1970, 2010 અને 2019: મૈસૂર હજી પણ એનું એ જ છે

23 October, 2019 04:25 PM IST  |  | દિલ સે દિલ તક - પંકજ ઉધાસ

1970, 2010 અને 2019: મૈસૂર હજી પણ એનું એ જ છે

અદ્ભુતઃ મૈસૂર પૅલેસ આખા વર્ષમાં એક વખત એવું રૂપ પામે જાણે એ નવી દુલ્હન હોય. આ દિવસ એટલે દશેરા.

અમુક સિટી, જગ્યા કે સ્થળ એવાં હોય છે જ્યાં કલાકારોને પર્ફોર્મન્સ આપવાનો મોકો મળે તો તે ક્યારેય એ તક જવા ન દે. એ પર્ફોર્મન્સની એક મજા હોય છે, એ પર્ફોર્મન્સનો એક આગવો અનુભવ હોય છે. એવી જગ્યાએ પર્ફોર્મન્સ આપીને સંતોષ પ્રાપ્ત થતો હોય છે, કહીને શાંતિ મળે. આવાં સ્થળોનાં નામ ગણાવવાનાં હોય તો હું પહેલું નામ વેમ્બ્લીનું લઈશ. વેમ્બલી દરેક મ્યુઝિશ્યન માટે ડ્રીમ સ્પૉટ છે, સ્વપ્નિલ દુનિયા. ત્યાં પર્ફોર્મ કરવું એને માટે જીવનઆખું સંઘર્ષ વચ્ચે પસાર કરવા પણ તે રાજી હોય. બીજી એવી જગ્યા હોય તો એ છે લંડનનો રૉયલ આલ્બર્ટ હૉલ. અહીં પર્ફોર્મન્સ કરવા મળે એ માટે રીતસર કલાકાર ભગવાનને પ્રાર્થના કરે. અમુક કલાકારોને તે મેં માનતા રાખતા પણ જોયા છે કે તેમને લાઇફમાં એક વખત રૉયલ આલ્બર્ટ હૉલમાં પર્ફોર્મન્સ આપવા મળે અને તે ત્યાંના સ્ટેજ પરથી પોતાની કલા સૌ સામે રજૂ કરે. આ અગાઉ રૉયલ આલ્બર્ટ હૉલ વિશે મેં વિગતવાર વાત કરી છે. એ ઑડિટોરિયમમાં મેં પહેલી વખત ‘ચાંદી જૈસા રંગ હૈ તેરા...’ પર્ફોર્મ કર્યું હતું. આપણી એ સમયે વાત ચાલતી હતી ગઝલની કે એનો જન્મ કઈ રીતે થયો.

આવું ત્રીજું કોઈ સ્થળ હોય તો એ છે મૈસૂર. મૈસૂરમાં શો હોય ત્યારે મને હંમેશાં એ શો પ્રોફેશનલ શોને બદલે મારું વેકેશન હોય એવી અનુભૂતિ થઈ છે. હમણાં મારે મૈસૂર જવાનું થયું. અહીં મારી ઇવેન્ટ હતી. આમ તો દર ત્રીજા દિવસે ઇવેન્ટ હોય છે. એ ઇવેન્ટમાં જેવો પર્ફોર્મન્સ આપવાનો હોય છે એવો જ પર્ફોર્મન્સ આપવાનો હોય, પણ એમ છતાં તમે માનશો નહીં કે મને ખૂબ મજા આવી ત્યાં પર્ફોર્મન્સ કરવાની. પર્ફોર્મન્સ કરવાની અને સાથોસાથ ત્યાંના કલ્ચરમાં રંગાઈ જવાની. મૈસૂરના રૉયલ પૅલેસમાં ઇવેન્ટ કરવી એ આમ તો બહુ મોટી વાત કહેવાય, મોટી પણ અને ગૌરવપૂર્ણ પણ, એનો કોઈ ભાર નહોતો, એની કોઈ તાણ નહોતી.

આ અગાઉ મેં આઠેક વર્ષ પહેલાં મૈસૂરમાં ઇવેન્ટ કરી હતી. ૮ વર્ષ પહેલાંની એ ઇવેન્ટમાં પણ એક અલગ જ મજા હતી અને હમણાંની ઇવેન્ટમાં પણ સાવ જુદી મજા હતી. મૈસૂરનું ઑડિયન્સ પણ એટલું લાજવાબ છે કે આર્ટિસ્ટ માટે એક અલગ જ દુનિયાનું સર્જન કરી દે. મૈસૂર શહેર પણ એટલું જ સરસ છે જેટલું સરસ અહીંનું ઑડિયન્સ છે. આ ઑડિયન્સ સામે કલા રજૂ કરવાનો અર્થ જ કંઈક જુદો સરે છે. ટ્રેડિશન અને કલ્ચરને આજ સુધી મૈસૂરે સાચવી રાખ્યાં છે. શહેર જેટલું સરસ છે એટલી જ સમજણ અહીંના ઑડિયન્સમાં છે.

દરેક ઑડિયન્સને એક ક્લાસ હોય છે. નેહરુ ઑડિટોરિયમમાં આવનારું ઑડિયન્સ જુદું જ જ્ઞાન ધરાવતું હોય છે તો પ્રબોધન ઠાકરે ઑડિટોરિયમમાં આવતું ઑડિયન્સ જુદા જ વિષયમાં માહેર હોય. રૉયલ આલ્બર્ટ હૉલનું ઑડિયન્સ જુદું હોય અને રાજકોટના હેમુ ગઢવી ઑડિટોરિયમનું ઑડિયન્સ જુદું હોય. આમ માત્ર શહેર જ નહીં, ઑડિટોરિયમ પણ અલગ-અલગ ઑડિયન્સનું પ્રતિનિધિત્વ કરતાં હોય છે.

આપણે વાત કરતા હતા મૈસૂરની. મને યાદ છે કે હું લાઇફમાં પહેલી વાર મૈસૂર ક્યારે આવ્યો હતો. એ એક વેકેશન ટૂર હતી. હું સેન્ટ ઝેવિયર્સમાં ભણતો અને કૉલેજ ટૂરમાં અમે મૈસૂર ગયા હતા. ૭૦ના દસકાની વાત છે. એ સમયે હું ઝેવિયર્સમાં બીએસસી કરતો હતો અને કૉલેજમાંથી મૈસૂરની ટૂર રાખવામાં આવી હતી. આ ટ્રિપમાં અમે સૌથી પહેલાં બૅન્ગલોર આવ્યા હતા. બૅન્ગલોર હવે બૅન્ગલુરુ બની ગયું છે, પણ એની ખૂબસૂરતી હજી પણ એની એ જ છે. બૅન્ગલોર પછી અમારું બીજું ડેસ્ટિનેશન હતું મૈસૂર.

પહેલી વાર એ સમયે મૈસૂર જોયું હતું. અત્યંત સરસ અને ઇતિહાસ ધરાવતું શહેર. બહુ ઓછાં શહેરોની પાસે પોતાનો ઇતિહાસ હોય છે. મૈસૂર પાસે પોતાનો ઇતિહાસ છે. મૈસૂરના રોકાણ દરમ્યાન અમે લગભગ બધાં જ ફરવા જેવાં અને જોવા જેવાં સ્થળો જોઈ લીધાં હતાં. મૈસૂર પછી પણ અમારી ટૂર આગળ ચાલી હતી અને અમે બાંદીપુર અને ત્યાંથી ઊટી ગયા હતા પણ મને હજી આજે પણ મૈસૂરની મારી એ પહેલી ટૂર યાદ છે. હા, સમયની સાથે શહેર ચોક્કસ બદલાયું છે અને સતત બદલાતું રહે છે, પણ મૈસૂરની જે ખુશ્બૂ છે, એની જે ખાસિયત છે એ આજે પણ એની એ જ છે, એમાં કોઈ ફરક નથી પડ્યો. કલાકારોને સાચવતાં અને કલાકારો પાસેથી યોગ્ય માત્રામાં કલા લેતાં આ શહેરીજનોને આવડે છે. વાડિયાર સલ્તનતનો એક બહુ મોટો પૅલેસ છે અહીં. મોટા ભાગની ઇવેન્ટ એમાં જ થતી હોય છે. અત્યંત વિશાળ અને શાંત લાગતો આ પૅલેસ રાત પડતા સુધીમાં તો રોશનીથી ઝગમગી ઊઠે છે.

આ વર્ષે મારી એ ઇવેન્ટ દશેરાના દિવસે હતી. મને યાદ છે કે ૮ વર્ષ પહેલાં પણ હું જ્યારે મૈસૂર આવ્યો હતો ત્યારે આ જ દિવસ હતો અને આ જ ઇવેન્ટમાં મારે આવવાનું બન્યું હતું. મૈસૂરમાં અને આમ તો આખા કર્ણાટકમાં દશેરાને ખૂબ મહત્ત્વ આપવામાં આવે છે, જેને લીધે દશેરાના દિવસે અહીં અનેક ઇવેન્ટ થતી હોય છે. પહેલાં રાજા-મહારાજાના સમયમાં પણ ઇવેન્ટ થતી અને એ પછી ગવર્નમેન્ટે આ જવાબદારી લીધી. આપણે ગુજરાતીઓ જે રીતે નવરાત્રિ અને દશેરા ઊજવીએ છીએ એવી જ ધામધૂમથી કર્ણાટકમાં પણ આ બન્ને પર્વની ઉજવણી થાય છે. ફરક એ છે કે આપણે ત્યાં દશેરા એક જ રૂપમાં હોય છે, પણ કર્ણાટકમાં દશેરાનાં પણ વ્યક્તિ મુજબનાં રૂપ છે.

મહિલાઓ માટેનો દશેરા જુદો હોય, ખેડૂતો માટે દશેરાના પર્વની ઉજવણી જુદી હોય, યુવાનો માટેની ઉજવણીની રીત જુદી, પુરુષો પણ જુદી રીતે દશેરા ઊજવે. બાળકો માટે પણ દશેરામાં રાવણદહનનો કાર્યક્રમ હોય. આમ બધા વર્ગ મુજબ દશેરાની ઉજવણી જુદી-જુદી હોય અને ઇવેન્ટ પણ એની જુદી-જુદી હોય. દશેરાના દિવસે આખા પૅલેસને સજાવવામાં આવે, શણગારવામાં આવે અને નવી દુલ્હન હોય એવું રૂપ આપવામાં આવે. બહારના લોકો તો પૅલેસ જોવા આવે જ, પણ એનું ડેકોરેશન એટલું અદ્ભુત હોય કે સ્થાનિક લોકો પણ ખાસ પૅલેસનું ડેકોરેશન અને એની સજાવટ જોવા આવે.

એ દિવસે સવારથી કલ્ચર પ્રોગ્રામ ચાલુ હોય. મ્યુઝિકના કાર્યક્રમો સાંજથી શરૂ થાય, જેને માટે દેશભરમાંથી લોકોને બોલાવવામાં આવે. ફોકથી લઈ સૂફી મ્યુઝિકનો કાર્યક્રમ હોય. આ જ પ્રકારના ગઝલના કાર્યક્રમ માટે મારે જવાનું હતું. હું એક વાત કહીશ તમને કે અમુક શહેરોમાં જઈને ગઝલ રજૂ કરવામાં આવે તો ઑડિયન્સને તૃપ્તિ મળે અને અમુક જગ્યાએ જઈને ગઝલ રજૂ કરવામાં આવે તો ગઝલના હિસ્સામાં સંતોષ આવે. એવું જ બન્યું અહીં પણ. જે પ્રકારે તેમણે ગઝલો માણી એ કાબિલ-એ-દાદ છે. એક વાત મને કહેવી છે...

સારો વક્તા ત્યારે જ સારો વક્તા પુરવાર થાય જ્યારે તે સારો શ્રોતા પણ હોય. સ્ટેજ પરથી ઊતર્યા પછી પણ જો પોતાની વક્તાની ભૂમિકા કોઈ છોડી ન શકે તો તે ક્યારેય સારો શ્રોતા બનવાને લાયક નથી બનતો. હું કહીશ કે સારા વક્તા બનવું સહેલું છે, પણ સારા શ્રોતા બનવું અત્યંત અઘરું છે. કોઈ વાતને ચુપચાપ સાંભળી લેવી અને કોઈ વાતને સાંભળતી વખતે અંદર ઉતારતા જવી એ બન્ને જુદી પ્રક્રિયા છે અને આ બન્ને પ્રક્રિયાઓને મેં મારી આંખ સામે થતી જોઈ છે. મૈસૂરનું ઑડિયન્સ બીજા પ્રકારનું ઑડિયન્સ છે. મૈસૂરની હવામાં જ એ માહોલ છે અને મૈસૂરની હવા જ આ ઑડિયન્સને તૈયાર કરે છે એવું કહું તો ખોટું કશું નહીં કહેવાય.

pankaj udhas columnists