વૉટ્સઍપ કે દિન ઔર રાત : ફેંક ભાઈ ફેંકથી લઈ હવે ફેક ભાઈ ફેક

27 February, 2020 08:16 PM IST  |  Mumbai Desk | Jayesh Chitaliya

વૉટ્સઍપ કે દિન ઔર રાત : ફેંક ભાઈ ફેંકથી લઈ હવે ફેક ભાઈ ફેક

રોજેરોજ સવારથી રાત સુધી અથવા 24 બાય 7 વૉટ્સઍપ પર કેટલાય સમાચાર, વાતો, અહેવાલો, પ્રચાર, અભિપ્રાય, સૂચના, ચેતવણી, સમાજસેવા, જોક્સ, મસ્તી, રાજકીય, સામાજિક, નૅશનલ અને ઇન્ટરનૅશનલ વિષયોની ચર્ચા ચાલતી રહે છે, ફેલાવાતી રહે છે જેને લીધે છેલ્લા કેટલાક સમયથી ફેક ન્યુઝ જેવો શબ્દ પૉપ્યુલર થયો છે. હવે તો આ શબ્દ જ નહીં, ફેક ન્યુઝ પણ વધુ પ્રચાર-પ્રસાર પામી રહ્યા છે. આમાંથી સત્ય શોધવાનું કપરું થતું જાય છે. રાષ્ટ્રીય અને સામાજિક હિતમાં આના પર અંકુશ, સંયમ અને વિવેક જરૂરી છે. આ કામ વ્યક્તિ પોતે જ કરે એ બહેતર છે

વરસો પહેલાં એક નાટકના સંવાદને કારણે એક વિધાન જાણીતું બન્યું હતું, ફેંક ભાઈ ફેંક! હવેના સમયમાં લોકો જે રીતે ફેંકી રહ્યા છે એ જોતાં આ વિધાન ફેક ભાઈ ફેક બની રહ્યું છે. નિખાલસપણે કહીએ તો બધા જ ફેંકી રહ્યા છે એવું પણ નથી બલકે તેમને ફેંકવા માટે પ્રેરિત કરાઈ રહ્યા છે. સત્યને અસત્ય કરીને અને અસત્યને સત્ય કરીને ફેલાવવા માટે રીતસરના પ્રોફેશનલ લોકો કામ કરી રહ્યા છે. આમાં અનેકવિધ વર્ગ સમાઈ જાય છે. મજા વૉટ્સઍપ અને ફેસબુકના માલિકને છે.

ફૉર્વર્ડ-ફૉર્વર્ડ રમત ચાલતી રહે છે
રોજેરોજ કેટલીયે વાતો, અહેવાલ અને પ્રચારને પ્લાનિંગ સાથે મુકાય છે અને પછી એ બધાંનું ફૉર્વર્ડ-ફૉર્વર્ડ ચાલ્યા કરે છે. આ ફૉર્વર્ડની સ્પીડ અને મલ્ટિપ્લિસિટી એટલી પાવરફુલ હોય છે કે એક જ માણસને કમ સે કમ જુદા-જુદા ચાર જણ પાસેથી એક જ ન્યુઝ તથા માહિતી મળે છે. મજાની વાત એ છે કે આવું કેટલાય કિસ્સામાં વરસ-વરસ સુધી ચાલ્યા કરે છે. એક કાચા અંદાજ મુજબ દરેક માણસના વૉટ્સઍપ પર આશરે રોજના સરેરાશ પચાસ મેસેજ આવે છે, ગ્રુપનું તો પૂછવું જ નહીં. ગણ્યા ગણાય નહીં, વીણ્યા વીણાય નહીં. આમાંથી સાચું કેટલું, ખોટું કેટલું એને તારવવા, સમજવા માટે વિવેક, પરિપક્વતા અને સમજણ જોઈએ જેની અછત સતત વધી રહી છે. અસત્યના સતત (કુ) પ્રચારને કારણે એને લોકો તરત માનવા લાગે છે. એનાથી પ્રભાવિત પણ થઈ જાય છે. આ અસત્યની વાતો ફેલાવવાનો એક મસમોટો બિઝનેસ ધમધોકાર ચાલી રહ્યો છે, એનું ફલક પણ ગ્લોબલ થઈ ગયું છે. આ ક્ષેત્રમાં સૌથી વધુ હિસ્સો રાજકારણનાં સત્ય અને અસત્યનો હોય છે જેની સૌથી વધુ અસર સમાજકરણ અને અર્થકારણ પર થયા વિના રહેતી નથી.

હવે તો માણસો પણ ફેક (બનાવટી)
ફેક ન્યુઝની વાત છોડો, હવે તો માણસો પણ બનાવટી (ફેક) બનવા લાગ્યા છે. માણસો વચ્ચેના સંબંધો ફેક થઈ રહ્યા છે. એકબીજાને એકબીજાની ગરજ-જરૂરના આધારે બધું આગળ વધે છે. ચહેરા પરનાં હાસ્ય કે સ્મિત પણ ફેક વધુ હોય છે, કળાતાં નથી. કહે છેને કે અહીં તો લોકોના દિલમાં પણ દિમાગ હોય છે. વેપારમાં બનતી કેટલીયે છેતરપિંડી ફેક બિઝનેસનું પરિણામ હોય છે. પારિવારિક સંબંધોમાં ક્યાં કેટલી શુદ્ધતા, નિખાલસતા, પારદર્શકતા, એકતા રહી? ભાઈ-ભાઈ, માતા-પિતા અને સંતાનો વચ્ચે લાગણી, ચિંતા, પરસ્પરની સંભાળ રાખવાની ભાવનામાં કેટલું અને કેવું સત્ય રહ્યું? શું પરિવાર વિભાજન અમસ્તાં જ શરૂ થઈ ગયાં? શું વૃદ્ધાશ્રમ એમ જ વધવા લાગ્યા? આવી ફેક (બનાવટી) બાબતોના કિસ્સાઓની સંખ્યા અને એનું પ્રમાણ સતત વધી રહ્યાં છે. ધર્મ, જાતિ, જ્ઞાતિ, પ્રાંત, ભાષાના, વર્ગના નામે આટલાબધા વિવાદ એમ જ વધતા જાય છે? આ બધું અગાઉ પણ હતું જ, પરંતુ શું આવી કેટલીયે વાતોનાં વતેસર અમસ્તાં થયા કરે છે? શંકરાચાર્યના નામે કહેવાય છે કે બ્રહ્મ જ સત્ય છે, બાકી જગત મિથ્યા છે; જેનો અર્થ આ જગત પણ ફેક છે એવો ‍થઈ શકે?

સત્યના પુરાવા મંગાય?
ફેક બનતા જતા સમાજ અને લોકોની માનસિકતાના વધતા જતા માહોલમાં સત્યને સંઘર્ષ કરવો પડે છે. આમ તો સત્યને પુરાવાની જરૂર પડતી નથી, આજે સમય એવો આવ્યો છે કે સત્યના જ પુરાવા મંગાય છે, બાકી જૂઠ તો ફટાફટ વેચાઈ-ફેલાઈ જાય છે. સત્યને સાબિત થવા માટે સંઘર્ષ કરવો પડે છે, જ્યારે અસત્ય કેટલાક માઇનૉરિટી જેવા જલસા ભોગવે છે. તેમની બધી વાત સાચી લાગે છે. તેના પક્ષે ઊભા રહેવા લોકો સત્યને દફનાવી દઈને આંદોલન કરે છે, વિરોધ કરે છે, કુપ્રચાર કરે છે જેમાં તેમનું અંગત હિત કેન્દ્રસ્થાને હોય છે બાકી રાષ્ટ્રીય હિતનું જન ગણ મન થઈ જાય છે.

આ બધું જોતાં-સાંભળતાં, અભ્યાસ કરતાં ક્યારેક આવા વિચાર આવે છે.
સત્ય ખોવાઈ ગયું છે, કોઈને મળે કે દેખાય તો કહેજો
તેના ગુમ થયાનો આ વૉટ્સઍપ મેસેજ બને એટલાને ફૉર્વર્ડ કરજો
તેનો ફોટો નથી, કેમ કે એ કોઈ દિવસ ફોટો પડાવતું નથી
સેલ્ફી તો જરાય નહીં
તેનો આકાર, કદ, રંગ વગેરે પણ ઉપલબ્ધ નથી,
તે બધાને દેખાતું પણ નથી, કોઈક જ તેને જોઈ શકે,
જો તમે જોઈ શકો તો જણાવજો,
એ ગુમ થયું છે અહીં જ આપણી આસપાસ,
પરંતુ તે ગુમ થયું ત્યારે આસપાસ એટલાં બધાં અસત્ય
એકઠાં થઈ ગયાં હતાં અને બૂમબરાડા પાડતા હતા
કે સત્ય ત્યાં હતું છતાં દેખાવાનું બંધ થઈ ગયું
જેમને દેખાતું હતું તેઓ ચૂપ રહ્યા
અને જેઓ બોલ્યા તેઓ બદનામ થયા
એવામાં અસત્યના ટોળામાંથી અમુક લોકોએ
તેને ગોળી મારી દેવાનું કહ્યું તો
કેટલાક લોકો સત્યને ફાંસી આપવાનું કહેવા લાગ્યા
કેટલાકે સત્યને ઝેર પીવડાવી નાખવાનું સૂચન કર્યું
વળી કેટલાકે સત્યને દફનાવી દેવાની સીધી વાત કરી
સત્યને આવું મૃત્યુ મંજૂર નથી
આવું તેની સાથે બહુ વાર થઈ ચૂક્યું છે
તેથી હવે તેણે નક્કી કર્યું છે,
એ ફરી-ફરી બહાર આવી લડતું રહેશે, તેને કોઈ જોઈ શકતું ન હોય તો
લોકોનું ધ્યાન ખેંચવા તે અવાજ ઉઠાવશે
એક વાર નહીં, વારંવાર ઉઠાવશે
તેને સત્ય ખાતર મરી જવું નથી, તેને સત્ય માટે જીવવું છે
સત્યમેવ જયતે એટલું વિધાન
તેની માટે કાફી નથી, આવા આશ્વાસન સાથે
તેને જીવવાનું માફક આવવાનું બંધ થઈ ગયું છે
તેને તો સત્યમેવ જયતે સાબિત કરવામાં જ રસ છે
કારણ કે તે છે, તે જ ટકી શકે છે, તે જ અમર છે
તે જ શાશ્વત છે તેમ જ સનાતન છે,
તે જ ધર્મ છે, તે જ પરમ છે. - જ. ચિ.

આમાં સૌથી મોટી વાત એ છે કે સત્ય હારતું નથી, હાર સ્વીકારતું પણ નથી. સત્ય પણ હવે પરિવર્તન પામ્યું છે. સત્ય અગાઉ જીવ આપી દઈ મૃત્યુ સ્વીકારી લેતું હતું, પરંતુ હવે સત્યને સત્ય માટે મરવું નથી. સત્યને સત્ય ખાતર જ જીવવું છે. માનવ સમાજની આ સૌથી મોટી ઉમ્મીદ છે. વો સુબહ કભી તો આએગી... આવી સવાર લાવવા માટે દરેક સત્યપ્રેમીએ સાથ આપવો રહ્યો.

આ મેસેજને ભરપૂર ફૉર્વર્ડ કરો
વૉટ્સઍપની ઘણી સારી બાજુઓ છે, ઉપયોગિતા છે, એના માધ્યમથી અનેક લોકોને ઘણું જાણવા-સમજવા મળે છે. આથી આ વિષયમાં વૉટ્સઍપનો વાંક કઢાય નહીં. એ તો ટેક્નૉલૉજીનું સાધન છે. એનો સદુપયોગ કે દુરુપયોગ કરવો એ માણસના હાથની વાત છે. તમે શું કરો છો એ સવાલ તમે જાતને કરો. જાણ્યા-સમજ્યા વિના કોઈ મેસેજને ફૉર્વર્ડ કરી-કરી વાઇરલ ન કરો. કોઈ તમારી પરિચિત વ્યક્તિ આમ કરતી હોય તો તેને પણ આમ કરતી અટકાવો. એનો રચનાત્મક, સકારાત્મક આનંદ લો; પરંતુ એના માધ્યમથી નકારાત્મકતા, અફવા, ખોટા સમાચાર, કુપ્રચારનો ભાગ ન બનો. આખો-આખો દિવસ બીજાઓને ઢગલાબંધ મેસેજ મોકલતા રહેવાના કર્મ હવે પછી માનસિક ત્રાસની કૅટેગરીમાં આવી જવાના છે, ભવિષ્યમાં એ પાપની કૅટેગરીમાં પણ મુકાઈ શકે છે. સંયમ અને વિવેક રાખો. એમાં તમારું, તમારા પરિચિતોનું, સમાજનું અને રાષ્ટ્રનું પણ હિત છે. આ મેસેજને ભરપૂર ફૉર્વર્ડ કરો...

whatsapp jayesh chitalia columnists