દીકરીની પસંદ તેના પપ્પાને પસંદ નહોતી, મરવાની ધમકી આપી દીકરી બીજે પરણાવી

25 June, 2020 05:26 PM IST  |  Mumbai | Sejal Patel

દીકરીની પસંદ તેના પપ્પાને પસંદ નહોતી, મરવાની ધમકી આપી દીકરી બીજે પરણાવી

પ્રતીકાત્મક તસવીર

સવાલઃ આજકાલના જુવાનિયાઓને પ્રેમ થઈ જાય એ પછી તેઓ કોઈની વાત માનવા તૈયાર નથી હોતા. મારી દીકરીનું પણ એવું જ છે. આમ તો ઘરમાં અત્યાર સુધી તેના પપ્પાનું જ કહ્યું મનાતું હતું, પણ હવે દીકરીનો અવાજ તેના બાપ સામે મોટો થઈ રહ્યો છે. તેના માટે ત્રણ વર્ષથી છોકરા જોતા હતા અને તે ના-ના કહ્યે જતી હતી. જોકે તેના મનમાં બીજું જ કંઈક હતું એની ખબર હમણાં જ પડી. વાત એમ છે કે તેની ઑફિસમાં કામ કરતા છોકરા સાથે તેને પ્રેમ છે. મારી દીકરીની ઉંમર હજી ૨૩ વર્ષ છે અને પેલો ૨૯ વર્ષનો ઢાંઢો છે. જ્યારે આ વાતની ખબર પડી એટલે તેના પપ્પાએ તેમના ફ્રેન્ડના દીકરા સાથે વાત ફાઇનલ કરી દીધી. મારા પતિએ દીકરી પર ખૂબ બળજબરી કરેલી એટલે તે માત્ર છોકરો જોવા તૈયાર થયેલી. મને ખબર છે કે દીકરી હજી મનથી રાજી નથી. એમ છતાં હમણાં તેમણે ગોળધાણાની રસમ પણ કરી નાખી. વાત એમ છે કે પેલો છોકરો તેને વારંવાર ફોન કરે છે અને વાત કરવાની કોશિશ કરે છે, પણ મારી દીકરી તેને જરાય ભાવ નથી આપતી. આ વાત તેણે પોતાના બાપાને કરી
એટલે તેમણે મારા હસબન્ડને વાત કરી. એ પછી તો
ઘરમાં બૉમ્બ ફુટ્યો. પપ્પા જુવાનજોધ દીકરી પર હાથ ઉપાડવા પર આવી ગયા એટલે દીકરીએ પણ ચોખ્ખું પરખાવી દીધું છે કે તમે મરવાની ધમકી આપી હતી એટલે લગ્નની હા પાડેલી, હવે એ સંબંધમાં વધુ ઊંડાં ઉતરવાનું દબાણ કરશો તો મારું મરેલું મોં જોશો. હું સૂડી વચ્ચે સોપારી જેવી છું. સમજાતું નથી કે શું કરવું?
જવાબઃ સંતાનોના જીવનના મહત્ત્વના નિર્ણયો લેવામાં પેરન્ટ્સનો મહત્ત્વનો ફાળો હોય છે, પણ જેનું જીવન છે તેની મરજી-નામરજીની જરાય પરવા ન કરવી એ ક્યાંનો ન્યાય? ચાલો કોઈ દલીલ વિના માની પણ લઉં કે તમારી દીકરીની પસંદગી યોગ્ય નથી જ, તેમ છતાં તમારા પતિ જે કરવા જઈ રહ્યા છે એની વાત કરીએ તો એ તો એનાથીય વધુ ખોટું છે. ભલે તેમના ફ્રેન્ડનો દીકરો દીકરીએ પસંદ કરેલા છોકરા કરતાં લાખ ગણો સારો હોય, જે દબાણ અને ધમકી આપીને લગ્ન કરાવાઈ રહ્યા છે એ જોતાં તેને હંમેશ માટે મનમાં ડંખ રહી જાય એવી શક્યતાઓ વધુ છે.
ઘરમાં હસબન્ડનું વર્ચસ હોય એવું ઘણે ઠેકાણે જાયું છે, પણ આટલી હદે? મને લાગે છે કે તમારા પતિ સાથે તમારે વાત કરવાની જરૂર છે. જરાક તેમને પૂછો કે તેમના માટે દીકરીની ખુશી વધુ મહત્ત્વની છે કે તેમનું પોતાનું ધાર્યું થાય એ? બેઉ તરફ ઇમોશનલ બ્લૅકમેઇલિંગ ચાલ્યા કરે ત્યારે જે સાચું છે એને સમજવાની બુદ્ધિ બુઠ્ઠી થઈ જાય છે. ‍
દીકરીને પસંદ છે એ છોકરો છ વર્ષ મોટો છે એટલા માત્રથી તે અયોગ્ય પાત્ર નથી ઠરતોને? ધારો કે તે અયોગ્ય હોય તોપણ તે કઈ રીતે અપાત્ર છે એ તેને ગળે ઉતારવું જોઈએ.
મને એવું લાગે છે કે હાલમાં પરાણે કોઈકની સાથે લગ્નનું ચોકઠું ગોઠવી નાખવાની જિદ સાવ ખોટી છે. જો તમે એકબીજાને સમજાવી શકો એમ ન હો તો થોડોક સમય માટે લગ્નની વાત જ નેવે મૂકી દો. તમારી દીકરી હજી માત્ર ૨૪ વરસની છે. એકાદ-બે વરસ લગ્ન માટે થોભી જશો તો કંઈ ખાટુંમોળું નથી થઈ જવાનું. વધુપડતું દબાણ દીકરીની આખી જિંદગી બગાડે અને પરાણે કરેલાં લગ્ન માત્ર તેનું જ નહીં, બીજા છોકરાનું જીવન પણ બગાડે એવું બની શકે છે. મને એવું લાગે છે કે વધુ તાણ કરવાથી સંબંધોની દોરી તૂટી જાય છે અને અત્યારે એમ ન કરવામાં જ શાણપણ છે.

sejal patel columnists