સાથી હાથ બઢાના...

18 September, 2019 02:10 PM IST  |  મુંબઈ | દિલ સે દિલ તક - પંકજ ઉધાસ

સાથી હાથ બઢાના...

‘ખઝાના’

‘ખઝાના’ની થોડી વાત કહું તમને.

છેલ્લાં ત્રણેક વર્ષથી ‘ખઝાના’ વેબકાસ્ટિંગથી ઇન્ટરનેટ પર લાઇવ દેખાડવામાં આવે છે, જે દુનિયાભરના લોકો જુએ છે. થોડા સમય પહેલાં હું દુબઈ એક કૉન્સર્ટ માટે ગયો ત્યારે મને એક વાત જાણવા મળી જે સુખદ હતી. દુબઈમાં એક ગઝલોના ચાહક તો ‘ખઝાના’ની તારીખ નક્કી થાય એટલે આપણા ઇન્ડિયન ટાઇમ મુજબ પોતાના કામ પરથી રજા લઈ લે, ત્રણ દિવસ માટે, અને એટલું જ નહીં, એ ભાઈ પોતાના ઘરે પોતાના ૧૦૦-૧૫૦ જેટલા એવા મિત્રોને બોલાવી લે જે ગઝલોના શોખીન હોય. અહીં આપણે ગઝલો સાંભળવાની જે ટ્રેડિશનલ સ્ટાઇલ છે એ મુજબ જ ઘરમાં ગોઠવણ કરવામાં આવે અને સામે મોટી સ્ક્રીન પર શો વેબકાસ્ટ થતો હોય એ બધા સાથે મળીને જુએ. એવી જ રીતે જુએ જાણે કે તેઓ ઇન્ડિયામાં ગઝલનો આ કાર્યક્રમ લાઇવ માણી રહ્યા છે. પહેલા વર્ષે તેણે એક દિવસ આ રીતે ‘ખઝાના’ માણ્યો, પણ પછી બીજા જ દિવસથી તેણે નક્કી કરીને મેં તમને કહ્યું એ મુજબનો પ્રોગ્રામ બનાવી લીધો અને બધાને બોલાવીને તેમણે આ પ્રોગ્રામની મજા લીધી. એ તેમનો પહેલો અનુભવ અને એ પછી તો તેમણે આ નિયમ જ બનાવી લીધો.

આ વર્ષે પ્રોગ્રામ શરૂ થાય એ પહેલાં જ તેણે બધું જાણી લીધું હતું અને ખાસ ઇન્વિટેશન કાર્ડ બનાવ્યાં અને બધાને વૉટ્સઍપ પર એ ઇન્વિટેશન કાર્ડ મોકલી દીધાં કે તમે બધા મારે ત્યાં આવો, આપણે સાથે બેસીને ગઝલનો આ ખૂબસૂરત કાર્યક્રમ સાથે જોઈશું અને બે દિવસ સુધી બધાએ સાથે બેસીને ‘ખઝાના’ કાર્યક્રમ માણ્યો અને ગઝલના આ ઉત્સવમાં આ રીતે જૉઇન થયા. આ તેમનું સતત ત્રીજું વર્ષ હતું. ઇન્ટરનેટ પર લાઇવ થતો હોવાને લીધે હવે બધા ‘ખઝાના’ને પેટ ભરીને માણી શકે છે. દુબઈ જ નહીં; લંડન, લિસ્બન, અમેરિકા, કૅનેડા, ઑસ્ટ્રેલિયા અને છેક ન્યુ ઝીલૅન્ડમાં પણ આપણા ઇન્ડિયન્સ ‘ખઝાના’ માણે છે. અમુક જગ્યાએ તો એવું જાણવા મળે છે કે મ્યુઝિકના શોખીન નૉન-ઇન્ડિયન પણ આ કાર્યક્રમ માણવા આવે છે અને બધા સાથે મળીને એનો આનંદ ઉઠાવે છે.

હવે વાત કરીએ ‘ખઝાના’ના જન્મ સમયની.

ગયા વીકમાં મેં કહ્યું હતું કે જ્યારે અમે ‘ખઝાના’ રીલૉન્ચ કર્યું ત્યારે કલ્પના નહોતી કે અમે એમાંથી કશું અર્ન કરી શકીશું. મેં કહ્યું છે એમ, અમારી ઇચ્છા ક્યારેય રહી જ નથી કે આ પૈસાને ઘરે લઈ જવા. ના, ક્યારેય નહીં. જો કમાણી કરીએ તો એ પૈસા કૅન્સર અને થૅલેસેમિયાના પેશન્ટ્સની સારવાર માટે વાપરવા એવું નક્કી કર્યું હતું અને છતાં પહેલા વર્ષે અમારી તૈયારી હતી કે અમે આ કાર્યક્રમમાં પૈસા તોડીશું, કોઈ એક પણ રૂપિયો ચાર્જ નહીં લે, કન્વેનિયન્સ પણ નહીં લે તો પણ અમારા ભાગે મોટી નુકસાની કરવાની આવશે પણ એવું જરા પણ ન થયું અને એક પણ વર્ષે અમારા ભાગે નુકની આવી નથી. ઊલટું, ઈશ્વરની મહેરબાનીથી અમે આ કાર્યક્રમ દ્વારા અગત્યની કહેવાય એવી ચૅરિટી એકત્રિત કરી શક્યા છીએ જે રકમ થૅલેસેમિક બાળકો અને કૅન્સર પેશન્ટ્સના લાભાર્થે ખર્ચવામાં આવી છે. આ ક્ષણે મને એક ગીત યાદ આવે છે, ‘સાથી હાથ બઢાના, એક અકેલા થક જાએગા, મિલકર બોજ ઉઠાના...’

બીમારીનું એવું જ છે. સમાજને આપણે આપણી રીતે મદદ કરી શકીએ એનાથી ઉત્તમ બીજું કશું હોતું નથી. મારા પિતાશ્રી કેશુભાઈ ઉધાસ પાસેથી અમે ભાઈઓ આ જ વાત શીખ્યા છીએ કે જ્યારે પણ અને જે રીતે પણ બીજાને ઉપયોગી થઈ શકાય એમ ઉપયોગી થવાનું અને તેને તકલીફમાંથી રાહત મળે એ મુજબનું કાર્ય કરવાનું.

આજે ઑલમોસ્ટ ૨૦ વર્ષથી હું, અનુપ જલોટા અને તલત અઝીઝ સાથે મળીને આ કાર્ય કરી રહ્યા છીએ અને કોઈએ એને માટે ક્યાંય જઈને હાથ નથી લંબાવવો પડ્યો. બધું કામ કરવાની ક્ષમતા ઈશ્વર આપી રહ્યા છે એનાથી ઉત્તમ બીજું કશું નથી. ‘ખઝાના’ થકી ૨૦૦થી વધારે બાળકોની સર્જરી શક્ય બની છે, જે સર્જરીને કારણે બાળકો થૅલેસેમિયામાંથી મુક્ત થયા છે. આ ઉપરાંત ૭૫,૦૦૦થી વધારે કૅન્સર પેશન્ટ્સને આ જ કાર્યક્રમમાંથી મદદ કરવામાં આવી છે. આ આંકડા આપવાની મારી કોઈ ઇચ્છા નહોતી પણ મિત્રોના કહેવાથી આ આંકડા આપ્યા છે. ઘણી વખત કોઈ સારું કામ થતું હોય અને કોઈ કહે તો લોકો એને આપબડાઈ માની લે છે, પરંતુ એવું પણ બનતું હોય છે કે કોઈ વખત આ પ્રકારની વાતથી અન્યને પ્રેરણા મળે અને એ પણ આ પ્રકારનું કાર્ય કરીને જરૂરિયાતમંદોને મદદ કરે, સહાય કરે.

ફરી ‘ખઝાના’ની વાત કહું અને સાવ સાચી, મનની વાત કહું તો અમને હતું નહીં કે અમે આટલાં વર્ષો સુધી ‘ખઝાના’ ચલાવી શકીશું. મનમાં કોઈ નકારાત્મકતા નહોતી, પણ એક ડર હતો. અગાઉ તમને કહ્યું એમ, હતું કે આવું કરવા જતાં ક્યાંક એવું ન બને કે મોટી નુકસાની અમારા પક્ષે આવીને ઊભી રહે અને અમે પોતે જ ન સમજાવી શકાય એવી આર્થિક અડચણમાં મુકાઈ જઈએ. આ આર્થિક મૂંઝવણોની સાથોસાથ બીજી મૂંઝવણ એ વાતની પણ હતી કે ‘ખઝાના’ સાથે જોડાયેલા અમે ત્રણેત્રણ પ્રોફેશનલ કરીઅરમાં પોતપોતાની ઊંચાઈ પર છીએ એટલે બધાનાં પોતપોતાનાં કમિટમેન્ટ પણ છે. એ કમિટમેન્ટમાંથી કેવી રીતે સમય કાઢવો અને કેવી રીતે ‘ખઝાના’ માટે દર વર્ષે જોડાવું અને બધાં કામ પર નજર રાખવી. એ સિવાયના પ્રશ્નો પણ હતા, પરંતુ આ પ્રશ્નો મુખ્ય હતા, જેની અમે ‘ખઝાના’નો પ્રારંભ કરતાં પહેલાં ચર્ચા પણ કરી, પરંતુ એ તમામ ચર્ચાના અંતે એક વાત આવતી હતી કે બધાની વચ્ચે એક ગઝલ ફેસ્ટિવલ લઈ જવો. એક સામાન્ય તારણ પણ મનમાં હતું કે જો દર વર્ષે એ શક્ય નહીં બને તો ‘ખઝાના’ બે કે ત્રણ વર્ષે એક વાર કરીશું, પણ એક વખત એ શરૂ કરવો અને એવા જ ભાવ સાથે શરૂ કરવો કે દર વર્ષે જ આ કાર્યક્રમ કરવો છે.

આ જે નિષ્ઠા છે એ નિષ્ઠા કયા સ્તરની છે એનો એક દાખલો હું તમને આપું.

ગયા વર્ષે ‘ખઝાના’ કાર્યક્રમ શરૂ થયો ત્યારે અનુપ જલોટા ઇન્ડિયામાં નહોતા. અગાઉથી નક્કી થયેલા કમિટમેન્ટ મુજબ તેઓ ન્યુ ઝીલૅન્ડ પોતાના શો માટે ગયા હતા. પહેલેથી જ બધું ગોઠવાયેલું હતું અને ‘ખઝાના’ની ડેટ્સ પછીથી ફાઇનલ થઈ એટલે અનુપભાઈના ન્યુ ઝીલૅન્ડના શોમાં કોઈ ચેન્જિસ પણ શક્ય નહોતાં. અનુપભાઈએ પણ એ જ કહ્યું કે કંઈ ચેન્જ કરવાની જરૂર નથી. શો મસ્ટ ગો ઑન.

અનુપભાઈ ઓકલૅન્ડથી ખાસ ‘ખઝાના’ માટે આવ્યા અને ઍરપોર્ટ પર લૅન્ડ થઈને સીધા જ હોટેલ પર પર્ફોર્મ કરવા માટે પહોંચી ગયા. ન્યુ ઝીલૅન્ડ અને ઇન્ડિયા વચ્ચેનો જે ટાઇમગૅપ છે એ ટાઇમગૅપ બહુ મોટો છે અને વેસ્ટમાંથી ઈસ્ટ તરફ ટ્રાવેલ કરવાનું હોય ત્યારે ટાઇમગૅપને લીધે લાગનારો જેટલેગ પણ વધુ સ્ટ્રૉન્ગ હોય, ખતરનાક હોય અને એ પછી પણ ઑલમોસ્ટ બાવીસથી ચોવીસ કલાકનું ટ્રાવેલિંગ કરીને અનુપભાઈ સીધા ઑબેરૉય પહોંચ્યા અને આવીને તેમણે પોતાનો પર્ફોર્મન્સ આપ્યો. આ નિષ્ઠા છે એ નિષ્ઠા ‘ખઝાના’ માટેની છે, આ નિષ્ઠા ‘ખઝાના’એ બનાવેલા એના ઉચ્ચ સ્તરને અકબંધ રાખવા માટેની છે, આ નિષ્ઠા ગઝલ પ્રત્યેના લગાવની છે.

આજે એવી પરિસ્થિતિ છે કે બધા કહે છે કે ‘ખઝાના’ વર્ષમાં બે વખત થાય એ માટે પ્રયાસ કરવા જોઈએ. સારી વાત છે આ કે વર્ષમાં બે વખત પણ આ ફેસ્ટિવલ ઊજવાય પણ એ પ્રૅક્ટિકલી શક્ય નથી, કારણ કે એક ‘ખઝાના’ માટે ઑલમોસ્ટ ચાર મહિના કામગીરી ચાલે છે, જેમાંથી છેલ્લો તો એક આખો મહિનો એના પર કામ થતું રહે છે. પહેલાં ‘ખઝાના’ સાથે જૂજ લોકોને જોડવામાં આવતા, પણ સમય જતાં ‘ખઝાના’ને એ સ્તર પર લઈ જવામાં આવ્યું છે કે એની કલ્પના પણ કરવી અઘરી પડે. ‘ખઝાના’માં હું, તલત અઝીઝ, અનુપ જલોટા તો હોઈએ જ છીએ પણ સાથોસાથ રેખા ભારદ્વાજ, જાવેદ અલી, શિલ્પા રાવ, હર્ષદીપ કૌર, સુદીપ બૅનરજી જેવા દિગ્ગજો પણ પોતાનો સમય કાઢીને જોડાય છે અને ગઝલની સેવા કરે છે.

જનરેશન-નેક્સ્ટઃ ‘ખઝાના’ શરૂ થાય એ પહેલાં થતી ટૅલન્ટ હન્ટના વિનર સાથે ‘ખઝાના’ની ટીમનો હિસ્સો.

pankaj udhas columnists