ઇતિહાસનાં રહસ્યો સાથે જોડાયેલો દેશ લેબૅનન

18 August, 2019 10:51 AM IST  |  મુંબઈ ડેસ્ક | દર્શિની વશી - ટ્રાવેલ-ગાઇડ

ઇતિહાસનાં રહસ્યો સાથે જોડાયેલો દેશ લેબૅનન

બિરુત

ટ્રાવેલ-ગાઇડ

હજી ગયા સપ્તાહે જ આપણે એશિયાના સૌથી નાના એવા દેશ મૉલદીવ્ઝની વાત કરી હતી અને હવે આજે આપણે એશિયા ખંડના વધુ એક નાના દેશની વાત કરવાના છીએ, જેનું નામ છે લેબૅનન. યસ, આ એ જ લેબૅનન દેશ છે જ્યાંનું લેબનીઝ ફૂડ હવે આપણા દેશમાં અને એમાં પણ મુંબઈ જેવાં મેટ્રો શહેરોમાં માનીતું બની રહ્યું છે. ફૂડ જ નહીં, લેબૅનન અનેક બાબતો માટે જાણીતું છે જેની આપણે ડિટેલમાં ચર્ચા કરીશું.
સૌપ્રથમ લેબૅનન ક્યાં આવ્યું છે એ જાણી લઈએ. લેબૅનન ભૂમધ્ય સમુદ્રના પૂર્વીય તટ પર આવેલો છે જેની એક તરફ સિરિયા છે અને બીજી તરફ છે ઇઝરાયલ. સિરિયા નામ સાંભળીને બૉમ્બધડાકા અને ટેરરિઝમ નજર સામે આવી જાય છે. વાત સાચી, પરંતુ લેબૅનન દેશ સિરિયાની બાજુમાં હોવા છતાં આતંકવાદથી દૂર છે અને અહીં શાંતિ છે. એના ઇતિહાસની થોડી વાત કરીએ તો એવું કહેવામાં આવે છે કે આ દેશનો ઇતિહાસ ઘણો જૂનો છે. અહીં સુધી કે લેખનકળાનો પૂર્ણપણે વિકાસ અહીં જ થયો હતો. આ દેશ પર અનેક વિભિન્ન શાસકોએ રાજ કર્યું. શરૂઆતમાં અહીં ફારસી, યુનાની, રોમન, અરબ અને ઉસ્માની તુર્કોએ રાજ કર્યું. ત્યાર બાદ અહીં ફ્રેન્ચ શાસન આવ્યું. આટલાબધા શાસકોને લીધે અહીંની સંસ્કૃતિ અને ધાર્મિક માન્યતાઓમાં પણ વિવિધતા જોવા મળે છે. અહીં રહેતા ૬૦ ટકા લોકો મુસ્લિમ ધર્મ ફૉલો કરે છે, જ્યારે ૩૮ ટકા લોકો ક્રિશ્ચિયન ધર્મ પાળે છે. અહીંના લોકો અરબ કહેવાય છે, પરંતુ ઘણા ક્રિશ્ચિયન લેબનીઝ લોકો પોતાને અરબ તરીકે ગણાવતા નથી. જેટલી સંસ્કૃતિ અને જેટલા ધર્મ અલગ એટલી ભાષા પણ છે. અહીંની મુખ્ય ભાષા અરબી (લેબનીઝ ભાષા) છે. આ ઉપરાંત ફ્રાન્સિસ, અંગ્રેજી અને આર્મેનિયન છે. લેબૅનનનું સૌથી મોટું શહેર અને રાજધાની બિરુત છે અને અહીંનું ચલણ લેબૅનની પાઉન્ડ છે. મોટા ભાગના લોકો હજી એવું જ માને છે કે અહીં રેતાળ પ્રદેશ છે અને કૅમલ-રાઇડ કરાય છે. અહીં બહુ ગરમી હોય છે. બીચ અને બરફ મળશે નહીં વગેરે, પરંતુ હકીકતમાં અહીંનું ચિત્ર ઘણું અલગ છે. ગ્રીનરી, સુંદર ગામડાંઓ, આકર્ષક હિલ, બીચ અને શિયાળામાં બરફવર્ષા પણ અહીં માણવા મળે છે. અહીં જોવા જેવું અને માણવા જેવું ઘણું ખરું છે. શું છે એ આગળ જોઈએ.
બિરુત
લેબૅનનની રાજધાની બિરુત છે જેના માટે કહેવાય છે કે બિરુત એવું શહેર છે જે અત્યાર સુધીમાં ૭ વખત નષ્ટ કરવામાં આવ્યું હતું અને ૭ વખત એને ફરી બનાવવામાં આવ્યું છે. લેબૅનનની એક બૉર્ડર સમુદ્રને મળે છે જ્યાં બિરુત આવેલું છે. સમુદ્રના કિનારે વિશાળ પથ્થર આવેલા છે. વસંત ઋતુમાં જ્યારે નવાં ફૂલ ઊગે છે ત્યારે અહીંનો નજારો કંઈક અલગ જ ઉત્પન્ન થાય છે. આમ જોવા જઈએ તો બિરુત રિલૅક્સ કરવા માટે નથી, કેમ કે આ શહેર અહીંનું સૌથી મોટું અને મુખ્ય શહેર હોવાની સાથે અહીં પૉલ્યુશન પણ વધુ છે, પરંતુ અહીં આવેલા ઇતિહાસમાં ડોકિયું કરતાં મ્યુઝિયમ જોવા જેવાં છે. આ સિવાય અહીંની નાઇટ લાઇફ અહીંનું મુખ્ય અટ્રૅક્શન છે. થોડાં વર્ષ પૂર્વે અહીં બનેલી મોહમ્મદ અલ અમીન મસ્જિદ છેલ્લા ઘણા સમયથી ટૂરિસ્ટોનું ધ્યાન આકર્ષી રહી છે. ૨૦૦૮માં બનેલી આ મસ્જિદનું બ્લુ રંગનું ડોમ એની સુંદરતામાં ચાર ચાંદ લગાવે છે. એકસાથે લગભગ ૪૦૦૦ લોકો નમાઝ પઢી શકે એટલો વિશાળ એનો મેઇન હૉલ છે. બિરુત અહીંનાં અન્ય શહેરો કરતાં મોટું છે, પરંતુ વિશ્વનાં અન્ય મોટાં શહેરોની સરખામણીમાં ઘણું નાનું છે એટલે એક દિવસમાં અહીંની ટ્રિપ આટોપી લેવાય એમ છે. આ ઉપરાંત લેબૅનનનાં અન્ય સ્થળે જવા માટે બિરુતને ટ્રાવેલર મુખ્ય બેઝ બનાવે છે.

જેઇટા ગ્રોતો
જેઇટા ગ્રોતો એ લેબૅનનમાં આવેલી એક કુદરતી ગુફા છે. આ ગુફા એક પર એક ગોઠવાયેલા બે ખડકોમાંથી બનેલી છે. આ ગુફામાંથી એક નદી પણ વહે છે. ગુફા પર જાણે કોઈ માળ ચણેલો હોય એ રીતે ગુફા રચાઈ છે. અહીં ગુફાની એક હારમાળા રચાઈ ગઈ હોય એવો નજારો જોવા મળે છે. આ ગુફાની ઊંચાઈ લગભગ ૬૦થી ૧૨૦ મીટર જેટલી છે. આ ગુફા માત્ર લેબૅનનની જ નહીં, મિડલ ઈસ્ટની એક બેસ્ટ નૅચરલ વન્ડર ગણાય છે. ઉપરની ગુફામાં જવા માટે કેબલ કારની વ્યવસ્થા કરવામાં આવી છે, જ્યારે એકદમ નીચેની ગુફામાં જવા માટે ટૉય ટ્રેનની સવલત છે. જો નીચે પાણી ઓછું હશે તો ગુફામાં સૌથી નીચા સ્તર સુધી જવા મળી શકે. જ્યાં બોટ હોય છે અને એમાં બેસીને ગુફા એક્સપ્લોર કરી શકાય છે. ગુફા જોવા માટે ટિકિટ લેવી પડે છે. આ ગુફા અમુક દિવસે અને અમુક મહિનામાં બંધ રહે છે જેથી અગાઉથી તપાસ કરીને જવાનું યોગ્ય રહેશે. બીજા વિશ્વયુદ્ધ વખતે આ ગુફાનો ઉપયોગ હથિયાર છુપાવવા માટે કરવામાં આવતો હતો. આમ તમામ રીતે આ ગુફા જોવી લહાવો બની રહેશે.

બાલબેક
બાલબેકમાં આવેલી બેકા વૅલીનું નામ યુનેસ્કોની હેરિટેજ સાઇટમાં આવે છે. લેબૅનનમાં અનેક શાસકો રાજ કરી ચૂક્યા છે જેમાં રોમન સામ્રાજ્ય વખતે અહીંની સ્થાપત્ય કલા કેવી હશે એ જોવું હોય અને જાણવી હોય તો અહીં આવી પહોંચવું. હજારો વર્ષ પહેલાંનાં સ્થાપત્યો હજી આજે અહીં મોજૂદ છે. આ તમામ સ્થાપત્યો ભલે આજે તૂટેલી અને અસ્તવ્યસ્ત અવસ્થામાં છે છતાં એ સમયની સંસ્કૃતિ કેવી હશે એનો અંદાજ આપે છે. અહીં જ્યુપિટર અને વિનસનાં મંદિર પણ છે.

ફરાયા
ફરાયા એ અહીં આવેલો બરફ ધરાવતો વિસ્તાર છે, જ્યાં લોકો ખાસ સ્કીનો આનંદ લેવા આવે છે. ત્યાં બરફ સંબધિત અનેક રમતો પણ રમાય છે, પરંતુ અહીં જેટલો બરફ શિયાળાના સમયમાં પડે છે એટલો બરફ ઉનાળામાં પડતો નથી. અહીં લક્ઝરી રિસૉર્ટ અને સ્પા પણ મોજૂદ છે. દેશનું સૌથી મોટામાં મોટું સેન્ટ ચારબિલનું સ્ટૅચ્યું અહીં આવેલું છે.

ટાયર
બિરુતના સમુદ્રકિનારાના પટ્ટા પર આગળ-આગળ આવીએ ત્યાં ટાયર આવે છે, જેને ઘણા ટીર પણ કહે છે. ટૂરિસ્ટોને અહીં આવવાનું વધુ ગમે છે અને એનું કારણ છે અહીં આવેલા મસ્તમજાના બીચ ઉપરાંત બોટિંગ, ફિશિંગ અને સનસેટ. અહીં છુપાયેલા અને નાના-નાના પણ બીચ છે જે જોવાનું ગમશે. અહીં ફૂડમાં પણ અનેક વરાઇટી મળી રહે છે.

ટ્રિપોલી
ટ્રિપોલી લેબૅનનની બીજી મોટી સિટી છે. આ શહેર એના મુમલૂક આર્કિટેક્ચરને કારણે જાણીતું છે. આ શહેરમાં સુન્ની મુસ્લિમો વધુ રહે છે તેમ જ શહેરને પણ સુંદર રીતે સજાવેલું છે. અહીંની રેસ્ટોરાંમાં જમવાનું પસંદ પડે એવું હોય છે. ટ્રિપોલીમાં ઓપન ઍર મ્યુઝિયમ આવેલું છે, જે જોવાનું ગમશે. અહીં આવેલાં ઘરોનું બાંધકામ કંઈ અલગ જ ટાઇપનું હોય છે. 

બાઇબ્લોસ
લેબૅનનમાં આવેલા બાઇબ્લોસનો ઇતિહાસ અંદાજે ૭૦૦૦ વર્ષ જૂનો હોવાનું કહેવાય છે. આ શહેરને અગાઉ ‘ઝિબલ’ના નામે પણ ઓળખવામાં આવતું હતું. કેટલાક લોકો આ શહેરને દુનિયાનું સૌથી જૂનું બીજા નંબરનું શહેર પણ કહે છે. અહીં આવેલાં મોટા ભાગનાં સ્મારક ૧૨મી સદીમાં બંધાયેલાં છે. લેબૅનન ટૂરિઝમમાં આ શહેરનું નામ ટોચના ક્રમે આવે છે. અહીં જોવા માટે જૂનાં મંદિરો, સેન્ટ જૉન બેપ્ટિસ્ટ ચર્ચ અને જૂના કિલ્લાઓનો સમાવેશ છે.

સીડર
લેબૅનનના ફ્લૅગ પર સીડરનો ફોટો કેમ છે એના વિશે ક્યારેય વિચાર્યું છે? એનું કારણ એ છે કે સીડર ઝાડનો ઉલ્લેખ બાઇબલમાં અનેક વખત કરવામાં આવ્યો છે અને અહીં સીડરનાં વૃક્ષો પુષ્કળ પ્રમાણમાં છે જેને લીધે અહીંના ફ્લૅગ પર આ ઝાડનું ચિત્ર છે. આ ઝાડને લોકો ખૂબ જ પવિત્ર ગણે છે. આપણે ત્યાં જેમ ઓમ અથવા ભગવાનના ફોટોને લોકો ઠેકઠેકાણે લગાવે છે એવી જ રીતે અહીં સીડરના ઝાડના ફોટો અને અને ડ્રૉઇંગ દરેક ઠેકાણે જોવા મળે છે.

સેડોન
લેબૅનન જ ઘણું પ્રાચીન ગણાય છે. એનો અર્થ અહીં આવેલાં સ્થળો પણ એટલાં જ પ્રાચીન હશે. અહીં લગભગ ૬૦૦૦ વર્ષ જૂનું ઇતિહાસ ધરાવતું વધુ એક શહેર આવેલું છે જેનું નામ છે સેડોન. એવું કહેવાય છે કે એક સમયે આ શહેર મુખ્ય શહેરની યાદીમાં સ્થાન ધરાવતું હતું. અહીંની સંસ્કૃતિ ઘણી લોકપ્રિય હતી, એટલું જ નહીં, મહાન સંસ્કૃતિનો ઇતિહાસ ધરાવતા દેશોની યાદીમાં એ સ્થાન ધરાવતું હતું.

ક્યારે અને કેવી રીતે જવું?
લેબૅનનના ટૂરિઝમ ડિપાર્ટમેન્ટે ટૂરિસ્ટોને ખેંચવા માટે આમ તો લાલ જાજમ પાથરેલી છે, પરંતુ આતંકવાદી પ્રવૃત્તિને ધ્યાનમાં રાખીને કેટલાક દેશોએ અને ખાસ કરીને યુકે ફૉરેન અને કૉમનવેલ્થ ઑફિસે લેબૅનનના બૉર્ડર વિસ્તારમાં ટૂરિસ્ટોને પ્રવેશ નહીં કરવાનું નોટિફિકેશન જાહેર કર્યું છે, પરંતુ દેશના બૉર્ડર સિવાયના વિસ્તારોમાં નહીં જવા માટે કોઈ ચેતવણી કે નોટિફિકેશન જાહેર કર્યાં નથી. મતલબ બૉર્ડર સિવાયનાં સ્થળ સેફ છે. અહીં ફરવા માટે બારેય મહિનાનો સમય યોગ્ય ગણાય છે. અહીં સુધી પહોંચવા માટે અબુધાબીથી ફ્લાઇટ સહેલાઈથી મળી રહે છે એટલે મુંબઈથી અબુધાબીની ફ્લાઇટ લઈ ત્યાંથી લેબૅનન પહોંચી શકાય છે.

જાણી-અજાણી વાતો
લેબૅનનનો ઇતિહાસ લગભગ ૭૦૦૦ વર્ષ જૂનો માનવામાં આવે છે તેમ જ એવું પણ કહેવામાં આવે છે કે આ દેશનું નામ છેલ્લાં ૪૦૦૦ વર્ષથી બદલાયું નથી.
કહેવાય છે કે જિઝસ ક્રાઇસ્ટે પહેલો ચમત્કાર આ દેશમાં કર્યો હતો.
લેબૅનનનો ઉલ્લેખ બાઇબલમાં ૭૦ કરતાં વધુ વખત કરવામાં આવ્યો છે. અહીં આવેલા સીડરના ઝાડનો ઉલ્લેખ બાઇબલમાં ૭૫ વખત કરવામાં આવ્યો છે જેથી લેબૅનનને ઈશ્વરનો દેશ પણ કહેવામાં આવે છે.
લેબૅનન પાસે સૌથી વધારે સોનું હોવાનું કહેવાય છે એટલે એ સોનાનો ભંડાર ધરાવતા દેશ તરીકે પણ ઓળખાય છે.
લેબૅનન પ્રથમ એવો અરબ દેશ ગણાય છે જેણે ઘરમાં રેડિયો અને ટીવી રાખવાની પરવાનગી આપી હતી.
લેબૅનન એકમાત્ર અરબ દેશ છે જ્યાં રેગિસ્તાન નથી.
લેબૅનનમાં ૧૮ જાતિ અને ધર્મના લોકો વસે છે, જેથી અહીંની સરકારે ધર્મને ધ્યાનમાં રાખીને તમામ ધર્મના લોકોને યોગ્ય ન્યાય મળી રહે એ રીતે વ્યવસ્થા કરી છે.
બધા ધર્મના લોકોને ન્યાય મળે એ માટે અહીં જો રાષ્ટ્રપતિ ખ્રિસ્તી હોય તો વડા પ્રધાન મુસ્લિમને બનાવવામાં આવે છે.
૧૯૪૮ની સાલમાં લેબૅનનનું ઇઝરાયલ સાથે યુદ્ધ થયું હતું જે દરમ્યાન પેલેસ્ટાઇનના એક લાખ લોકો લેબૅનન આવી ગયા હતા અને આજે પણ લેબૅનનમાં ચાર લાખથી વધારે રેફ્યુજી છે, જેમાં સિરિયાના લોકોનો પણ સમાવેશ છે.
લેબૅનનમાં દુનિયાની નંબર-વન નાઇટ ક્લબ આવેલી છે.

આ પણ વાંચો : નીરવ બારોટ: જાણો આ લોકગાયકની સફળતાની કહાની

લેબૅનન કેટલું વિસ્તરેલું છે એનું માપ જાણવું હોય તો તમને જણાવી દઈએ કે એની ઉત્તર દિશાથી દક્ષિણ દિશા તરફ જો ગાડીમાં આગળ વધીએ તો ૩ કલાકમાં અંતર કપાઈ જાય છે.
લેબૅનનમાં એક પરિવાર વર્ષોથી સાબુનો બિઝનેસ કરે છે, પરંતુ આ સાબુ અન્ય સાબુ કરતાં ઘણી અલગ વિશેષતા ધરાવે છે. એનું કારણ છે આ સાબુમાં જડવામાં આવેલા હીરા અને સોનાનો પાઉડર. આ સાબુની કિંમત ૭૫,૦૦૦ રૂપિયાની આસપાસ છે.
લેબૅનનમાં અન્ય કોઈ દેશનો ઝંડો લહેરાવવો અને અન્ય દેશના ધ્વજને રાખવો એ કાનૂની અપરાધ ગણાય છે.

travel news columnists weekend guide