૧૦૦ વર્ષ ઓછાં પડશે એવું કહેતાં આ દાદીને ૨૦૦ વર્ષ જીવવું છે

26 April, 2024 11:41 AM IST  |  Mumbai | Darshini Vashi

૮૨ વર્ષનાં સુપર ઍક્ટિવ અને સુપર બિઝી અરુણા શાહને સમાજને મદદરૂપ થવા માટે વધુ જીવવું છે, પણ હેલ્ધી અને સ્વાવલંબી રહીને જ. વિવિધ ઑલ્ટરનેટિવ થેરપી દ્વારા દરદીઓને તપાસતાં અરુણાબહેનની દિનચર્યા જોશો તો દંગ રહી જશો

અરુણા શાહની તસવીર

આજના મોટા ભાગના લોકોને ૧૦૦ વર્ષ જીવવું શ્રાપ જેવું લાગે છે અને તેમનું આવું વિચારવું પણ કેટલીક હદ સુધી યોગ્ય છે, કેમ કે બીજા પર આધાર રાખીને અને મોટી ઉંમરે અન્યનાં મોઢાં જોયા કરવાનાં એના કરતાં સાજાંમાજાં ઊપડી જવાય એવું તેઓ ઇચ્છતા હોય છે. જોકે કાંદિવલીમાં રહેતાં ૮૨ વર્ષનાં અરુણા શાહ આ બધાથી થોડી અલગ વિચારધારા ધરાવે છે. તેઓ રોજ સવારે ઊઠીને ભગવાનની સામે હાથ જોડીને ૨૦૦ વર્ષનું તંદુરસ્તીભર્યું આયુષ્ય મળે એવી પ્રાર્થના કરે છે, કેમ કે તેમને પોતાનામાં રહેલી આવડત અને સૂઝબૂઝથી લોકોની સેવા કરવી છે અને સમાજને ઉપયોગી થવું છે. 

લોકોનો ભ્રમ તૂટે
રિટાયર થઈને બે દાયકા કરતાં પણ વધુ સમય વીતી ગયો છે તેમ છતાં આજ સુધી અરૂણાબહેન એક પણ દિવસ ફ્રી બેઠાં નથી. ઘરમાં તો કોઈ કામ કરવાનું તેમના ભાગમાં આવતું નથી તેમ છતાં તેઓ આ ઉંમરે એટલીબધી ઍક્ટિવિટીની સાથે જોડાયેલા છે કે તેમને મળવા માટે લોકોએ ટાઇમ લેવો પડે છે. આ વિશે જણાવતાં કાંદિવલીનાં રિટાયર્ડ ટીચર અરુણા શાહ કહે છે, ‘હું બોરીવલી ઈસ્ટની સ્કૂલમાં અને ત્યાર બાદ માહિમની સ્કૂલમાં શિક્ષિકા તરીકે નોકરી કર્યા બાદ નિવૃત્ત થઈ હતી. મેં MSc અને MEd કરેલું છે. મેં મારા કાર્યકાળ દરમિયાન નેચરોપથી, ઍલોપથી, ઍક્યુપંક્ચર, ઍક્યુપ્રેશરની એક્ઝામ પણ આપી હતી અને છેલ્લાં ઘણાં વર્ષોથી હું મારા આ જ્ઞાનની મદદથી લોકોની સેવા પણ કરી રહી છું. આજે પણ મારી પાસે દરરોજ મિનિમમ એક પેશન્ટ તો આવે જ છે. લોકોને નવાઈ લાગે છે કે આ ઉંમરે આટલો પેશન્ટનો અભ્યાસ કેવી રીતે કરી શકો છો? પણ મને મળ્યા બાદ લોકોનો ભ્રમ તૂટી જાય છે. મારા શરીરમાં કોઈ રોગ નથી કે નથી કોઈ શારીરિક તકલીફ એટલે સવારના છ વાગ્યાથી મારી દિનચર્યા શરૂ થઈ જાય છે. હાલમાં મેં ચૈત્રી નવરાત્રિના આઠેઆઠ દિવસ નમક, દૂધ અને સાકરનો ત્યાગ કર્યો હતો અને મૌન વ્રત પણ ધારણ કર્યું હતું.’

સૉલિડ બિઝી
પોતાની દિનચર્યા વિશે જણાવતાં અરુણા શાહ કહે છે, ‘હું રોજ સવારે છ વાગ્યે ઊઠી જાઉં છું. ઊઠીને તૈયાર થઈને યોગ કરવા જાઉં છું. એકાદ કલાક યોગ કરી હવેલીમાં જાઉં છું. ત્યાંથી હું શંકરના મંદિરે જાઉં છું. આટલું પતે એટલે ગાર્ડનમાં જતી રહું છું જ્યાં હું મારા લાફિંગ ક્લબના સદસ્યોની સાથે સમય વિતાવું છું. ગાર્ડનમાં પાંચથી સાત રાઉન્ડ મારી આવું છું. બપોરે ઘરે આવીને જમીને થોડો રેસ્ટ ન લઉં ત્યાં તો પેશન્ટની આવનજાવન શરૂ થઈ જાય છે. સત્સંગમાં જોડાયેલી છું. આમ મારો આખો દિવસ ક્યાં નીકળી જાય છે એની ખબર પણ પડતી નથી.’

સ્વાવલંબી બનો
ટેબલ-ટેનિસ લઈને રાઇફલ શૂટિંગ સુધીની આવડત ધરાવનારાં અરુણા શાહ મલ્ટિ-ટૅલન્ટેડ વ્યક્તિ છે. ઉંમર વધવાની સાથે કામ પડતાં મૂકવાને બદલે તેઓ વધુ ને વધુ સક્રિય બની રહ્યાં છે. ખાસ કરીને સામાજિક કાર્યોમાં, જે તેમને અનેરો આનંદ પણ આપે છે. તેઓ કહે છે, ‘હું અનેક ધર્મસંસ્થાનો અને સામાજિક સંસ્થાઓ સાથે જોડાયેલી છું. અઢળક જગ્યાઓએ જઈને ઍક્યુપ્રેશર અને ઍક્યુપંક્ચરના પૉઇન્ટ પણ આપું છું. કોઈને કોઈ પણ પ્રકારની સહાય જોઈતી હોય તો હું હંમેશાં રેડી રહું છું. હાલમાં નવી મુંબઈમાં એક મોટા પાયે યજ્ઞ કરવામાં આવ્યો હતો જેમાં મેં એક મહિનો ખડેપગે સેવા આપી હતી. આ સિવાય ધાર્મિક કાર્યો સંપન્ન કરવા માટે હું ભંડોળ ભેગું કરવામાં પણ એટલી જ મદદરૂપ થવાની કોશિશ કરું છું. મારી આજના સિનિયર સિટિઝન્સને એ જ સલાહ કે જો તમારા હાથપગ ચાલતા હોય અને બધી રીતે સ્વસ્થ હો તો તમારે કંઈક ને કંઈક કર્યા કરવું જોઈએ. છેલ્લા શ્વાસ સુધી સ્વાવલંબી રહીને સમાજને ઉપયોગી બનીને રહેવું જોઈએ.’

columnists life and style darshini vashi kandivli