હે ભગવાન, તમારા નાટકમાંથી કોઈ કલાકાર નીકળી ગયો કે દીપક દવેને બોલાવ્યો?

02 July, 2020 05:36 PM IST  |  Mumbai | Latesh Shah

હે ભગવાન, તમારા નાટકમાંથી કોઈ કલાકાર નીકળી ગયો કે દીપક દવેને બોલાવ્યો?

દીપક દવે અને સુજાતા મહેતા નાટક ‘રાજરાણી’માં.

હું સૂનમૂન થઈ ગયો છું. હમણાં આ આર્ટિકલ લખીને મોકલતો હતો ત્યાં જ આઘાતજનક સમાચાર મળ્યા કે ‘દીપક દવે ઇઝ નો મોર.’
માની જ ન શકાય. હસતો-રમતો, કામ કરતો, યુએસએમાં ભારતીય વિદ્યાભવન સંભાળતો. મુંબઈથી કોઈ પણ કલાકાર યુએસએ જાય એટલે દીપક તેમને મળે, જોઈતો સપોર્ટ આપે. યુએસએમાં ભજવાતા કોઈ પણ નાટકમાં કોઈ પણ મુશ્કેલી ઊભી થઈ હોય તો દીપક હાજર જ હોય. એક જ દિવસમાં કોઈ પણ નાટકમાં રિપ્લેસમેન્ટ હોય તો દિગ્દર્શકો અને નિર્માતાઓ પહેલાં દીપકને યાદ કરે. તેની યાદશક્તિ તો ગજબની હતી. હમણાં તેણે મોબાઇલ પર વિડિયો પ્લે કર્યો. હજી હમણાં જ છાયા વોરાને તેણે મા પર કવિતા બોલીને મોકલાવી. હજી હમણાં વિપુલ વિઠલાણી સાથે નાટક કર્યું. તેની પત્ની રૂપલ તો માનવા જ તૈયાર નથી કે તે ગયો. મેં તેને યુએસએ ફોન કર્યો તો તેણે મને અને સુજાતાને કહ્યું કે ‘દીપક જીવે છે. મારી સાથે જ છે.’ બીજું કંઈ કહેવાનું સ્ટેટ ઑફ માઇન્ડ નથી. મુંબઈના કલાકારોના મનમાંય તે જીવતો જ છે. તે જઈ જ કેવી રીતે શકે. અનબિલિવેબલ. માનવું જ નથી મારે કે દીપક ગયો. હમણાં ત્યાંનું રિપ્લેસમેન્ટ પતાવીને પાછો આવશે જલદી.
દીપક દવેએ મારાં ઘણાં નાટકોમાં કામ કર્યું છે. ‘ચિત્કાર’ નાટકમાં મુકેશ રાવલની જગ્યાએ રિપ્લેસમેન્ટ કરીને મારો હીરો બન્યો. રાજેન્દ્ર બુટાલાના નાટક ‘સાથિયામાં એક રંગ ઓછો’ના હીરો તરીકે કરીઅરની શરૂઆત થઈ. ‘૨૩ કલાક ૫૨ મિનિટ’ તેણે શૈલેશ દવે સાથે કર્યું. ‘હિમકવચ’ અમિત દિવેટિયા સાથે કર્યું. તેણે મારી સાથે ‘ચિત્કાર’, ‘ત્રાટક’, ‘રાજરાણી’ અને આઇ થિન્ક ‘મહાયાત્રા’માં હીરોના રોલ કર્યા. બધાં જ રિપ્લેસમેન્ટ કર્યાં. કોઈ હીરો ગયો એટલે દીપક દવે હાજર.
ભાવનગરનો બ્રાહ્મણ અને આપણા ગુજરાતી ભાષાના મૂર્ધન્ય કવિ તથા ‘જન્મભૂમિ’ સમાચારપત્રના એડિટર હરીન્દ્ર દવેનું સંતાન દીપક દવે જેવી ભાષા અને ભાષાના ઉચ્ચાર પ્રત્યેની સજાગતા બહુ ઓછા કલાકારોમાં જોવા મળે.
સજ્જન માણસ અને સારો કલાકાર. આ કૉમ્બિનેશન બહુ ઓછા અભિનેતાઓમાં જોવા મળે. તેના સ્વભાવમાં સાહિત્ય છલકાતું હતું. તેમના સિનિયર કલાકારોને આદર આપવામાં અને જુનિયર કલાકારોને સાથ આપવામાં મહાકવિ હરીન્દ્ર દવેની સંસ્કૃતિ ઊભરીને આવતી હતી. તેનો ઘેરો અને ઘેઘુર અવાજ તો અમિતાભ બચ્ચનના અવાજને પછાડી દે એવો હતો. જેન્ટલમૅન અદાકાર. બધાને માન-સન્માન આપીને બોલાવે. છેવટે મુંબઈ છોડીને ગયો, કારણ કે તે અહીંના કારણ વિના ચાલતા રાજકારણથી કંટાળ્યો હતો. પુષ્કળ નાટકો, સિરિયલ અને ગુજરાતી ફિલ્મો કરી અને છેવટે ભાઉસાહેબ (ગિરેશ દેસાઈ)ના નિધન બાદ તે ભારતીય વિદ્યાભવનમાં મૅનેજર તરીકે ગોઠવાયો અને ફાઇનલી એ જ સંસ્થાની અમેરિકાની ઑફિસ સાંભળવા ૨૦૦૫માં અહીંથી તેણે યુએસએ પ્રયાણ કર્યું.
મને હંમેશાં મોટા ભાઈ કે લતેશભાઈ તરીકે સંબોધતો દીપક હું જ્યારે યુએસએ, ન્યુ યૉર્ક કે ન્યુ જર્સી જાઉં એટલે મને લેવા આવી જ જાય. કલાકોના કલાકો મેં તેની સાથે ન્યુ યૉર્કની ૨૬મી સ્ટ્રીટ પર આવેલી ભવન્સની ઑફિસમાં ગુજાર્યા છે. ત્યાંની ઑફિસમાં સ્ટાફ નહોતો એટલે બધું એકલા હાથે સંભાળે. તેનું નાનકડું થિયેટર બતાવે, લાઇટ-સાઉન્ડમાં તેણે આવીને શું ફેરફાર કર્યા એ હોંશે-હોંશે બતાવે. તેણે મારી સાથે પુષ્કળ તેની પર્સનલ અને ગુપ્ત વાતો શૅર કરી છે એક આત્મીય જનની જેમ.
દીપક દવે ૧૯૮૫માં ‘ચિત્કાર’ નાટકમાં જોડાયો. શરૂઆતમાં તેણે સિનિયર ડૉક્ટરનો કૅરૅક્ટર રોલ કર્યો અને જ્યારે મુકેશ રાવલે અણધાર્યા સંજોગવશાત્ નાટક અચાનક છોડવું પડ્યું અને દીપક દવેને મુખ્ય રોલ આપ્યો અને તેણે ૭ દિવસમાં જ સંવાદો અને મૂવમેન્ટ પાક્કી કરીને હકકડેઠઠ પ્રેક્ષકો વચ્ચે આત્મવિશ્વાસથી કડકડાટ રોલ ભજવ્યો. તેણે એ નાટકના ૩૫૦થી વધુ શો કર્યા. એ જમાનામાં નાટકો લેનારાં સોશ્યલ ગ્રુપ ઓછાં હતાં અને હું પણ સંસ્થાઓને શો આપીને તેમનાં લેક્ચર સાંભળવાની વિરુદ્ધ હતો. ‘ચિત્કાર’ નાટક મારમાર ચાલે. મહિનામાં ૮ શો થાય અને ગુજરાતમાં હોય તો ૨૦ શો થાય. દીપક દવેએ ૧૯૯૪ સુધી ‘ચિત્કાર’ નાટકમાં મુખ્ય પાત્ર ભજવ્યું. છેલ્લે જયસિંહ માણેક સાથે જ્યારે મહેન્દ્ર ત્રિવેદીના શો કરવા અમેરિકા ગયા ત્યાં સુધી તે સતત ‘ચિત્કાર’માં જોડાયેલો રહ્યો.
ત્યારથી જ તેને અમેરિકા મનમાં વસી ગયું હતું. તેણે નક્કી કર્યું હતું કે યેનકેન પ્રકારેણ એ ફાઇનલી યુએસએમાં સેટલ થશે.
તે નાજુક સ્વભાવનો અને લાગણીશીલ માણસ હતો. તેને નાની-નાની વાતોમાં ખોટું લાગી જતું. નાના બાળક જેવી હઠ પકડી લેતો. વાત-વાતમાં રિસાઈ જતો. મને સંજય ગોરડિયાએ એક પ્રસંગ ‘હિમકવચ’નો કહ્યો. એમાં હીરોને લૉટરી લાગે છે. સવારના પેપરમાં લૉટરીનું રિઝલ્ટ ખૂલે છે અને હીરો એટલે દીપક ખુશ થાય છે. સાંજના પેપરમાં આવે છે કે લૉટરીમાં જે નંબર છપાયો છે એ ખોટો છે. એટલે હીરો એ પેપર ગુસ્સામાં આવીને ફાડી નાખે છે. એ જમાનામાં સાંજનું એક જ પેપર નીકળતું હતું, ‘જન્મભૂમિ’ અને એના એડિટર હરીન્દ્ર દવે હતા એટલે દીપકે છાપું ફાડવાની ધરાર ના પાડી, કારણ કે તેના પપ્પાનું પેપર હતું. જેમ-તેમ સમજાવી તેને મનાવ્યો કે ‘તું ક્યાં ફાડે છે. એ તો નાટકનું પાત્ર ફાડે છે.’
તે આમ સ્વભાવમાં થોડો સનકી હતો. મનમાં આવે તો બધું કરે અને ન આવે તો ન જ કરે. તેને સમજાવતાં નાકે દમ આવી જતો.
‘ચિત્કાર’ નાટકમાં તો તેના સારા-નરસા ઘણા પ્રસંગ છે.
‘ચિત્કાર’માં દીપક આવ્યો ત્યારે એના ૩૦૦ ઉપરાંત શો થઈ ચૂક્યા હતા. સુજાતા ત્યારે રંગભૂમિ પર ઉત્કૃષ્ટ અભિનેત્રી તરીકે પંકાઈ ચૂકી હતી એટલે દીપક તેને સુજાતાબહેન કહીને સંબોધે એટલે સુજાતા તેને ખીજવે કે ‘તું મારા પ્રેમી અને પતિનો રોલ કરે છે અને બેન-બેન શેનો કરે છે.’ સુજાતા કહે, ‘સુજાતાબહેનમાંથી બહેન કાઢતાં તેને ૬ મહિના લાગ્યા હતા.’ તેનું કહેવું હતું કે હું તેમનો શ્રેષ્ઠ અભિનેત્રી તરીકે આદર કરું છું તો તેમને તું’કારે કેવી રીતે બોલાવું.
બન્ને મુખ્ય પાત્રો વચ્ચે નાટકમાં સંવાદો અને લાગણીઓની આપ-લે સારી રીતે થાય એટલે હું અને સુજાતા તેની પાસે પૂષ્કળ રિહર્સલ કરાવતાં અને એ વાંધાવચકા વિના ચું કે ચાં કર્યા વગર રિહર્સલ કરતો. તેને બધાના બધા ડાયલૉગ્સ યાદ રહેતા. તેની ખરેખર એલિફન્ટ મેમરી હતી. એક ફૅમિલી-મેમ્બર તરીકે તે મારા દરેક નાટકમાં કામ કરતો.
૧૯૯૪માં જ્યારે અમે ‘ચિત્કાર’ નાટક અમેરિકા લઈ ગયા હતા ત્યારે સેટ લગાવવાથી લઈને દરેક આર્ટિસ્ટોનું ધ્યાન રાખવામાં તે સૌથી પહેલો હોય.
મેં ૧૯૮૫માં ‘યસ સર’ નામની સિરિયલ બનાવી ત્યારે તે મારી સાથે નડી ગયો હતો કે તમારી સિરિયલ છે એટલે તમારે મને રોલ આપવો જ પડશે. હઠીલો, ગમતીલો દીપક અમારી વચ્ચે નથી એ માની જ નથી શકાતું.
તેણે સુજાતાને ‘સુજાતા રંગરંગીલી’ નાટક યુએસએમાં ભજવવા માટે ઑફર આપી હતી. તેને સુજાતા સાથે અમેરિકામાં ‘સંતુ રંગીલી’ કરવાની બહુ ધગશ હતી. તે બન્ને નાટકો માટે સ્પૉન્સર શોધતો હતો. આ વાત યાદ કરીને સુજાતાની આંખોમાં ઝળઝળિયાં આવી ગયાં, ‘આપણો દોસ્ત, ઘરનો માણસ ગયો યાર.’
‘ચિત્કાર’ ફિલ્મમાં તેને રોલ કરવો હતો, પણ અમુક કારણવશાત્ એ ભારત આવી ન શક્યો, પણ પછી એ રોલ મેં દિપક ઘીવાલાને આપ્યો. તેણે ફિલ્મ રિલીઝ થઈ કે તરત એનો એક શો રિલીઝ પહેલાં ન્યુ જર્સીમાં ભારતીય વિદ્યાભવનના મેમ્બર્સ માટે રખાવ્યો. મને હંમેશાં કહેતો કે ‘ચિત્કાર’ મારું નાટક છે. ૨૦૧૦માં ‘ચિત્કાર’ નાટકની બીજી ટૂર યુએસએમાં હતી ત્યારે વિમલ ઉપાધ્યાય અને મહેશ્વરીબહેનને વિઝા મોડા મળ્યા અને શો અનાઉન્સ થઈ ગયા હતા તો તેણે ૧૬ વર્ષ બાદ પણ ફોન પર એક દિવસ રિહર્સલ કરીને હ્યુસ્ટન અને ન્યુ જર્સીના શો કરી આપ્યા હતા. પોતાના ખર્ચે ફ્લાઇટમાં આવીને. અફકોર્સ મેં તેને ટિકિટના રૂપિયા ડૉલરમાં ચૂકવી દીધા હતા.
૧૯૮૯માં મેં ‘પાનેરી’ દુકાન દાદરમાં ખોલી ત્યારે બધાએ મને ધન્યવાદ આપ્યા હતા, પણ તે મારી સાથે ઝઘડ્યો હતો. તે કહેતો ‘ચિત્કાર’ જેવું અદ્ભુત નાટક લખનાર લતેશ શાહ ખોવાઈ ગયો છે, કોઈને મળે તો શોધી આપો. તેને યુએસએમાં મારા મોટિવેશનલ સેમિનાર કરાવવા હતા. તેણે મારો એશિયા ટીવી, ન્યુ જર્સીમાં એચ. આર. શાહને કહીને ઇન્ટરવ્યુ કરાવ્યો હતો. મારા દોસ્ત અને ‘ગુજરાતી ટાઇમ્સ’ના સંપાદક હસમુખ બારોટને તે ન્યુ જર્સીમાં અઠવાડિયામાં બે-ત્રણ વાર અચૂક મળતો.
વિપુલ વિઠલાણીએ આપેલી માહિતી મુજબ ગુજરાતી ફિલ્મોની એની શરૂઆત ‘નાનો દિયરિયો લાડકો’થી થઈ. પછી શુભ દિન આયો રે, ઋતુનો રિતિક, આ છે આદમખોર, હિમકવચ, સાચાબોલા જૂઠાલાલ વગેરે ફિલ્મો કરી. મારી અને સુજાતા સાથે છેલ્લું નાટક ‘રાજરાણી’ કર્યું. પણ છેલ્લે સુધી અમે મન થાય ત્યારે ફોન પર લાંબીલચક વાતો કરતા હતા અને કરતા રહીશું. તું ઉપર ગયો તો શું થયું દોસ્ત, તું અમારી સાથે જ છે. કમબૅક સૂન દોસ્ત.

માણો અને મોજ કરો
જાણો અને જલસા કરો
આપણે હમણાં સાથે છીએ અને હમણાં નથી. જીવનની વાસ્તવિકતાની જેમ મૃત્યુની હકીકત તો સ્વીકારવી જ રહી. કંઈ લઈને આવ્યા નથી, કંઈ લઈને જવાના નથી એટલે જેટલું તન-મન-ધનથી વહેંચાય એટલું વહેંચો. કમસે કમ ખુશી વહેંચો યારો જતાં પહેલાં.

 

latesh shah columnists