ગોલ્ડન વર્ડ્‍સ : ટૅક્સ બચાવવાની વાતને જે રાષ્ટ્રમાં કળા માનવામાં આવે એ દેશ ક્યાંથી આગળ વધવાનો?

15 March, 2023 04:15 PM IST  |  Mumbai | Manoj Joshi

ખોટી રીતે કર બચાવવાની વાત ક્યારેય ન થવી જોઈએ અને એ થાય છે ત્યારે જ રાષ્ટ્ર અંદરથી નબળું પડે છે

પ્રતિકાત્મક ફાઇલ તસવીર

ટૅક્સ બચાવવો કેવી રીતે એ અમને શીખવે છે.

આ જવાબ ચાર્ટર્ડ અકાઉન્ટ્સી ભણતા એક સ્ટુડન્ટે હજી હમણાં જ મને આપ્યો છે. હમણાં જ, થોડા સમય પહેલાં. મેં તેને પૂછ્યું કે તમારે ત્યાં એવું તે શું શીખવતા હોય છે કે રિઝલ્ટ માત્ર બેથી ચાર પર્સન્ટનું જ આવે છે. એના જવાબમાં મને આ સાંભળવા મળ્યું : ટૅક્સ કેવી રીતે બચાવવો એ અમને શીખવે છે અને સર, એ તો અઘરું કામ છેને! 

હા, દેશને કેવી રીતે ટૅક્સ ન ચૂકવવો એની છટકબારી શીખવવી એ અઘરું કામ તો છે જ ભાઈ. જરાય ના નથી એમાં, આ અઘરું કામ છે, બહુ અઘરું કામ છે અને આપણે ત્યાં આવું અઘરું કામ કૉલેજમાં ઑફિશ્યલી શીખવવામાં આવે છે. મનમાં પ્રશ્ન એ જાગે છે કે ટૅક્સ શું કામ બચાવવો છે? જ્યારે તમને ખબર છે કે દેશ ટૅક્સથી જ ચાલે છે, જ્યારે તમને ખબર છે કે કરની આવકથી જ રાષ્ટ્રની સુવિધા સચવાય છે અને એ સુવિધાનો ઉપયોગ તમારે જ કરવાનો છે. ટૅક્સ શું કામ બચાવવો છે? જ્યારે તમને ખબર છે કે રાષ્ટ્રની સુરક્ષા માટે જેકોઈ જરૂરી સાધનસામગ્રી છે એ આ કરની આવકમાંથી જ આવે છે?

આ પણ વાંચો: ધન, ઘમંડ અને ઘેલછા : ચાણક્યએ કહેલી આ વાત જીવનમાં ક્યારેય ભૂલતા નહીં

કર બચાવવાનું કામ કરનારાઓ આ લોકોને તૈયાર કરવાનું કામ પણ બીજું કોઈ નહીં સરકાર જ કરે છે અને સરકાર દ્વારા જ તૈયાર થયેલા અભ્યાસક્રમથી ચાર્ટર્ડ અકાઉન્ટન્ટ ઊભા થાય છે અને એ પછી ટૅક્સ બચાવવાની પ્રવૃત્તિ કરવામાં આવે છે. માફ કરજો, મારા પોતાના અનેક મિત્રો ચાર્ટર્ડ અકાઉન્ટન્ટ છે, ઇકૉનૉમિક્સના બેતાજ બાદશાહ પણ છે અને બૅલૅન્સશીટ પર ચમત્કારી કામ કરી શકે એવી ક્ષમતા પણ ધરાવે છે અને છતાં મારે કહેવું પડે છે કે આપણે ત્યાં કૉલેજમાં આ જે વાત શીખવવામાં આવે છે એ વાત અયોગ્ય છે. ખોટી રીતે કર બચાવવાની વાત ક્યારેય ન થવી જોઈએ અને એ થાય છે ત્યારે જ રાષ્ટ્ર અંદરથી નબળું પડે છે. કર બચાવવાનો જ હોય, ખોટી રીતે ટૅક્સ ન ભરાઈ જાય એ જોવાની જવાબદારી આપણી જ હોય અને એને માટે જ આપણે પ્રોફેશનલ્સ પાસે અકાઉન્ટ્સ કરાવતા હોઈએ છીએ, પણ ખોટી રીતે ટૅક્સ ન જાય એને માટે, ખોટી રીતે ટૅક્સ બચાવી લેવા માટે નહીં અને અત્યારે જે દોર ચાલ્યો છે એ દોર છે કોઈ પણ રીતે ઓછી ઇન્કમ દેખાડો અને કોઈ પણ રીતે ઓછામાં ઓછો ટૅક્સ ભરો. ના, જરાય નહીં. બિનદાસ્ત ટૅક્સ ભરો અને હા, એ વાતનું ધ્યાન રાખો કે ટૅક્સ ખોટી રીતે વધારે ભરાઈ ન જાય. ટૅક્સ વધારે ભરાશે તો તમારી જ હિસ્ટરી સારી થાય છે અને બૅન્ક એવા લોકો માટે લાલ જાજમ પાથરીને ઊભી રહે છે.

કૉલેજમાં ટૅક્સ બચાવવાની એક્સરસાઇઝ શીખવવામાં આવે, એ જ એક્સરસાઇઝને આ નવી જનરેશન લઈને બહાર આવે અને બહાર આવીને પોતાના જ્ઞાનના આધારે દેશને અંદરખાને નબળો કરવાનું કામ ભૂલથી કરી બેસે. ચાણક્ય કહેતા કે જેટલું રાષ્ટ્રના પક્ષમાં વધુ આવશે એટલું જ રાષ્ટ્ર વધુ મજબૂત થશે અને એનાથી ઊલટું થશે જો તમે રાષ્ટ્રના ભાગનું જમી જશો તો. આજે રાષ્ટ્રવાદની કમી દેખાઈ છે અને દેખાઈ રહેલી એ કમીને લીધે જ ટૅક્સ કેવી રીતે બચાવવો એ શીખવા માટે બધા દોટ મૂકે છે અને કૉલેજ, કૉલેજ પણ આ જ વાત શીખવવાનું કામ કરે છે. સાહેબ, સાચી વાત પણ ખોટી રીતે શીખવવામાં આવે ત્યારે એ નુકસાન કરવાનું કામ સાચી રીતે કરી લેતી હોય છે.

columnists income tax department manoj joshi indian economy