કોરોના કેર:ચીન, અમેરિકા,ભારત અને વર્લ્ડ ટ્રેડ માટે ખેલાયેલી મેલી રમત

30 March, 2020 09:56 AM IST  |  Mumbai Desk | Manoj Joshi

કોરોના કેર:ચીન, અમેરિકા,ભારત અને વર્લ્ડ ટ્રેડ માટે ખેલાયેલી મેલી રમત

આવી વાતો વાંચી હશે તમે. કોઈ ઇકૉનૉમિસ્ટ પાસે પણ આવી વાતો સાંભળી હોય એવું પણ બની શકે અને એવું પણ બની શકે કે વૉટ્સઍપ પર ફેલાઈ રહેલા મેસેજમાં આના વિશે તમે કંઈ વાંચ્યું પણ હોય. એવું પણ વાંચ્યું હશે કે ચાઇનાએ પેન્શન ન ચૂકવવું પડે એટલે કોરોનાના વાઇરસ થકી હજારો વૃદ્ધોને મારી નાખ્યા. એવું પણ વાંચ્યું હશે તમે કે ચાઇના આ આખી મહામારીમાંથી જે રીતે સિફતપૂર્વક સાથે બહાર આવ્યું છે એ જ દેખાડે છે કે એની પાસે કોરોનાથી બચવાનો રસ્તો છે. આવું અને આવું અનેકગણું વાંચ્યું હશે તમે તો સાથોસાથ એ પણ વાંચ્યું હશે કે આ આખી મિલીભગત છે. અમેરિકા અને ઇન્ડિયાનો ગેમ-પ્લાન છે અને વર્લ્ડ ટ્રેડમાં ચાઇનાને પાછળ રાખવાની આ રમત છે. હશે, હોઈ પણ શકે અને ન પણ હોય, પરંતુ એક વાત હકીકત છે કે જેટલાં દિમાગ એટલી પેદાશ. નુકતેચીની કરવાની આપણી આ જે માનસિકતા છે એ જ દર્શાવે છે કે સાસુ જેવો સ્વભાવ દરેકેદરેક માણસમાં અકબંધ છે.

આવડી મોટી રમત હોય અને એ રમતની જો આપણને ખબર પડી જતી હોય તો ભલામાણસ, ચાઇના અને અમેરિકા-ઇન્ડિયાએ તો ખરેખર ઘરે બેસી જવું જોઈએ. ટ્રમ્પ અને નરેન્દ્ર મોદીની આ દેશને કે અમેરિકાને કોઈ આવશ્યકતા જ નથી રહેતી. જુઓ તો ખરા કે તમને પણ એની ગેમ ઓળખતાં આવડી ગઈ અને ચાઇનાને પણ ડૂબી મરવું જોઈએ કે એની રમતને આખી દુનિયા આ રીતે જાણી ગઈ છે અને એ પણ વૉટ્સઍપના કારણે. જે વાત ટ્રેડ સીક્રેટથી પણ વધારે મહત્ત્વની કહેવાય એવી છે, જે વાત વૈશ્વિક રાજકારણમાં ઊથલપાથલ મચાવી દે એવી છે એ વાત આપણા દેશનો નાનામાં નાનો નાગરિક જાણે છે અને ચાઇના અંધારામાં છે.
‍મારું કહેવું એટલું જ છે કે જ્યારે વાત કાબૂ બહારની હોય ત્યારે કોઈ રાજકારણ એમાં રમાતાં નથી હોતાં. વાત જ્યારે માસની એટલે કે સમુદાયની હોય ત્યારે એમાં કોઈ જાતનું જોખમ લેવા કોઈ તૈયાર નથી હોતું, વાત પછી ભલે ચાઇનાની હોય, ભારતની હોય કે પછી અમેરિકાની હોય. ક્યારેય નહીં. અરે, આ બધા દેશોને છોડો. સામાન્ય કૉર્પોરેટ્સને જોઈ લેશો તો પણ તમને સમજાઈ જશે કે વાત જ્યારે સમુદાયની આવે છે ત્યારે એમાં સહજતા લાવવાનો પ્રયાસ સૌકોઈ કરતું હોય છે. કોરોના એક આપદા હતી, છે અને એ એક આપદા જ રહેવાની છે. એમાં કોઈનું રાજકારણ કામ નથી કરી રહ્યું અને કોઈ રાજકારણ આ રીતે કામ કરે પણ નહીં. ચાઇનાએ બાયોલૉજિકલ વેપનનો ઉપયોગ ભૂલથી દેશમાં જ કરી નાખ્યો એવી દલીલ કરનારાઓએ પણ સમજવું જોઈએ કે આવી બાલિશ વાતો કરવાથી છીછરાપણું એનું બહાર આવી રહ્યું છે. વર્લ્ડ ટ્રેડની ચર્ચા કરનારાઓએ પણ સમજવું જોઈએ કે દૂર-દૂર સુધી આવા કાર્યમાં સાથ આપવાની પ્રક્રિયા ક્યારેય કરે નહીં. બહુ લાંબી પળોજણમાં પડ્યા વિના એક સામાન્ય પ્રશ્ન જાતને કરી લેવો. તમને કહેવામાં આવે તો તમે આવું કાર્ય કરો કે ન કરો?
કોરોના એક મહામારી છે અને એ મહામારી અયોગ્ય ખાણીપીણીના વ્યવહારની આડશમાં જન્મી છે.
ધૅટ્સ ઑલ.

coronavirus covid19 manoj joshi columnists