આ પરિવારોને લૉકડાઉનને કારણે સહેવી પડી રહી છે લંબી જુદાઈ

13 April, 2020 04:18 PM IST  |  Mumbai | Darshini Vashi

આ પરિવારોને લૉકડાઉનને કારણે સહેવી પડી રહી છે લંબી જુદાઈ

ફાઈલ ફોટો

છેલ્લા કેટલાય દિવસોથી લૉકડાઉનના લીધે લોકો ઘરમાં ને ઘરમાં કંટાળી રહ્યા હોવાની વાતો બધી જગ્યાએથી સાંભળવા મળી રહી છે, પરંતુ ક્યારેય વિચાર્યું છે કે આપણે ઘરમાં બધાં સાથે તો છીએ જ્યારે એવા ઘણા પરિવારો છે જેઓ લૉકડાઉનના લીધે વિખૂટા થઈ ગયા છે. કોઈની માતા બીજા કોઈ શહેરમાં અટકી પડ્યાં છે તો કોઈની પત્ની અને બાળકો અન્ય શહેરોમાં અટકી ગયાં છે. તો કોઈનું બાળક અન્ય પાસે સચવાયેલું છે કોઈના પિતા ફસાઈ ગયા છે તો ઘણા મુંબઈમાં આવીને છોકરીના સાસરે અટવાઈ ગયા છે. આજે આપણે એવા પરિવારના જ સદસ્યોની સાથે વાત કરીશું જેમની ફૅમિલી લૉકડાઉનના લીધે વહેંચાઈ ગઈ છે એટલું જ નહીં, એને લીધે તેમણે કઈ-કઈ સમસ્યા અને મુસીબતોનો સામનો પણ કરવો પડી રહ્યો છે એની પણ વાત કરીશું.

આઠ વર્ષનો પુત્ર દેવલાલીમાં અટકી ગયો છે : રાહુલ અને ભારતી ગાલા

પોતાના બાળકને લાંબા સમય સુધી પોતાનાથી દૂર નહીં રાખી શકનાર માતાપિતાએ જ્યારે તેના બાળકથી ૧૫ કરતાં પણ વધારે દિવસથી સેંકડો કિલોમીટર દૂર રહેવું પડે ત્યારે તેમના પર શું વીતતું હશે એ સમજી શકાય છે. મલાડમાં રહેતાં રાહુલ અને ભારતી ગાલા હાલમાં આ જ અનુભવમાંથી પસાર થઈ રહ્યાં છે. આ બાબતે ભારતી ગાલા કહે છે, ‘મારો આઠ વર્ષનો દીકરો મિતાંશ મારાં ભાઈ અને ભાભી સાથે લૉકડાઉન જાહેર થયું એ પહેલાં દેવલાલી ફરવા ગયો હતો. દેવલાલીમાં મારાં ભાભીનું ઘર છે. તેઓ આમ તો બેત્રણ દિવસ માટે જ ફરવા ગયાં હતાં, પરંતુ અચાનક જ દેશવ્યાપી લૉકડાઉન જાહેર કરી દેવામાં આવતાં તેઓ માટે દેવલાલીથી મુંબઈ પાછા ફરવું મુશ્કેલ બની ગયું છે જેને લીધે મારો દીકરો પણ દેવલાલીમાં જ છે. ઘણા દિવસો વીતી ગયા હોવાથી હવે મિતાંશને પણ ઘરની બહુ યાદ આવે છે અને ઘરે આવવા માટે જીદ પણ કરે છે. જોકે દેવલાલીમાં મારા દીકરાનું ખૂબ જ ધ્યાન રાખવા આવી રહ્યું છે એટલે અમને વિશેષ ચિંતા નથી તેમ છતાં દેશ જે વર્તમાન સ્થિતિમાંથી પસાર થઈ રહ્યો છે એવા સમયે ઘરના તમામ સભ્યો સાથે હોય તો નિરાંત લાગે છે.’

પિતા પાલિતાણામાં તો માતા જામનગરમાં ફસાઈ ગયાં : નિર્મલ શાહ

લૉકડાઉનના લીધે બોરીવલીમાં રહેતા નિર્મલ શાહનાં માતાપિતા ગુજરાતમાં અલગ-અલગ જગ્યાએ અટકી ગયાં છે. આ બાબતે નિર્મલ શાહ કહે છે, ‘મારાં માતા અને પિતા બન્ને સિનિયર સિટિઝન છે. મારા પિતા પાલિતાણા જાત્રા કરવા ગયા હતા. તેઓ રિટર્ન આવવાના જ હતા ત્યાં દેશવ્યાપી લૉકડાઉનની જાહેરાત કરી દેવામાં આવી અને તેમણે ત્યાં જ રોકાઈ જવાની ફરજ પડી હતી. હાલમાં તેઓ ધર્મશાળામાં રહે છે. તેમને ત્યાં બધી સગવડ મળી રહે છે, પરંતુ સિનિયર સિટિઝન હોવાથી અમને તેમની ચિંતા રહે છે. તો બીજી બાજુ મારાં મમ્મી મારાં નાનીને મળવા જામનગર ગયાં હતાં, પરંતુ તેમણે પણ લૉકડાઉનના લીધે રોકાઈ જવું પડ્યું છે. જોકે તેઓ મારી નાનીના ઘરે જ છે એટલે અમને શાંતિ છે, પરંતુ તેમને અમારી ચિંતા થાય છે કે અમે મુંબઈમાં એકલા છીએ એ પણ એવા સમયે જ્યારે શહેરમાં કોરોનાનો વ્યાપ દિવસે-દિવસે વધી રહ્યો છે. અત્યારે અમે વિડિયો કૉલ પર રોજ વાત કરીએ છીએ અને એકબીજાના ખબરઅંતર પૂછી લઈએ છીએ.’

રાજકોટથી આવેલાં મારાં સાસુ અને સાળાને અમારા ઘરે જ રહેવાની ફરજ પડી છે : કલ્પેશ મહેતા

મલાડમાં રહેતા કલ્પેશ મહેતાના ઘરે તેમની સાસુ અને સાળા મળવા માટે આવ્યાં હતાં, પરંતુ લૉકડાઉન જાહેર થઈ જતાં તેમના માટે પાછાં રાજકોટ જવું અશક્ય બની ગયું છે. એને લીધે તેમને નછૂટકે દીકરીના ઘરે આટલાબધા દિવસ રહેવું પડી રહ્યું છે. આ વિશે કલ્પેશ મહેતા કહે છે, ‘મારી પત્નીનું આખુ પિયર રાજકોટમાં જ છે. મારાં સાસુ અને એક સાળો અમને મળવા માટે અહીં આવ્યાં હતાં, પરંતુ લૉકડાઉન જાહેર થઈ જતાં તેમને માટે પાછાં જવું મુશ્કેલ બની ગયું હતું. મારો સાળો રાજકોટમાં ટોચની ખાનગી બૅન્કમાં કામ કરે છે. બૅન્કમાં હોવાથી તેમને લૉકડાઉનમાં પણ કામે જવાનું હોય છે, પરંતુ તેઓ અહીં હોવાથી તેઓ કામ પર પણ જઈ શકતા નથી. મને ખબર છે તેમને દીકરીના ઘરે આટલા બધા દિવસ રોકાવું ગમતું નહીં હોય, પરંતુ આવી પરિસ્થિતિમાં તેમની પાસે બીજો કોઈ વિકલ્પ પણ નથી. અમે તેમને સાંત્વના આપી રહ્યા છીએ અને કોઈ પણ પ્રકારની મૂંઝવણ અને ચિંતા વિના લૉકડાઉન પૂરું ન થાય ત્યાં સુધી અમારી સાથે જ રહેવા માટે જણાવી દીધું છે.’

બિઝનેસના કામસર બે દિવસ નવસારી ગયો અને ત્યાં જ ફસાઈ ગયો : દેવેન્દ્ર ચૌધરી

મલાડમાં રહેતા અને પોતાનો વ્યવસાય ધરાવતા દેવેન્દ્ર ચૌધરી કહે છે, ‘મારે બિઝનેસના કામસર ૨૦ માર્ચે નવસારી જવાનું થયું હતું. મારું કામ પતાવી મેં મારાં ફોઈ જે અહીં રહે છે તેને મળવા જવાનું વિચાર્યું. એટલે હું તેમને મળવા ગયો અને રોકાઈ ગયો. હું જ્યારે નીકળવાનો હતો ત્યારે ખબર પડી બધી ટ્રેન બંધ કરી દેવામાં આવી છે. એટલે વિચાર કર્યો કે હવે રોડ મારફત મુંબઈ નીકળી જઈશ, પરંતુ બધી સીમા સીલ કરી દેવામાં આવી હતી એટલે ખોટું જોખમ લેવા કરતાં જ્યાં છું ત્યાં જ અટકી જવાનું નક્કી કર્યું. એટલે હું એ દિવસથી લઈને આજ સુધી મારાં ફોઈના ઘરે નવસારી જ છું. મારો પરિવાર મુંબઈમાં છે. મારાં ફોઈ મને જરા પણ ઓછું આવવા દેતાં નથી તો પણ મને જ થોડો સંકોચ થાય છે. ગમે તેમ હોય પણ છેલ્લે આપણું ઘર એ આપણું ઘર જ કહેવાય.’

હું સુરતમાં જ રોકાઈ ગઈ છું અને પતિ મુંબઈમાં : ટ્વિન્કલ  શાહ

માતા પિતાના ઘરે અઠવાડિયું આરામ કરવાના વિચાર સાથે મુંબઈથી સુરત આવેલાં ટ્વિન્કલ શાહને ક્યાં ખબર હતી કે તેમને મુંબઈ પોતાના પતિ પાસે પાછા ફરવા માટે હજી ઘણા દિવસોની રાહ જોવી પડશે. આ બાબતે જણાવતાં કાંદિવલીમાં રહેતાં ટ્વિન્કલ શાહ કહે છે, ‘હું લૉકડાઉન જાહેર થવાના થોડા દિવસ પહેલાં જ મારાં મમ્મીના ઘરે સુરત રહેવા માટે આવી હતી અને થોડા વખતમાં મારે પાછાં ફરવાનું પણ હતું કેમ કે મારા છોકરાનું નાકમાં ઑપરેશન પણ કરાવવાનું હતું. પરંતુ હવે અમે અહીં જ અટકી પડ્યાં છીએ. મારી સાથે અત્યારે મારાં બે બાળકો છે અને મારા પતિ મુંબઈમાં છે. નથી તેઓ અહીં આવી શકતા કે નથી હું ત્યાં જઈ શકતી. મારા છોકરાનું ઑપરેશન કરવા માટે અમે  મુંબઈની હૉસ્પિટલમાં ઍડ્વાન્સમાં પૈસા પણ ભરી દીધેલા છે પરંતુ હવે ક્યારે જઈ શકાશે એ પ્રશ્ન છે. ઑપરેશન કરવાનું હોવાથી અમે અહીંથી નીકળવાની ટ્રાય પણ કરી હતી અને પોલીસને અરજી પણ કરી હતી, પરંતુ અમે સફળ થઈ શક્યાં નહીં.’

darshini vashi columnists coronavirus covid19