ટુડિયોમાં જૉઇન થવાનું નક્કી કર્યું, જેના માટે મેં ઘરખર્ચમાંથી બચાવેલા બધા પૈસા એમાં ભરી દીધા. આમ ઘણી સ્ત્રીઓ આ બચાવેલા પૈસાનો ઉપયોગ તેના પર્સનલ ખર્ચ કાઢવા કરે છે, પણ મેં એનો ઉપયોગ ફિટનેસ માટે કર્યો. પૈસા તો પછી પણ ભેગા થઈ જશે, પણ હેલ્થ નહીં. આજે હું એકલી ઘરનો બિઝનેસ અને બાળકોના ભણતરનો ખર્ચ અને ઘરખર્ચ બધું સંભાળું છું તેમ છતાં હેલ્થની જાળવણી કરવા પાછળ કોઈ કચાશ કરતી નથી. હેલ્થ ઉપર ધ્યાન આપવાનું શરૂ કરી દેતાં આજે મારું આરોગ્ય ખૂબ જ સારું છે.’  

ઘરે બેસીને જેટલી કમાણી થાય એટલી જ, વધારે દોડધામ નથી કરવી : કવિતા જાની
મીરા રોડથી અંધેરી સ્કૂટર લઈને ઑફિસમાં જતી ત્યારે બૅકમાં થતા દુખાવાને સામાન્ય જ લીધો પણ પછી એની ગંભીરતા સામે આવી એમ જણાવતાં મીરા રોડમાં રહેતાં કવિતા જાની કહે છે, ‘હું છેલ્લાં દસેક વર્ષથી એફએમસીજી કંપનીમાં કામ કરું છું જ્યાં મને થોડા સમય પહેલાં પ્રોગ્રામ મૅનેજર પણ બનાવી હતી. પણ હમણાં થોડા સમય પહેલાં જ મને બૅકમાં અચાનક જ ખૂબ દુખાવો થવાનો ચાલુ થઈ ગયો. એ માટે એક કરતાં ઘણાં કારણો હતાં. એક તો ઑફિસમાં ખૂબ જ કામ અને જવાબદારીનું સ્ટ્રેસ તો રહેતું જ સાથે મારી સિટિંગ જૉબ હતી એટલે વધુ હલનચલન પણ થતું નહોતું અને ઓછામાં પૂરું હું મીરા રોડથી અંધેરી મારી ઑફિસ સુધી સ્કૂટી ચલાવીને આવતી. આ બધું ભેગું થઈ જવાને લીધે મને અસહ્યય બૅકપેઇન થવા લાગ્યું હતું. પહેલાં તો ઑફિસથી થોડા દિવસની રજા લીધી. પછી વર્ક ફ્રૉમ હોમનો ઑપ્શન પણ લીધો તો એ પણ કેટલું ચાલે? આખરે મારી હેલ્થને ધ્યાનમાં રાખીને મેં રાજીનામું આપી દીધું. જોકે દવા અને યોગ્ય દેખભાળને લીધે મને ઘણું સારું પણ થઈ ગયું હતું તેમ છતાં હવે હેલ્થની સાથે બાંધછોડ કરવાની ઇચ્છા નહોતી. પૈસા કમાવવા માટે દોડાદોડી અને સ્ટ્રગલ કરીને દવામાં જ પૈસા નાખવાનો વારો આવે એના કરતાં ઘરે બેસીને જ કામ કરવાનું નક્કી કર્યું. જે બચત હતી એમાંનો થોડોક ભાગ શૅરબજારમાં ઇન્વેસ્ટ કર્યો. ઘરે બેસીને શૅરબજારમાં જેટલું કામ થાય એટલું કરું છું. ભલે, આજે આવક પહેલાં કરતાં ઓછી આવે છે પણ હેલ્થ સચવાઈ ગઈ એ જ મોટું ધન છે મારા માટે.’

ધન પાછળની દોટ બંધ કરતાં હેલ્થ અને લાઇફ સુધરી ગઈ: હિતેન પટેલ
ઘણી વખત આપણે આપણાં કામ અને રોજિંદા કાર્યમાં એટલાબધા બિઝી થઈ જઈએ છીએ કે આપણે આપણી ફૅમિલી, સોશ્યલ લાઇફ અને હેલ્થ માટે સમય મળતો નથી. ઘણાને ખબર હોય છે કે તેઓ ફૅમિલી અને હેલ્થ માટે સમય નથી આપી શકતા એમ છતાં તેઓ પોતાના જીવન ધોરણમાં કોઈ ફેરફાર લાવતા નથી, પણ અમુક વ્યક્તિઓ એવી પણ છે જેમને સત્ય સમજાતાંની સાથે પોતાની પ્રાયોરિટી બદલી નાખી હોય અને પૈસા કમાવવા પાછળ દોડવાનું સાવ ઘટાડી દીધું હોય. બોરીવલીમાં રહેતા અને ભૂતકાળમાં એક કૉર્પોરેટ કંપનીમાં સીઈઓ લેવલ ઉપર કામ કરી ચૂકેલા હિતેન પટેલ કહે છે, ‘આજથી ૨૦ વર્ષ પહેલાં હું કામમાં એટલોબધો ઓતપ્રોત થઈ ગયેલો કે હું ફૅમિલી અને હેલ્થથી એકદમ જ વિમુખ થઈ ગયો હતો. ત્યાં સુધી કે મારું વજન ૧૦૦ કિલોની નજીક પહોંચી ગયું હતું. અનેક બીમારીનું શરીર ઘર બની ગયું હતું પણ જેવો મને હકીકતનો એહસાસ થયો કે તરત જ પૈસા કમાવાની પાછળ ભાગદોડ કરવાને બદલે બધું છોડી દીધું. સંપૂર્ણ સમય મેં મારી ફૅમિલી અને હેલ્થને આપવા માંડ્યો. જીવનને નવી દિશા તરફ આગળ લઈ જવાના પ્રયાસમાં કામ કરવા લાગ્યો. આજે મારા શરીરમાં કોઈ બીમારી નથી કે નથી કોઈ માનસિક અશાંતિ. એકદમ નચિંતપણે જીવન પસાર કરી રહ્યો છું. જ્યારથી મેં ધન કમાવવા પાછળ હાય હાય કરવાનું છોડી દીધું છે ત્યારથી મારી હેલ્થ અને લાઇફ એકદમ સુધરી ગઈ છે. પૈસા કમાવવા પાછળ દોડવા કરતાં હેલ્થ સાચવવા પર વધારે પ્રાધાન્ય આપવું જોઈએ એના પર હું એક બુક પણ લખી ચૂક્યો છું.’

diwali darshini vashi columnists festivals