બાળકોને રમવાનો હક અપાવવા આખી જિંદગી સમર્પિત

25 June, 2024 09:12 AM IST  |  Mumbai | Pallavi Acharya

ચિલ્ડ્રન ટૉય ફાઉન્ડેશન બનાવનારા દેવેન્દ્ર દેસાઈ આજે ભારતભરનાં વંચિત બાળકો સુધી જાતજાતનાં રમકડાં તથા ફન ઍન્ડ માઇન્ડ ગેમ્સ લઈ ગયા છે.

દેવેન્દ્ર દેસાઈ

ભારતના એક નાના અંતરિયાળ ગામમાં એક વૅન આવે છે અને આખા ગામનાં બાળકો ત્યાં ટોળે વળી જાય છે, ઝૂમી ઊઠે છે. વૅનમાં ઉપસ્થિત લોકો બાળકોને રમવા માટે રમકડાં આપે  છે અને સાથે તેમને ફન અને માઇન્ડ ગેમ્સ પણ રમાડે છે. બાળકોના બે કલાક ક્યાં જતા રહે છે એની તેમને ખબર પણ નથી પડતી અને એ યાદો સાથે તેઓ ફરી વૅનનો ઇન્તેજાર કરે છે...

વ્યક્તિના શારીરિક, માનસિક અને ભાવનાત્મક વિકાસમાં રમકડાં, માઇન્ડ ગેમ્સ સહિતની રમતોનું મહત્ત્વ આત્મસાત્ કરી ચૂકેલા દેવેન્દ્ર દેસાઈએ ૧૯૮૨માં ચિલ્ડ્રન ટૉય ફાઉન્ડેશનની સ્થાપના કરી. આ ફાઉન્ડેશન દેશભરમાં ૩૯૯ ટૉય લાઇબ્રેરી ચલાવે છે જેમાં બાળકોને સુંદર રમકડાં આપવા ઉપરાંત માઇન્ડ ગેમ્સ પણ રમાડવામાં આવે છે. તેઓ આ ગેમ્સની કૉમ્પિટિશન પણ યોજે છે. દેવેન્દ્રભાઈએ તો ભારતના જ નહીં, વિશ્વભરનાં બાળકોને રમાડવાનું બીડું ઉપાડ્યું છે. તેમનું કહેવું છે કે ઑલિમ્પિક ગેમ્સની જેમ બાળકોની ગેમ્સની પણ ઑલિમ્પિક્સ થાય. અને એ માટે તેઓ અથાગ મહેનત કરી રહ્યા છે. તેમની ટૉય લાયબ્રેરીમાં ૬ વર્ષથી લઈને ૯૯ વર્ષના લોકો રમવા આવે છે. દેવેન્દ્રભાઈએ ગયા વર્ષે ભારતનાં એકસાથે ૩૬ રાજ્યોમાં તેમના ફાઉન્ડેશનની સેવા શરૂ કરી હતી. તાજેતરમાં ૨૮ મેએ વર્લ્ડ પ્લે ડે પર પહેલી વાર તેમણે માઇન્ડ ગેમ અને ફન ગેમ પર ઇન્ટરનૅશનલ કૉમ્પિટિશન ભારત અને નેપાલનાં બાળકો વચ્ચે નેપાલમાં યોજી હતી.
અગાઉ એવો સમય હતો કે બાળકો ખુલ્લામાં રમતો બહુ રમતાં હતાં, આજે છે એટલાંબધાં રમકડાં કે ફન ગેમ્સની ભરમાર ત્યારે નહોતી. મધ્યમ વર્ગનાં બાળકોને એક ગેમ કે રમકડું જોઈતું હોય તો પણ પેરન્ટ્સ પાસેથી તરત નહોતું મળી જતું, ઘણી માગણીઓ કરવી પડતી હતી. બાળકોના સર્વાંગી વિકાસમાં રમકડાંનું મહત્ત્વ આજે લોકોને સમજાયું છે તેથી કેટલાંક બાળકો પાસે રમકડાં અને બીજી ગેમ્સ ઘણાંબધાં હોય છે, પણ દેશમાં એવાં અનેક બાળકો છે જેમને રમકડાં પણ નસીબ નથી થયાં હોતાં. અન્ડરપ્રિવિલેજ્ડ એવાં અનેક બાળકોને દેવેન્દ્ર દેસાઈએ રમકડાં અને રમતો રમવાનું નસીબમાં કરાવ્યું છે.

કાલા ઘોડા પાસે આવેલા ચિલ્ડ્રન ટૉય ફાઉન્ડેશનમાં બોર્ડ ગેમ રમી રહેલા દેવેન્દ્રભાઈ. 

વિચાર કેવી રીતે આવ્યો?
મુંબઈના પ્રાર્થના સમાજ વિસ્તારમાં રહેતા ૭૮ વર્ષના બિઝનેસમૅન દેવેન્દ્ર શિવલાલ દેસાઈ પોતાની રચેલી એક કવિતા ગણગણે છે, ‘ઝિંદગી મેં ખેલ કી દોચાર ઘડી હોતી હૈ, ચાહે થોડી સી હો યે ઉમ્રભર હોતી હૈ; તાજ યા તખ્ત હો યા દૌલત હો ઝમાનેભર કી, કૌનસી ચીઝ હૈ જો ખેલ સે બડી હોતી હૈ...’

મૂળ અમદાવાદના દેવેન્દ્રભાઈનો મુંબઈમાં ૧૨૪ વર્ષથી પેપર સપ્લાયનો ફૅમિલી-બિઝનેસ છે. બાળકને કોઈ રમકડું જોઈતું હોય અને એ મળી જાય ત્યારે કેવો અવર્ણનીય આનંદ તેને થાય છે એનો એક પ્રસંગ તેમણે કહ્યો, ‘હું માંડ આઠ-નવ વર્ષનો હોઈશ. આમ તો હું ચેસનો ખેલાડી હતો પણ ચેકર્સની રમતમાં પણ એક્સપર્ટ હતો. એક દિવસ સવારના પહોરમાં મારે ચેકર્સ રમવી હતી. ઘરમાં શોધ્યું ઘણું પણ એનું બોર્ડ ન મળ્યું. મેં જીદ કરી કે મને હાલ રમવું છે. મારાં મમ્મી રોટલી બનાવતાં હતાં એ મૂકી બજાર જઈને ચેકર્સ લઈ આવ્યાં ત્યારે મને જે આનંદ થયો એ મારા હૃદયમાં કંડારાઈ ગયો.’

આમ અજાણતાં જ ટૉય લાઇબ્રેરીનું બીજ અહીં રોપાઈ ગયું હતું. સમાજ માટે કંઈક કરવું હતું તેથી તેઓ વિનોબા ભાવેનો આશ્રમ, સર્વોદય મંડળ, બ્યુટી વિધાઉટ ક્રુઅલ્ટી વગેરે જેવી સંસ્થાઓ સાથે કામ કરતા હતા. ૧૯૮૧ની ૧૧ જાન્યુઆરીએ દેવનાર કતલખાને લઈ જવાતી ગાયોને બચાવવા માટે થયેલા સત્યાગ્રહમાં દેવેન્દ્રભાઈએ પાંચ દિવસ નિર્જળા ઉપવાસ કર્યા હતા. જોકે આ કામ પાર પડતાં નહોતાં તેથી કંઈક બીજું કરવાનું મન હતું. કૅનેડાથી ટૉય્ઝ મગાવી વીરેન્દ્ર અઢિયા નામની વ્યક્તિએ દિલ્હીમાં પહેલી ચાચા નહેરુ ટૉય લાઇબ્રેરી બનાવી હતી. એ પછી મુંબઈમાં પણ નૅશનલ ટૉય લાઇબ્રેરી બાંદરામાં બની. આ લાઇબ્રેરીમાં ગુડવર્ડ લખતા ભાઈ સાથે સંપર્ક થયો, કારણ કે તેઓ દેવેન્દ્રભાઈને ત્યાં પેપર લેવા આવતા હતા. દેવેન્દ્રભાઈ પોતે પણ આ રીતે કવોટ્સ લખતા હતા. તેઓ ચાચા નેહરુ ટૉય લાઇબ્રેરીમાં ગયા. ત્યારે ત્યાં તેમણે જોયું કે લોકો દૂર-દૂરથી એક રમકડું બદલાવવા આવે છે. એ જોઈને તેમને થયું કે આપણે જ તેમની પાસે રમકડાં લઈ જઈએ તો? વાતને સાંધતાં દેવેન્દ્રભાઈ કહે છે, ‘ટૉય લાઇબ્રેરીમાં હું ગેમ્સ રમવા જતો હતો. હું મારી જાતને ચેસનો શહેનશાહ માનતો હતો, પણ માઇન્ડ ગેમ બ્રેઇનવિટાના નાના વર્ઝન જેવી નૉટી પેગસ નામની ગેમ હું સૉલ્વ ન કરી શક્યો. એક નાના છોકરા સામે હું હારી ગયો ત્યારે મને સમજાયું કે ગેમ્સ માણસની જાતજાતની શક્તિઓ કેળવે છે, જુદી-જુદી રમતો માણસની સુષુપ્ત શક્તિઓને જાગૃત કરે છે. અહીં મને સમજાયું કે હું આ બાબત પર ધ્યાન કેન્દ્રિત કરું તો સારું; બાળકોને રમકડાં ને રમતો રમાડે એવી કોઈ સંસ્થા નથી તો મારું એક ફાઉન્ડેશન બનાવું. બીજી ઑક્ટોબરે ચિલ્ડ્રન ટૉય ફાઉન્ડેશન પેપર પર બન્યું. મારી પાસે જગ્યા નહોતી તેથી હું પ્રાર્થના સમાજ વિસ્તારની સ્કૂલોમાં ફરવા લાગ્યો ત્યારે સ્કૂલવાળાએ કહ્યું અમારી પાસે જગ્યા નથી; તમે આવો, બાળકોને રમાડીને લઈ જાઓ. ૧૯૮૪માં ગોપાલકૃષ્ણ ગોખલેએ સ્થાપેલી સર્વન્ટ્સ ઑફ ઇન્ડિયા સોસાયટીમાં પહેલી લાઇબ્રેરી શરૂ કરી.’

બાળકો રમી શકે એવાં રમકડાંથી સજ્જ ઇન્ટરેક્ટિવ વૅન સાથે દેવેન્દ્રભાઈ.

શરૂઆત થઈ ફુટપાથથી
દેવેન્દ્રભાઈ શરૂઆતમાં ફુટપાથ પર સ્ટ્રીટચિલ્ડ્રન અને ફેરિયાઓનાં છોકરાંને રમાડતા. કન્સેપ્ટ નવો હતો, લોકોને ખબર નહોતી એટલે કામ મર્યાદિત હતું; પણ પેપરોમાં આના વિશે સમાચાર આવતાં બાળકોની ત્યાં લાઇન લાગવા લાગી. થોડા વૉલન્ટિયર્સ જોડાયા. લોકો જોડાતા ગયા અને વિસ્તાર વધતો ગયો. ફાઉન્ડેશનના વિસ્તારની વાત કરતાં દેવેન્દ્રભાઈ કહે છે, ‘અહીં રમવા આવતાં બાળકોના ચહેરા પરનો આનંદ જોઈને મને થયું કે આ આનંદ લાંબે સુધી કેમ ન પહોંચે અને મને મોબાઇલ વૅન લાઇબ્રેરીનો વિચાર આવ્યો, આ વૅન જ્યાં જાય ત્યાં બાળકો રમી શકે. મેં ગેમ્સ રમાડતી એક વૅન બનાવી. એની ખૂબી એ કે એને એજ્યુકેશન વૅન જેવી બનાવી જેમાં અલગ-અલગ ટાઇપની સ્ટોરીઓ, નેતાઓના ફોટોઝ, જાતજાતની ગેમ્સ વગેરે હતું. આ ઉપરાંત અનેક ગેમ્સ એવી હતી જે બાળકોના માનસિક, સામાજિક અને ભાવનાત્મક વિકાસ માટે અત્યંત મહત્ત્વની હોય. સંસ્થા માટે ફન્ડની જરૂર પડે તેથી રજિસ્ટ્રેશન કરાવ્યું અને લાયન્સ ક્લબ, ICICI બૅન્ક સહિતના કેટલાંક કૉર્પોરેટ ગ્રુપે સહકાર આપ્યો. ૨૦૦૧માં ICICI બૅન્કે ૩ વર્ષ સુધી ૩૩ લાખ રૂપિયા આપ્યા જેથી બાળકોને રમાડવા માટે ટ્રેઇન થયેલો સ્ટાફ હું રાખી શક્યો. આ પ્રોજેક્ટનું નામ રાખવામાં આવ્યું ખેલવિજ્ઞાન. લાયન્સ ક્લબે મુંબઈથી જમ્મુ સુધી ૨૬ દિવસની ટૂર અરેન્જ કરી આપી, જેને દરેક સ્થળે લાયન્સ ક્લબે હોસ્ટ કરી. સુરત મ્યુનિસિપલ કૉર્પોરેશનના અર્બન કમ્યુનિટી ડિપાર્ટમેન્ટ (UCB)ના સહકારથી વૅનની સંખ્યા ૪ અને લાઇબ્રેરીની સંખ્યા ૧૭ થઈ. એ પછી તો દરેક રાજ્યમાં અને નેપાલની મળીને ૩૯૯ લાઇબ્રેરી કાર્યરત છે.’

ઑટિસ્ટિક બાળકો માટે

મુંબઈની નાયર હૉસ્પિટલમાં ઑટિસ્ટિક બાળકો માટે ચિલ્ડ્રન ટૉય ફાઉન્ડેશનની સેવા છે. આ ઉપરાંત સેન્ટ જ્યૉર્જ, GT, હરકિસનદાસ, KEM સહિતની હૉસ્પિટલનાં બાળકોના વૉર્ડમાં ફાઉન્ડેશન બાળકોને રમત રમાડે છે, સ્ટોરીઓ કહે છે. હાલ તો દેવેન્દ્ર દેસાઈ પાસે ટ્રેઇન થયેલો સ્ટાફ છે પણ અગાઉ તેઓ પોતે જુદા-જુદા સ્થળે જતા હતા.

જેનાં બાળકો છે રમકડાં
મારે સામાન્ય જિંદગી નહોતી જીવવી, જીવનમાં કોઈ મોટું કામ કરવું હતું એમ કહી પોતાના આ સંકલ્પ તરફની ગતિની વાત કરતાં દેવેન્દ્રભાઈ કહે છે, ‘હું ૧૫ વર્ષનો હતો ત્યારે જ મેં ઘરે કહી દીધું હતું કે હું લગ્ન નથી કરવાનો. બધાને હતું કે એ તો કહે છે, પણ સમય આવતાં લગ્ન કરી લેશે. મારાં બહેન ઉષાબહેને મારી સાથે શરત લગાવી હતી ૫૦૦ રૂપિયાની. તેમણે મને કહ્યું કે લગ્ન એટલે શું એનો મતલબ તને ખબર છે? મેં તેમને કહ્યું કે મને બધી ખબર છે, પણ મારે એમાં નથી પડવું, મારે મારી લાઇફ હટકે જીવવી છે. હું ૫૦૦ રૂપિયા જીતી ગયો ત્યારે અમે ભાઈબહેને સાથે મળી પાર્ટી કરી હતી.’

પેપર-સપ્લાયનો બિઝનેસ હાલ પણ તેઓ અને તેમના ૮૦ વર્ષના મોટા ભાઈ સંભાળે છે. એક ભાઈ સ્વર્ગવાસી થયા છે. નવી પેઢીને આ બિઝનેસમાં રસ નથી તેથી બિઝનેસ ધીમે-ધીમે સંકેલી રહ્યા છે. તેઓ કહે છે, ‘મારું લગ્ન સ્પિરિચ્યુઅલ છે. ટૉય લાઇબ્રેરી મારી વાઇફ છે. એનાં સુંદર રમકડાં ગર્લ ચાઇલ્ડ અને બીજી ગેમ્સ બૉય ચાઇલ્ડ છે. એમની સાથે હું રમું છું અને આખી દુનિયા મારાં બાળકો સાથે રમે એમ હું ઇચ્છું છું.’

ગેમ ઇન્ટ્રોડ્યુસ કરી
દેવેન્દ્ર દેસાઈએ ૧૫ નવી ગેમ બનાવી છે જે તેમણે પાંચ હજાર કુટુંબોને ફ્રી આપી છે. કોરોના સમયમાં યુટ્યુબ પર કેટલીક ગેમ્સ મૂકી છે. આ સમયે સ્કૂલોમાં ઑનલાઇન ગેમ રમાડતા હતા. ૧૯૯૩માં પ્લે સમિટમાં પાર્ટ લેવા તેઓ ઑસ્ટ્રેલિયા ગયા હતા. દેવેન્દ્રભાઈ આ કન્સેપ્ટને આખી દુનિયામાં ફેલાવવા માગે છે. ભારતનાં ૬ લાખ ગામડાંઓ સુધી તેમને ફાઉન્ડેશનનું કામ ફેલાવવું છે, જેના કારણે બાળકોને તો રમકડાં ને રમતો તો મળશે જ અને સાથે યુવાનો માટે જૉબ ક્રીએટ થશે એવું તેઓ માને છે. શરૂઆતમાં દેવેન્દ્રભાઈ પાસે જગ્યા નહોતી ત્યારે તેમના પરિવારે જગ્યા આપીને મદદ કરી હતી એ પછી તેમના ભાઈઓ અને આખા પરિવારનો તેમના આ કાર્યમાં સાથ રહ્યો છે. આ ફાઉન્ડેશનના કારણે જીવનમાં આગળ આવનારાં કેટલાંય સ્ટ્રીટચિલ્ડ્રન આજે પણ ગુરુપૂર્ણિમા પર ફાઉન્ડેશન પાસે આવી આભાર વ્યક્ત કરે છે.

columnists ahmedabad mumbai gujarati mid-day