કૉલમ : ચલો, કિસી બચ્ચે કો હસાયા જાએ

17 April, 2019 08:45 AM IST  |  | પંકજ ઉધાસ

કૉલમ : ચલો, કિસી બચ્ચે કો હસાયા જાએ

પ્રતીકાત્મક તસવીર

દિલ સે દિલ તક

હું ઘણા કાર્યક્રમો અને કૉન્સર્ટ કરતો હોઉં છું. વર્ષ દરમ્યાન ઓછામાં ઓછા બસ્સો દિવસ તો આ બધામાં જ બિઝી હોઉં. આ કૉન્સર્ટમાંથી અમુક શો ફંડ ઊભું કરી આપવા માટે કે પછી કોઈ સોશ્યલ કૉઝ ખાતર પણ હોય છે. આ નિયમ પણ વર્ષોથી રાખ્યો છે. કુદરતે, ઈશ્વરે તમને જે કળાની બક્ષિસ આપી છે એ બક્ષિસને તમે કેવી રીતે લોકો માટે વાપરી શકો એ જોતાં રહેવું જોઈએ અને સમયાંતરે એનો ઉપયોગ સમાજ માટે પણ કરવો જોઈએ. મેં હમણાં એક કૉન્સર્ટ કરી, થેલેસેમિક બાળકો માટે. આ કૉન્સર્ટનાં મૂળ છેક ૧૯૮૭ના વર્ષમાં છે.

૧૯૮૭માં મને PATUT એટલે કે ‘ધ પેરન્ટ્સ એસોસિએશન - થેલેસેમિક યુનિટ’ દ્વારા મુંબઈમાં થેલેસેમિયાથી પીડાતાં બાળકો માટે ફંડ-રેઇઝિંગ કૉન્સર્ટ કરવાનું આમંત્રણ મને મળ્યું. પહેલી વાર. એ આમંત્રણ આપવાની સાથોસાથ મને આ પ્રકારના પેશન્ટ્સને શું અને કેવા પ્રૉબ્લેમ હોય છે એના વિશે પણ કહેવામાં આવ્યું. એ જે વાત થઈ એના પછી મેં તરત જ એ સ્વીકારી લીધું અને એ કૉન્સર્ટ કરી. આ કૉન્સર્ટ પહેલાં મને થેલેસેમિયા વિશે બહુ ઓછી જાણકારી હતી, પણ કૉન્સર્ટ પહેલાં રૂબરૂ મળવા આવેલા એ મિત્રો અને કૉન્સર્ટ દરમ્યાન મને એના વિશે ખૂબ જાણવા મળ્યું. આ બીમારી વિશે છેલ્લાં થોડાં વષોર્માં અવેરનેસ આવી છે, પણ હું જે સમયની વાત કરું છું એ સમયે મીડિયાનો વ્યાપ ઓછો હતો, બીમારી વિશેની જાણકારીઓ પણ ઓછી હતી અને એટલે થેલેસેમિયા જેવી રૂંવાડાં ઊભાં કરી દેનારી બીમારી વિશે પણ જાણકારી ઓછી હતી. મેં જે કૉન્સર્ટ કરી એ કૉન્સર્ટ દરમ્યાન મારે ઘણાં થેલેસેમિક બાળકોને મળવાનું થયું. હૉસ્પિટલના થેલેસેમિક વૉર્ડની મુલાકાત લેવાનું પણ મારે બન્યું. ત્યાં મેં જોયું કે કેટલી મોટી સંખ્યામાં બાળકો આ બીમારીથી પીડાઈ છે. અત્યંત ભયંકર અને ભયાનક છે આ બીમારી.

અઠવાડિયામાં એક વાર કે દસ દિવસે એક વાર તેમણે સારવાર લેવા માટે હૉસ્પિટલે આવવાનું હોય અને હૉસ્પિટલે આવીને ત્યાં તેમણે બ્લડ ટ્રાન્સફ્યુઝનની પ્રક્રિયા કરવી પડે કે પછી બીજી કોઈ મેડિસિન આપવામાં આવે, પણ આ એક વાર કે બે-પાંચ વારની પ્રક્રિયા નથી. આ એક સતત ચાલતી પ્રક્રિયા છે અને જિંદગીભર આ પ્રક્રિયા કરવાની છે. તમે જીવો ત્યાં સુધી આ પ્રક્રિયા આમ જ ચાલુ રહે. નવું લોહી લેતાં જવાનું અને લોહી લેતાં જઈને તમારે એ નવા લોહીને કારણે સહન કરવી પડતી તકલીફો પણ સહન કરતાં જવાની. જરા વિચાર તો કરો ખૂબ નાનાં બાળકોને આ બીમારી હોય છે. બે વર્ષનું બાળક પેશન્ટ બનીને દર અઠવાડિયે હૉસ્પિટલે આવતું હોય એ કેવી રીતે કોઈ પેરન્ટ્સથી સહન થાય. આપણે તો ત્રીજી વ્યક્તિ છીએ અને જો આ વાત સાંભળવી કે વાંચવી પણ આપણી માટે રૂંવાડાં ઊભાં કરી દેનારી હોય તો એમણે તો આ પ્રક્રિયામાંથી જાતે પસાર થવાનું છે અને બાળકને, તેણે તો આ પીડા સહન કરવાની છે.

લાતુર, નાસિક, ઔરંગાબાદ જેવાં શહેરોમાંથી થેલેસેમિયાની સારવાર માટે મુંબઈ આવે છે. પોતાના કામધંધા અને પરિવારના અન્ય સભ્યોને છોડીને આવતાં આ પેરન્ટ્સને જોઈને મને તો કંપારી છૂટી જાય છે. ૧૯૮૭નો એ અનુભવ મારી માટેનો પહેલો અનુભવ અને એ એકમાત્ર અનુભવ પછી મને લાગ્યું કે આપણે ખરેખર ખૂબ સુખી છીએ અને એની માટે ભગવાનનો આભાર માનવો જ જોઈએ. એક પણ જાતની બીમારી નહીં, સુવિધાઓ પણ ખૂબ બધી અને પરિવારનો પ્રેમ. આનાથી વિશેષ શું જોઈએ આપણને.

બાળકોની પીડા અને પેરન્ટ્સની હેરાનગતિ જોઈને મને ખરેખર બહુ તકલીફ થઈ અને મેં નક્કી કર્યુ કે આ સંસ્થા સાથે જોડાઈને હું વધારેમાં વધારે લોકો સુધી આ બીમારીને રોકવા, એના વિશે જાગૃતતા લાવવા અને શ્રેષ્ઠ સારવાર મળે એ માટે કામ કરીશ. એ દિવસ એક વિચાર મનમાં આવ્યો હતો, જે આજે પણ મનમાં એમ જ ટળવળી રહ્યો છે.

જો મુંબઈ અને મહારાષ્ટ્રમાં આટલાં બાળકો આ બીમારથીથી પીડાતાં હોય તો ભારતમાં, આ આખા દેશમાં કેટલાં બાળકો હશે જે આ બીમારીની હેરાનગતિ ભોગવતાં હશે. ૧૯૮૭ની એ પહેલી કૉન્સર્ટ પછી મને થયું કે વધુ ને વધુ આ ક્ષેત્રમાં કામ થવું જોઈએ, જેથી વધારેમાં વધારે બાળકોને શ્રેષ્ઠ સારવાર મળે એવું કામ થઈ શકે. આનાથી ઉત્તમ બીજું કશું નથી. હું એવું નથી કહેતો કે હું મારું બધું કામ પડતું મૂકીને કે બધાં કામો છોડીને આ કામમાં લાગી જઉં અને બધાને બધી પ્રકારની મદદ પહોંચાડવા માંડું, પણ મેં તમને કહ્યું એમ, ભગવાને મને જે કળા આપી છે એ કળાનો જો થોડો ઉપયોગ પણ આ બાળકોના જીવન માટે કરી શકું તો એનાથી શ્રેષ્ઠ કર્મ બીજું કશું નથી.

થેલેસેમિક બાળકોની કાળજી પણ અન્ય બાળકો કરતાં વધારે અને જુદાં પ્રકારની લેવી પડતી હોય છે. એ બહાર રમવા જાય તો તેને લાગી ન જાય એનું પણ ધ્યાન રાખવું પડે અને જો લાગી જાય તો એની સારવારની આખી પ્રક્રિયા બદલી જતી હોય છે. હિમોફિલિયા નામની એક બીમારી એવી છે કે જેમાં પેશન્ટને લોહી નીકળે તો એ લોહી બંધ જ ન થાય, એ એકધારું વહ્યા જ કરે એટલે એવા પેશન્ટ્સે એ વાતનું ધ્યાન રાખવું પડતું હોય છે કે એને ભૂલથી પણ શરીરમાં નાનોસરખો ઘા પણ ન પડે. આ જ રીતે થેલેસેમિક પેશન્ટ્સ માટે પણ પુષ્કળ ધ્યાન રાખવાનું હોય છે. આજે લગભગ બત્રીસ વર્ષ થઈ ગયાં મને, આ કામની સાથે જોડાયાને. આ ત્રણ દાયકામાં સારવારની પદ્ધતિથી માંડીને એની રીતોમાં પુષ્કળ પરિવર્તન આવ્યું છે. સાયન્સ ઍડવાન્સ બન્યું છે અને એટલે મેડિકલ સાયન્સ પણ ખૂબ આગળ વધી ગયું છે. સુવિધાઓ હવે વધી છે, જેને લીધે બાળકોને ઓછું પરેશાન થવું પડે છે. આપણે ખુશ થવા જેવું છે કે મેડિકલ સાયન્સની બાબતમાં હવે આપણે ઍડવાન્સ સ્ટેજ પર પહોંચ્યા છીએ અને વર્લ્ડની બેસ્ટ ટ્રીટમેન્ટ આપણે ત્યાં જ હવે મળતી થઈ છે. થેલેસેમિક બાળકોના બોનમેરો ચેન્જની સર્જરી કરીને બાળકને કાયમ માટે આ બીમારીમાંથી રાહત આપી શકાય છે. આ સારવાર શોધાઈ ત્યારથી અત્યાર સુધીમાં અમે લગભગ બસ્સો બાળકોના બોનમેરો ચેન્જ કરીને એને થેલેસેમિયાથી કાયમી છુટકારો અપાવ્યો છે અને અમે ઇચ્છીએ છીએ કે આવનારા સમયમાં વધારે ને વધારે બાળકોની આ સારવાર થાય અને વધુમાં વધુ બાળકો આ બીમારીમાંથી મુક્તિ મેળવે. આપણે ત્યાં આજે પણ લાખોની સંખ્યામાં થેલેસેમિક બાળકો છે અને તેમને સતત ટ્રીટમેન્ટની જરૂર પડે છે. એવા સમયે જો વધારે ને વધારે સારી ફૅસિલિટી એમને મળે અને સમયસરની સારવાર-મેડિસિન મળે તો આપણે સૌ સાથે મળીને આ અસાધ્ય એવી બીમારીને ભગાડી શકીએ છીએ. હું આજે પણ દર વર્ષો આ બાળકોને મળું છું, જેમણે સર્જરી કરાવી છે એના પ્રોગ્રેસ રિપોર્ટ જોતો રહું છું અને જરૂર પડે એ રીતે સંસ્થાને ફંડ મળતું રહે એ માટે પ્રયાસ કરું છું. આ વર્ષો સેન્ટ જ્યૉર્જ હૉસ્પિટલમાં બધાં બાળકોની મુલાકાત લીધી અને તેમની સાથે સંગીતની મજા માણી. સંગીતે તેમના ચહેરા પર જે સ્મિત લાવી આપ્યું એ જોઈને મને ખરેખર થયું કે સંગીતથી મોટી રેમિડી બીજી કોઈ ન હોઈ શકે. સંગીત એકમેકને સાથે જોડી દે છે અને સંગીત આત્મીયતા પણ જન્માવી દે છે.

આ પણ વાંચો : રાષ્ટ્રપતિ ભવનની ચોથી મુલાકાત નક્કી, પણ ક્યારે એ સમય કહેશેઃપંકજ ઉધાસ

હું તમને બે વિનંતી કરવા માગું છું. એક, જ્યારે પણ કોઈ બીમાર બાળકને જુઓ ત્યારે બધાં કામો પડતાં મૂકીને એ બાળકના ચહેરા પર સ્માઇલ લઈ આવવાનું કામ કરજો. એ સ્માઇલ કરશે તો તમને એવું લાગશે કે જાણે કે ભગવાને તમારી સામે સ્માઇલ કર્યું. બીજી વિનંતી, આર્થિક રીતે તમે સક્ષમ ન હો અને તમે પૈસાકીય મદદ ન કરી શકો તો વાંધો નહીં, પણ તમે બ્લડ ડોનેટ કરીને તો આ બાળકનો હેલ્પફુલ થઈ શકો છે. તમારી માટે માત્ર ઑક્સિજન જીવન છે, પણ થેલેસેમિક બાળકો માટે તો ઑક્સિજન અને બ્લડ એ જ જીવન છે. બાળકને લોહીની જરૂર જ્યારે પડે ત્યારે તેના પેરન્ટ્સ ખૂબ હેરાન થતાં હોય છે. હવે થેલેસેમિયા માટે જાગૃતિ આવી ગઈ છે, જેને લીધે બ્લડ મળવામાં થોડી સરળતા રહે છે, પણ એમ છતાં પણ ડોનર ઓછા હોવાના કારણે અછત તો દેખાતી જ રહે છે. બ્લડ ડોનેટ કરો. પ્લીઝ, એ કોઈની માટે જીવન છે.

pankaj udhas columnists