સાઉથ કોરિયા

24 March, 2019 03:40 PM IST  |  | દર્શિની વશી

સાઉથ કોરિયા

ગ્વાનગન બ્રિજ : દક્ષિણ કોરિયા દેશ વિfવના અન્ય દેશો કરતાં કેટલો બધો આગળ છે, જેનો એક જીવતોજાગતો પુરાવો એટલે ગ્વાનગન બ્રિજ છે, જે બુશાન શહેરની સાથે જોડાયેલો છે. આ બ્રિજ ડબલડેકર બ્રિજ છે. એટલે કે આ બ્રિજની નીચે પણ બીજો બ્રિજ બંધાયેલો છે.

ટ્રાવેલ-ગાઇડ

ચારે તરફ પાણી અને એની વચ્ચે આવેલા આઇલૅન્ડ કેટલા સુંદર હોઈ શકે છે એનું માપ કાઢવું હોય તો સાઉથ કોરિયા જવું પડે. ટેક્નૉલૉજીના ક્ષેત્રે દુનિયાભરના દેશોને હંફાવનાર દક્ષિણ કોરિયા એની હાઈટેક ઇકોનૉમિક, અલ્ટ્રા-મૉડર્ન શહેરો અને હાઈરાઇઝ મકાનો ઉપરાંત કુદરતી સૌંદર્યના અદ્ભુત ખજાનાને લીધે એશિયા ખંડમાં જ નહીં, પરંતુ દુનિયાના નકશામાં પણ અલગ તરીને આવે છે. તો ચાલો, તમામ ક્ષેત્રે અજાયબીઓથી પ્રચુર એવા આ દક્ષિણ કોરિયાની સફરને માણીએ.

એશિયા ખંડના પિમ ભાગમાં કોરિયા આવેલું છે. જે ઉત્તર અને દક્ષિણ એમ બે ભાગમાં વહેંચાયેલું છે, જેમાં આજે આપણે દક્ષિણ કોરિયાની વાત કરવાના છે. પૂવર્‍ બાજુએ ચીન, પિમે જપાન અને ઉત્તર દિશામાં ઉત્તર કોરિયાથી ઘેરાયેલું દક્ષિણ કોરિયાનું ઑફિશ્યલ નામ રિપબ્લિક ઑફ કોરિયા (આરઓકે) છે, જેની રાજધાની સોઉલ છે. દક્ષિણ કોરિયા મજબૂત અર્થતંત્ર ધરાવે છે, જેને લીધે તે વિશ્વમાં ટેક્નૉલૉજી, સાયન્સ, ઇન્ફ્રાસ્ટ્રક્ચર સહિત તમામ ક્ષેત્રે ઝડપી ગતિએ આગળ વધી રહ્યું છે. આ તો થઈ અર્થતંત્રની વાત, પરંતુ જનસંખ્યાની દૃષ્ટિએ પણ દક્ષિણ કોરિયા ઘણું સમૃદ્ધ છે. એક આંકડા પ્રમાણે અહીંની જનસંખ્યા પાંચ કરોડની આસપાસ છે. મોટા ભાગના લોકો ખ્રિસ્તી અને બૌદ્ધ ધર્મને અનુસરે છે. ઑફિશ્યલ ભાષા કોરિયન છે અને અહીંનું ચલણ વોન છે. સૌંદર્યની બાબતમાં પણ એ અન્ય એશિયાઈ દેશોને બરાબરની સ્પર્ધા પૂરી પાડે છે. હવે, ડીટેલમાં આગળ વધીએ...

સોઉલ

દક્ષિણ કોરિયાની રાજધાની સોઉલ એક હાઈટેક શહેર છે, જે હાન નદીના કિનારે વસેલું છે. જનસંખ્યામાં પણ તે ઝડપી ગતિએ આગળ વધી રહ્યું છે. અહીં આવીને અંદાજ જશે કે દક્ષિણ કોરિયા વિશ્વના અર્થતંત્રના નકશામાં કેટલી ઝડપે આગળ વધી રહ્યું છે. મૉડર્ન સ્કાયસ્ક્રેપર, અફલાતૂન સબવે, હાઈરાઇઝ મકાનો, વર્ષો જૂનાં બૌદ્ધ મંદિરો, સ્થાપત્યો સોઉલને વિશ્વનાં અન્ય વિકસિત શહેરોની યાદીમાં અવ્વલ નંબર તરફ આગળ લઈ જાય છે. અતિ વિકસિત હોવાનો પુરાવો આપતા હોય તેમણે મૉડર્ન આર્કિટેક્ચરના કેટલાક નમૂનાઓ પણ દુનિયાની સામે મૂક્યા છે, જેમાં ૬૩ બિલ્ડિંગ, લોટે વર્લ્ડ ટાવર, ટ્રેડ ટાવર, ડોંગડેમ્યુન ડિઝાઇન પ્લાઝા વગેરે ઇમારતોનો સમાવેશ થાય છે. મૉડર્નાઇઝેશનની સાથે એણે એની ઐતિહાસિક ધરોહરને પણ એટલી જ સંભાળીને રાખી છે એટલે જ તો યુનેસ્કોએ અહીંનાં પાંચ સ્થળોને હેરિટેજ સાઇટમાં સ્થાન આપ્યું છે. અહીં આવેલી ડોંગડેમ્યુન ડિઝાઇન પ્લાઝાની અદ્વિતીય ઇમારત એના અદ્ભુત આર્કિટેક્ચર અને રૂફ ટૉપ પાર્કના લીધે વિખ્યાત છે, જેમાં વિવિધ ડિઝાઇન અને અલગ વેરાઇટીની પ્રોડક્ટ મળી રહેશે. આર્ટિસ્ટિક અને ડિફરન્ટ કંઈ શોધી રહ્યા હોવ તો અહીં બધું અવેલેબલ રહેશે. અહીં ૬૨૦ વર્ષ જૂનું બૌદ્ધનું મંદિર આવેલું છે, જેનું નામ જોગ્યેશા ટેમ્પલ છે. ખૂબ જ સુંદર રીતે સજાવેલા આ મંદિરના એક પણ ખૂણા કૅમેરામાં કંડારવાનું ચુકાય એવું નથી. આ સિવાય ગેંગબોકગન પૅલેસ છે. જેટલું એનું નામ અટપટું છે એટલો જ સુંદર એનો લુક છે. નામ પરથી તમને અંદાજ આવ્યો હશે કે આ અહીંનો કોઈ મહેલ છે. હા, આ મહેલ જ છે અને કેટલો વિશાળ મહેલ છે એનો અંદાજ લગાવવો હોય તો તમને જણાવી દઈએ કે અહીં ૭૦૦૦ રૂમો છે. અહીં મિયોગ ડોંગ પણ આવેલું છે, જે શૉપિંગ, ફૂડ અને ફૅશન માટે જાણીતું છે. અહીં સોઉલ ટાવર આવેલો છે, જેની ટોચ પરથી આખા શહેરનો નજારો જોવા મળે છે. એટલું જ નહીં, ટેક્નૉલૉજીના ક્ષેત્રે પણ સોઉલ બધાંથી આગળ છે. આટલી બધી વિશેષતાઓને લીધે અહીં દર વર્ષે એક કરોડથી વધુ ટુરિસ્ટો આવતા હોય છે. વિશ્વનાં ટૉપ ટેન મોસ્ટ વિઝિટેડ ટૂરિસ્ટ સિટીમાં સોઉલ ચોથા ક્રમાંકે આવે છે.

‘યલો યલો ડર્ટી ફેલો નહિ, પણ યલો યલો બ્યુટિફુલ ફેલો’ એવા શબ્દો અહીં આવીને મોઢામાંથી સરી પડશે. જાણે વિશ્વભરમાંથી યલો કલરને લાવીને અહીંનાં ફૂલોમાં ઠાલવી દેવામાં આવ્યો હોય એવો અહીંનો નજારો છે. આ નજારો પાનખર ઋતુમાં અનેક જગ્યાઓ પર અત્યંત મોહક બની જાય છે, જ્યારે રસ્તા પર પીળાં પુષ્પોની ચાદર દૂર દૂર સુધી પથરાયેલી જોવા મળે છે. જાણે આખા નગરે પીળાં પુષ્પોથી સ્નાન કરી લીધું હોય એવો અહીંનો માહોલ બનેલો હોય છે.

૩૦૦૦થી વધુ આઇલૅન્ડ

કોરિયાના સમુદ્રકાંઠાથી થોડા કિલોમીટરના અંતરે નાના-નાના ૩૦૦૦ ટાપુઓ આવેલા છે, જેમાંના કેટલાક બેસ્ટ અટ્રૅક્શન સ્થળોની યાદીમાં છે, જેમાં જેજુ સૌથી મજેદાર આઇલૅન્ડ છે, જેની ચર્ચા આપણે આગળ કરીશું. તો ચાલો આપણે આઇલૅન્ડની જર્ની શરૂ કરીએ. અહીં આઇલૅન્ડ પર આવવા જવા માટે બોટ ફેરી સરળતાથી મળી રહે છે. બોટ ફેરી પણ જેવી તેવી નહીં, પણ આલા ગ્રાન્ડ હોય છે. ઉલ્લેગ-ડો કરીને એક આઇલૅન્ડ છે, જેની અસીમ કુદરતી સુંદરતા ભાન ભુલાવી દે તેવી છે. અહીંના આઇલૅન્ડનાં નામ કોરિયન ભાષામાં છે, જેથી બોલવામાં થોડાં અટપટાં છે. આઇલૅન્ડની સુંવાળી સફેદ રેતી ધરાવતો દરિયાકિનારો અને એને અડીને આવેલા સી ઑફ જપાનનું બ્લુ અને પારદર્શક પાણી અહીંનું મુખ્ય જમાપાસું છે. ખુલ્લા પગે દરિયાકિનારા પર ચાલવાની અને સાથે સાંજે સીફેસ રેસ્ટોરાંમાં અહીંની પ્રખ્યાત રાઇસ ડિશ આરોગવાની મજા પડશે. આવો બીજો રૂપકડો આઇલૅન્ડ છે યોહીદો આઇલૅન્ડ. આ આઇલૅન્ડ સોઉલ શહેરની હાન નદીની પર વસેલો છે, જે અહીંનું ફાઇનૅન્સ અને ઇન્વેસ્ટમેન્ટ બૅન્કિંગનું પણ મુખ્ય હબ ગણાય છે. માત્ર ૮.૪ સ્ક્વેર કિલોમીટરના વિસ્તારમાં પથરાયેલો આ આઇલૅન્ડ ૩૧,૦૦૦ કોરિયાવાસીઓનું ઘર પણ છે. મુખ્ય ફાઇનૅન્શિયલ હબ હોવાને લીધે અહીં ગગનચુંબી ઇમારતો પણ છે. ફેમસ ’૬૩ બિલ્ડિગ’ પણ અહીં જ આવેલું છે. આ આઇલૅન્ડનો ઇતિહાસ પણ ઘણો રસપ્રદ છે. કહેવાય છે કે વર્ષો પૂર્વે હાન નદીમાં પૂર આવ્યું હતું, જેને લીધે આસપાસની મોટા ભાગની જમીન પાણીમાં ગરકાવ થઈ ગઈ હતી અને ઉપર માત્ર જમીનનો થોડો ટુકડો જ દેખાઈ રહ્યો હતો. આટલી નાની જમીનનો ઉપયોગ શેમાં લઈશું એમ વિચારીને અહીંના લોકો એને યૂઝલેસ ગણવા લાગ્યા. યૂઝલેસનો કોરિયન ભાષામાં અર્થ થાય છે યોહીદો, અને બસ ત્યારથી આ આઇલૅન્ડનું નામ યોહીદો પડી ગયું, પરંતુ આજે આ યૂઝલેસ જમીન શહેરના હૃદયસમાન બની ગઈ છે. અહીં દર વર્ષે એપ્રિલ મહિનામાં ચેરી બ્લોસમ ફેસ્ટિવલનું આયોજન થાય છે. આવો જ બીજો એક મસ્તમજાનો આઇલૅન્ડ છે હોંગ-ડો આઇલૅન્ડ, જે તમે નહીં જુઓ તો તમારી આઇલૅન્ડ ટ્રિપ અધૂરી રહેશે. હોંગ-ડો આઇલૅન્ડને રેડ આઇલૅન્ડ પણ કહેવામાં આવે છે, કારણ કે અહીં આવેલા ખડકો લાલ અને બ્રાઉન કલરના છે, જે દૂરથી આઇલૅન્ડને ઘેરા લાલ રંગનો હોવાનો ભાસ કરાવે છે. હોંગનો અર્થ થાય છે લાલ અને ડોનો અર્થ થાય છે આઇલૅન્ડ. આઇલૅન્ડ પર આવેલા ખડકો અને પથ્થરો ઘાટઘૂટ વગરના અને ઊંચાનીચા હોવા છતાં સુંદર લાગે છે. બે મોટા ખડકોથી વચ્ચેથી કુદરતી રીતે બનેલી જગ્યામાંથી પસાર થતી બોટનું દૃશ્ય કૅમેરામાં કેદ કરવાનું ચુકાય એવું નથી. અહીંથી પસાર થતી વખતે તમે કોઈ અલગ જ દુનિયામાં પહોંચી ગયા હો એવું લાગે છે. એક વાર તો એમ થઈ જશે કે તમે બોટમાં ફરી રહ્યા છો કે પછી પથ્થરો ફરી રહ્યા છે એ સમજ નથી પડતી. પથ્થરોને જાણે ધક્કા મારી રહ્યા હોય એવાં સમુદ્રના ધસમસતાં આવતાં મોજાં... વાઉ, કેવો સુંદર માહોલ બનાવે છે. વધુ એક આઇલૅન્ડ છે જીઓજે આઇલૅન્ડ, જે દક્ષિણ કોરિયાનો બીજો મોટો આઇલૅન્ડ છે. અહીં અઢી લાખ લોકો રહે છે, જેમાંના મોટા ભાગના લોકો શિપ બિલ્ડિંગના વ્યવસાયની સાથે સંકળાયેલા છે. પાઇન વુડનાં વૃક્ષોથી આચ્છાદિત આ આઇલૅન્ડનો લુક એકદમ રિચ લાગે છે. આઇલૅન્ડ પર ઘણા બધા બીચ અને અટ્રૅક્ટિવ સ્થળો આવેલાં છે, જેમાં સૌથી પ્રખ્યાત સ્થળ છે ઓડેઓ આઇલૅન્ડ, જે એક નાનકડો આઇલૅન્ડ છે, જે એક ખૂબ જ સુંદર અને વિશાળ ગાર્ડન છે. દક્ષિણ કોરિયામાં આવેલા ગુજોવા પોર્ટથી બોટમાં ૩૦ મિનિટના અંતરે ઓડેઓ આવેલો છે. ૫૦ સ્ક્વેર માઈલના વિસ્તારમાં પથરાયેલો આ ગાર્ડન ફુરસદના સમયમાં બનાવવામાં આવેલો છે. તમને થશે ગાર્ડન જોવા માટે આઇલૅન્ડ સુધી જવાનું શું કામ? પરંતુ થોભો, અહીં આવેલા ગાર્ડન કોઈ સામાન્ય ગાર્ડન જેવા નથી, પણ સામાન્ય કરતાં વિશેષ છે. અહીં એકાદ બે નહિ, પરંતુ ઘણા વિવિધ થીમ ધરાવતા ગાર્ડન આવેલા છે. આવા એક ગાર્ડનનું ઉદાહરણ છે કેક્ટ્સ ગાર્ડન. અહીં ૫૦ વિભિન્ન પ્રકારના કાંટાળા થોરનાં અસંખ્ય ઝાડ ઉગાડેલાં છે. વિવિધ આકારના અને દેખાવના આ થોર તમે પહેલાં ક્યારેય નહીં જોયા હશે. થોરનો સ્પર્શ જેટલો પીડાદાયક છે એટલો જ એનો દેખાવ નયનરમ્ય છે. આવો જ એક બીજો ગાર્ડન અહીં આવેલો છે, જે વીનસ ગાર્ડનના નામથી ઓળખાય છે, જેમાં ૩૦૦૦થી વધુ જાતના પ્લાન્ટ છે, જેની વિશેષતા એ છે આ ગાર્ડનની અંદર આવેલાં તમામ ઝાડને ખૂબ જ સરસ રીતે અલગ અલગ શેપ આપવામાં આવેલા છે ગાર્ડનને પણ એવી જ સુંદર રીતે શણગારવામાં આવેલો છે કે તમે એક જગ્યાએ થોભો તો બીજી જગ્યાએ ખસવાનું મન નહીં થાય. ટુરિસ્ટોને આકર્ષવા અને ગાર્ડનની શોભા વધારવા માટે અહીં અનેક આકર્ષક પૂતળાંઓ પણ મૂકવામાં આવેલાં છે

જેજુ આઇલૅન્ડ

કોરિયાના હવાઈ તરીકે ઓળખાતો જેજુ આઇલૅન્ડ અહીંનો સૌથી મોટો આઇલૅન્ડ પણ છે. અહીં સુધી પહોંચવા માટે બોટ ફેરી અથવા પ્લેનમાં જઈ શકાય છે. આ સ્થળ આજે ટુરિસ્ટોનું લોકપ્રિય ડેસ્ટિનેશન બની રહ્યું છે. અહીં અનેક સ્થાપત્યો, બીચ, જ્વાળામુખી, વૉટરફૉલ, રિર્સોટ્સ વગેરે આવેલાં છે. ૨૦૦૭ની સાલમાં યુનેસ્કોએ આ સ્થળને વર્લ્ડ હેરિટેજ સાઇટમાં મૂક્યું હતું. પ્રવાસીઓનું સ્વર્ગ તરીકે ઓળખાતા આ આઇલૅન્ડ જ્વાળામુખીના વિસ્ફોટથી બનેલો હોવાનું કહેવાય છે. કોરિયાના દક્ષિણ પિમ વિસ્તારથી માત્ર ૧૦૦ માઈલ દૂર આવેલો આ ટાપુ ચીની લોકોનું માનીતો છે. ચીની જ નહીં, પરંતુ એશિયાના ટૂરિસ્ટોનું પણ માનીતો છે. અને હનીમૂન માટેનું પ્રિય ડેસ્ટિનેશન છે. એક સમયે આ ટાપુનો ઉપયોગ કોરિયાની લશ્કરી છાવણી તરીકે કરવામાં આવતો હતો. અહીં આવી મેન્જેગુલ કેવ નામક ગુફા. જમીનના પેટાળમાંથી જ્વાળામુખીનો લાવા પસાર થતાં અહીં એક લાંબી ગુફા બની ગઈ હતી. આ પાંચ મીટર લાંબી અને ૧૩ કિલોમીટર પહોળી ગુફા આજે વિશ્વની સૌથી લાંબી લાવા ટ્યુબ તરીકે ઓળખાય છે. આવું જ બીજું આકર્ષણ છે ચેન્જિયોન વૉટરફૉલ, જેની અદ્વિતીય ખૂબસૂરતી જ એનું જમપાસુ છે. સફેદ પથ્થરો પરથી ૨૨ મીટરની ઊંચાઈથી નીચે પડતો પાણીનો ધોધ સુંદર નજરાણું છે. સાઉથ કોરિયાનો હાઈએસ્ટ માઉન્ટેન પૉઇન્ટ માઉન્ટ હલા અહીં આવેલો છે, જ્યાં બુદ્ધનું સેંકડો વર્ષ જૂનું મંદિર આવેલું છે. અગાઉના સમયમાં અહીંનું જીવન કેવું હતું એને આજના લોકોની સામે જીવંત કરીને મૂકવા માટે ૪૦ એકરના વિસ્તારમાં એક આર્ટિફિશ્યલ ગામડું બનાવવામાં આવેલું છે, જેનું નામ જેજુ વિલેજ મ્યુઝિયમ છે. અહીં ટેડી બેઅર મ્યુઝિયમ પણ છે, જેમાં વિવિધ દેશોમાંથી ટેડી બેઅરને અહીં લાવવામાં આવ્યાં છે. આ ઉપરાંત અનેક સૉફ્ટ ટૉય્સ પણ છે, જેમાં વિવિધ શોનું પણ આયોજન કરવામાં આવે છે. બાળકોને જોવાની મજા પડશે. અહીં આવેલો યેમજી બોટેનિકલ ગાર્ડન એશિયાનો સૌથી મોટો બોટેનિકલ ગાર્ડન છે, જેમાં અન્ય અસંખ્ય વૃક્ષો, કાંટાળાં વૃક્ષો, ફૂલો, ફ્રૂટ વગેરે ઉગાડવામાં આવેલાં છે આ સિવાય અહીં ખડી કરવામાં આવેલી પથ્થરની મૂર્તિઓ અને સ્થાપત્યો અહીંના આકર્ષણમાં અનેકગણો ઉમેરો કરે છે.

આ પણ વાંચો : ગુજરાત ટ્રાવેલ : નથી જોયું સેલવાસ? તો આ વેકેશનમાં કરો પ્લાનિંગ

મડ ફેસ્ટિવલ

કાદવમાં ભૂલ-ભૂલમાં પગ પડી જાય તો આપણે કેવા હાંફળાફાંફળાં થઈ જઈએ છીએ, પરંતુ જો તમને કોઈ કાદવમાં નહાવા માટે કહે તો તમે શું કરો? આપણે ત્યાં જેમ હોળીમાં એકબીજા પર રંગો ઉડાવીએ છીએ તેમ અહીં મડ ફેસ્ટિવલમાં એકબીજા પર કાદવ ઉડાવવામાં આવે છે, જેમાં હજારોની સંખ્યામાં લોકો ભાગ પણ લે છે. દર વર્ષે જુલાઈ મહિનામાં યોજાતાં આ તહેવારમાં સ્થાનિક લોકોની સાથે ટૂરિસ્ટો પણ મડ ફેસ્ટિવલમાં હોંશે-હોંશે ભાગ લે છે. એક મોટા પુલમાં કાદવવાળું પાણી તૈયાર કરવામાં આવે છે અને વારાફરતી એની અંદર લોકોને નાખીને તેમના પર કાદવનું પાણી અને કાદવ રેડવામાં આવે છે. ઉનાળામાં ગરમી દરમ્યાન આ ફેસ્ટિવલ થાય છે. આવા ફેસ્ટિવલના આયોજન કરવા પાછળનું મૂળ કારણ મડમાં રહેલાં જરૂરી તત્વો કે જે સ્કિન માટે જરૂરી અને હેલ્ધી છે એની જાણકારી આપવા અને મડના મહત્વને વધારવાનું છે.

travel news columnists