નાનકડો પણ મજાનો દેશ છે ટ્યુનિશિયા

22 September, 2019 05:27 PM IST  |  મુંબઈ ડેસ્ક | દર્શિની વશી

નાનકડો પણ મજાનો દેશ છે ટ્યુનિશિયા

ટ્યુનિશિયા

ઐશ્વર્યા રાય-બચ્ચને તાજેતરમાં આપેલા એક ઇન્ટરવ્યુમાં તેની ટોચની પસંદગીના ડેસ્ટિનેશનનું લિસ્ટ આપ્યું હતું; જેમાં સાઉથ આફ્રિકા, ચીન અને મૉલદીવવ્ઝ ઉપરાંત ટ્યુનિશિયાનું નામ પણ હતું. ટ્યુનિશિયાનું નામ કદાચ ઘણા માટે અજાણ્યું હોઈ શકે છે. જોકે અહીં છેલ્લાં થોડાં વર્ષોમાં બૉલીવુડની ઘણી ફિલ્મોનાં શૂટિંગ થયાં છે, પરંતુ અહીં ફરવા આવનારો ભારતીય વર્ગ નાનો છે ખેર, ટ્યુનિશિયા શા માટે બૉલીવુડનું માનીતું છે અને એવું તે શું છે અહીં જેને માટે ટ્યુનિશિયાની એક વખત મુલાકાત લેવી જોઈએ એ વિશે આજે અહીં વાત કરીશું. 

ટ્યુનિશિયા નૉર્થ આફ્રિકામાં આવેલો નાનકડો દેશ છે અને આરબ દેશમાંનો એક ગણાય છે, જેની એક તરફ અલ્ગેરિયા અને બીજી તરફ લિબિયા આવેલું છે. અગાઉ આ દેશમાં લગભગ ૭૦૦ વર્ષ સુધી રોમન સામ્રાજ્ય રહ્યું હતું, જેને લીધે ત્યારે અહીંના મોટા ભાગના લોકો ખ્રિસ્તી ધર્મ પાળતા હતા, પરંતુ હવે આ દેશમાં ૯૯ ટકા લોકો ઇસ્લામ ધર્મનું પાલન કરે છે. અહીં સેંકડો વર્ષ સુધી રોમન શાસન રહ્યું હોવાને લીધે ટ્યુનિશિયામાં આજે પણ રોમન ધબકતું હોવાનું જોવા મળે છે. અહીંની ઑફિશ્યલ ભાષા અરેબિક છે તેમ જ બર્બર અને ફ્રેન્ચ ભાષાનો પણ અહીં બોલચાલની ભાષામાં ઉપયોગ થાય છે. અહીંનું ચલણ ટ્યુનિશિયન દીનાર છે. સહારા રણપ્રદેશને લાગેલો આ દેશ અનેક બાબતોને લઈને અન્યોથી અલગ પડી જાય છે. અહીંના બીચ ખૂબ જ અટ્રૅક્ટિવ છે જે એક પર્ફેક્ટ બીચ હૉલિડેનું પૅકેજ પૂરું પાડે છે તેમ જ અહીંનું છલોછલ કુદરતી સૌંદર્ય સોનામાં સુગંધનું કામ કરે છે. આટલું ઓછું હોય એમ અહીં ઐતિહાસિક ધરોહર સંભાળીને બેસેલાં સ્થાપત્યો અને બાંધકામો ટ્યુનિશિયને વધુ સુંદર બનાવે છે. હૉલીવુડની પ્રખ્યાત ફિલ્મ ‘સ્ટાર વૉર’નું શૂટિંગ પણ અહીં કરવામાં આવ્યું હતું. ટ્યુનિશિયાની રાજધાની ટ્યુનિશ છે જેનું નામ સુંદર શહેરોની યાદીમાં આવે છે. ટ્યુનિશિયાનું મેદીના શહેર સૌથી જૂનું શહેર ગણવામાં આવે છે, જ્યાં લગભગ ૭૦૦થી વધારે મહેલ, મસ્જિદ, ચર્ચ અને મ્યુઝિયમ છે. આવાં તો અહીં ઘણાં સ્થળો છે જે ચોક્કસ ગમશે. આ દેશને ત્રણ ભાગમાં વર્ગીકૃત કરેલો છે - ઉત્તર ટ્યુનિશિયા, મધ્ય તટીય ટ્યુનિશિયા અને સહારા ટ્યુનિશિયા; જેમાં ઉત્તર ટ્યુનિશિયામાં અનેક ફેમસ ડેસ્ટિનેશન અને લોકપ્રિય રિસૉર્ટ્સ આવેલા છે. સહારા ટ્યુનિશિયા તટવર્તી વિસ્તારો છે જેમાં પથરાળ મેદાનો, રેગિસ્તાન અને ઐતિહાસિક સ્થળો આવેલાં છે, જ્યારે મધ્ય વિસ્તારમાં મુખ્ય શહેરો અને પાડોશી દેશને જોડતા મુખ્ય માર્ગો અને એને માટે પરિવહનનાં સાધનો મળી રહે છે. સહારાના રણનો થોડો હિસ્સો ટ્યુનિશિયા પણ શૅર કરે છે. રણપ્રદેશમાં કરવામાં આવતી તમામ ઍક્ટિવિટી અહીં પણ થાય છે. 
 અહીં ઘણી વખત નોંધાઈ ચૂકેલી આતંકવાદી પ્રવૃત્તિઓને લીધે કેટલાક દેશોએ ખાસ કરીને યુનાઇટેડ કિંગ્ડમે ટ્યુનિશિયાના કેટલાક વિસ્તારોમાં પ્રવાસ નહીં કરવાની તેમના નાગરિકોને ચેતવણી આપી છે. કેટલાક સંવેદનશીલ ગણાતા વિસ્તારોને બાદ કરતાં અન્ય વિસ્તારો પ્રવાસન માટે સેફ જાહેર કરાયા છે. આ તો થયો દેશનો પરિચય, હવે એનાં મુખ્ય સ્થળોની મુલાકાત લઈએ...
ટ્યુનિશ
ટ્યુનિશિયાની રાજધાની ટ્યુનિશ અહીંનું ટૉપ મોસ્ટ ટૂરિસ્ટ ડેસ્ટિનેશન છે. આ એ જ સ્થળ છે જ્યાં ઇતિહાસ હજી પણ જીવિત હોવાનો અહેસાસ થાય છે. આ શહેરનું કલ્ચર પણ રિચ છે જે તમે દરેક ઠેકાણે જોઈ શકશો. ટ્યુનિશમાં આવેલી મેડિના એક પ્રાચીન સ્ટ્રીટ છે જે નૉર્થ આફ્રિકાના મધ્યયુગનો ઇતિહાસ વર્ણવે છે. અહીં ઘણી મોટી બજાર છે જ્યાં દરેક વસ્તુ મળે છે અને સાથે-સાથે કેટલીક ઍન્ટિક વસ્તુઓ પણ અહીં મળે છે જે કદાચ બીજે નહીં મળી શકે. ટ્યુનિશમાં આવેલું સિદી બુ સૈદ એક નજરે જોતાં ગ્રીસ જેવું લાગે છે જેનું કારણ છે અહીંનાં ઘરો અને ઇમારતોમાં ઉપયોગ કરવામાં આવેલો વાઇટ અને બ્લુ કલર, જેને લીધે આ દરિયાકિનારાને અડીને આવેલું આ વિલેજ ખૂબ રૂડું લાગે છે. ૧૩મી સદીમાં થઈ ગયેલા એક સૂફી સંતને સમર્પિત આ વિલેજનું નામ છે. અહીંનાં સ્થાપત્યોમાં કેટલીક હદ સુધી ઑટોમન સંસ્કૃતિની ઝલક જોવા મળે છે. બારડો મ્યુઝિયમને વન ઑફ ધ બેસ્ટ મ્યુઝિયમના લિસ્ટમાં મૂકી શકાય એવું છે. અહીંનાં સ્થાપત્યો, ચિત્રો અને લગભગ ૧૦૦૦ જેટલી મૂર્તિઓ રોમન સામ્રાજ્યનો અહીં ભવ્ય ભૂતકાળ હોવાની ખાતરી આપે છે. અહીંની દીવાલો પર લગાવવામાં આવેલી ટાઇલ્સ, ખૂણા અને અહીં સુધી ફ્લોરિંગ પર પણ રોમન સમયની યાદી પથરાયેલી જોવા મળે છે. ટ્યુનિશિયામાં ખોદકામ દરમ્યાન અનેક રોમન સમયની વસ્તુઓ મળી આવી હતી જેને આ મ્યુઝિયમમાં મૂકવામાં આવી છે.
કૅપ બોન
કૅપ બોન એ અહીંનો મોટો બીચ છે જ્યાં દૂર-દૂર સુધી દરિયાઈ પટ્ટો જોવા મળશે. અહીંનો સૌથી મોટો પ્લસ પૉઇન્ટ છે અહીંની અનટચ્ડ સુંદરતા. અહીં આવનારા ઘણા લોકો તએને વિશ્વના સૌથી સુંદર બીચ તરીકે પણ સંબોધે છે. સફેદ મખમલી રેતી, સ્કાય બ્લુ પારદર્શક પાણી, એકદમ ખુશનુમા વાતાવરણ અને ઓછી ભીડભાડ ટૂરિસ્ટોને ગમે એવી છે. અહીં તમને અન્ડર વૉટર જવાનો પણ ચાન્સ મળે છે.
ડુગા
ડુગા એક પુરાતત્ત્વ સાઇટ છે. નૉર્થ આફ્રિકામાં રોમન અમ્પાયર કેટલું વિશાળ અને ભવ્ય હતું એનો અંદાજ આ સ્થળે આવીને થઈ જાય છે. આ સ્થળ યુનેસ્કોની હેરિટેજ સ્થળોની યાદીમાં સ્થાન ધરાવે છે. અહીં રોમન દેવતાઓનાં મંદિરો, ઘરો, વિશાળ થિયેટર જેની અંદર ૩૫૦૦ લોકો સહેલાઈથી બેસી શકે વગેરે ઘણું છે, જે હવે જર્જરિત હાલતમાંમાં છે. રોમન કાળની ભવ્યતાની સાક્ષી આપતાં ઘણાં સ્થાપત્યો વિશ્વભરમાં જોવા મળે છે, પરંતુ ડુગાની વાત બધા કરતાં અલગ છે. એ અહીં આવીને જ સમજી શકશે. આ સાઇટ ૭૫ હેક્ટરના વિસ્તારમાં ફેલાયેલી છે. અહીં ફ્લોરિંગ પર કરવામાં આવેલું કામ પણ એટલું સુંદર છે કે એ સમયમાં લોકોની કુશળતા કેવી જબરદસ્ત હશે એવો સવાલ પણ મનમાં ઊભો થાય છે. જ્યારે આ સ્થળ શોધાયું ત્યારે અહીંથી એ સમયની અનેક વસ્તુઓ મળી આવી હતી જેને આજે ટ્યુનિશના મ્યુઝિયમમાં સાચવીને રાખવામાં આવેલી છે.
સ્ટાર વૉર ડેસ્ટિનેશન
દક્ષિણ ટ્યુનિશિયામાં બર્બરભાષી લોકોનું એક ગામ આવેલું છે જેનું નામ માત્માત છે. આ ગામની ખાસિયત એ છે કે આજે ૨૧મી સદીમાં પણ આ ગામના લોકો પરંપરાગત રીતે ‘ટ્રોગલોલાઇટ’ સ્ટ્રક્ચરમાં બાંધવામાં આવેલા ઘરમાં રહે છે. જો તમને સરળ ભાષામાં કહીએ તો ‘ટ્રોગલોલાઇટ’ એટલે ગુફા જેવું ઘર. આ ગામમાં મોટા-મોટા ખાડા ખોદવામાં આવેલા છે જેની અંદર અનેક ગુફા જેવાં ઘરો બનાવવામાં આવેલાં છે. આ ગુફા-કમ-ઘરનું પ્રવેશદ્વાર પણ સાંકડું અને કદમાં નાનું હોય છે, પરંતુ આ ઘર અંદરથી મોટું હોય છે. અંદરથી આ ઘર આપણા ગામડાના જૂના સમયનાં ઘરોની યાદ અપાવી જાય છે. ખૂબ જ ડિફરન્ટ રીતે બંધાયેલાં આ ઘર જોનારાને એક વાર તો ચોક્કસ અચરજ પમાડી જાય છે એટલે જ અહીં પ્રખ્યાત સિરીઝ ‘સ્ટાર વૉર’ના કેટલાક એપિસોડનું શૂટિંગ પણ કરવામાં આવ્યું હતું. જોકે એને લીધે આ સ્થળને અનેકગણી પ્રસિદ્ધિ પણ મળી છે. અહીં આવાં ઘરોમાં રહેનારાઓની વસ્તી ૨૦૦૦ની આસપાસ છે. 
સ્યુસ
ટ્યુનિશિયામાં સ્યુસ મસ્ટ વિઝિટ શહેર છે જેની અંદર અનેક આકર્ષણો છે જેને લીધે એ યુનેસ્કોની વર્લ્ડ હેરિટેજ સાઇટમાં સ્થાન ધરાવે છે તેમ જ પૉપ્યુલર બીચ અને રિસૉર્ટ પણ ધરાવે છે. ધ કાસબા અહીંનો સૌથી હાઇએસ્ટ પૉઇન્ટ ગણાય છે જ્યાંથી આખા શહેરનો વ્યુ જોવા મળે છે. અહીં આવેલું કૅથેકૉમ્બસ એક કિલ્લો જેવું છે જેની અંદર પ.૫ કિલોમીટર લાંબી ટનલ છે જેની અંદર ચોથી અને પાંચમી સદીમાં કરવામાં આવેલી કોતરણી જોવા મળે છે. ફ્રિગિયા ઍનિમલ પાર્ક એક પ્રાઇવેટ ઍનિમલ પાર્ક છે જે પબ્લિક માટે ઓપન છે જે ઘણો વિશાળ છે. આ પાર્ક બનાવવા પાછળનો હેતુ ઍનિમલનું સંરક્ષણ કરવાનો છે. આ પાર્કમાં સાંજે ડોલ્ફિન-શોનું આયોજન કરવામાં આવે છે જેમાં એની સાથે રમવાનો આનંદ પણ લઈ શકાય છે. બીજું એક સ્થળ છે પોર્ટ એલ કન્ટેરી. એ એક ટૂરિસ્ટ કૉમ્પ્લેક્સ છે, જે સ્યુસની ઉત્તરે ૧૦ કિલોમીટરના અંતરે આવેલું છે, જેની અંદર એક આર્ટિફિશ્યલ તળાવ બનાવવામાં આવેલું છે જેમાં અનેક લક્ઝરી યોર્ટ આવેલી છે. આ સિવાય અહીં અનેક સ્પોર્ટ્સ ઍક્ટિવિટી, પૅરાગ્લાઇડિંગ અને અનેક ગૉલ્ફ કોર્સ આવેલા છે. બુજાફા બીચ સ્યુસનું મોસ્ટ અટ્રૅક્ટિવ પ્લેસ છે, જે તમને મરીન ડ્રાઇવની યાદ અપાવી જશે, પરંતુ હા, આપણા મરીન ડ્રાઇવ કરતાં અનેકગણો ચોખ્ખો અને ડેવલપ્ડ છે. ખૂબ જ સુંદર દરિયાકિનારો ધરાવતો આ બીચ એક સુખદ અહેસાસ કરાવી જાય છે. સ્યુસ આર્કિયોલૉજિકલ મ્યુઝિયમ પણ એવું જ અદ્ભુત સ્થળ છે.

ક્યારે અને કેવી રીતે જવું?
જૂનથી સપ્ટેમ્બર દરમ્યાન અહીં પીક સીઝન ગણાય છે જ્યારે અહીંનું ક્લાયમેટ ગમે એવું હોય છે. ભૂમધ્ય સમુદ્રની નજીક હોવાથી દરિયાકિનારાની આસપાસનાં સ્થળોનું હવામાન હૂંફાળું રહે છે. આ ઉપરાંત જૂનથી સપ્ટેમ્બરના સમયગાળા દરમ્યાન અહીં અનેક ફેસ્ટિવલ ઊજવાય છે જે જોવાની મજા પડશે. આ ઉપરાંત અહીંનું સૌથી ફેમસ ગણાતું કૅમલ-રેસિંગ ડિસેમ્બરમાં યોજાય છે. જો કૅમલ-રેસિંગ જોવી હોય તો ડિસેમ્બરમાં અહીં આવવાનો પ્લાન કરી શકાય. ટ્યુનિશિયામાં બે ઇન્ટરનેશનલ ઍરપોર્ટ છે. એક એની રાજધાની તુનિસ નજીક આંતરરાષ્ટ્રીય ઍરપોર્ટ છે અને આ સિવાય લગભગ ૨૫થી વધુ ડોમેસ્ટિક ઍરપોર્ટ છે. અહીં સુધી પહોંચવા માટે શિપનો ઉપયોગ લઈ શકાય છે, પરંતુ આ અંતર ઘણું લાંબું થઈ જાય છે જેથી સૌથી સરળ માર્ગ હવાઈમાર્ગ છે. મુંબઈથી અહીં સુધી આવતી કોઈ સીધી ફ્લાઇટ નથી.

જાણી અજાણી વાતો.....
અહીંના મોટા ભાગના લોકો બંજારા સંપ્રદાયના છે જેથી ઘણા લોકો અહીં અન્ડરગ્રાઉન્ડ ઘરોમાં રહે છે.
અહીંના લોકો હાર્ડકોર માંસાહારી છે જેથી વેજિટેરિયન લોકોને અહીં તકલીફ પડે છે.
ટ્યુનિશિયામાં સ્ત્રીઓ તેમની મરજી મુજબ તેમનાં સંતાનોની પાછળ મૅટર્નલ અથવા પૅટર્નલ સરનેમ લગાવી શકે છે. 
ટ્યુનિશિયા એકમાત્ર આરબ દેશ છે જ્યાં સ્ત્રી પર કરવામાં આવતી ઘરેલુ હિંસાને કાનૂનન અપરાધ માનવામાં આવે છે.
અહીં એવું પણ કહેવાય છે કે આ દેશ આફ્રિકાનો પહેલો દેશ છે જેણે ઇસ્લામ ધર્મ અપનાવ્યો હતો.
મુસ્લિમની બર્બર કોમ આજે પણ અહીં મોટી સંખ્યામાં મોજૂદ છે. જેઓ માટે કહેવાય છે કે રોમન શાસન દરમ્યાન તેઓ જ અહીં સૌપ્રથમ આવીને વસ્યા હતા.
ટ્યુનિશિયા પ્રગતિશીલ દેશ છે છતાં મુસ્લિમ દેશ હોવાને લીધે અહીં દારૂના સેવન પર પ્રતિબંધ છે.
અરબ દેશમાં સૌપ્રથમ વખત ટ્યુનિશિયામાં સમલૈંગિક રેડિયો-સ્ટેશન શરૂ કરવામાં આવ્યું હતું.
અહીં ઑલિવ ઑઇલનું સૌથી વધુ ઉત્પાદન થાય છે જેને લીધે અહીંના લોકો ખાદ્ય પદાર્થ તરીકે પણ ઑલિવ ઑઇલનો વધુ ઉપયોગ કરે છે.
ટ્યુનિશિયામાં સૌથી વધુ તેલ અને વીજળીનું ઉત્પાદન કરવામાં આવે છે.
ટ્યુનિશિયા સૌથી ચોખ્ખું પાણી એના લોકોને પીવડાવે છે એવું કહેવાય છે.

travel news weekend guide columnists