કોરોના, બેદરકારી, અનલૉક અને દેશવાસીઓ:સમઝનેવાલે સમઝ ગયે,ના સમઝે વો અનાડી

04 July, 2020 07:47 PM IST  |  Mumbai | Manoj Joshi

કોરોના, બેદરકારી, અનલૉક અને દેશવાસીઓ:સમઝનેવાલે સમઝ ગયે,ના સમઝે વો અનાડી

પ્રતીકાત્મક તસવીર

ત્રણ દિવસ પહેલાં નરેન્દ્ર મોદીએ આવીને સૌકોઈની સાથે અનલૉક 2.0ની વાત કરી. મુદ્દો અનલૉકનો હતો, પણ વાતની શરૂઆતમાં ગંભીરતા હતી અને એ ગંભીરતા સૌકોઈ જાણે છે. વડા પ્રધાને સ્પષ્ટતા સાથે કહેવું પડ્યું કે નાના ગામડાના પ્રધાનથી લઈને દેશના વડા પ્રધાન સુધીના સૌકોઈએ સાવચેતી રાખવી પડશે, સાવધાની દેખાડવી પડશે અને કોરોનાથી બચવા માટે જરૂરી હોય એ બધા નિયમોનું પાલન કરવું પડશે. જરા યાદ કરો કે વડા પ્રધાન નરેન્દ્ર મોદીની એ સ્પીચ અને એ સ્પીચ વખતના તેમના ચહેરાના હાવભાવ, તેમના ચહેરા પર પ્રસરી ગયેલી ચિંતા અને એ ચિંતાની પાછળ રહેલો તેમનો ઉદ્દેશ.

કોરોના દેશમાંથી ગયો નથી. હા, એ હજી પણ આપણે ત્યાં છે અને મેડિકલ એક્સપર્ટ્સના કહેવા મુજબ તો હવે એ મોસ્ટલી દેશમાં અને દુનિયામાં રહેવાનો જ છે, પણ વૅક્સિન કે મેડિસિન પછી એના ફેલાવાનો ડર નીકળી જશે. ચાઇનાનું આ પાપ અત્યારે દુનિયાઆખી ભોગવી રહી છે, પણ આપણે જો એનાથી દૂર રહેવું હોય કે પછી ઓછામાં ઓછી અફેક્ટ સહન કરવી હોય તો સાવચેતી જ માત્ર એક રસ્તો છે અને અનલૉકની સાથે જ સાવચેતીનો ઉલાળિયો કરી દેવામાં આવ્યો છે. અગાઉ કહ્યું છે, આજે ફરીથી એ જ શબ્દો કહેવાના છે. અનલૉક માત્ર ને માત્ર આજીવિકાને ધ્યાનમાં રાખીને જ આપવામાં આવ્યું છે. અનલૉક કોઈ સેલિબ્રેશન ન હોવું જોઈએ. અનલૉક ઇકૉનૉમીને ધ્યાનમાં રાખીને જ લાવવામાં આવ્યું છે. જો ઇકૉનૉમીની ચિંતા કરવામાં ન આવી હોત તો આ અનલૉક આવ્યું જ ન હોત અને અત્યારે તમે લૉકડાઉનની છઠ્ઠી અને સાતમી સીઝન ગણતા હોત, પણ એવું નથી થયું, એનો અર્થ ખોટી રીતે કાઢવાની જરૂર નથી.

જેને બહાર નીકળવાની આવશ્યકતા નથી, બહાર નીકળ્યા વિના જેમને ચાલે એમ છે એ સૌએ ઘરમાં જ રહેવાનું છે; પછી એ વૃદ્ધ, આધેડ કે બાળકો સિવાયના લોકો જ કેમ ન હોય. કોરોનાનો મૃત્યુદર ઓછો છે, પણ એનો અર્થ એવો બિલકુલ નથી કે કોરોના પોતે જ બેચાર ટકા લોકોનો ભોગ લઈને સૂઈ જાય છે. એ ઇચ્છે જ છે વધારે ને વધારે લોકોનો ભોગ લેવાનું, પણ આપણી સરકાર અને આપણા કોરોના-વૉરિયર્સની મહેનતને લીધે એ મૃત્યુદર વધ્યો નથી. ભારતવર્ષને એક વખત ધ્યાનથી જુઓ, એનાં રાજ્યો જુઓ અને એનું પૉપ્યુલેશન જુઓ. જગતઆખાની વસ્તીની સરખામણીએ સાતમા ભાગની વસ્તી માત્ર ભારતમાં છે. જગતના અનેક દેશો એવા છે જેની વસ્તીનો સરવાળો કરીએ તો ભારતની વસ્તી સામે દુનિયાના વીસથી બાવીસ દેશોનો સરવાળો થાય. કહેવાનો ભાવાર્થ માત્ર એટલો જ કે આજે પણ કોરોનાનું આક્રમણ અને સંક્રમણ હજી એટલું ફેલાયું નથી જેને કાબૂમાં લેવાની પ્રક્રિયા અઘરી પડે અને વહાલસોયાનો જીવ ગુમાવવો પડે. સમજીને રહીશું તો લાભમાં રહીશું. યોગ્ય સલામતીના રસ્તા પર ચાલતા રહીશું તો હિતમાં રહીશું અને વાજબી નિયમો પાળીશું તો ફાયદામાં રહીશું. નક્કી મારે-તમારે અને આપણે કરવાનું છે કે કરવું છે શું? કોરોનાને આકરા સ્વરૂપમાં આવવા માટે ઢાળ પૂરો પાડવો છે કે નહીં? જવાબ જો ના હોય તો પ્લીઝ, ઘરમાં રહો, સ્વસ્થ રહો.

coronavirus covid19 columnists manoj joshi