સગાઈ પછી રાજકોટના યુવકે શું કામ કર્યું સુસાઇડ?

16 February, 2021 11:56 AM IST  |  Mumbai | Sanjay radia

સગાઈ પછી રાજકોટના યુવકે શું કામ કર્યું સુસાઇડ?

અમેરિકાને મળ્યો નવો રંગ : ‘પ‌તિ યાને પતંગિયું’ અમેરિકામાં એવું તે ચાલ્યું કે આ નાટક પછી અમેરિકામાં સારા નાટકના ૪૦-૫૦ શો થવા એ રમતવાત થવા માંડી.

અમેરિકાથી નાટકની ઑફર આવી એટલે અમે નક્કી કર્યું કે ‘પતિ નામે પતંગિયું’ અમેરિકા મોકલીએ, પણ અશોક પાટોળેએ લખેલા ઓરિજિનલ મરાઠી નાટક ‘દેખણી બાયકો દુસર્યાચી’ પરથી સિદ્ધાર્થ રાંદેરિયાએ જે ગુજરાતી નાટક કર્યું હતું એમાં તેણે ધરમૂળથી ફેરફાર કર્યા હતા, જે ગુજરાતી ઑડિયન્સને ધ્યાનમાં રાખીને કરવામાં આવ્યા હતા. અમે નક્કી કર્યું કે આપણે એ નાટકના રાઇટ્સ પણ લઈએ અને એને જ અમેરિકા મોકલીએ. હું અને કૌસ્તુભ ત્રિવેદી પ્રોડ્યુસર કિરણ સંપટ અને રાઇટર-ડિરેક્ટર સિદ્ધાર્થ રાંદેરિયા પાસે ગયા અને તેમની પાસેથી ગુજરાતી વર્ઝનના રાઇટ્સ પણ ખરીદ્યા, સામે અમને કિરણભાઈએ તેમના નાટકનું મ્યુઝિક અને નાટક રેકૉર્ડ કરેલી વીએચએસ કૅસેટ પણ આપી. નાટકની સ્ક્રિપ્ટ તૈયાર થઈ એટલે અમે નાટકના નામને થોડું બદલીને ‘પતિ યાને પતંગિયું’ કરી અમેરિકા લઈ જવાની તૈયારીમાં લાગ્યા.

કદાચ આ પહેલી વાર બન્યું હતું કે મૂળ મરાઠી નાટક અને રૂપાંતરિત ગુજરાતી એમ બન્ને નાટકોના રાઇટ્સ લેવામાં આવ્યા હોય. હવે અમે કાસ્ટિંગની શરૂઆત કરી. મૂળ નાટકમાં જે રોલ જતીન કાણકિયા કરતો હતો એ રોલ માટે અમે રાજીવ મહેતાને નક્કી કર્યો તો દિલીપ જોષી જે રોલ કરતો હતો એ રોલ મેં કર્યો. અપરા મહેતાના રોલમાં મીનળ પડિયારને લીધી અને જે ચોથો રોલ સેજલ શાહ કરતી હતી એને માટે અમે અમદાવાદની પાયલ પંડ્યાને પૂછ્યું, પાયલે હા પાડી એટલે તેને કાસ્ટ કરી. નાટકમાં એક બાળકલાકાર પણ હતો, જે ઓરિજિનલમાં ભાવિન પટવા કરતો હતો, અમારા નાટકમાં પણ અમે તેને જ રિપીટ કર્યો. નાટક અમેરિકા ગયું એ સમયે ભાવિન મોટો થઈ ગયો હતો, પણ તેની હાઇટ ઓછી હતી એટલે તે બારેક વર્ષના દીકરાના રોલમાં ચાલી ગયો. નાટકના આ પાંચ ઍક્ટર અને સુભાષ આશર-વિશાલ ગોરડિયા એમ બે ટેક્નિશ્યન, આમ કુલ ૭ જણની ટીમ અમેરિકા માટે તૈયાર થઈ. વાત આગળ વધારતાં પહેલાં તમને સુભાષ આશર અને વિશાલની ઓળખાણ આપી દઉં. સુભાષ સેટ-ડિઝાઇનર છે. ફૉરેનમાં ફોલ્ડિંગ સેટ લઈ જવા પડતા હોય છે, જેની જવાબદારી અમે સુભાષને સોંપી. અત્યારે જે નાટકો અમેરિકા જાય છે એ બધા ફોલ્ડિંગ સેટની ડિઝાઇનના પાયામાં સુભાષ આશર છે. વિશાલ ગોરડિયા મારા કાકાનો દીકરો છે, જે મારા બધાં નાટકમાં હોય છે. આ વાત ૧૯૯૮ની છે. એક દિવસ તેણે નાટકલાઇનમાં જોડાવાની પોતાની ઇચ્છા મારી સામે વ્યક્ત કરી અને નસીબજોગ તેનો અમેરિકા માટે ચાન્સ લાગી ગયો. તમે તેનું નામ અમારાં નાટકોની જાહેરખબરમાં જોયું જ હશે. વિશાલ હવે ઇન્ડિવિજ્યુઅલ પ્રોડ્યુસર છે, પણ એ વખતે વિશાલને અમે મ્યુઝિક-ઑપરેટર તરીકે સાથે લીધો હતો. ‘પતિ યાને પતંગિયું’ નાટકે અમેરિકામાં તહેલકો મચાવી દીધો, ઇતિહાસ સર્જી દીધો. નાટકના અમે ૩૭ શો કર્યા, જે અગાઉ કોઈ ગુજરાતી નાટકના થયા નહોતા. આ નાટકના રાઇટ્સના બદલામાં અમે અશોક પાટોળેને જે એક લાખ રૂપિયા આપ્યા હતા એ અમેરિકાની ટૂરમાંથી નીકળી ગયા અને જે પ્રૉફિટ થયો એમાં મારા અંગ્રેજી નાટકનું નુકસાન પણ નીકળી ગયું. અમેરિકાની અમારી આ ટૂર અઢી મહિનાની હતી. અમેરિકામાં અમારાં ઉપરાછાપરી બે સુપરહિટ નાટક થયાં એટલે અમારા માટે અમેરિકાના દરવાજા ઑલમોસ્ટ કાયમ માટે ખૂલી ગયા.

ટૂર પતાવીને અમે પાછા આવ્યા પછી તરત જ અમને ‘શારદા’ નાટક માટે ફરીથી અમેરિકાની ઑફર આવી. ‘શારદા’ અમે અમેરિકા મોકલાવ્યું, પણ આ વખતે મેકર્સમાંથી હું કે કૌસ્તુભ કોઈ ગયું નહીં અને માત્ર નાટકની ટીમ જ મોકલી. નાટકના લીડ ઍક્ટર અરવિંદ રાઠોડ અમારા પાર્ટનર હતા એટલે પ્રોડક્શનનું બધું કામ તેઓ જોઈ લેવાના હતા એટલે અમને એ બાબતમાં નિરાંત હતી.

‘શારદા’ અમેરિકા ગયું એટલે અમારી સામે નવેસરથી નાટકની શોધ શરૂ થઈ. મેં તમને અગાઉ કહ્યું એમ એ દિવસોમાં અમે બધું ધીરે-ધીરે શીખતા હતા. નાટકની વાર્તા અમારી પાસે ખાસ હોય નહીં એટલે અમે લેખકોને મળતા રહીએ, પણ ખાસ કંઈ મેળ પડે નહીં. મારો એક જૂનો મિત્ર છે શાહરુખ સદરી. શાહરુખને તમે ‘ક્રાઇમ પૅટ્રોલ’ અને ‘સાવધાન ઇન્ડિયા’માં જોયો જ હશે. તેણે એના બહુબધા એપિસોડ કર્યા છે. એ સમયે તે પારસી નાટકો કરતો હતો. મેં પણ તેની સાથે બે-ત્રણ પારસી નાટકો કર્યાં છે. વાર્તાની શોધખોળ ચાલતી હતી એટલે મેં શાહરુખને કામે લગાડતાં કહ્યું કે સારી વાર્તા હોય તો તું લઈ આવ, જો વાર્તા ગમશે તો નાટકનું ડિરેક્શન તને સોંપીશ.

શાહરુખે વાત હર્ષા જગદીશને કરી. હર્ષા અત્યારે તો સિરિયલની બહુ મોટી રાઇટર બની ગઈ છે, પણ એ સમયે હર્ષા રેડિયોમાં કામ કરતી અને નાટકમાં ઍક્ટિંગ પણ કરતી. હર્ષા અને શાહરુખ સાથે એક નાટક કરતાં હતાં. શાહરુખે વાત કરી એટલે હર્ષાએ એક આર્ટિકલ આપીને કહ્યું કે આના પરથી મેં એક કાલ્પનિક વાર્તા લખી છે. એ આર્ટિકલની વાત પહેલાં કહું તમને. એક ગુજરાતી સાપ્તાહિકમાં લેખ છપાયો હતો. રાજકોટનો છોકરો અને મુંબઈની છોકરી. બન્નેની સગાઈ થાય છે. સગાઈ પછી છોકરો મુંબઈ રોકાવા આવે છે અને રાજકોટ પાછો જઈને તે સુસાઇડ કરી લે છે. માબાપનો એકનો એક દીકરો, સુસાઇડનું કારણ આજદિન સુધી બહાર આવ્યું નથી. મૅગેઝિનની આ કવરસ્ટોરી હતી. હર્ષાએ એના પરથી આખી નાટકીય ઢબની કાલ્પનિક વાર્તા તૈયાર કરી. શાહરુખે વાત કરી એટલે હર્ષાએ કહ્યું કે તું કહે ત્યારે આપણે સંજયભાઈને જઈને વાર્તા સંભળાવીએ. બન્ને ઘરે આવ્યાં, મને વાર્તા સંભળાવી. વાત બહુ સરસ હતી. મને થયું કે આ વાર્તા પરથી તો નાટક બનાવવું જ જોઈએ અને અમે અમારા નાટકના શ્રીગણેશ કર્યા.

એ નવું નાટક, નવા નાટકનું કાસ્ટિંગ અને નાટક જે સત્યઘટના પર આધારિત હતું એની વાતો કરીશું આપણે હવે આવતા મંગળવારે.

ટેસ્ટ લેનઃ બચુમાલીનાં આ સમોસાંનો ટેસ્ટ એવો તે અદ્ભુત છે કે બે-ચાર ખાધા વિના તમને સંતોષ થાય જ નહીં.

ફૂડ ટિપ્સ : બચુમાલીનાં કચ્છી સમોસાં

મિત્રો, હમણાં અચાનક એક મિત્રનો ફોન આવ્યો કે ભુજમાં મારી શૉર્ટ ફિલ્મનું શૂટિંગ શરૂ કર્યું છે, તમે જો ફ્રી હો તો એક રોલ કરશો? મેં તો પાડી દીધી તરત હા. મિત્રની ફિલ્મ હોય તો નાનો રોલ કરવામાં શું વાંધો હોય, રોલ નાનો હોય કે મોટો, પણ સંબંધ મહત્ત્વના હોવા જોઈએ. ભુજમાં શૂટિંગ સવારના સમયે હતું અને બપોર સુધીમાં તો હું ફ્રી થઈ ગયો એટલે આપણે નક્કી કર્યું વાચકરાજ્જા માટે ફૂડ-ટિપ શોધીશું.

ભુજમાં મારો એક મિત્ર છે, રૉબિન ઠક્કર. રૉબિનની અગાઉ હું એક ફૂડ-ટિપ પણ કરી ચૂક્યો છું. જો તમને યાદ હોય તો હમીરસર તળાવની ભેળવાળી. મેં તેને ફોન કર્યો કે હું ભુજમાં છું, ચાલ, આપણે કોઈ સારી જગ્યાએ ખાવા માટે જઈએ. રૉબિન મને લઈ ગયો બચુમાલીને ત્યાં. બચુમાલી એ તેમનું લાડકું નામ છે અને આખા ભુજમાં પ્રખ્યાત છે. છેલ્લાં પ૩ વર્ષથી તેઓ આ બિઝનેસમાં છે. અહીંનાં કચ્છી સમોસાં બહુ વખણાય છે, પણ તેમની દુકાનમાં તમને દાલમૂઠ, ચેવડો, પકવાન, મીઠાઈ બધું મળે, ગોટા અને ભજિયાં પણ. બધું જ સરસ છે ત્યાંનું, પણ કચ્છી સમોસાં બહુ સરસ છે. સૌથી પહેલાં તમને આ કચ્છી સમોસાંની ખાસિયત કહું.

આ સમોસાં દેખાય આપણાં પંજાબી સમોસાં જેવાં, પણ થોડાં ચપટાં, એની અંદર જે પૂરણ છે એ આપણા સમોસાની જેમ બટાટાનું પૂરણ નથી. ઇન ફૅક્ટ બટાટા છે જ નહીં. સૌથી પહેલાં એ લોકો મૂઠિયાં બનાવી એને તળી લે. પછી તળેલાં એ મૂઠિયાનો ભુક્કો કરીને એમાં ખૂબ કાંદા અને લસણ નાખે. લીલો અને લાલ મસાલો નાખે. એ મસાલાનો ટેસ્ટ થોડો ગળ્યો અને તીખો છે. પછી તૈયાર થયેલા આ પૂરણને વઘારીને સમોસામાં ભરી એને ક્રિસ્પી થાય ત્યાં સુધી તળે. આ સમોસાને ખજૂર-આમલીની ચટણી, લીલાં મરચાંની ચટણી અને લસણની ચટણી સાથે તમને આપે. મિત્રો, આ કચ્છી સમોસાં પહેલાં આખા કચ્છમાં મળતાં, પણ હવે ભુજમાં બે-ત્રણ લોકો જ બનાવે છે. કાંદા અને લસણ એમાં ભરપૂર માત્રામાં હોય છે એટલે જૈન અને સ્વામીનારાયણ સંપ્રદાયના લોકો ખાઈ નથી શકતા, પણ રવિવારે ખાસ કાંદા-લસણ વગરનાં સમોસાં બને છે. ક્યારેય ભુજ જવાનું બને તો આ બચુમાલીનાં સમોસાં ખાવાનું ચૂકતા નહીં. હું આને વીસરાતી જતી વાનગીનું નામ ચોક્કસ આપીશ.

કાવ્ય સમ્રાટ

રિસાઇક્લિંગ એટલે શું?

સાઇકલ ચલાવીને પગ દુખે પછી મોટર સાઇકલ લે, એમાં પાછો વાંસો દુખે એટલે કાર લેવાની, ત્યાં વળી પેટ મોટું થઈ જાય એટલે જિમ જૉઇન કરવાનું અને ત્યાં જઈને પાછો સાઇકલ ચલાવે એનું નામ રિસાઇક્લિંગ...

Sanjay radia columnists