હું તો આ નાટક કરીશ જ આમ સુજાતા મહેતાએ કહ્યું હતું

16 January, 2020 04:50 PM IST  |  Mumbai | Latesh Shah

હું તો આ નાટક કરીશ જ આમ સુજાતા મહેતાએ કહ્યું હતું

આ નાટકના વધુ શો થશે તો લીડ એક્ટ્રેસને માનસિક અસર થઈ શકે છે એવી ચેતવણી સાંભળીને અમે બે અઠવાડિયાં સુધી શો ન કર્યો, બધા કલાકારોને અમે કહેતા હતા કે થિયેટરની ડેટ નથી મળતી એટલે શો નથી, પણ અંદરથી ચિંતા હતી કે શો બંધ કરવો પડશે તો નિર્માતા અને પ્રેક્ષકોને શું કહીશું. અમે કાંઈ  કહીએ એ પહેલાં પત્રકારોએ ભાંડો ફોડી નાખ્યો. અફવા ઊડીને વાસ્તવિકતાનું સ્વરૂપ ધારણ કરે એ પહેલાં સુજાતાનો ફોન આવી ગયો કે તમે શો અનાઉન્સ કરો, હું શો કરીશ.

ચિત્કાર જોવા આવેલા અમુક માનસશાસ્ત્રીઓએ કહ્યું કે સુજાતા આ નાટકના વધુ શો કરશે તો એને માનસિક  અસર થશે. એમાંય સુજાતાના ફૅમિલી ડૉક્ટરે સુજાતાના મા-બાપને ગભરાવી દીધાં કે તમારે તમારી દીકરી ગુમાવી દેવી હોય કે પાગલખાનામાં ભરતી કરાવવી હોય તો જ  તેને ચિત્કાર નાટક કરવા દેજો. મા-બાપ રડવા લાગ્યાં અને અમારી કફોડી હાલત થઇ ગઈ.

હાજી, માનસશાસ્ત્રીઓ અને સુજાતાના ફૅમિલી ડૉક્ટરે ચેતવણીનો સૂર ઉચ્ચાર્યો, એ સાંભળીને માબાપ રડમસ થઈ ગયાં અને અમને બધાને થયું કે આ નાટકને બંધ કરવું પડશે. બે અઠવાડિયાં સુધી શો ન કર્યો, બધા કલાકારોને અમે કહેતા હતા કે થિયેટરની ડેટ નથી મળતી એટલે શો નથી, પણ અંદરથી ચિંતા હતી કે શો બંધ કરવો પડશે તો નિર્માતા અને પ્રેક્ષકોને શું કહીશું. અમે કાંઈ  કહીએ એ પહેલાં પત્રકારોએ ભાંડો ફોડી નાખ્યો. સમાચારપત્રોમાં ડૉક્ટરની ધમકી છપાઈ ગઈ. પ્રેક્ષકો અને પત્રકારોના ફોન પર ફોન આવવા લાગ્યા. એ જમાનામાં મોબાઇલ અને વૉટ્સઍપ, ફેસબુક, ઇન્સ્ટાગ્રામ નહોતાં એટલે અફવા એટલી ઝડપથી ઊડી નહીં. અફવા ઊડીને વાસ્તવિકતાનું સ્વરૂપ ધારણ કરે એ પહેલાં સુજાતાનો ફોન આવી ગયો કે તમે શો અનાઉન્સ કરો, હું શો કરીશ.  આ ચમત્કાર થયો સુજાતાની મક્કમતાને લીધે. તેણે ડૉક્ટર અને માબાપને આત્મવિશ્વાસ અને દૃઢ મનોબળ સાથે સમજાવ્યું કે ‘મને કાંઈ નહીં થાય. હું એક એવી જન્મજાત અભિનેત્રી છું કે મને કોઈ પણ પાત્રમાં દેહપ્રવેશ કરતાં આવડે છે અને પાત્રને છોડીને મૂળમાં પાછા ફરતાં આવડે છે. આવું સશક્ત પાત્ર હું કોઈ કાળે નહીં છોડું. છેવટે સમજૂતી થઈ કે સુજાતા ‘ચિત્કાર’ની  માનસિક રીતે સંતુલન ગુમાવી બેઠેલી સ્ત્રીનું પાત્ર ભજવશે, પણ ‘ચિત્કાર’નો અઠવાડિયે એક જ શો થશે એટલે ‘ચિત્કાર’ થશે ખરું. અમને બધાને હાશ થઈ. ત્યાં સુધીમાં તો આ વાત પ્રેક્ષકોમાં ફેલાઈ ગઈ હતી એટલે નાટક વધુ જોરથી ઊપડ્યું. પ્રેક્ષકોને થતું કે નાટક બંધ થાય એ પહેલાં જોઈ લો. પછી તો કમાલ એવી હતી કે નાટકની બુધવારે જાહેરાત આવે અને બુધવારે જ ફુલ થઈ જાય. ત્યારે બુકમય શો કે ઑનલાઇન બુકિંગ નહોતું થતું. પ્રેક્ષકો કે તેમના ડ્રાઇવરો ટિકિટ લેવા થિયેટર પર આવતા અને લાઇન લગાવતા હતા. એમાં અમે વ્યાવસાયિક રંગભૂમિ પર નવાસવા હતા એટલે થિયેટરની ડેટ જલદી મળે નહીં એટલે ન ચાલતા થિયેટરમાં શો કરવા પડતા અને એ પણ જે સમય થિયેટરવાળા આપે એ સમયે શો કરતા અને તો પણ શો હાઉસફુલ થવા લાગ્યા એટલે આ ચમત્કાર પછી અમને કોઈની પણ લાગવગ કે ઓળખાણ વગર થિયેટરના માલિકો અને મૅનેજરો ડેટ આપવા લાગ્યા.

અત્યારના દિગ્ગજો આમિર ખાન, તેમના પિતા તાહિર હુસેન, પરેશ રાવલ, વિપુલ અમૃતલાલ શાહ, નીરજ વોરા, આતિશ કાપડિયા, જે. ડી. મજીઠિયા, મહેન્દ્ર જોષી, શફી ઈનામદાર, આશુતોષ ગોવારીકર વારંવાર ‘ચિત્કાર’ જોવા આવતા હતા.

સલીમભાઈ (સલીમ-જાવેદ ફેમ), રમેશ સિપ્પી, જી.  પી.  સિપ્પી,  વિજય આનંદ,  તારાચંદ બડજાત્યા અને રાજશ્રી પિક્ચર્સની ટીમ, એન. ચંદ્રા, કલ્યાણજી-આણંદજી, વિજુ, હૃષીકેશ મુખરજી, અરુણા રાજે, તનુજા, દીપ્તિ નવલ, ફારુખ શેખ, સાગર સરહદી, રમેશ તલવાર અને બીજા કંઈકેટલાય ફિલ્મજગતના કલાકારો અને માંધાતાઓએ નાટકને ખૂબ માણ્યું હતું.

બીજી સાચી વાત તો એ હતી કે હું અને સુજાતા એકમેકના પ્રેમમાં ઓતપ્રોત થઈ ગયાં હતાં, એ પણ રસભરી અદ્ભુત કહાણી છે.

સુજાતાનાં ચાર-પાંચ નાટકો ફેલ ગયાં હતાં.

સુજાતાને માથે કાળી ટીલી લાગી ગઈ હતી કે તે જે નાટકમાં કામ કરે એ નાટક નથી ચાલતું. તેનો અભિનય સરસ હોય છે, પણ તેને લઈએ તો નાટક ફ્લૉપ જાય. રંગભૂમિ પણ બીજા વ્યવસાયોની જેમ વહેમ અને અંધશ્રદ્ધાથી ગ્રસિત છે.

નાટક લખે લેખક, એને સ્વરૂપ આપે દિગ્દર્શક અને જોઈને એમાં રોકાણ કરે નિર્માતા અને જો ફ્લૉપ ગયું તો ઍક્ટરોનું આવી બને. મેં નક્કી કર્યું કે એવું નાટક બનાવીશ કે તેના માથેથી કાળી ટીલી હંમેશ માટે ભૂંસાઈ જાય.

હું વિષય શોધતો જ હતો અને મળી ગયો ફાઇનલી. કહેતે હૈં કી ઢૂંઢને સે ભગવાન ભી મિલ જાતે હૈં, યે તો સિર્ફ એક નાટક કી બાત થી. મિલ ગયા.

નાયર હૉસ્પિટલના મેન્ટલ વૉર્ડમાં એક છોકરીને જોઈ. અદ્ભુત. હું અડધો કલાક તેને છુપાઈને જોતો રહ્યો. અડધા કલાકમાં તેણે ૧૦ રંગ બદલ્યા.

પળમાં હસે, પળમાં રડે, પળમાં ગુસ્સે થાય અને પળમાં તે શું કરતી હતી એ ભૂલી જાય. 

હું સ્તબ્ધ થઈ ગયો. બીજી જ ક્ષણે મેં નક્કી કરી લીધું કે આના પર જ નાટક બનાવાય.

તેની તપાસ કરી કે તે કયા પ્રકારની મનોરોગી છે?

એ સ્ત્રીરોગનું નામ પૅરેનૉઇડ સ્કિઝોફ્રેનિયા.

એ સ્ત્રીના હાથે ત્રણ મર્ડર થયાં હતાં.

પછી શરૂ થઈ વાર્તાની પાછળ પડવાની વાર્તા. પછી કરીશ ખરો આ વાત પણ.

અત્યારે તો ચિત્કારની સફળતાની વાત. ગુજરાતીમાં હિટ થયા પછી તો હિન્દી, ઇંગ્લિશ, મરાઠી, કન્નડ અને બીજી ભાષાઓમાં આ નાટક કરવાની ઑફરો ખડકાઈ હતી.

બધાની ડિમાન્ડ હતી કે સુજાતા મહેતા જ મુખ્ય ભૂમિકામાં જોઈએ, જે શક્ય જ નહોતું.

નાટક મારમાર ચાલતું હતું ત્યાં જ ‘સારા કામમાં ૧૦૦ વિઘ્ન’ની કહેવત સાર્થક કરતો પ્રૉબ્લેમ આવીને ઊભો રહ્યો. ‘ચિત્કાર’માં મુખ્ય ભૂમિકા ભજવતા એ સમયના લોકપ્રિય અભિનેતા દીપક ઘીવાલાએ અમને કહી દીધું કે તેમણે લીધેલા બીજા નાટક સાથે થતા ડેટ-ક્લેશને લીધે ‘ચિત્કાર’ નાટક છોડી દેશે. માથા પર જાણે ૧૦૦ કિલોનું વજન પડ્યું હોય એવો આઘાત લાગ્યો. હવે શું થશે? ટેન્શન, ચિંતા, ફિકર, સ્ટ્રેસ જેવા શબ્દોના ખરા અર્થ એ દિવસે મગજને સમજાયા. ચાલો એ વાત સમજીએ આવતા સપ્તાહે.

માણો અને મોજ કરો

સમસ્યાનું કામ છે આવવું અને માણસનું કામ છે સમસ્યાને સુલઝાવવું. સવાલ-જવાબની રમત છે જિંદગી. કુદરત એક મૂંઝવણ મૂકે અને ખુદરત એટલે ખુદમાં રત માણસ તનતોડ મહેનત કરીને એમાંથી તોડ કાઢે. જે આ રમતમાં સતત તલ્લીન છે તે છેવટે બાજી જીતવાનો આભાસ માણી શકે છે. સતત એ સફળતાનો મંત્ર છે. મુશ્કેલીઓ આવે તો હલ શોધવાની મજા આવે અને લાગે કે જીવવાનો કોઈ અર્થ છે. બાકી ફક્ત સુખ જ આવે તો એની એકરૂપતાથી ગૂંગળાઈ જવાય. સુખની  જેમ દુઃખને પણ સત્કારો તો સુખના સ્વાગતની તડામાર તૈયારી કરવાની મજા આવશે. અતિની ગતિ નથી એટલે સુખ પછી દુઃખ, પછી સુખ પછી દુઃખ વારાફરતી આવે તો જ સમજ પડે કે  પર્વત ચડવાની જેમ ઊતરવાની મજા છે. નદીમાંથી દરિયો થવાની મજા છે. ભરતી-ઓટની મજા છે. સતત એમાં રમ્યા કરો અને જલસા કરો દોસ્તો.

latesh shah columnists