09 October, 2026 03:25 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
બે દાયકાથી શિક્ષણક્ષેત્રે સક્રિય ખુશ્બૂ સોની હાલમાં મીરા રોડની હૉરાઇઝન પ્રી-સ્કૂલમાં સેન્ટર હેડ તરીકે જવાબદારી નિભાવી રહ્યાં છે. તેઓ મીરા રોડની ટ્રી હાઉસ પ્રી-સ્કૂલમાં પણ સેન્ટર હેડ રહી ચૂક્યાં છે. કારકિર્દીની શરૂઆત નાલાસોપારાની સેન્ટ ઝેવિયર્સ સ્કૂલમાં પ્રાઇમરી ટીચર તરીકે કરી હતી. ત્યાર બાદ સાંતાક્રુઝની ઇન્ડિયન ઍરલાઇન્સ સ્કૂલમાં શિક્ષિકા તરીકે સેવા આપી. બાળકોનું મનોવિજ્ઞાન અને પેરન્ટિંગ તેમના રસના વિષયો છે.
ડિજિટલ યુગમાં પેરન્ટિંગ એટલે કે બાળકોનો ઉછેર કરવો એ મોટો પડકાર બની ગયો છે. આજે બાળકોના હાથમાંથી મોબાઇલ કે ટૅબ્લેટ ઝૂંટવી લેવાં શક્ય નથી, પણ તેમની સાથે મજબૂત કનેક્શન જાળવી રાખીને ટેક્નૉલૉજીનો સમજદારીપૂર્વક ઉપયોગ કરતાં શીખવવું એ જ સાચું પેરન્ટિંગ છે. બાળકો માત્ર પુસ્તકોમાંથી નથી શીખતાં. તેઓ સંબંધો, શિસ્ત, જીવનના અનુભવો, નૈતિક મૂલ્યો અને માર્ગદર્શનથી ઘડાય છે. તેમને શિખામણો કે સૂચનાઓની જરૂર નથી, આપણી ભાવનાત્મક હાજરીની વધુ જરૂર છે. તેમના વિચારો ભલે અટપટા લાગે, પણ આપણે તેમના માટે સમય કાઢવો જ જોઈએ. કોઈ પણ પૂર્વગ્રહ રાખ્યા વિના, અનુમાન લગાવ્યા વિના અને અન્ય બાળકો સાથે સરખામણી કર્યા વિના તેમની વાત સાંભળવી પેરન્ટિંગનો સૌથી અગત્યનો પાર્ટ છે. હું અહીં જ છું, તું મને કંઈ પણ કહી શકે છે આટલા શબ્દો તમારા બાળકને સુરક્ષિત હોવાનો અહેસાસ કરાવે છે.
માતા-પિતાએ બાળકો સાથે અસ્વસ્થ કરનારા મુદ્દાઓ પર વાત કરતાં અચકાવું ન જોઈએ. ભૂલો, શારીરિક ફેરફારો, ઑનલાઇન સુરક્ષા અને મુશ્કેલ પરિસ્થિતિઓ વિશે બાળકની ઉંમર મુજબ ખુલ્લેઆમ ચર્ચા થવી જોઈએ. જે બાળક કોઈ પણ ડર વગર પેરન્ટ્સ સાથે વાત કરી શકે છે તે મુશ્કેલીના સમયે અન્યની સલાહ લેવા નહીં જાય. આ માટે પેરન્ટ્સે રોજિંદા જીવનમાં કેટલીક સરળ આદતો કેળવવી જરૂરી છે. જેમ કે જમતી વખતે ફોનને બાજુ પર રાખવો, બાળક બોલતું હોય ત્યારે તેની વાત ધ્યાનથી સાંભળવી, તેને આઉટડોર ગેમ્સ અને રીડિંગ તેમ જ અન્ય હૉબીઝ માટે પ્રોત્સાહિત કરવું. તે આત્મનિર્ભર બને એ માટે તેને ઘરની નાની-નાની જવાબદારીઓ સોંપવી જોઈએ. બાળકોને ભૂલો કરવા દો. હંમેશાં તેમને બચાવવા દોડવાને બદલે માર્ગદર્શન આપો. ભણતર, રમતગમત, ટેક્નૉલૉજી અને ઊંઘ વચ્ચે તંદુરસ્ત સંતુલન હોવું અનિવાર્ય છે.
આ સફરમાં શિક્ષકોની ભૂમિકા પણ એટલી જ મહત્ત્વની છે. ડિજિટલ યુગમાં શિક્ષકો બાળકોને માત્ર માહિતી આપવા પૂરતા સીમિત ન રાખતાં તેમને તાર્કિક રીતે વિચારતાં અને સમજદારીપૂર્વક નિર્ણયો લેતાં શીખવે છે. પેરન્ટ્સ અને શિક્ષકોના સહિયારા પ્રયાસોથી બાળકોનાં મૂળિયાં મજબૂત બને છે અને તેમનો આત્મવિશ્વાસ વધે છે. આવો, આપણે આપણાં બાળકોને ગુરુકુળનું જ્ઞાન અને આધુનિક વિશ્વની તકો બન્ને આપીએ. એક એવું ઘર અને સ્કૂલ બનાવીએ જ્યાં બાળકો પોતાને સાંભળવામાં આવે છે, તેમનો આદર થાય છે અને તેઓ સુરક્ષિત છે એવો અનુભવ કરી શકે.