નરેન્દ્ર મોદીની વિદેશયાત્રાનો પૂરો લાભ દેશને મળવાનો છે

12 May, 2020 02:48 PM IST  |  Mumbai | Manoj Joshi

નરેન્દ્ર મોદીની વિદેશયાત્રાનો પૂરો લાભ દેશને મળવાનો છે

પ્રતિકાત્મક તસવીર

વૅક્સિનની વાત ચાલી રહી છે ત્યારે એક વાત કહેવાનું મન થાય છે અને એ વાત છે નરેન્દ્ર મોદીની વિદેશયાત્રાને લગતી. બહુ વખોડવામાં આવી છે વડા પ્રધાનની વિદેશયાત્રાને, પણ આજે એ વિદેશયાત્રાનો અર્થ અને એના સારાંશની દેશઆખાને ખબર પડશે. આજે એવી પરિસ્થિતિ છે કે દુનિયાના ૭૦ દેશો વૅક્સિન બનાવવાની હોડમાં છે અને ઇઝરાયલ, ઇટલી બન્ને દેશોએ વૅક્સિન બની ગયાનો દાવો કર્યો છે. એવા દેશોમાંથી લગભગ ૮૦ ટકા દેશો સાથે ઇન્ડિયાની ભાઈબંધી છે અને એ ભાઈબંધીના આધાર પર જો એ દેશોમાં વૅક્સિનની શોધ થઈ તો એ દેશો વૅક્સિન ઇન્ડિયાને આપશે, આપશે અને આપશે જ એવી ખાતરી વડા પ્રધાનના કાર્યાલયથી માંડીને દેશની કેન્દ્ર સરકારના એકેએક પ્રધાનોને સુધ્ધાં છે.

નરેન્દ્ર મોદીની વિદેશયાત્રાને ભાંડતા વિરોધ પક્ષને માલૂમ થાય કે આ એ તબક્કો છે જે તબક્કે તમારે અન્ય દેશો સાથે કેવા સંબંધો છે એના પરથી અનુમાન લગાવી શકાય કે તમને સાથ કેવો મળશે અને તમને એનો સહયોગ કેવો સાંપડશે. ભારત અત્યારે સહયોગવિહીન નહીં રહે એની ખાતરી રાખજો અને એને માટે વડા પ્રધાનની વિદેશયાત્રાને પણ હકદાર ગણજો.

સાથ જોઈતો હોય તો સંબંધો હોવા જોઈએ. સાથ ત્યારે જ મળે જ્યારે સાથ આપવાની ભાવના હોય. ભાઈબંધીનો પણ એક હક છે અને એ હક આજે ઇન્ડિયા ઑલમોસ્ટ ૯૦ ટકા દુનિયા પાસે ધરાવે છે. નરેન્દ્ર મોદીની વિદેશયાત્રાનો હવે પૂરો લાભ દેશને મળવાનો છે, દેશવાસીઓને મળવાનો છે. મળનારા આ લાભમાં કોરોનાની વૅક્સિનનો સમાવેશ સૌથી પહેલા ક્રમે થાય છે.

વિદેશયાત્રા ક્યારેય શોખથી નથી થતી હોતી. વિદેશયાત્રા ક્યારેય કોઈ પ્રધાનમંત્રીની એળે નથી જતી. ક્યારેય નહીં અને ક્યારેય કોઈ વડા પ્રધાન શોખ ખાતર કે હાય-હેલો કરવા માટે વિદેશયાત્રા કરતો નથી. આવી વાતો કરનારાઓ પોતાનું બચકાનાપણું પુરવાર કરતા હોય છે. તમે કઈ જગ્યાએ, કયા સ્થાને બેઠા છો એ મહત્ત્વનું છે. જગતને સાથે રાખવું હોય તો જગતની સાથે થવું પડે. વિશ્વાસ ત્યારે જ સાંપડી શકે જ્યારે વિશ્વાસપાત્ર સ્થાન મેળવવામાં આવ્યું હોય. વિશ્વાસના આધારે જ જગતઆખાની સામે કાશ્મીરને ભારતમાં ભેળવવાનો નિર્ણય લેવામાં આવ્યો અને પાકિસ્તાન કુરકુરિયાની જેમ ઉંઉંઉં કરતું રહ્યું, પણ વિશ્વના કોઈ દેશે સાથ આપ્યો નહીં. કયા કારણસર, માત્ર ને માત્ર ભાઈબંધીને લીધે અને ભાઈબંધીમાંથી સંપાદિત થયેલા વિશ્વાસના આધારે. વિદેશયાત્રાઓ, કોઈ પણ દેશના વડાની વિદેશયાત્રાઓ ક્યારેય કારણહીન હોતી નથી. એની પાછળ પણ રાજકીય હેતુ છુપાયેલો હોય છે અને એ રાજકીય હેતુ પાછળ ક્યાંક ને ક્યાંક દેશનું હિત છુપાયેલું હોય છે. વિરોધ કરવાનો સ્વભાવ દરેક તબક્કે યોગ્ય નથી હોતો. રાજનીતિમાં ચાણક્યનીતિ મહત્ત્વની છે અને ચાણક્યનીતિને કારણે જ નરેન્દ્ર મોદીની વિદેશયાત્રાઓ થઈ રહી હતી. આ વિદેશયાત્રાઓનો જવાબ ભૂતકાળમાં પણ મળ્યો છે અને આવતા સમયમાં કોરોના સાથેની ફાઇટમાં પણ હકારાત્મક રીતે સાંપડવાનો છે. બસ, જરૂર છે તો માત્ર થોડી ધીરજની, થોડા ધૈર્યની.

coronavirus covid19 columnists manoj joshi narendra modi