આ તો ખરી બચતનો ટાઇમ છે બાપુ

07 April, 2020 05:02 PM IST  |  Mumbai | Darshini Vashi

આ તો ખરી બચતનો ટાઇમ છે બાપુ

ફાઈલ ફોટો

કોરોનાના લીધે વિશ્વભરના લોકો ત્રાહિમામ પોકારી રહ્યા છે એ વાત સો ટકા સાચી, પરંતુ એની સકારાત્મક અસરને પણ અવગણવા જેવી નથી. જેમ કે નાણાખર્ચ પર કાપ. લૉકડાઉન દરમિયાન મુંબઈકરોનું બહાર જવાનું અને બહારનું ઘરમાં આવવાનું ઑલમોસ્ટ બંધ જેવું જ થઈ ગયું છે ત્યારે જાણીએ આ સમયગાળા દરમિયાન તેમને કેવા અને કેટલા નાણાકીય લાભ થયા.

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ૨૪ માર્ચથી ત્રણ સપ્તાહ માટે દેશવ્યાપી લૉકડાઉનની જાહેરાત કરી હતી પરંતુ કોરોનાના ભયને લીધે લોકોએ એના અઠવાડિયા અગાઉથી જ બહાર આવવા-જવાનું લગભગ ઓછું કરી નાખ્યું હતું, જેને લીધે ઘણા લોકોના માસિક ખર્ચમાં સારીએવી રકમની બચત થઈ છે. મૉલ, શૉપિંગ, થિયેટર, પ્લે એરિયા, બીચ, હોટેલ્સ, ટ્રાવેલ, પેટ્રોલ, ડીઝલ, પાર્લર, પાર્ટી વગેરે-વગેરે જગ્યાએ થતા ખર્ચ હવે શૂન્ય થઈ ગયા છે ત્યારે એવા મુંબઈવાસીઓ પાસેથી જાણીએ જેમને આ બધી વસ્તુઓ પાછળ થતો ખર્ચ બંધ થઈ જવાથી મોટો નાણાકીય લાભ થયો છે.

મહારાજના પૈસા બચી ગયા : તૃપ્તિ દત્તાણી

ખરેખર કહું તો મને આજે તમારી સાથે વાત કરતી વખતે ખબર પડી કે લૉકડાઉનના લીધે મારા તો બહુ પૈસા બચી ગયા છે જેમાં સૌથી વધુ બચત અમારા ઘરે જમવાનું બનાવવા માટે આવતા મહારાજને આપવા પડતા પગારનો આંકડો જરાપણ અવગણવા જેવો નથી એમ જણાવતાં કાંદિવલીમાં રહેતાં તૃપ્તિ દત્તાણી કહે છે, ‘લૉકડાઉનની જાહેરાત કરી એના થોડા દિવસ પહેલાં જ કોરોનાના ભયને લીધે અમારો મહારાજ કામના દિવસનો પગાર લઈને તેના ગામ જતો રહ્યો છે અને પાછો આવશે કે નહીં એ પણ કહી ગયો નથી. મારે દર મહિને તેને ૧૫,૦૦૦ આપવા પડતા હતા જે હવે બચી જશે. આટલું ઓછું હોય એમ મારું શોપિંગ જે છેલ્લા ૧૫ દિવસથી બંધ થઈ ગયું છે એમાં મારા કેટલા પૈસા બચ્યા હશે એ મારા હસબન્ડને પૂછી લો. તેમને એનો સૌથી વધુ આનંદ છે, કેમ કે હું શૉપિંગ દીવાની છું. શૉપિંગ કરવા જાઉં ત્યારે ૪-૫ હજાર ક્યાં ઊડી જાય એની ખબર પણ ન પડે. આ સિવાય અમારી કિટી પાર્ટી અને આઉટિંગ પાછળ ખર્ચાતાં નાણાં કેટલાં બચ્યાં છે એ તો મેં હજી ગણાવ્યાં જ નથી.’

છોકરાઓનું બહારથી ફૂડ મંગાવવાનું બંધ થઈ ગયું : કલ્પા બોરીચા

વીક-એન્ડ નજીક આવે એમ છોકરાઓને બહારનું ફૂડ ખાવા માટે મોંમાં પાણી આવવા માંડે છે. પરંતુ લૉકડાઉનના લીધે હવે શાંતિ છે એમ જણાવતાં મલાડમાં રહેતાં કલ્પા બોરીચા કહે છે, ‘મારા મોટા છોકરાને દર રવિવારે બહાર જમવા જોઈએ છે. છેલ્લે કોઈ ન હોય તો પણ તે એકલો જઈને ખાઈ આવશે, પણ બહાર જમશે જ. પરંતુ લૉકડાઉન‍ને લીધે છેલ્લાં બે અઠવાડિયાંથી એવરી સન્ડે બહાર જમવાનું બંધ થઈ ગયું છે એટલું જ નહીં, હવે તેને જે ખાવું હોય એ ઘરે જ જાતે બનાવી લે છે. એટલે આ પૈસા બચી ગયા છે. બીજું એ કે મારા નાના છોકરાને પણ વીક-એન્ડમાં બહાર જવું  ખૂબ ગમે છે. કાં તો મૉલમાં અથવા તો આઉટિંગમાં અથવા તો મૂવી જોવા કે પછી બીજે કોઈ પણ સ્થળે ફરવા જવું ગમે છે, પરંતુ છેલ્લા ઘણા દિવસથી બધું બંધ થઈ ગયું છે. આમ આવા તો અનેક નાનામોટા ખર્ચા બચી રહ્યા છે.’

અમારા ઘરના દરેક સભ્યનો ટ્રાવેલિંગ અને ફૂડનો ખર્ચ બચી ગયો : ધાર્મિક ભટ્ટ

અમે સંયુક્ત કુટુંબમાં રહીએ છીએ. મારા પપ્પા, હું, મારી પત્ની, મારો ભાઈ અને તેમની પત્ની એમ અમે બધાં વર્કિંગ છીએ. અમે રોજ નાલાસોપારાથી અંધેરી સુધી ટ્રાવેલિંગ કરીએ છીએ એટલે તમે અંદાજ મૂકી શકો છો કે અમને કેટલો લાભ થયો હશે એમ જણાવતાં નાલાસોપારામાં રહેતા ધાર્મિક ભટ્ટ આગળ કહે છે, ‘અમે કોઈક વાર કારમાં અથવા તો ટ્રેનમાં ઑફિસ જતાં હોઈએ છીએ. લૉકડાઉનના લીધે ઑફિસ જવાનું સંપૂર્ણ બંધ થઈ ગયું છે, જેને લીધે અમારા બધા સભ્યોના ટ્રાન્સપોર્ટેશનનો ખર્ચ બચી ગયો છે. આ ઉપરાંત અમે બધાં સવારે જલદી નીકળી જતાં હોઈએ છીએ એટલે ઘણી વખત એવું પણ બનતું કે ટિફિન લઈ જવાનું શક્ય બનતું નથી એટલે અમે પછી બહાર જમી લેતાં હતાં. આજે એક વ્યક્તિ બહાર જમે તો પણ ૨૦૦થી ૩૦૦ રૂપિયા જેટલા તો પકડી જ લેવા પડે. આ ઉપરાંત નાસ્તા અને ચા પાછળ થતા ખર્ચા તો અલગ ગણવાના. પરંતુ છેલ્લાં બે અઠવાડિયાંથી એના પણ પૈસા બચી ગયાં છે.’

પહેલાં અઠવાડિયામાં બેત્રણ વખત આઉટિંગ થઈ જતું, હવે સદંતર બંધ : શિલ્પા શાહ

મલાડમાં રહેતાં શિલ્પા શાહ કહે છે, ‘મને બહાર ફરવા જવાનો ખૂબ શોખ છે જેને લઈને મારા મિત્રો મારી ગંમત પણ કરે છે. પરંતુ લૉકડાઉનથી મારા આઉટિંગ પર પણ લૉકડાઉન થઈ ગયું છે.  અમે ઑલમોસ્ટ દર રવિવારે ફૅમિલી સાથે ડિનર પર જતાં હતાં જે બે અઠવાડિયાંથી બંધ થઈ ગયું છે. આ ઉપરાંત ફ્રાઇડે અમે ફ્રેન્ડ્સ સાથે બહાર જઈએ છીએ એ પણ હવે બંધ થઈ ગયું છે. કોઈ વખતે ફૅમિલી કે ફ્રેન્ડ્સ લોકો સાથે અમે શૉર્ટ ટ્રિપ પણ પ્લાન કરી લઈએ છીએ. આ સિવાય વીક ડેઝમાં પણ મારે કોઈ ને કોઈ આઉટિંગનો પ્લાન હોય જ છે. પરંતુ છેલ્લા કેટલાય દિવસોથી ઘરની બહાર નીકળવાનું બંધ થઈ ગયું હોવાથી અમારા આ બધા ખર્ચ આપમેળે બંધ થઈ ગયા છે.’

હૉસ્ટેલના ટિફિન અને અન્ય ખર્ચા બચી ગયા : રીત મહેતા

હૉસ્ટેલમાં રહેવાનું હોય એટલે સ્વાભાવિક છે કે તમારા ટિફિનથી માંડીને અન્ય તમામ ખર્ચા વધી જાય છે, પરંતુ હવે કૉલેજ બંધ થઈ જવાથી છેલ્લા થોડા દિવસથી ઘરે જ છું એટલે ઘણા ખર્ચા બચી ગયા છે એમ જણાવતાં ગોરેગામમાં રહેતો કૉલેજ સ્ટુડન્ટ રીત મહેતા આગળ કહે છે, ‘હૉસ્ટેલમાં સવાર અને સાંજે બહારથી જ ટિફિન આવતું. ઉપરાંત ટિફિનમાં મોટે ભાગે રૂટીન જ મેનુ હોય એટલે ઘણી વખત અમે મિત્રો બહારથી પણ કંઈક ઑર્ડર કરી લેતા, જે કેટલાય સમયથી સાવ બંધ થઈ ગયું છે. આ ઉપરાંત વીક-એન્ડ આવે એટલે અમે મિત્રો કારમાં લૉન્ગ ડ્રાઇવ પર નીકળી પડતા હતા અને પછી એમાં જમવાનું પણ બહાર જ થતું. પરંતુ હવે માત્ર મોબાઇલથી જ કૉન્ટૅક્ટમાં રહીએ છીએ. આમ મેં લૉકડાઉનમાં મારી પૉકેટમનીમાં સારીએવી બચત કરી લીધી છે.’

darshini vashi columnists coronavirus