18 October, 2025 07:24 PM IST | Mumbai | Jigisha Jain
પત્ની રાગિણી શાહ સાથે દીપક ઘીવાલા.
આખું જીવન જેમણે રંગમંચ અને સ્ક્રીનને આપ્યું છે એ વ્યક્તિ ૮૬ વર્ષની ઉંમરે પણ કામ પ્રત્યે ઘણી જ પૅશનેટ છે. તેમને એવું છે કે જે પણ જીવને તેમને દેખાડ્યું છે, તેમણે જે અનુભવ્યું છે અને તેમના મનમાં જે સંતાયેલું છે એ બહાર આવે અને એ લખી શકે. આજે કરીએ તેમના અંગત જીવનમાં ડોકિયું અને જાણીએ આ આલા દરજ્જાના કલાકાર વિશે કેટલુંક જાણવા જેવું
૧૯૫૫ની સાલ હતી. એ સમયે મહારાષ્ટ્ર અને ગુજરાત બન્ને એક જ હતાં. સેક્રેટરી જનરલ ઑફ ઇન્ડિયન મર્ચન્ટ્સ ચેમ્બર સી. એલ. ઘીવાલાનો સુપુત્ર દીપક ફક્ત ૧૫ વર્ષનો હતો જેને રંગભૂમિ સંસ્થાનું એક નાટક મળ્યું. તેના પરિવારમાંથી કોઈ આ ફીલ્ડ સાથે સંકળાયેલું નહોતું છતાં એકદમ જ ખબર નહીં ક્યાંથી આ રોલ ૧૫ વર્ષના દીપકને મળી ગયો. એ નાટકનું નામ હતું ‘નરબંકા’ એટલે કે શૂરવીર વ્યક્તિ, જેમાં રાજકુમારનો રોલ તેને આપવામાં આવ્યો હતો. આ નાટકના ડિરેક્ટર હતા પ્રતાપ ઓઝા. દીપકે આ પહેલાં કોઈ નાટકોમાં કામ કર્યું નહોતું. તે પોતાને નવો નિશાળિયો કહેતા. દીપક સાથે કામ કરનારા બધા મોટાં માથાં હતા. એ અનુભવ એક ૧૫ વર્ષના બાળક માટે તો ઘણો જ સારો હતો. થયું એવું કે આ નવા નિશાળિયાએ પહેલા જ દડે સિક્સર મારી. તેના જીવનના પહેલા નાટકમાં જ તેમને બેસ્ટ ઍક્ટરનો અવૉર્ડ મળ્યો એ પણ બાળકોની કૅટેગરીમાં નહીં, વયસ્કની કૅટેગરીમાં જ. એ વિશે વાત કરતાં દીપક ઘીવાલા કહે છે, ‘હું તો સ્કૂલમાં ભણતો છોકરો હતો જેને કોઈ અનુભવ નહોતો. ત્યારે મને લાગ્યું કે કોઈ દૈવી શક્તિ જ છે જેની કૃપા મારા પર ઊતરી છે. એ દિવસ, એ ક્ષણ, એ નાટક અને એ અનુભવ બધું જ ઉત્સવ બની ગયું મારા માટે. મારા જીવનની દિવાળી બની ગયું, જેણે મારું આગળનું જીવન નક્કી કરી દીધું કે હું એક ઍક્ટર જ બનીશ અને આ જ દિશામાં આગળ વધીશ. જીવંત કળા માટે મને પહેલેથી જ રુચિ હતી. ટીચરોએ પણ મને ખૂબ પ્રોત્સાહન આપ્યું. બાકી મારામાં તો આવડત કે ડિગ્રી કંઈ જ નહોતાં છતાં કામ મળવું અને એને આટલું વખણાવું એ માટે ઈશ્વર અને મારાં માતા-પિતાના આશીર્વાદ મને ફળ્યા એમ કહી શકાય.’
કરીઅર
એ પછી દીપક ઘીવાલા ગુજરાતી રંગમંચ અને અભિનયની દુનિયાનું ઘરે-ઘરે જાણીતું નામ બની ગયા. કુલ ૨૫૦થી ઉપર નાટકોમાં તેમણે ઍક્ટિંગ કરી હતી. તેમનાં આ નાટકોમાંથી ‘રામની સુમતિ’, ‘મનુની માસી’, ‘લગ્નની ખેડી’, ‘માણસ નામે કારાગાર’, ‘અભિષેક’, ‘હિમ-અંગારા’, મુક્તિ-બંધન’, ‘મહાસાગર’, ‘ચિત્કાર’, ‘સળગ્યા સૂરજમુખી’ જેવાં અઢળક નાટકો જાણીતાં છે. ઘણાં નાટકો ડિરેક્ટ અને પ્રોડ્યુસ પણ કર્યાં. નાટકો સિવાય ગુજરાતી સિરિયલો અને ફિલ્મો પણ તેમણે કર્યાં. ગુજરાતી ફિલ્મો જેમ કે ‘મા-બાપ’, ‘પારકી થાપણ’, ‘નારી તું નારાયણી’, ‘શેરને માથે સવાશેર’ જેવી કુલ ચાલીસેક ફિલ્મો કરી. ‘સપનાનાં વાવેતર’, ‘સ્વપ્ન કિનારે’, ‘મોટી બા’, ‘મારે પણ એક ઘર હોય’ જેવી ઘણી ગુજરાતી સિરિયલોના તેમના કિરદાર આજે પણ લોકોને યાદ છે. તેમણે બે હિન્દી ફિલ્મો ‘રુસ્તમ’ અને ‘બાઝાર’ કરી છે. હિન્દી સિરિયલોમાં જોઈએ તો ‘ઇન્સાફ’, ‘એક મહલ હો સપનોં કા’, ‘આર. કે. લક્ષ્મન કી દુનિયા’, ‘દિયા ઔર બાતી’, ‘અનુપમા’માં તેમણે કામ કર્યું છે. તેમણે કરેલી હિન્દી સિરિયલ’ ‘યે રાસ્તે હૈં પ્યાર કે’માં તેમના ‘કૂલ નાનુ’ના કિરદારને લોકોએ ઘણું પસંદ કર્યું હતું.
ગુજરાતી નાટકોમાં સૌથી વધુ ડબલ રોલનાં પાત્ર તેમણે ભજવ્યાં છે.
‘પેઇંગ ગેસ્ટ’, ‘ચહેરા-મોહરા’, ‘અજબ કરામત’, ‘બાઝીગર’, ‘મહેતલ’માં તેમણે ડબલ રોલ ભજવ્યો હતો. જ્યારે ‘દો દૂની પાંચ’ નામના નાટકમાં તેમણે એકસાથે ચાર કિરદાર નિભાવ્યાં હતાં.
બાળપણ
નિયતિ તમને ક્યારે અને કઈ દિશામાં લઈ જાય છે એ સમજવું અઘરું છે પણ જો તમે સમજી જાઓ તો જીવન સરળ બની જાય છે. બાકી ગુજરાતના અમદાવાદમાં જન્મેલા અને પપ્પાની બદલી થતાં મુંબઈમાં મોટા થયેલા દીપક ઘીવાલાના ઘરમાં ભણતરનું મહત્ત્વ ઘણું હતું. એટલે આવા પરિવારનો દીકરો નાટકોમાં જોડાય એવું જ્વલ્લે જ જોવા મળે. દીપકભાઈ ન્યુ એરા સ્કૂલમાં ભણ્યા. એ પછી જય હિન્દ કૉલેજમાં ભણ્યા. લૉ કૉલેજમાં બે વર્ષ રહ્યા અને પછી છોડી દીધું. દીપકભાઈના પિતા એક સમયે અમદાવાદની એલ. ડી. કૉલેજમાં ઇકૉનૉમિક્સના પ્રોફેસર હતા. ગાંધીજી સાથે તેઓ સ્વતંત્રતાની લડતમાં જોડાયા પણ હતા, જેમના વિશે વાત કરતાં દીપકભાઈ કહે છે, ‘હું ભણવામાં ઠીકઠાક હતો. પરીક્ષા પછી રિઝલ્ટ આવવાનું હોય ત્યારે પપ્પા પાસે જતાં બીક લાગે મને. તેમને ખૂબ હતું કે હું ભણું અને આગળ વધું, પણ એની સાથે નાટકો માટે તેમણે મને રોક્યો પણ નહોતો. એ સમયે અમારા ઘરે ઉમાશંકર જોશી, જ્યોતીન્દ્ર દવે, કનૈયાલાલ મુનશી, ચં. ચી. મહેતા આવતા-જતા રહેતા એટલે એક જુદો માહોલ હતો જેમાં હું મોટો થયો. પપ્પા ઘણા હોશિયાર અને મોટી પદવી પર, પણ અમારું બિઝનેસ-ફૅમિલી નહોતું એટલે મેં તેમની સ્ટ્રગલ પણ જોઈ છે.’
શરૂઆત
દીપકભાઈએ પહેલા નાટક પછી પારસી થિયેટર જૉઇન કર્યું જેમાં ‘જામે જમશેદ’ નામના અખબારના માલિક અને એડિટર અદી મર્ઝબાન પાસેથી તેઓ ઘણું શીખ્યા. આ ઉપરાંત ચંદ્રવદન ભટ્ટ અને સિદ્ધાર્થ રાંદેરિયાના પિતા મધુકર રાંદેરિયા જે જય હિન્દ કૉલેજમાં તેમના પ્રોફેસર હતા તેમની પાસેથી પણ તેઓ અઢળક શીખ્યા. તેમણે આ સમય દરમિયાન ઇંગ્લિશ થિયેટર પણ કર્યું. એ પછી પ્રવીણ જોશી અને કાન્તિ મડિયા સાથે ઘણું કામ કર્યું. શરૂઆતમાં તેઓ જૉબ પણ કરતા. બજાજ ગ્રુપમાં તેઓ એક્સપોર્ટ એક્ઝિક્યુટિવ હતા. એ વિશે વાત કરતાં દીપકભાઈ કહે છે, ‘શરૂઆતનો સમય અઘરો હતો. પછી ધીમે-ધીમે નાટકો ચાલવા લાગ્યાં. એક-એક નાટકના ૨૦૦-૩૦૦ શોઝ કર્યાનું મને યાદ છે. એક નાટક હતું ‘ચકડોળ’, જે મેં ડિરેક્ટ પણ કર્યું હતું એના પરથી એક હિન્દી ફિલ્મ બની હતી ‘આજ કી તાઝા ખબર’. ઘણા મરાઠી, અંગ્રેજી કલાકારો પણ મારું નાટક જોવા આવતા અને એમાંથી મને નવા કામની તકો મળતી ગઈ અને હું કરતો ગયો. બસ, મારે અટકવું નહોતું.’
લગ્ન
૧૯૬૮માં દીપકભાઈએ પ્રતિભાબહેન સાથે અરેન્જ્ડ મૅરેજ કર્યાં. એ પછી તેમને બે દીકરા પણ થયા. તેમનો મોટો દીકરો ડૉક્ટર થયો અને અમેરિકામાં સેટલ થયો અને નાનો દીકરો વકીલ થયો અને મુંબઈમાં સ્થાયી થયો. લગ્નના થોડા સમય પછી બન્ને જણ અલગ થઈ ગયાં હતાં. એ પછી ૧૯૭૬માં દીપક ઘીવાલાએ તેમની સાથે કામ કરતાં રાગિણી શાહ સાથે સાદી રીતે મંદિરમાં જઈને લગ્ન કર્યાં. પછી રજિસ્ટર્ડ મૅરેજ કર્યાં. રાગિણીબહેન અને દીપકભાઈની જોડી ઘણાં નાટકોમાં પ્રેક્ષકોએ ખૂબ વખાણી હતી. બન્ને વચ્ચે ઉંમરનો ખાસ્સો ફરક હતો. રાગિણીબહેન દીપકભાઈથી ૧૫ વર્ષ નાનાં છે. તેમના વિશે વાત કરતાં દીપકભાઈ કહે છે, ‘અમારો સંબંધ ઘણો પરિપક્વ હતો. રાગિણીએ મારો ખૂબ સાથ આપ્યો છે. અમે સાથે ઘણાં નાટકો કર્યાં અને ગુજરાતી ફિલ્મો પણ કરી. કામ કરતાં-કરતાં અમારાં મન મળી ગયાં. અમે એકબીજાની કળાને સમજી શકતાં હતાં. એકબીજાને સમજી શકતાં હતાં. અમારી લાગણીઓ એકબીજા માટે ખૂબ જ સ્ટ્રૉન્ગ હતી. અમારાં લગ્નમાં ઘણી કઠિનાઈ આવી પણ એ અમારી બન્નેની અંદરથી નહોતી, બહારથી આવતી હતી જેને લીધે અમે વધુ સ્ટ્રૉન્ગ બની શક્યાં. અમે એકદમ સાંકળ જેવાં બની ગયેલાં. અમારા અંકોડા ભિડાઈ ગયેલા.’
પરંતુ તમારાં બન્ને બાળકોએ તમારાં બીજાં લગ્નને કઈ રીતે લીધાં એ પ્રશ્નનો જવાબ આપતાં દીપકભાઈ કહે છે, ‘મારો મોટો દીકરો ૩૫ વર્ષનો અને નાનો ૩૧ વર્ષનો હતો જ્યારે આ થયું. એ બન્ને ખૂબ સમજદાર હતા અને તેમણે રાગિણીને માન સાથે અપનાવેલી. બધું ઘણું સહજ રીતે થયું. કોઈ ખટરાગ કે મનમુટાવ જેવું કંઈ નહોતું. એક અરસો જીવનનો સાથે ગાળ્યા પછી આજે હું અને રાગિણી એકબીજાને એટલું ઓળખી ગયાં છીએ કે ફરિયાદો બધી ઓગળી જતી હોય છે. અમને એકબીજાથી કોઈ જ તકલીફ નથી કારણ કે ખરેખર અમે બે નથી, એક જ છીએ એ ભાવના ત્યાં સુધીમાં સ્પષ્ટ થઈ ગઈ હોય છે. નાના છોડ જેવા પ્રેમનું આટલાં વર્ષો અમે જતન કર્યું હતું એ હવે ઘટાદાર વૃક્ષ બનીને અમારી સામે લહેરાય છે, જેની મજા જુદી છે.’
દીપકભાઈ ૮૬ વર્ષના થશે. હજી એવું શું છે જે તમને કરવું છે? આ પ્રશ્નનો જવાબ આપતાં તેઓ કહે છે, ‘મારે હવે લખવું છે. મારા જીવનમાં મેં ઘણા અનુભવો કર્યા છે. એનો નિચોડ મારે લખવો છે. જે ભાથું મારી પાસે છે એને કાગળ પર ઉતારવું છે. આ આત્મકથા નહીં હોય કારણ કે આત્મકથા લખવામાં ઈગો આવી જાય. એવું નથી કરવું. મારા મગજની અંદર જે ચાલે છે એ બહાર લાવી શકું એવા પ્રયાસે મારે લખવું છે.’
જલદી ફાઇવ
શોખ – મ્યુઝિકનો ખૂબ શોખ છે. મને ગઝલો ખૂબ ગમે છે. ખાસ કરીને બેગમ અખ્તરની ગઝલો સાંભળું છું. આજે
પણ કલાકો એ સાંભળવામાં ગાળી શકું છું.
ફોબિયા - નાનો હતો ત્યારે મમ્મી-પપ્પાનો ખૂબ ડર લાગતો. મોટા થયા પછી એ ડરનાં સ્વરૂપો બદલાતાં ગયાં. કામના અભાવનો ડર, મહેનત કરીએ પણ સફળ ન થવાનો ડર, પ્રિયજન તમારાથી દૂર જતું રહે એનો ડર. આવા ઘણા જુદા-જુદા ડર હતા પરંતુ ઉંમર સાથે સમજણ વધતી ગઈ અને હવે અત્યારે કોઈ ડર નથી, છે સંપૂર્ણ આનંદ.
બદલાવ - ઉંમરના દરેક પડાવે ઘણા બદલાવ આવતા હોય છે. આ ઉંમરે મેં બીજા સાથે અને મારી જાત સાથે પણ ઝઘડા કરવાનું બંધ કર્યું છે કારણ કે એનાથી કંઈ મળવાનું નથી એ હું સમજી ગયો છું એટલે બીજાને અને ખુદને બન્નેને હેરાન કરતો નથી.
શું ગમે? - હું આજકાલ ન્યુઝ જોવાનો શોખીન બન્યો છું. મને ઇન્ટરવ્યુઝ જોવા પણ ગમે છે. બાકી ફરવાનો મને શોખ છે. તબિયત સાથ આપે છે એટલે થાય એટલું ફરું છું.
પૅશન - કામ મારું પૅશન છે. આજે પણ ઘણા લોકો મારી પાસે સલાહ માટે આવે છે. હમણાં જ થોડો સમય એક ગુજરાતી ફિલ્મના સેટિંગ માટે ગુજરાતના અંતરિયાળ વિસ્તારોમાં ગયેલો. ફક્ત મદદ માટે ગયેલો, પણ મને એ ગમે છે. કામ તમને જીવંત રાખે છે.
દિવાળીનું મહત્ત્વ
આ ડિસેમ્બરમાં દીપકભાઈને ૮૬ વર્ષ પૂરાં થશે. આમ તેમણે ૮૬ દિવાળીઓ જોઈ છે એમ કહેવાય. પણ આજકાલની દિવાળી તેમને થોડી ઝાંખી લાગે છે એમ જણાવતાં દીપક ઘીવાલા કહે છે, ‘મને મારા નાનપણની દિવાળીની હંમેશાં યાદ આવે છે. એ દિવાળી જ મને દિવાળી લાગતી. આજની દિવાળીનો ઝગમગાટ થોડો ઝાંખો થઈ ગયો છે. પહેલાં બધું જાતે જ કરતા. હું ખુદ મારા ઘરના નોકરચાકરો જોડે સફાઈ કરવા લાગી જતો. મારી મમ્મી જાતે દિવાળીના ખૂબ બધા નાસ્તા બનાવતી. તેના હાથના ઘૂઘરા, મઠિયા, જીરા-મરીવાળી પૂરી, ચકરી બધાનો સ્વાદ મને હજી યાદ છે. આજે બહાર મળતા ૫૦ પ્રકારના જુદા-જુદા નાસ્તામાં પણ એ સ્વાદ ન મળે. એ નિર્દોષતા, લાગણીભર્યું, પ્રેમભર્યું અને સ્નેહભર્યું વાતાવરણ હવે નથી. બેસતા વર્ષે સાલ મુબારક કહેવા ઘરે-ઘરે જવું. જો ન ગયા તો ખોટું લાગી જવાના સંબંધો અને લાડુ ખવડાવીને મનાવવાના સંબંધો હવે રહ્યા જ ક્યાં છે? કનકતારા તોડવાની રાહ જોતા અમે. એક નવું ખમીસ દેવડાવ્યું હોય એને મેળવીને જે ખુશી ત્યારે થતી એ આજે આખો વૉર્ડરોબ ભરેલો હોય તો પણ નથી થતી હોતી. એ સમય જ અલગ હતો. એ દિવાળીઓ તો જાણે જીવનનાં સંભારણાં બનીને જ રહી ગઈ છે. આ કોઈ કમ્પ્લેઇન્ટ નથી, સમય બદલાય એમ બધું બદલાતું હોય છે પણ દિવાળીનું હાર્દ, એનો આત્મા ન મરવો જોઈએ. એ આનંદ, એ ઉત્સાહ અને મનનો ઝગમગાટ ઓછો ન થવો જોઈએ.’