આજના યુવાનોને શું જોઈએ છે?

11 January, 2020 02:32 PM IST  |  Mumbai | Sarita Harpale

આજના યુવાનોને શું જોઈએ છે?

પ્રતીકાત્મક તસવીર

આવતીકાલે જ્યારે આખો દેશ યુવા દિવસ મનાવશે ત્યારે જાણીએ મુંબઈના યુવાનો પાસેથી કે તેમની સામે કેવા પડકારો છે.

‘ઊઠો, જાગો અને ધ્યેયપ્રાપ્તિ ન થાય ત્યાં સુધી મંડ્યા રહો’ -એવું કહેનારા યુવાનોના પ્રેરણાસ્રોત્ર સ્વામી વિવેકાનંદનો આજે જન્મ દિવસ. જેને ૧૯૮૪થી ભારતભરમાં યુવા દિવસ તરીકે ઊજવાય છે. ભારતમાં યુવાનોની સંખ્યા વધું છે એટલે યુવાનો વિશે વાત થવી જોઇએ. જોકે આજે હત્યા, બળાત્કાર, ડ્રગ્સ, આત્મહત્યા યુવાનો દ્વારા અને યુવાનો પર થતા અત્યાચારના સમાચાર આડે દિવસે સાંભળવા મળે છે. શું કામ? કોઈનું કહેવું છે બેરોજગારી, કોઈ કહે છે યોગ્ય શિક્ષણનો અભાવ, કોઈ કહે છે રાજકીય ચંચુપાત તો કોઈ કહે છે સંસ્કારોનો અભાવ. ભગતસિંહ, રાજગુરુ જેવા ક્રાન્તિકારી કે ગાંધીજી જેવા સત્યાગ્રહીના નામ હેઠળ યુવાનો આજે આંદોલનકારી બની રસ્તા પર ઊતર્યા છે. ફ્રીડમ ઑફ એક્સપ્રેશનના નામે હિંસા વધી રહી છે. હાલમાં જ દિલ્હીની જવાહરલાલ નેહરુ યુનિવર્સિટી (જેએનયુ)માં બનેલી ઘટનાને પગલે દેશનો યુવાન રસ્તા પર ઊતરી આંદોલન કરી રહ્યો છે. ક્યાંક હિંસા કરી રહ્યો છે તો ક્યાંક હિંસાનો ભોગ બની રહ્યો છે. આંખ બંધ કરીને થોડીક ક્ષણો માટે વિચારશો તો સમજાશે કે છેલ્લા કેટલાક સમયમાં ભારતના યુવાનો ભણવામાં ઓછું અને મોરચાઓમાં વધુ ધ્યાન આપી રહ્યાં છે. મુંબઈમાં પણ સ્ટુડન્ટ્સ યુનિયનો છે પણ કેટલા સક્રિય છે? મુંબઈના વિદ્યાર્થી સંગઠનના નેતાઓ શું વિચારે છે? જ્યારે ‘મિડ ડે’એ મુંબઈના યુવાનોના હક અને હાલની પરિસ્થિતિ અંગે તેમની સાથે વાત કરી ત્યારે મતમતાંતર સાથે અનેક મુદ્દાઓ બહાર આવ્યા. એના પર એક નજર કરીએ.

ભારતના યુવાનની પરિસ્થિતિ દયનીય છે

એક વકીલ તરીકે અને એક યુવા તરીકે હું જોઉં છું અને કહી શકું છું કે ભારતના આજના યુવાનની પરિસ્થિતિ ખરેખર દયનીય છે. યુવાનો પાસે રોજગારી નથી. તેઓ લાખો રૂપિયા અભ્યાસ પાછળ ખર્ચે છે પણ નોકરી ન મળતાં દિશાશૂન્ય બન્યા છે. અને આમાં દોષ રાજકારણ અને રાજકારણીઓનો છે. કોઈ એક પાર્ટી કે પક્ષ નહીં, પણ બધા રાજકીય પક્ષનો દોષ છે. શિક્ષણનું પ્રાઇવેટાઇઝેશન થતાં લોકોની ખુલ્લેઆમ લૂંટ ચાલી રહી છે. કંપનીઓનું ખાનગીકરણ થતાં અર્થવ્યવસ્થા ડામાડોળ થઈ ગઈ છે. ફ્રીડમ ઑફ એક્સપ્રેશનનો મુદ્દો સાચો છે, પણ રાજકારણીઓ એને અલગ રંગ આપી રહ્યા છે. સમાજના પ્રશ્નો યુવાનો નેતાઓ સામે નહીં મૂકે તો કોણ મૂકશે? પણ હા, આ મુદ્દો પ્રસ્તુત કરવાની પદ્ધતિ ખોટી છે. કોઈ પણ વાત હિંસાથી કહી શકાતી નથી. અમે પણ આંદોલન કરીએ છીએ પણ એ અહિંસાપૂર્ણ અને શાંતીપૂર્ણ હોય છે. શિક્ષિત વિદ્યાર્થી રાજકારણમાં હશે તો જ દેશનું રાજકારણ સુધરશે. વાત જો મુંબઈની કરીએ તો અહીં વિદ્યાર્થી નેતાગીરી મૃત:પ્રાય થઈ ગઈ છે, કારણ કે અહીં ચૂંટણી થતી નથી અને રાજકારણમાં પણ વંશવાદ છે. અહીં મુંડે, દેશમુખ, પવાર અને ઠાકરે સિવાય અન્ય દેખાતું નથી.’

- ઍડ્વોકેટ સિદ્ધાર્થ ઇંગળે, અધ્યક્ષ, મહાષ્ટ્ર સ્ટુડન્ટ લૉ અસોસિએશન

લડો પઢાઈ કે લિએ ઔર પઢો સમાજ બદલને કે લિએ

યુવાનોના મુદ્દા ઘણા છે, પણ રાજકારણને કારણે યુવાનોને રસ્તા પર આવીને આંદોલન કરવું પડે છે. શિક્ષણનો સ્તર કથળી રહ્યો છે, રોજગારીની તકો નથી આ મુદ્દાઓ છે જેના પર ખરેખર વિચાર કરવો રહ્યો. ધર્મ-જાતિનું રાજકારણ છોડી ભારતીય તરીકે આપણે એકસાથે દેશના વિકાસ માટે કામ કરવું જોઈએ. યુવાનોને પોતાની વાત મૂકવાનો અધિકાર છે. એટલે જ અમારો નારો છે કે ‘લડો પઢાઈ કે લિએ ઔર પઢો સમાજ બદલને કે લિએ’. દરેક મૂવમેન્ટ યુવાનો દ્વારા અને યુવાનોથી જ શરૂ થાય છે એવો આપણા દેશનો ઇતિહાસ પણ છે. પણ આપણા દેશમાં કાસ્ટ, રિલિજન અને કૅશ પર રાજકારણ ચાલી રહ્યું છે. બેરોજગારી અને શિક્ષણ જેવા મુદ્દા પરથી ધ્યાન હટી રહ્યું છે. જો રોજગારી અને શિક્ષણની તકો હશે તો યુવાન રસ્તા પર આવી આંદોલન નહીં કરે.

- કૉમરેડ આમિર શેખ - સેક્રેટરી, ઑલ ઇન્ડિયા સ્ટુડન્ટ્સ ફેડરેશન

ડર કો ઇતના મત ડરાઓ કિ ડર ખતમ હો જાએ

પોતાના મુદ્દા સરકાર સામે મૂકવા, પ્રશ્ન પૂછવા એ યુવોનોનો અધિકાર છે અને દેશ માટે તેમનું કર્તવ્ય પણ છે. આજનો યુવાન ગરીબી, ભૂખમરો, બળાત્કારનો શિકાર છે તો પછી પોતાના હક મેળવવા તે રસ્તા પર કેમ ન ઊતરે? હાલમાં સૌથી મોટો પ્રશ્ન ઇક્વાલિટી, યુનિટી અને ડાયવર્સિટીનો છે. અને આ પ્રશ્ન હવે જોખમમાં મુકાયો છે. યુવાનોનો પર્યાય કે અર્થ જ વિચારોની આઝાદી છે, પણ આજે અમારી પાસે વિચાર રજૂ કરવાની આઝાદી નથી. જો સોશ્યલ મીડિયા પર એક પોસ્ટ પણ મૂકી દઈએ તો અમારી ધરપકડ કરવામાં આવે છે. આજની સરકારે વાયદો કર્યો હતો કે રોજગારી લાવશે. પણ ક્યાં છે રોજગારી? અને જો કોઈ અવાજ કરે તો તેને ડરાવવા– ધમકાવવામાં આવે છે. તેથી જ આજે યુવાન રસ્તા પર ઊતર્યો છે. હું કહું છું કે ડર કો ઇતના ભી મત ડરાઓ કિ ડર ખત્મ હો જાએ. યુવાન શું ઇચ્છે છે? સારું સ્વાસ્થ્ય, શિક્ષણ અને રોજગારી. અમે કોઈ એક સરકારનો વિરોધ નથી કરી રહ્યા. દેશનો યુવાન ૧૯૭૭માં પણ રસ્તા પર આવ્યો હતો, અણ્ણા હજારેના આંદોલનમાં પણ જોડાયો હતો અને નિર્ભયા વખતે પણ અમે રસ્તા પર ઊતર્યા હતા. અમારી એક જ માગણી અને ઇચ્છા છે કે દેશને ગરીબ-અમીર અને હિન્દુ-મુસ્લિમમાં ન વહેંચો. ધર્મનિરપેક્ષ રાષ્ટ્રને ધર્મનિરપેક્ષ રહેવા દો.

- ફહાદ અહમદ, TISS સ્ટુન્ડન્ટ એસોસિએશનનો ભૂતપૂર્વ સેક્રેટરી

સિસ્ટમ સુધરશે તો યુવાન રસ્તા પર નહીં આવે અને આંદોલન નહીં કરે

ભારતનો યુવાન શું ઇચ્છે છે? સારું શિક્ષણ, મિનિમમ વેજિસની રોજગારી અને સારું સ્વાસ્થ્ય. પ્રશ્ન યુવાનોનો નથી, પણ ગંદા રાજકારણનો છે. જો આપણી સિસ્ટમ સારી હશે તો યુવાનોને રસ્તા પર આવી આંદોલન કરવાની જરૂર નહીં પડે. શું કામ આપણા યુવાનને ઉચ્ચ અભ્યાસ માટે વિદેશ જવું પડે છે? આજનો યુવાન સમજદાર છે. તેને સાચા–ખોટાની જાણ છે. તેને વિચારોનું સ્વાતંત્ર્ય આપો. તેને અર્બન નક્સલાઇટનો ટૅગ ન આપો. આજનો યુવાન રોજગાર અને શિક્ષણની જ વાત કરે છે. આપણો ઇતિહાસ સાક્ષી છે કે આંદોલનો અહિંસક જ રહ્યાં છે. કોઈ યુવાન કે વિદ્યાર્થી લેફ્ટિસ્ટ કે રાઇટિસ્ટ નથી, તમે તેને બનાવી રહ્યા છો. હાલમાં જ ઉચ્ચ અદાલતની એક બેન્ચે મુંબઈના એક કિસ્સામાં એક સુંદર વાક્ય ટાંક્યું છે કે ‘તમે યુવાનો પાસેથી શીખો કે શાંતિપૂર્ણ નિષેધ અને આંદોલન કઈ રીતે થઈ શકે છે.’ એ સાબિત કરે છે કે આપણો યુવાન કેટલો સમજદાર છે. તેને જબરદસ્તી રાજકારણ સાથે ન સાંકળો.

- સચિન બનસોડે, સ્ટેટ કો-ઑર્ડિનેટર, છાત્રભારતી

રાજકારણે યુવાનોને રસ્તા પર આવવા મજબૂર કર્યા છે

આજનો યુવાન શું ઇચ્છે છે? રોજગારી, સ્વાસ્થ્ય અને સારું શિક્ષણ. બસ, આટલું હશે તો યુવાનો રસ્તા પર આવી આંદોલન કેમ કરશે? વાત યુવા દિવસની હોય તો હવે દેશમાં યુવા દિવસ જેવું કંઈ રહ્યું જ નથી, કારણ કે યુવાનોને બોલવાનો અધિકાર નથી. જે બોલે છે તેને દેશદ્રોહી અને ઍન્ટિનેશન કહેવામાં આવે છે. વાત કરવાનો અધિકાર આપણો બંધારણીય અધિકાર છે, પણ એ મળતો નથી એટલે યુવાન રસ્તા પર આવી આંદોલન કરે છે. આ રાજકારણીઓ અને રાજકારણ જ છે જેણે યુવાનોને રસ્તા પર આવવા મજબૂર કર્યા છે. આપણી અર્થવ્યવસ્થા ઉદાસીન બની છે. જો યુવાનો માટે કંઈ કરવું હોય તો શિક્ષણ માટે બજેટ વધારો. ૧૪થી ૧૫ ટકા બજેટ શિક્ષણ માટે ફાળવશો તો યુવાનોને સારું શિક્ષણ અને યોગ્ય રોજગારી મળશે તો તમને આંદોલન કરવાની જરૂર નહીં પડે. અને સૌથી મહત્ત્વની વાત તો શૈક્ષણિક સંસ્થાઓમાં રાજકારણનો જે પગપેસારો છે એ બંધ કરો. શિક્ષણને રાજકારણ સાથે ન જોડો.

- ઍડ્વોકેટ અભિષેક ભાટ, (વિદ્યાર્થી એલ.એલ.એમ., મુંબઈ યુનિવર્સિટી)

weekend guide columnists