લૂટે કોઈ મન કા નગર બન કે મેરા સાથી

02 October, 2019 01:17 PM IST  |  મુંબઈ | દિલ સે દિલ તક - પંકજ ઉધાસ

લૂટે કોઈ મન કા નગર બન કે મેરા સાથી

સુનહરે પલઃ કોઈ એક ગીતના રેકૉર્ડિંગ સમયે પાડવામાં આવેલા આ ફોટોમાં લતાજીની બાજુમાં મારા મોટા ભાઈ મનહર ઉધાસ છે.

ગયા અઠવાડિયે મેં તમને કહ્યું કે લતાજીનું ‘અય મેરે વતન કે લોગોં...’ ગીત રેડિયો પર ખૂબ વાગતું. નવરાત્રિના દિવસો આવ્યા. રાજકોટની નવરાત્રિ ખૂબ પ્રખ્યાત છે અને એમાં પણ જાગનાથ પ્લૉટની નવરાત્રિ માત્ર રાજકોટમાં જ નહીં, આજુબાજુનાં ગામમાં પણ જાણીતી એટલે બધા એ જોવા માટે આવે. નવરાત્રિનો પ્રોગ્રામ પૂરો થયા પછી દરરોજ એમાં કોઈ ને કોઈ પ્રોગ્રામ પણ હોય. મિમિક્રીનો કાર્યક્રમ પણ હોય, કૉમેડી શો હોય તો ૯ દિવસમાંથી એક દિવસ ફિલ્મનાં ગીતોનો કાર્યક્રમ પણ હોય.

ફિલ્મી ગીતોનો પ્રોગ્રામ જે રાતે હતો એ રાતે હું મારાં માતા-પિતા સાથે એ જોવા ગયેલો અને ઑડિયન્સમાં આનંદથી કાર્યક્રમ માણી રહ્યો હતો. કોઈની નજર મારા પર પડી અને તેમને યાદ આવ્યું કે મેં અમારી સ્કૂલના પ્રોગ્રામમાં ‘અય મેરે વતન કે લોગોં...’ ગાયું હતું. એ સમયે મારા પ્રિન્સિપાલથી માંડીને સ્કૂલમાં જેકોઈ હતા તેમને બધાને ખૂબ ગમ્યું હતું. એ ભાઈ પાસે આવ્યા અને આવીને મને કહે ‘તું અય મેરે વતન કે લોગોં... ગીત ગાય છે?

મેં હા પાડી એટલે એ ભાઈએ તરત જ મારાં માતાપિતાની પરમિશન લીધી અને મને સ્ટેજ પર લઈ ગયા. સ્ટેજ પર લઈ જઈને તેમણે મને કહ્યું કે તારે એ ગીત આજે અહીં ગાવાનું છે.

તમે વિચારી શકો કે એક નાનકડો ૧૦-૧૧ વર્ષનો છોકરો હોય અને તેને એમ કહો કે ત્રણ-ચાર હજાર લોકોની હાજરીમાં તું ગીત સંભળાવ. ભલભલાના પગ આમ પણ સ્ટેજ પર જતાં ધ્રૂજી જતા હોય એમાં અહીં તો ગીત સંભળાવવાનું હતું અને એ પણ રાજકોટના ધુરંધર કલાકારો જે સ્ટેજ પર પ્રોગ્રામ કરતા હતા એ સ્ટેજ પર. ખરેખર પગ ધ્રૂજી જાય અને પરસેવો છૂટી જાય. મારી પણ એ જ હાલત થઈ હતી.

મેં કહ્યું કે મારી હિંમત નથી ચાલતી, પણ તેમણે આગ્રહ કરીને કહ્યું કે તું ગા, ડર નહીં. મેં આનાકાની કરી એટલે એ ભાઈએ મને ફોર્સ કરવાનું શરૂ કર્યું અને એટલી વારમાં સ્ટેજ પર જે લોકલ ઉદ્ઘોષક હતા તેમણે મારું નામ અનાઉન્સ પણ કરી દીધું.

 

આજે પણ મને એ અવાજ અને એ સમયે વાગેલી તાળીઓનો અવાજ સંભળાઈ રહ્યો છે. જેવું મારું નામ બોલાયું કે તરત જ લોકોએ તાળીઓ પાડી હતી. તેમને તો એમ જ હતું કે બહુ સારો ગાયક આવશે. તાળીઓ સાથે તેમણે મને વધાવ્યો અને પછી ખબર નહીં પણ ઈશ્વરની કૃપા ગણો તો એ, માતાજીની શક્તિ ગણો તો એ કે પછી લતાજીની પ્રેરણા ગણો તો એ, જે કહો એ; જે ગીતને મેં રીતસર ગોખી નાખેલું એ ગીત એકદમ સૂરમાં અને સરખી રીતે ચારેચાર અંતરા ગાઈ નાખ્યા.

લોકોને ખૂબ ગમ્યું. ઑડિયન્સમાંથી એક વડીલે તો ઊભા થઈને જાહેર પણ કર્યું કે આ છોકરાએ ખૂબ સરસ ગાયું છે એટલે મારે આ છોકરાને ૫૧ રૂપિયાનું ઇનામ આપવું છે. આ જાહેરાત થઈ ત્યારે પણ લોકો એકધારા ‘વન્સમોર’ કરતા હતા. હું તો રીતસર ડઘાઈ ગયો હતો. આવા પ્રતિભાવની મેં કોઈ અપેક્ષા નહોતી રાખી. મારા પેરન્ટ્સ પણ દોડીને સ્ટેજ પાસે આવી ગયા હતા. તેઓ એક્સાઇટેડ હતા કે તેમના દીકરાએ આટલું સરસ ગાયું અને લોકોને ગમ્યું પણ ખરું, પણ સાથોસાથ તેઓ પણ થોડા ડઘાઈ ગયા હતા.

બધું પૂરું થયું અને અમે લોકો ઘરે આવ્યા. ઘરે આવ્યા પછી પણ મને ચેન નહોતું પડતું. મારી આંખ સામે એ વાતાવરણ સતત ઊભું હતું. લતાજીનું એ ગીત મારા જીવનની દિશા બદલનારું બનવાનું હતું એવી તો મેં ક્યારેય કલ્પના પણ નહોતી કરી અને સાથોસાથ મને એ પણ નહોતી ખબર કે લતાજીનો આભાર હું કેવી રીતે માનું. મેં એ જ ઘડીએ લતાજીને મનોમન ગુરુ માન્યાં અને તેમને મારા આદર્શ બનાવ્યાં. આજે પણતેઓ મારા ગુરુ જ છે, મારા આદર્શ છે. તેમનાં કેટલાં બધાં ગીતો એવાં છે જે હું પબ્લિકમાં ન ગાતો હોઉં, લોકોએ મને ન સાંભળ્યો હોય, પણ એ ગીતો મારા મોઢે સદાય ચાલતાં રહેતાં હોય.

સમજ વધતી ગઈ અને જીવનમાં નવું સંગીત આવતું રહ્યું. મદનમોહનસાહેબની ગઝલો આવી, જે મેં ગાઈ અને ગાયા પછી મને સંતોષ પણ થાય કે હું કંઈક શીખ્યો, પણ એમ છતાં કહીશ કે લતા મંગેશકરની તોલે કોઈ આવી ન શકે. મારું અંગત એવું માનવું છે કે લતા મંગેશકર ભૂતકાળમાં પેદા નથી થયાં અને આજના, આ કરન્ટ સમયમાં પણ એક અને માત્ર એક જ લતા મંગેશકર છે, તો ભવિષ્યમાં પણ કોઈ લતા મંગેશકર થવાનું નથી. ગાયકી પ્રત્યેની એ સમજ, એ અવાજ, એ નઝાકત અને શબ્દો સાથેનો એ અહેસાસ. એક સંપૂર્ણ ગાયનને જોઈએ એ બધી વાતોને સંતુલનમાં રજૂ કરવી એ લતાજી સિવાય બીજા કોઈ કલાકારમાં મેં નથી જોઈ.

ગીતને સમજવાની તેમને કુદરતે આપેલી જે શક્તિ છે એને આપણે એનલાઇઝ ન કરી શકીએ. લતાજી મ્યુઝિકની ટેક્સ્ટ બુક છે, જેમ કૉલેજની એક્ઝામ પહેલાં તમારે વાંચીને તૈયારી કરવી પડે એ રીતે તમારે ગાવું હોય તોતેમની ગાયકી, તેમનાં ગીતોનો અભ્યાસ કરવો પડે. એ ગાયકીની ટેક્સ્ટ-બુક છે. તમે એમાંથી પુષ્કળ શીખી શકો. આ મારો અંગત અનુભવ છે અને હું તો અંગત રીતે સલાહ પણ આપીશ કે જે કલાકારો આગળ વધવા માગતા હોય, કંઈક બનવા માગતા હોય એ લોકોને મારી ભલામણ છે કે તમે લતાજીનાં ગીતો સાંભળો. તેમની નકલ કરવાની જરૂર નથી, પણ સાંભળીને એમાંથી શીખો. શીખો કે કઈ જગ્યાએ કયા શબ્દને કેવી રીતે કહેવો, કયા શબ્દને કેમ ગાવો અને ગાતી વખતે કેવી રીતે એ શબ્દનો કે પછી ગીતની એ પંક્તિનો ભાવ પેદા કરવો. લતાજીનાં તમામ ગીતોમાં આ વાતનું વ્યવસ્થિત એજ્યુકેશન છે. આ એક પ્રોસેસ છે અને આ પ્રોસેસથી હું પસાર થઈ ચૂક્યો છું.

આજે એ વિચારીને મને ખૂબ આનંદ થાય છે કે હું જીવનમાં જેકંઈ શીખ્યો એમાં લતાજીનાં ગીતોનો બહુ મોટો ફાળો હતો. એ ગીતોએ મને ખૂબ શીખવ્યું છે. નાનપણ પછી ધીમે-ધીમે કૉલેજના દિવસો આવ્યા અને એ પછી મારું ધ્યાન ગઝલ તરફ વધારે ગયું અને હું ગઝલ ગાતો થયો, પણ ગઝલ ગાવામાં પણ લતાજી પાસેથી, તેમનાં ગીતો પાસેથી જે શિક્ષણ લીધું છે એ ખૂબ કામ આવે છે. નાનપણ તો ઠીક, કૉલેજ અને એ પછીનાં વર્ષો સુધી મેં ક્યારેય વિચાર્યું નહોતું કે હું તેમને મળી શકીશ, તેમને રૂબરૂમાં જોઈ શકીશ, તેમના આશીર્વાદ લઈ શકીશ, પણ મારા મોટા ભાઈ મનહર ઉધાસે તેમની સાથે એક ગીત ગાયું એમાં મારાં પણ નસીબ ખૂલ્યાં અને મને તેમને મળવાનો અવસર મળ્યો. એ ગીત હતું ફિલ્મ ‘અભિમાન’નું.

‘લૂટે કોઈ મન કા નગર બન કે મેરા સાથી...’

એ સમયે મને લતાજીનાં દર્શન થયાં અને હું તેમને પગે લાગ્યો. મારી સામે જાણે મા સરસ્વતી સાક્ષાત્ ઊભાં છે એવો મને સાક્ષાત્કાર થયો હતો. સપનામાં પણ એવું વિચાર્યું નહોતું કે હું તેમની સાથે બેસીને વાત કરી શકીશ, પણ એ વણજોયું સપનું સાકાર થયું અને મને તેમની સાથે બેસવા મળ્યું. અમે સંગીતની ખૂબબધી વાતો કરી, સંગીત સિવાયના પણ અનેક વિષયો પર વાતો કરી અને ખૂબ જ લાઇટ કહેવાય એવી મોમેન્ટ્સ પણ સાથે માણી, જેમાં અમે ખૂબ હસ્યાં હોઈએ. લતાજીનો સ્વભાવ, તેમનું વ્યક્તિત્વ. ખરેખર તેમની સાથેની તમામ મુલાકાતોનો અનુભવ અદ્ભુત છે. એ દરેક મુલાકાતે જોયું છે કે તેમની અંદર કેટલું ધૈર્ય છે, મહાનતા છે અને અકલ્પનીય સૌમ્યતા છે. આ ગુણો દરેક કલાકારમાં હોવા જોઈએ. હું તો કહીશ કે લતાજી પાસેથી આપણે શીખીએ એટલું ઓછું છે.

આ પણ વાંચો : એ જુગારિયાઓ સાથે ધંધો કોણ કરે, તેના પૈસાની જવાબદારી કોણ લેશે?

અને શીખી શકીએ તેમની પાસેથી એ ઓછું છે. મારી ગઝલની સફર આગળ ચાલી અને ‘ચિઠ્ઠી આઇ હૈ’ પછી મેં ફિલ્મોમાં ગાવાનું શરૂ કર્યું. 

pankaj udhas columnists