સમાજમાં હવે કેવાં-કેવાં પરિવર્તનો જોવા મળશે?

06 April, 2020 06:56 PM IST  |  Mumbai | Falguni Jadia Bhatt

સમાજમાં હવે કેવાં-કેવાં પરિવર્તનો જોવા મળશે?

ફાઈલ ફોટો

કલ્પનાની બહારનાં દૃશ્યો જોવા મળી રહ્યાં છે. જે ક્યારેય વિચાર્યું નહોતું એવું વાસ્તવમાં બની રહ્યું છે. એક સાવ જ નવો સમાજ નિર્માણ પામી રહ્યો હોય એવું પ્રતીત થાય છે. કોરોનાએ જગતભરના સમાજમાં બદલાવ લાવવાનું શરૂ કર્યું છે. આ બદલાતા સમાજમાં હવે પછી કેવાં પરિવર્તન થઈ શકે છે એની ઝલક અત્યારે જોવા મળી રહી છે. આગળ જતાં આ પરિવર્તન કેટલાં ટકશે, આમાંથી લોકો શું પાઠ શીખશે અને એનો કેટલો અમલ કરશે એ પણ આગામી સમય જ કહેશે.

જીવન ખરેખર બદલાઈ રહ્યું છે. આજથી લગભગ મહિના પહેલાં આપણામાંથી કોણે વિચાર્યું હતું કે જલદી જ એવો સમય આવશે જ્યારે ઘરની બહાર પગ મૂકવા પર પણ પાબંદી લાગી જશે? કોણે વિચાર્યું હતું કે ક્યારેય લાઇનમાં ઊભા રહેવામાં ન માનતા આપણે બધા પ્રત્યેક દુકાનોથી માંડી ફેરિયાવાળા સુધ્ધાં પાસે કશું લેવા માટે ન ફક્ત લાઇનમાં ઊભા રહેતા પરંતુ એકબીજાથી બરાબર ત્રણથી ચાર ફુટનુ પણ જાળવતા શીખી જઈશું? કોણે વિચાર્યું હતું કે પોતાના ઘરની કામવાળી ન આવે તો બાજુવાળાની કામવાળીને સોની નોટ આપીને કામ કરાવી નાખનારી ગૃહિણીઓ અને રસોઈવાળો મહારાજ ન આવે એ દિવસે બહારથી પીત્ઝા ઑર્ડર કરી દેનારા ગૃહસ્થો સાથે મળીને ઝાડુ, પોતાં, કપડાં, વાસણ કરવાથી લઈને ભોજન બનાવતા થઈ જશે? કોણે વિચાર્યું હતું કે એક સમય એવો આવશે જ્યારે માણસો ઘરમાં પુરાઈ જશે અને જાનવરો રસ્તા પર ખુલ્લેઆમ ફરતાં હશે? કોણે વિચાર્યું હતું કે મુંબઈ જેવાં શહેરોમાં પણ આપણને માણસોના કોલાહલ તથા ટ્રાફિકમાં ફસાયેલી ગાડીઓના હૉર્નની ચિચિયારીઓને સ્થાને દિવસ આખો કોયલની કૂહૂ-કૂહૂ અને ચકલીઓની ચી-ચીનો અવાજ સાંભળવા મળશે?

પરંતુ આ અને આના સિવાય પણ બીજું ઘણુંબધું આજકાલ આપણા જીવનમાં બની રહ્યું છે. પરાણે ઘરમાં પુરાઈ રહેવાની આ ફરજે જ્યાં એક બાજુ આપણને સૌને આપણા પરિવારથી વધુ નિકટ આણ્યા છે ત્યાં જ સમગ્ર જીવન પ્રત્યેનો આપણો અભિગમ પણ બદલી નાખ્યો છે. સતત બીજાના જીવનમાં માથું નાખવા ટેવાયેલા આપણે આજે બાજુવાળા ઘરની ડોરબેલ વગાડતાં પણ ડરીએ છીએ. તેથી ચૂપચાપ પોતાના ઘરમાં બેસીને ખાઈપીને રાજ કરી રહ્યા છીએ. આ સંદર્ભમાં તાજેતરમાં વૉટ્સઍપ પર એક સરસ મેસેજ વાંચ્યો. તેમાં લખ્યું હતું કે લૉકડાઉનથી લાધેલાં સત્યો...

પહેલી વાર સમજાઈ ગયું કે જીવવા માટે કેટલી મિનિમમ જરૂરિયાત હોય છે! જેન્યુઇન લાઇફ કેટલી સસ્તી અને પરવડે એવી આજે પણ છે! ખોટા ખર્ચા, કારણ વગરનો રઘવાટ, નિરર્થક ઉદ્વેગ, બહેતર ભવિષ્યની ભ્રમણા અને બેમતલબ ભાગદોડ વગર પણ જીવી જ શકાય છે! ફાલતુ એક પણ પૈસો ખર્ચ કર્યા વગર પણ દિવસો પસાર થઈ શકે છે! પહેલી વાર સમજાયું કે વૉર્ડરોબ, શૂ રૅક, ડ્રેસિંગ ટેબલમાં પડેલી કેટલીયે સામગ્રી નિરર્થક છે! ઘરને આટલી આત્મીયતાથી પહેલી વાર ફીલ કરી રહ્યા છીએ! સવારે શેડ્યુલ મુજબ જાગવાની કે રાતે સમયસર સૂવાની જંજાળમાંથી પહેલી વાર મુક્તિ મળી છે! આ જ લાઇફસ્ટાઇલ રહી તો મહિનાઓ સુધી ન કમાઈએ તો પણ ઘર-રસોડું ચાલે એની ખાતરી થઈ ગઈ છે! અને આવા બધા વિચારો આવવા કે વાંચવાની સુવિધા છે એ જ બતાવે છે કે ઈશ્વરની મોટી કૃપા કમ સે કમ આપણા પર તો છે જ.

વાત તો સાચી છે, વિશ્વવ્યાપી આ મહામારીમાં પોતપોતાનાં ઘરોમાં તો ઘરોમાં, પરંતુ આપણે બધા હજીયે સુરક્ષિત છીએ. શાંતિથી, નિરાંતથી નવરાશના આ દિવસોને એન્જૉય કરી શકીએ છીએ એ જ દર્શાવે છે કે ઉપરવાળો હજીયે આપણા પર મહેરબાન છે અન્યથા દુનિયાના અન્ય કેટલાક દેશોની હાલ શું પરિસ્થિતિ છે એ આપણે ક્યાં નથી જાણતા? આપણે બધા હાલ મઝધારમાં છીએ. પેલે પાર પહોંચવા માટે આપણે એકબીજાથી દૂર રહેવું જરૂરી છે, કારણ કે તો જ આપણે એકબીજાની સાથે ત્યાં પહોંચી શકીશું. પછી તો ફરી પાછો જલસો જ જલસો છે જ!

અલબત્ત, એ પહેલાં આ સંજોગો આપણને શું શીખવવા માગે છે તથા લાંબા ગાળે એની આપણા જીવન પર શું અસર પડી શકે છે એના પર પણ એક વિચાર કરવો રહ્યો...

સૌથી પહેલું તો એ જ કે વાસ્તવમાં જ જીવન ખૂબ સરળ છે એટલું જ નહીં, ઓછી વસ્તુઓમાં પણ ખૂબ સારું અને સ્વસ્થ જીવન જીવી શકાય છે. આ સમયે છેલ્લાં કેટલાંક વર્ષોથી વિદેશોમાં બહુ પ્રચલિત બનેલા મિનિમલિઝમના કન્સેપ્ટને આપણા જીવનમાં ઉતારવાની ફરજ પાડી છે અને આપણે જોઈ શકીએ છીએ કે ખરેખર તો ઘર ચલાવવા માટે બહુ ઓછા પૈસા, સાધનસામગ્રી તથા સુવિધાઓની જરૂર છે. બલકે બની શકે કે કાલે ઊઠીને આ સમય પરથી પ્રેરણા લઈને ઘણા લોકો પોતાની હાડમારી અને સ્ટ્રેસભરી નોકરીઓ છોડી ઓછા પગારવાળી, પરંતુ ઓછી સ્ટ્રેસભરી નોકરીઓ કે કામધંધા કરવાનું શરૂ કરી દે. કદાચ એવું પણ બને કે ઘરની જવાબદારીઓ અને નોકરી-ધંધાનાં સ્થળોની ફરજો પૂરી કરવામાં દિવસ-રાત એક કરી નાખનારી મહિલાઓને એકાએક એવો અહેસાસ થાય કે ગઈ કાલ સુધી તેઓ જે ડ્યુઅલ ઇન્કમને જીવનજરૂરિયાત ગણતી હતી એ માત્ર તેમનો ભ્રમ હતો અને તેઓ સુપરવુમન બનવાના સ્થાને માત્ર ગૃહિણી બની પોતાના ઘર-પરિવાર અને ખાસ તો પોતાની જાતને પ્રાધાન્ય આપવાનું નક્કી કરી લે!

નોકરિયાત વર્ગ પર પણ આ મહામારીના પગલે બહુ મોટું પરિવર્તન આવવાની શક્યતાઓ અત્યારથી જ તોળાઈ રહી છે. બધા જ જાણે છે કે હાલના સંજોગોમાં મોટા ભાગની કંપનીઓએ પોતાના કર્મચારીઓને વર્ક ફ્રૉમ હોમની સગવડ ઊભી કરી આપી છે. આનું પરિણામ એ આવી રહ્યું છે કે કંપનીઓને ધીરે-ધીરે એ અહેસાસ થઈ રહ્યો છે કે તેમના કેટલાય એવા કર્મચારીઓ છે જેઓ ક્યારેય ઑફિસે ન આવે અને આવી જ રીતે ઘરેથી કામ કરતા રહે તો પણ તેમનાં બધાં ઑપરેશન્સ સુખેથી પાર પડી શકે છે. પરિણામે અંદરખાને અનેક કંપનીઓ આવા કર્મચારીઓનું લિસ્ટ બનાવી પોતાનાં લાઇટ, પંખા, એસી, ચા-પાણી તથા જગ્યાનું ભાડું બચાવવાની વિચારણા કરવા લાગી છે.

બીજી બાજુ વિદેશોની જેમ આજકાલ ભારતની પણ અનેક શાળાઓ જ્યાં સુધી પરિસ્થિતિ કાબૂમાં ન આવે ત્યાં સુધી પોતાના વિદ્યાર્થીનો ઑનલાઇન ક્લાસિસ દ્વારા શિક્ષણ આપવાની યોજનાઓ ઘડી રહી છે. બલકે ચીનમાં તો આ પ્રયોગ એટલો સફળ નીવડ્યો છે કે હવે ત્યાંના વિદ્યાર્થીઓને સ્કૂલ, કૉલેજ કે યુનિવર્સિટીમાં જઈને ભણવા કરતાં આ રીતે ઘરે બેસીને ભણવું શારીરિક અને માનસિક બન્ને દૃષ્ટિએ વધુ બહેતર લાગવા માંડ્યું છે. આવું કંઈ આપણે ત્યાં પણ થયું તો આવનારા દિવસોમાં આપણી સદીઓ જૂની શિક્ષણવ્યવસ્થા ધરમૂળથી બદલાઈ જાય તો પણ કંઈ કહેવાય નહીં.

બધા જ જાણે છે કે 9/11ના અમેરિકાના ટ્વિન ટાવર પર થયેલા હુમલા બાદ દુનિયા આખીમાં ઍરપોર્ટથી માંડીને જાહેર સ્થળોએ સુરક્ષાવ્યવસ્થા કેટલી સખ્ત કરી દેવામાં આવી છે. આજે પણ આપણે સ્ક્રીનિંગ મશીનમાંથી પસાર થયા વિના કોઈ મૉલ કે મંદિરમાં પ્રવેશી શકતા નથી. કોરોના વાઇરસે આપણને સમજાવી દીધું છે કે એક બીમાર પ્રવાસી બીજા કેટલાયને બીમારીના મુખમાં ધકેલી શકે છે. અત્યાર સુધી આપણે જાહેર સ્થળોએ આપણાં કપડાં કે સામાનમાં કોઈ જોખમી વસ્તુ ન લઈ જવાનું પુરવાર કરવું પડતું હતું, શું ખબર આ વાઇરસને પગલે હવે આપણે આપણું મેડિકલ સર્ટિફિકેટ પણ સતત સાથે રાખવું પડે અને પ્રત્યેક જાહેર સ્થળે આપણા સ્વાસ્થ્યનું પણ સ્ક્રીનિંગ કરાવી આપણે આપણા શરીરની અંદર કોઈ જોખમી વાઇરસ તો નથી લઈ જઈ રહ્યાને એનો પણ પુરાવો આપવો પડે!

ટૂંકમાં શક્યતા અને સંભાવનાઓ તો અનેક છે. સારી કે ખરાબ એ તો આવનારો સમય જ દર્શાવશે, પરંતુ જો અભિગમ સાચો હશે અને અનુભવોમાંથી સાચા અને સારા પદાર્થપાઠ શીખવાની તૈયારી હશે તો સૌ સારાં વાનાં જ થશે એની ખાતરી.

falguni jadia bhatt columnists coronavirus