ધીણોધર:જ્યાં ધોરમનાથની ધૂણી અવિરત પ્રજ્જ્વલિત છે

07 April, 2020 12:55 PM IST  |  Kutch | Sunil Mankad

ધીણોધર:જ્યાં ધોરમનાથની ધૂણી અવિરત પ્રજ્જ્વલિત છે

ધીણોધર ડુંગર

કચ્છના કવિ નિરંજન જ્યારે હિમાલયની યાત્રાએ ગયેલા ત્યારે ‘હેમાળે વટ પૂગો નિરંજન, ધીણોધર સંભરન’ કહી તેમણે હિમાલયમાં પણ કચ્છના ધીણોધર ડુંગરનાં દર્શન કર્યાં હતાં. હિમાલય જેમ યોગી-મહાત્માઓની ભૂમિ છે એમ કચ્છનો ધીણોધર પણ તપોભૂમિ તરીકે પ્રખ્યાત છે. સૈકાઓ પૂર્વે પેશાવર કે પંજાબથી વિહાર કરતાં કચ્છ આવેલા નિરંજન નિરાકાર નાથયોગી ધોરમનાથજીએ પ્રથમ આ ડુંગર પર તપ કર્યું હતું અને પછી તળેટીમાં ધૂણો પ્રગટાવ્યો હતો. રમણીય ડુંગરની આસપાસ ગીચ વનરાજી અને ભરપૂર પ્રાકૃતિક સૌંદર્ય ધરાવતી આ જગ્યા પણ કચ્છના ઇતિહાસ અને સંસ્કૃતિ સાથે વણાયેલી છે એટલે કચ્છના સંત્રી સમા ધીણોધર વિશે થોડું જાણી લઈએ.

નખત્રાણા તાલુકાના અરલ ગામની બાજુમાં આવેલું એક પ્રવાસન સ્થળ એટલે ધીણોધર ડુંગર. ધીણોધર એ નિષ્ક્રિય જવાળામૂખી છે. ૪૦ કિલોમીટરનો ઘેરાવો, ૧ર૬૭ ફુટ (૩૮૬ મીટર) ઊંચાઈ અને ૯૦૦ પગથિયાં ધરાવતાં આ ડુંગરની ટોચે કચ્છના સિદ્ધયોગી ધોરમનાથજીનાં પગલાંની દેરી અને ધૂણો આવેલાં છે. એમાં દાદાનું પ્રાચીન મંદિર, અખંડ જ્યોત, ધૂણો, ધોરમસ્તંભ વિગેરે આવેલાં છે.  ચૂના પથ્થરનું ડોમ આકારનું ક્યાંક તૂટેલું દેખાતું મંદિર સંવત ૧૮૭૭ (ઈસવી સન ૧૮ર૧)માં આ મંદિર બ્રહ્મક્ષત્રિય શેઠ સુંદરજી શિવજીએ બાંધ્યું હતું. પૂર્વ તરફ પ્રવેશદ્વારવાળા આ મંદિરને દરવાજા નથી. પોણાછ ફુટના ચોરસ આકારના સાડાછ ફુટની ઊંચાઈવાળા આ મંદિરમાં સાડાચાર ફુટ ઊંચું અને બે ફુટ પહોળું પ્રવેશદ્વાર છે. એ ધોરમનાથજીની દેરી તરીકે ઓળખાય છે. એની સાથે યોગી ધોરમનાથના તપની દંતકથા જોડાયેલી છે. ધીણોધર મોટી જાગીર છે. એના ગુરુને ‘પીર’ કહેવાય છે. એક સમયે કચ્છની આ સૌથી મોટી ધર્માદા જાગીર આશરે આઠ સદી જૂની છે.

કહેવાય છે કે માંડવીમાં અનેક લોકોનાં મૃત્યુ થયાં એનાથી દુ:ખી થઈ ધોરમનાથજીએ કોઈ એકાંત ટેકરી પર જઈ માથાના બળે ઊભા રહી તપ કરવાનું નક્કી કર્યું. ઉત્તર તરફ તેમણે ભ્રમણ શરૂ કરી એક ટેકરી પસંદ કરી, પણ મન પરથી ભાર હળવો ન થયો એથી એ ડુંગરનું નામ આપ્યું ‘નનામો’ (ભારથી લદાયેલો). ત્યાંથી ચાલી નીકળ્યા બાદ બીજા ડુંગરે ગયા, ત્યાં મન ન માન્યું. એ ડુંગરનું તેમણે નામ આપ્યું ‘ઝુરિયો’ (તૂટી પડેલો). છેવટે એક ડુંગર પસંદ કરી એના પાછળના ભાગથી ચડવાનું શરૂ કર્યું. ત્યાં ધૂણો પ્રગટાવ્યો એ સ્થિર થયો એથી આ ડુંગરને ‘ધૂણોથર’ નામ આપ્યું જે પાછળથી ધીણોધર તરીકે ઓળખાયો. 

ડુંગર પર તેમણે એક પથ્થર પર માથું ટેકવી પગ ઊંચા રાખી ૧૨ વર્ષ સુધી તપ કર્યું. તપ દરમ્યાન કહેવાય છે કે એક ચારણ મહિલા તેમને દૂધ પીવરાવતી. આકરા તપથી ભગવાન પ્રસન્ન થયા અને ધોરમનાથજીને તપ ત્યાગવાનું કહ્યું. ધોરમનાથજીએ તેમની વ્યથા જણાવતાં કહ્યું કે હું જ્યાં પણ જોઉં છું ત્યાં ઉજ્જડ જમીન બની જાય છે. ભગવાને તેમને પહેલાં દરિયા તરફ જોવાનું કહ્યું. ધોરમનાથજીએ દરિયા તરફ દૃષ્ટિ કરતાં દરિયાનું પાણી સૂકાવા લાગ્યું. ત્યાં જે સૂકોપાટ ભાગ થયો એ કચ્છનું રણ બન્યું. ધોરમનાથજીને થયું કે એ વધુ દૃષ્ટિ રાખશે તો દરિયાની અનેક માછલીઓ મરી જશે. એથી દૃષ્ટિ હટાવી ડુંગર પર ફેરવી તો ડુંગર બે ભાગમાં વહેંચાઈ ગયો.

ધોરમનાથજી ડુંગરની તળેટીમાં આવ્યા. એ તળેટી થાન તરીકે ઓળખાય છે. તળેટીમાં એક ધૂણી ધખાવી અને નાની દેરી બનાવી કાનફટ્ટા સંપ્રદાયની સ્થાપના કરી છે. આ દેરી આગળ  ભાદ્રપદના ત્રણ દિવસ દરમ્યાન હાલના મહંત દ્વારા ધૂણી પ્રગટાવાય છે.

તળેટી-થાનમાં ધોરમનાથજીનું બીજું નાનકડું મંદિર છે. સાત ફુટનો ચોરસ આકાર, સાત ફુટ ઊંચાઈના આ મંદિરની અંદર ત્રણ ફુટ ઊંચી ધોરમનાથજીની માર્બલની મૂર્તિ સ્થાપિત છે જેમાં સતત દીવો બળતો રહે છે. નજીક જ ધોરમનાથજીએ જાતે જે ધૂણી ધખાવી હતી એ આજે પણ ચાલુ છે. ફાગણ સુદ ચોથ અને પાંચમના ધોરમનાથજીનો મેળો અહીં ભરાય છે. જ્યારે જન્માષ્ટમી અને નવરાત્રિમાં અહીં ઉત્સવ જેવું વાતાવરણ જોવા મળે છે. આ દરમ્યાન અહીં ઘઉં-ચોખાનો મીઠો પ્રસાદ વહેંચાય છે.

ધીણોધર પ્રવાસીઓને તો આકર્ષે જ છે સાથે-સાથે પર્વતારોહણનો શોખ ધરાવનારને પણ ખેંચે છે. ધીણોધર ડુંગર પર ચડવા માટે એક તરફ પગથિયાં બનાવાયાં છે તો થાનની તરફથી સાહસિકો માટે જંગલી ઊંચા ઘાસની વચ્ચેથી પર્વત પર ચડવાનો રોમાંચકારી અને થોડો કઠિન માર્ગ પણ છે. ધીણોધર ડુંગર કચ્છનું એક અત્યુત્તમ પ્રાકૃતિક સ્થાન છે.

ધીણોધરની ટોચ પર ઊભા રહી આસપાસ નજર કરવામાં આવે તો ઉત્તર બાજુ અફાટ સૂકું રણ અને સામે બાજુ લીલોછમ્મ નખત્રાણા તાલુકો દેખાય છે. એકસાથે બે પ્રાકૃતિક દૃશ્યો જોનારને ચકિત જ કરી નાખે છે. પ્રકૃતિપ્રેમીઓ માટે આ અનિવાર્ય સ્થળ છે. તળેટી થાનમાં નાથ પંથીઓનું સ્થાનક છે ત્યાં કાનફટ્ટા સાધુઓ રહે છે. ધોરમનાથજીનું એક મંદિર માંડવી તાલુકાના નાની રાયણમાં પણ આવેલું છે. ફાગણ સુદ ચોથ અને પાંચમના દિવસે ધોરમનાથજીનો મેળો ભરાય છે.

kutch sunil mankad columnists