દિમાગને તાળાં મારીને ઑનલાઇન કે સોશ્યલ મીડિયા પર મૂરખની જેમ વર્તનારાને કોણ બચાવે?

17 April, 2026 05:28 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

‘ડિજિટલ અરેસ્ટ’ આ શબ્દપ્રયોગ આ ઑનલાઇન કૌભાંડીઓની જ દેન છે અને આવી ડિજિટલ અરેસ્ટમાં કોઈ વૃદ્ધ ડૉક્ટરે પચીસ લાખ કે કોઈ નિવૃત્ત એન્જિનિયર કે વરિષ્ઠ અધિકારીએ એક-બે કે ત્રણ કરોડ રૂપિયા ગુમાવ્યા એવા સમાચારો સામાન્ય થઈ ગયા છે.

દિમાગને તાળાં મારીને ઑનલાઇન કે સોશ્યલ મીડિયા પર મૂરખની જેમ વર્તનારાને કોણ બચાવે?

આપણી જિંદગીમાં ડિજિટાઇઝેશનથી અકલ્પ્ય બદલાવ આવ્યો છે. ટ્રેન, બસ કે વિમાનની ટિકિટો ખરીદવા માટે કે ઇલેક્ટ્રિસિટી, ગૅસ કે ફોનનાં બિલોનું પેમેન્ટ કરવા દોડીને કતારમાં ઊભા રહેવાનું કે ભાજીવાળા-ફ્રૂટ્સવાળાથી લઈને ટૅક્સીવાળા કે કોઈ પણ દુકાનદાર સાથે છૂટા રૂપિયા કે પૈસાની રકઝક હવે ભૂતકાળ બની ગઈ છે. રાતવરત કોઈ આત્મીયને મદદની જરૂર પડી તો માઇલો દૂર બેઠાં-બેઠાં પણ તેમનાં કામ કરી આપવાની શક્યતા આજની નવી વાસ્તવિકતા બની છે. આ સિવાય પણ જિંદગીને સરળ બનાવતા બીજા ઉકેલો આ ડિજિટાઇઝેશન અને ઑનલાઇન સેવાઓના પ્રતાપે શક્ય બન્યા છે. જોકે એ સાથે જ કોઈ પણ દવાની અસર અને આડઅસર હોય એમ આ સુવિધાની સાઇડ-ઇફેક્ટ્સ જેવી ઑનલાઇન છેતરપિંડીની અવનવી તરકીબો પણ ફાલી છે. 
૨૦૨૪-’૨૫ના વર્ષમાં ડિજિટલ છેતરપિંડીનાં લાખો કૌભાંડો થયાં હતાં જેનો ભોગ બનેલી વ્યક્તિઓએ કરોડો રૂપિયા ગુમાવ્યા હતા. છેલ્લા આંકડા ઉપલબ્ધ નથી, પણ માત્ર છેલ્લા છએક મહિનાના સમાચારો જોશો તો પણ ઑનલાઇન ચીટિંગ અને કૌભાંડોના સરેરાશ રોજના એકથી વધુ કિસ્સા જોવા મળશે.
‘ડિજિટલ અરેસ્ટ’ આ શબ્દપ્રયોગ આ ઑનલાઇન કૌભાંડીઓની જ દેન છે અને આવી ડિજિટલ અરેસ્ટમાં કોઈ વૃદ્ધ ડૉક્ટરે પચીસ લાખ કે કોઈ નિવૃત્ત એન્જિનિયર કે વરિષ્ઠ અધિકારીએ એક-બે કે ત્રણ કરોડ રૂપિયા ગુમાવ્યા એવા સમાચારો સામાન્ય થઈ ગયા છે. વળી આ ડિજિટલ અરેસ્ટની પ્રક્રિયા દિવસો કે મહિનાઓ સુધી ચાલી હોય છે. આવું વાંચું કે સાંભળું ત્યારે નવાઈ લાગે છે. જુદા-જુદા પ્રકારે થતી આ છેતરપિંડીઓમાંથી એક પ્રકાર એવો છે કે એમાં વ્યક્તિને ફોન કરીને કહેવાય કે તમારા બૅન્ક-અકાઉન્ટમાંથી ગેરકાનૂની પ્રવૃત્તિ થઈ રહી હોવાનું નોંધાયું છે અને એને માટે તે વ્યક્તિને કેવી આકરી સજા થઈ શકે એની ડરામણી કહાણીઓ કહીને પોતાને ઇન્વેસ્ટિગેશન બ્યુરો કે પોલીસના અધિકારી ગણાવતા કૌભાંડીઓ તેને એમાંથી છૂટવાના રસ્તારૂપે તેમની પાસેથી મોટી રકમો જુદા-જુદા ખાતામાં ટ્રાન્સફર કરાવે છે. વળી તેમને આ વાત ઘરમાં પણ કોઈને ન કહેવાની તાકીદ કરાઈ હોય છે. આમ ડર અને શરમ-સંકોચથી આવી વ્યક્તિઓ આવા સ્કૅમનો શિકાર બને છે. જોકે મને હંમેશાં એક આશ્ચર્ય થાય છે કે જેમણે ૧૦૦ ટકા આવું કંઈ જ કર્યું ન હોય એ લોકો શા માટે અને કઈ રીતે આવા કૌભાંડીની સાઇકોલૉજિકલ જાળમાં ફસાઈ જતા હશે?! 
એક મિત્રનો અનુભવ યાદ આવે છે. તે મિત્ર એન્જિનિયર અને MBA થયેલી તથા મલ્ટિનૅશનલ કંપનીમાં જૉબ કરતી હતી. એક વાર એક બહુ જાણીતી સાઇટ પર તેણે જૂનું ફર્નિચર વેચવા મૂક્યું અને હજી તો પોસ્ટ મૂક્યાને પાંચ મિનિટ માંડ થઈ હશે ત્યાં એક ફોન આવ્યો : ‘મૅડમ, આપ કા સામાન કે લિએ પેમેન્ટ કરના હૈ. આપકો એક OTP આએગા તો પ્લીઝ શૅર કરના!’ જૂનો સામાન લેવાવાળા બે-ચાર જણ સાથે ભાવની રકઝકથી થાકીને ઑનલાઇન વેચવા નીકળેલી તે યુવતી તો પોતે માગેલી કિંમત અંગે કંઈ પણ રકઝક કર્યા વગર આ ગ્રાહક સીધો પેમેન્ટ કરવા તૈયાર થઈ ગયો એ જાણીને ખુશ-ખુશ થઈ ગઈ! પણ તેને વિચાર આવ્યો કે પેમેન્ટ લેવા માટે વળી OTP શેનો? તેનાં પતિ અને સાસુએ પણ તેને ચેતવી અને કહ્યું કે ઑનલાઇન પેમેન્ટમાં પડવાને બદલે ચોખ્ખું કહી દે કે ફર્નિચર લઈ જાય અને રોકડાથી પેમેન્ટ કરી દે. પરંતુ ડિજિટલ વ્યવહારોમાં માહેર યુવતી કોઈ અજાણ્યા સમક્ષ પણ પોતાને આવી પછાત કેવી રીતે દેખાડી શકે? પેલાના ઉપરાઉપરી ફોન આવ્યા. તેણે કહ્યું, ‘મેં તમારા નંબર પર ટોકન પેમેન્ટ કર્યું છે એ તમે કન્ફર્મ કરો એટલે પૂરું પેમેન્ટ કરી દઉં. એક OTP આવશે. તમે કન્ફર્મ કરો.’ અને તે એજ્યુકેટેડ પ્રોફેશનલ યુવતી તે માણસના એક પછી એક એમ ત્રણ-ચાર ફોનના જવાબ આપતી ગઈ. ત્યાં તેના ફોનમાં મેસેજિસ ફ્લેશ થયા. તેના બૅન્ક-ખાતામાંથી ૩૦,૦૦૦ રૂપિયા ઊપડી ગયા હતા! ઘરના સ્વજનોની શાણપણભરી સલાહ નહીં માનનાર તે યુવતી સાથે પોલીસ-સ્ટેશનના ધક્કા ખાવામાં તે સ્વજન જ સાથે હતા. જોકે OTP આપ્યાનો ગુનો કરનારે પોતાની ભૂલની કિંમત ચૂકવવી પડી. સાઇબર સિક્યૉરિટીના કે બૅન્કના કોઈ નિયમો તેની કોઈ જ મદદ કરી શક્યા નહીં.
માત્ર નાણાકીય જ નહીં, ઇમોશનલ છેતરપિંડીઓ પણ કેટલી બધી રીતે થાય છે. આ અઠવાડિયે જ કર્ણાટકની એક ટીચરનો કિસ્સો વાંચ્યો. સોશ્યલ મીડિયા પર તેને પોતાનો જૂનો કૉલેજનો એક મિત્ર મળી ગયો. બન્ને એકબીજાને મેસેજ કરે અને કલાકો ચૅટિંગ કરે. તે મિત્રએ પોતાને કૅન્સર હોવાનું જણાવ્યું અને યુવતી પાસે શારીરિક સંબંધની માગણી કરી. યુવતીએ ના પાડી તો કહ્યું, ‘અચ્છા, તારો એક ઇન્ટિમેટ વિડિયો મને મોકલ. હવે મારી પાસે જિંદગીના થોડા જ દિવસ બચ્યા છે. તો મારી આ અંતિમ ઇચ્છા તું પૂરી કર.’ યુવતી તેના ઇમોશનલ ટ્રૅપમાં આવી ગઈ અને તેણે પોતાનો એક ઇન્ટિમેટ વિડિયો શૂટ કરીને પેલા મિત્રને મોકલ્યો.
આગળ શું થયું એ વાંચતાં પહેલાં મારા મનમાં ઊઠેલા પ્રશ્નો તમને પૂછી લઉં : મિત્રો, તમે સ્ત્રી હો કે પુરુષ, તમારો કોઈ ઑનલાઇન ફ્રેન્ડ, જે ભલે ભૂતકાળનો તમારો કલીગ કે સહાધ્યાયી હોય; પણ તે તમારી સમક્ષ આવી માગણી કરે ત્યારે તમે ચોંકો નહીં? પોતાની ટર્મિનલ બીમારીના નામે તે તમારી પાસે આ પ્રકારની અભદ્ર માગણી કરે ત્યારે પણ તમે લાગણીમાં વહી જઈને ‘બિચારાની અંતિમ ઇચ્છા છે...’ કહીને એ પૂરી કરવા પોતાનો મોસ્ટ ઇન્ટિમેટ (નગ્ન કે અર્ધનગ્ન) વિડિયો શૂટ કરો અને પછી તેની સાથે એ શૅર કરો? મારું તો દિમાગ ખળભળી ઊઠે છે તે યુવતીની મૂર્ખતા પર. તેને સામેવાળી વ્યક્તિની માનસિકતા કે વિકૃતિ વિશે કોઈ જ આશંકા નથી જન્મતી? અને આવી યુવતી પાછી સ્કૂલ-ટીચર છે. શું શીખવશે તે પોતાના વિદ્યાર્થીઓને?!
જૂનું ફર્નિચર વેચવાના કિસ્સામાં પેલી પ્રોફેશનલ યુવતીએ OTP આપીને જે પાણાને પગ પર વહોર્યો હતો એ જ પાણો આ કિસ્સામાં એક સ્કૂલ-ટીચરે પોતાનો વિડિયો મોકલીને વહોરી લીધો. પેલા ‘મિત્ર’ પાસે વિડિયો આવ્યો એટલે તેણે પોતાનું પોત પ્રકાશ્યું, ‘મારા ખાતામાં આટલા રૂપિયા ટ્રાન્સફર કર, નહીં તો તારો વિડિયો વાઇરલ કરી દઈશ!’ હવે તે શિક્ષિકાના દિમાગની બત્તી થઈ : અરે, આ તો મને ફસાવતો હતો! તેણે પોલીસમાં કમ્પ્લેઇન કરી. પોલીસ સાથે મળીને કારસો રચ્યો અને તેને મળવા બોલાવ્યો. પોલીસે તેને દબોચી લીધો. અને હા, તે પેલી યુવતીનો કોઈ જૂનો મિત્ર કે સ્કૂલમેટ નહોતો. એ પણ તેની બનાવટી ઓળખ જ હતી. 
સાઇબર સિક્યૉરિટી વિભાગ અને પોલીસ ખાતું વારંવાર લોકોને સોશ્યલ મીડિયા પર સાવચેત રહેવાનું અને સાવધાનીપૂર્વક વર્તવાનું કહે છે, પરંતુ લોકો દિમાગને તાળાં મારીને તદ્દન મૂરખની જેમ વર્તે તો બિચારું તંત્ર ક્યાં-ક્યાં પહોંચે? 

columnists taru kajaria social media life and style lifestyle news