મગજની મહામારી રોકવાની તાત્કાલિક જરૂર છે

01 April, 2020 06:14 PM IST  |  Mumbai | Sejal Ponda

મગજની મહામારી રોકવાની તાત્કાલિક જરૂર છે

પ્રતીકાત્મક તસવીર

તમારા એરિયામાં, તમારી આંખે તમે કોરોનાનો કોઈ પૉઝિટિવ કેસ જોયો હોય તો તરત ન્યુઝપેપર કે મીડિયાના લોકોનો સંપર્ક કરો. પહેલાં સમાજની જવાબદાર વ્યક્તિને જાણ કરો. પણ તમે તો એ પહેલાં જ કોઈ બીજા એરિયાના તમે આંખે ન જોયેલા, વૉટ્સઍપ પર આવેલા ન્યુઝ પર વિશ્વાસ કરી એને ફૉર્વર્ડ કરી ભયંકર ખોટું કામ કરી રહ્યા છો. આને મગજની મહામારી કહેવાય

કેમ છો? ફુરસદનો સમય કેવો જઈ રહ્યો છે? ઘરમાં છોને? ઘરમાં જ રહેજો. લોકો ઘરમાં છે અને ડરમાં પણ છે. અફવાની બજાર ગરમ છે. ફલાણા પરામાં ચાર પૉઝિટિવ કેસ, ઢીંકણા પરામાં ૬ પૉઝિટિવ કેસ એવી અફવાઓએ બહુ જોર પકડ્યું છે. બિલ્ડિંગમાંથી પેશન્ટને લઈ જતાં વિડિયોઝ વાયુવેગે પ્રસરી રહ્યા છે.  ઘરમાં રહીને ભણેલા લોકો બીજાને સલાહ આપતા દેખાય છે કે ઘરે રહો સુરક્ષિત રહો. પણ આ ભણેલા લોકો કોરોનાના મેસેજિસ અને વિડિયોઝ ફૉર્વર્ડ કરીને અભણ અને બેજવાબદાર બન્યા છે.

ઘરની બહાર તો કોરોના છે જ પણ

ઘરે-ઘરે વૉટ્સઍપ પર કોરોનાનો કેર ફેલાયો છે. કોરોનાના અમુક કેસ અમુક વિસ્તારમાં આવ્યા એવા મેસેજિસ એવા વિડિયોઝ જોઈને તરત એને ફૉર્વર્ડ કરતાં આંગળીઓ અચકાઈ નથી રહી. અરે ભલા માણસ! સમજો તો ખરા કે આવા મેસેજિસ અને વિડિયોઝ સમાજના લોકોમાં કેટલો ડર પેદા કરી શકે છે.

તમે કોઈ પત્રકાર છો? તમે એક જવાબદાર નાગરિક છો એનું ભાન કેમ ભૂલી ગયા છો? ન્યુઝ પહોંચાડવાનું કામ પ્રિન્ટ અને ઇલેક્ટ્રૉનિક મીડિયા બખૂબી કરી રહ્યું છે. તેમની પાસે આવતા સમાચાર એમનેમ નથી આવતા. એની પુષ્ટિ થાય છે, પત્રકાર ત્યાં હાજર હોય છે એ પછી એ સમાચાર તમારા સુધી પહોંચે છે. તો પછી તમે વૉટ્સઍપ પર આવતા મેસેજિસને સમજ્યા પારખ્યા વગર બીજા સુધી કેમ પહોંચાડો છો? તમારા એરિયામાં, તમારી આંખે તમે કોઈ કોરોનાના પૉઝિટિવ કેસ જોયા હોય તો તમે તરત ન્યુઝપેપર કે મીડિયાના લોકોનો સંપર્ક કરો. પહેલાં સમાજની જવાબદાર વ્યક્તિને જાણ કરો. પણ તમે તો એ પહેલાં જ કોઈ બીજા એરિયાના તમે આંખે ન જોયેલા, વૉટ્સઍપ આવેલા ન્યુઝ પર વિશ્વાસ કરી એને ફૉર્વર્ડ કરી ભયંકર ખોટું કામ કરી રહ્યા છો. આને મગજની મહામારી કહેવાય.

જો તમને આવા મેસેજિસ કે વિડિયોઝ આવે છે તો તરત એ વ્યક્તિને આવો ફેલાવો કરતાં ટોકો અને રોકો. જેમ કોરોનાનો ફેલાવો રોકવા સોશ્યલ ડિસ્ટન્સિંગ જરૂરી છે એમ આવા ન્યુઝને રોકવા માટે પણ સોશ્યલ ડિસ્ટન્સિંગ જરૂરી છે.

લોકોમાં ભય ઉત્પન્ન થાય એવા સમાચાર તમારે નથી ફેલાવવાના. ટીવી ચાલુ કરો એટલે દરેક ન્યુઝ ચૅનલ તમને કોરોનાના આંકડા ક્યાં સુધી પહોંચ્યા એની માહિતી આપી જ રહ્યું છે. એના કરતાં તમે સમાજને મદદ થાય એવા મેસેજિસ ફૉર્વર્ડ કરો. કોણે કેટલું દાન કર્યુઁ એના આંકડા લોકો સુધી પહોંચાડો તો બીજાને પ્રેરણા મળે. આ કટોકટીના સમયમાં સમાજના ગરીબ વર્ગને મદદ કરતી સંસ્થાઓ, વ્યક્તિઓ દ્વારા જે રાહત ફન્ડ ઊભું કરવામાં આવી રહ્યું છે એની માહિતી તમારા ગ્રુપમાં પહોંચાડો.

કોરોના રાહત ફન્ડમાં ભંડોળ આપવા અનેક સેવાભાવી લોકો આગળ આવ્યા છે. તમે તેમની સાથે જોડાઓ. રોજ કમાઈને રોજ ખાતા લોકોની સ્થિતિ કપરી બની છે ત્યારે તેમના માટે ફૂડ કિટનું વિતરણ થઈ રહ્યું છે. એમાં પૈસાનો સહયોગ કરો.

તમે સહયોગ કરી પણ રહ્યા હશો. તો હવે શું કરવું અને શું ન કરવું એ નોંધી લો. કોરોનાના આવતા મેસેજિસ અને વિડિયોઝ જે ભય ઉત્પન્ન કરે છે, તમારું મન એનાથી વિચલિત થાય છે એને ફૉર્વર્ડ કરવાનું બંધ કરો. હવે એવા લોકો પર કાર્યવાહી પણ થઈ રહી છે. ફોન પર વાત કરો ત્યારે હવે શું થશે? વધુ કપરો સમય આવશે એવી વાતો કરવાનું બંધ કરો. કોરોના પર જોક્સ ન બનાવો કે એનો ફેલાવો પણ ન કરો.  ઘરના સિનિયર સિટિઝન્સ ભલે ગમે તેટલો કકળાટ કરતાં હોય તેમને ઘરનો ઉંબરો ઓળંગવા ન દો. મૃત્યુ પહેલાં જ મૃત્યુનો ભય જો લાગતો હોય તો એ ડરને મનમાંથી કાઢી નાખો. આ કપરા સમયમાં એકબીજાને મૉરલ સપોર્ટ કરો. એકબીજાને હિંમત આપો. આ સમયમાં ડિપ્રેશનના કિસ્સાઓ વધી રહ્યા છે. જેમના મનમાં મૂંઝવણ હોય તેમની સાથે વાત કરો. એમને આશાનું કિરણ બતાડો. તમારા માટે, તમારા પરિવાર માટે, દેશ માટે, આખા વિશ્વ માટે પ્રાર્થના કરો કે આ મહામારીમાંથી સૌની રક્ષા કરે. કોઈ ભૂખ્યું ન રહે. યાદ રાખો પ્રાર્થનામાં ખૂબ શક્તિ છે. આ સમય છે સાથે લડવાનો. આપ સૌ, આપનો પરિવાર અને આ જગત સુરક્ષિત રહે એવી દિલથી પ્રાર્થના.

Sejal Ponda coronavirus columnists covid19