કોરોના કરફ્યુ:કોરોના શબ્દમાં એક સંદેશ છે કે જીવનમાં શું કરવા જેવું નથી

23 March, 2020 11:40 PM IST  |  Mumbai | Manoj Joshi

કોરોના કરફ્યુ:કોરોના શબ્દમાં એક સંદેશ છે કે જીવનમાં શું કરવા જેવું નથી

કરો ના.
બોલવામાં જરાપણ ગફલત રહી જાય તો મોઢામાંથી આ જ શબ્દ નીકળી જાય અને સૌ કોઈને એ જ સમજાય કરોના અર્થાત કરો ના, કરો નહીં. હા, કોરોના સમજાવે છે કે શું કરવા જેવું નથી અને શું ન કરવું જોઈએ?

કોરોના જ કહે છે કે માંસાહારી નહીં બનો. માંસાહાર અને ધર્મને કોઈ નિસબત નથી એ વાત સાથે હું સહમત ખરો, પણ એનો અર્થ એવો પણ નહીં કાઢવાનો કે હું માંસાહારનો હિમાયતી છું. ના બિલકુલ નહીં. ખોળિયામાં બ્રાહ્મણનો આત્મા છે, શાસ્ત્રોક્ત જ્ઞાન ધરાવતા પિતાશ્રી નવનીત જોષીના કૂખે મોટો થયો છું એટલે હું ક્યારેય માંસાહારનો હિમાયતી હોઈ પણ ન શકું, પણ એમ છતાં એટલું કહેવામાં માનું ખરાં કે એની પણ કોઈ મર્યાદા હોય. ઈશ્વરે બનાવેલા એક પણ નિયમનું પાલન તમે કરો નહીં તો આ રીતે ચામાચીડિયું પણ તમને ભારે પડી જાય અને હજુ પણ વધારે ભારે પડી શકે. કોરોનાએ ઘણું શીખવ્યું છે, ઘણું શીખવી રહી છે.
બાયોલૉજિકલ વેપનનો ઉપયોગ થાય તો કેવી પરિસ્થિતિનું નિર્માણ થાય એ તમે સમજી શકો છો. અત્યારે એવું નથી થયું પણ જરા વિચારો કે કોરોનાને બદલે કોઈ દેશે બાયોલૉજિકલ વેપનનો જ ઉપયોગ કરી લીધો હોત અને ઘરમાં બેસવાનો વારો આવી ગયો હોત તો શું થયું હોત? વિચારો જરા કે તમને જરાસરખો પણ સમય ન આપવામાં આવ્યો હોત અને લૉકડાઉનને બદલે સીધો જ કરફ્યુ જ લાગી ગયો હોત તો તમે કેવી રીતે એ સમયનો સામનો કર્યો હોત? કોરોનાએ એક નાનકડું રિહર્સલ્સ આપી દીધું છે કે કુદરત સાથે ચેડાં કરવામાં સાર નથી. જે વાઇરસ ચામાચીડિયા અને કોબ્રા નાગમાં રહેતા હતા એ જ વાઇરસ એમાંથી નીકળીને બહાર આવી ગયા. જો સાયન્સનો આધાર લઈને કહેવાનું હોય તો કહી શકાય કે કોરોના એક એવો વાઇરસ છે જે આ જાનવરમાંથી માણસના શરીરમાં આવ્યો અને માનવશરીર એ સ્વીકારવા રાજી નથી, અપનાવવા તૈયાર નથી. જેને લીધે આ બધી જફા ઊભી થઈ છે.

કોરોના. કરો ના, એક પણ જાતના અખતરાં નહીં કરો, ચેનચાળા નહીં કરો અને કોઈ જાતના નુસખા પણ નહીં અપનાવો. આ જીવન મૂલ્યવાન છે અને મૂલ્યવાન જીવનની કિંમત નહીં કરીને તમે બીજા કોઈને નહીં, તમારા જ પરિવારને જોખમમાં મૂકી રહ્યા છો. ચાઇનાની ખાણીપીણી ને જે રીતભાત હતી એ રીતભાતને શ્રેષ્ઠ માનનારાઓની આજે બોલતી બંધ થઈ ગઈ છે. શાકાહારીઓની મજાક-મસ્તી કરનારાઓ આજે નોનવેજ મોઢામાં નાખતાં ખચકાઈ રહ્યા છે. નોનવેજ ખાઈને શરીરને મસ્ત રીતે શેઇપમાં રાખનારાઓની ઈર્ષ્યા કરનારા અત્યારે મોટું પેટ બહાર રાખીને ખુશી-ખુશી ફરી રહ્યા છે. મોટું પેટ જરૂરી નથી એ કહેવાની જરૂર નથી, તમારે એ સમજી લેવાનું છે. જો તમે એ સમજી ન શકો તો તમારે એટલું યાદ રાખવું પડશે કે આ વાઇરસ એ જ શરીરમાં નહીં ટકે જે શરીરમાં રોગપ્રતિકારક શક્તિ અકબંધ હશે - અને યાદ રહે, રોગપ્રતિકારક શક્તિ એમાં જ અકબંધ રહે, જેનું શરીર નિરોગી અને સ્વસ્થ હોય.

કોરોના. કરો ના. ખોટા અખતરાઓ નહીં કરો. પ્લીઝ.

coronavirus covid19 columnists manoj joshi